
-ખુશ્બુ મુલાણી ઠક્કર
પ્લાઝો એટલે, સ્ટ્રેટ પેન્ટ કે જેનું માપ કમર પાસે જે હોય તે જ નીચે બોટમ સુધી હોય. પ્લાઝો એ માત્ર યન્ગ યુવતીઓની જ પસંદ નથી, પરંતુ બધીજ વયની મહિલાઓની પસંદ છે.
પ્લાઝો પહેરવાની અલગ અલગ સ્ટાઇલ હોય છે સાથે તે જુદા જુદા ફેબ્રિકમાં આવે છે. પ્લાઝો એ એક કેઝ્યુઅલ લૂક પણ આપે અને ફોર્મલ લૂક પણ આપે છે. તમે તમારી બોડી ટાઈપ અને હાઈટ મુજબ પ્લાઝોની પસંદગી કરી શકો.
ચાલો જાણીયે પ્લાઝો કઈ રીતે અલગ અલગ સ્ટાઈલમાં પહેરી શકાય.
પ્લાઝો અને કુરતી – જો તમને કુરતીમાં કૈક અલગ લૂક આપવો હોય તો તમે કુરતી સાથે પલાઝો પહેરી શકશો. પ્લાઝો પહેરવાથી એક ટિપિકલ કુરતીને નવો લૂક મળે છે. પ્લાઝો ઘણી ટાઈપના ફેબ્રિકમાં આવે છે જેમકે, હોઝિયરી, લાઇક્રા, સિલ્ક, હોઝિયરી, કોટન વગેરે. પ્લાઝો સાથે કોઈ પણ સ્ટાઇલની કુરતી સારી લાગે છે. જેમકે, શોર્ટ લેન્થ કે પછી લોન્ગ લેન્થ. જો તમારી હાઈટ ખૂબ જ ઓછી હોય તો પ્લાઝો પહેરવાના ટાળવા. જો તમારી હાઈટ સારી હશે તો પ્લાઝોનો લૂક સારો આવશે. લાંબી યુવતીઓ કોઈ પણ લેન્થની કુરતી પહેરી શકે. લોન્ગ કુરતી સાથે પ્લાઝો એક અલગ જ લૂક આપશે. હોઝિયરી અને કોટન પ્લાઝો સાથે કોટનની જ કુરતી સારી લાગશે. હોઝિયરીના પ્લાઝો એન્કલ લેન્થના પહેરવા, કારણકે હોઝિયરીના પ્લાઝો પહેર્યા પછી તેનું ફેબ્રિક લચી પડે છે. હોઝિયરી સાથે સિન્થેટિક ફેબ્રિકની કુરતી પણ સારી લાગશે.
કોટન પ્લાઝો – કોટન પ્રિન્ટેડ ફેબ્રિકમાંથી બનાવેલા પ્લાઝો એક કેઝ્યુઅલ લૂક આપે છે. આ પ્લાઝો પહેર્યા પછી શરીરથી અળગા રહે છે. કોટન પ્રિન્ટેડ ફેબ્રિકમાંથી બનેલા પ્લાઝો સાથે શોર્ટ ટીશર્ટ અને લોન્ગ ટીશર્ટ પહેરી શકાય. આ પ્લાઝો ઘરમાં અને બહાર એમ બન્ને રીતે પહેરી શકાય. ઘરમાં પહેરવા હોય તો કોટન પ્લાઝો સાથે ટીશર્ટ એક કમ્ફર્ટેબલ લૂક આપશે. કોટન પ્લાઝો પ્લેન ફેબ્રિકમાં પણ આવે છે. મોટાભાગની યુવતી પ્લેન પ્લાઝો ઓફિસ વૅર તરીકે પહેરે છે. ભલે પ્લેન હોય પણ પહેર્યા પછી એક નીટ લૂક આવે છે અને કોટન હોવાથી ગરમી પણ નથી થતી તેથી આખો દિવસ કાઢવો હોય તો આરામથી નીકળી જાય. જે ડ્રેસ મટિરિયલ આવે છે તેની સાથે પણ કોન્ટ્રાસ્ટ પ્લેન પ્લાઝો પહેરી શકાય.
કોટન પ્લાઝોની પ્રિન્ટ સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. જેમકે, ક્યારેક ખૂબ જ બોલ્ડ પ્રિન્ટ હોય છે જે પહેર્યા પછી વધારે પડતી આંખમાં આવે છે. જેટલી ડેલિકેટ પ્રિન્ટ હશે તેટલા જ પ્લાઝો સુંદર લાગશે અને એની સાથે કોઈ પણ જાતના ટોપ્સ મિક્સ એન્ડ મેચ કરી શકાશે. જો તમારું શરીર ભરેલું હોય તો ખાસ કરીને સોલિડ કલરના પ્લાઝો પહેરવા અને જો તમારું શરીર સુડોળ હોય તો તમે કોઈ પણ કલરના પ્લાઝો પહેરી શકો.
આપણ વાંચો: ઉત્તરાવસ્થાને આમ ઉત્તમાવસ્થા બનાવી શકાય!
ડેનિમ પ્લાઝો – જે પ્લાઝો કોટન ડેનિમ ફેબ્રિકમાંથી બન્યા હોય તેને ડેનિમ પ્લાઝો કહેવાય. ડેનિમ કોટન પ્લાઝો એ કોટન ફેબ્રિકમાંથી જ બનેલા હોય છે માત્ર તે દેખાવમાં ડેનિમ જેવા લાગે છે. આ પ્લાઝો સાથે ફ્રેશ કલર્સના ક્રોપ ટોપ ખૂબ જ સ્માર્ટ લૂક આપે છે. અથવા તો ડેનિમ કોટન પ્લાઝો સાથે ઓવર સાઈઝ શર્ટ કે પછી વાઈટ લખનવી કુરતી પણ પહેરી શકાય. ડેનિમ કોટન પ્લાઝો સાથે કોઈ પણ જાતના ટોપ્સનું મિક્સ એન્ડ મેચ કરી શકાય. ડેનિમ કોટન પ્લાઝો સાથે ડેનિમના શર્ટ કે કુરતી પણ પહેરી શકાય. ડેનિમ કોટન પ્લાઝોમાં યોકવાળા, ઇલાસ્ટિકવાળા, બટનવાળા એમ ઘણી વેરાઈટી આવે છે. તમારા બોડી ટાઈપને અનુસાર તમે પ્લાઝોની પેટર્ન પસંદ કરી શકો. જો તમારો કમર અને પેટનો ભાગ વધારે હોય તો પ્લાઝો સાથે શોર્ટ ટોપ્સ ન પહેરવા.
સુડોળ યુવતી પર જ પ્લાઝો સાથે શોર્ટ ટોપ્સ સારા લાગશે.
પ્લાઝો સાથે પગમાં સ્પોર્ટ્સ શૂઝ પણ પહેરી શકાય અને હાઈ હિલ્સ પણ પહેરી શકાય. જેમકે, બ્લેક કલરના લિનન પ્લાઝો સાથે બેજ કલરનું ફોર્મલ શર્ટ અને પગમાં હાઈ હિલ્સ એક ફોર્મલ લૂક આપી શકે. પ્લાઝો સાથે ક્રોસ બેગ, ટોટ બેગ કે પછી ક્લચ પણ લઇ શકાય.
પ્લાઝો પર કોઈ પણ જાતની હેર સ્ટાઇલ સારી લાગી શકે જેમકે, સોફ્ટ કલર્સ કે પછી સ્ટ્રેટ હેર, કે પછી મેસી બન જ કેમ ન હોય. તેથી જ પ્લાઝોને એવર ગ્રીન કહેવાય કે કોઈ પણ ઋતુમાં કે કોઈ પણ ઇવેન્ટમાં પ્લાઝો પહેરી શકાય.