ફેશનઃ એવરગ્રીન બ્લોક પ્રિન્ટ

ખુશ્બુ મુલાણી ઠક્કર
બ્લોક પ્રિન્ટ એટલે લાકડાના બ્લોક વડે કોટન કપડાં પર થતી છપાઈને બ્લોક પ્રિન્ટ કહેવાય છે. લાકડાના બ્લોક એટલે, લાકડા પર નાની મોટી ડિઝાઇન કોતરવામાં આવે છે. આ લાકડા પર જે ડિઝાઇન કોતરેલી હોય છે તે 2 ઇંચથી લઈને 8 થી 10 ઇંચ સુધી હોય છે. ડિઝાઇનમાં પણ વેરિએશન હોય છે એટલે કે, નાની બુટ્ટી, જાલ, બુટ્ટા, બોર્ડર વગેરે. આ બધી જ ડિઝાઇન કાંગરી વાળી અથવા ક્લોઝ હોય છે.
કાંગરીવાળી એટલે કે, જે ડિઝાઇન પેક ન થયેલી હોય. બુટ્ટામાં પણ આ પેટર્ન જોવામાં આવે છે. કપડાં પર છપાઈ કરવાની આ બહુ જૂની ટેક્નિક છે. વર્ષો પહેલા ચાઈનામાં બ્લોક પ્રિન્ટિંગની શરૂઆત થયેલી. ભારતમાં ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં આ ટેક્નિક ચાલતી આવી છે.
કઈ રીતે કરવામાં આવે છે- સૌ પ્રથમ લાકડાના ટેબલ પર કોટન કપડાને ખેંચીને પિન મારવામાં આવે છે. ત્યાર બાદ કલર કોમ્બિનેશન ડિસાઈડ કરી છપાઈ કરવામાં આવે છે. આ છપાઈ કરવા માટે 1 કલર, બે કલર કે પછી 3 થી 4 કલરનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લોક્સ પણ એ રીતે જ તૈયાર કરવામાં આવેલા હોય છે. ડ્રેસની ડિઝાઇન મુજબ બ્લોક્સની પસંદગી કરવામાં આવે છે. બ્લોક પ્રિન્ટ જયારે કરાવવામાં આવે છે ત્યારે જે બ્લોક પ્રિન્ટ કરતું હોય તેને ડિઝાઇન ક્યાં કઈ રીતે મુકવી તેનું બરાબર જ્ઞાન હોવું જોઈએ. કયાં ફેબ્રિકના કપડાં પર કયાં કલરની પ્રિન્ટ કરવી જોઈએ તે પણ જ્ઞાન હોવું જોઈએ.
બ્લોક પ્રિન્ટ હાથેથી કરવામાં આવે છે તેથી ખૂબ જ સમય અને ચોકસાઈ માગી લે છે. બ્લોક પ્રિન્ટ કોટન અને સિલ્ક ફેબ્રિક પર ખૂબ જ સુંદર લાગે છે. બ્લોક પ્રિન્ટનો ઉપયોગ ડ્રેસિસ પર તો થાય જ છે પરંતુ, હોમ ડેકોરમાં પણ કરવામાં આવે છે.
તેમજ સ્ટેશનરી પર પણ કરવામાં આવે છે. ઘણી મહિલાઓ તો પોતાના ઘરની દીવાલ પર પણ બ્લોક પ્રિન્ટનો ઉપયોગ કરે છે. જેઓ કોટન કપડાં પહેરવાનું પ્રિફર કરે છે તેમને બ્લોક પ્રિન્ટ ખૂબ જ ગમે છે.
ડ્રેસીસ- કોટન ડ્રેસ પર બ્લોક પ્રિન્ટ એક ક્લાસિક લુક આપે છે એટલે કે, કોઈ દિવસ આઉટ ઓફ ફેશન થતું નથી. ડ્રેસ પર બ્લોક પ્રિન્ટ કરવાની ઘણી સ્ટાઇલ છે કે જેમાં, નેકલાઇન અને દામનમાં બોર્ડર મુકવી. કે પછી નેક લાઈન આપી ઓવરઓલ જાલ આપી અને હેમલાઈનમાં 6 ઇંચ થી 8 ઇંચના બુટ્ટા મૂકવા. અથવા તો ડ્રેસમાં સેલ્ફ પ્રિન્ટ કરાવવી એટલે કે, પિન્ક ડ્રેસમાં લાઈટ પિન્ક કલરની જાલનું બ્લોક પ્રિન્ટ કરવું એટલે એક ફેબ્રિકને એક ટેક્સ્ચર મળી જાય. ત્યાર બાદ એક કલરમાં કે બે કલરમાં પ્રિન્ટિંગ કરવું તે નક્કી કરવામાં આવ છે.
પિન્ક કલરના પ્રિન્ટિંગના બેઝ સાથે 2 શેડ ડાર્ક કલરની બોર્ડર અને બુટ્ટા પણ સારા લાગશે. પિન્ક કલરના બેઝ સાથે રોયલ બ્લુ કલરની બોર્ડર કે બુટ્ટા પણ સારા લાગશે. આ ડ્રેસ સાથે શિફોન કે જોર્જેટનો દુપટ્ટો પણ પહેરી શકાય. દુપટ્ટામાં પણ પ્રિન્ટ કરી શકાય. સલવાર અને ચુડીદારમાં પણ બ્લોક પ્રિન્ટ આવે છે. બ્લોક પ્રિન્ટવાળા સૂટ પણ મળે છે અને બ્લોક પ્રિન્ટવાળું ફેબ્રિક પણ હોય છે. તમે તમારી ચોઈસ મુજબ ફેબ્રિકની પસંદગી કરી શકો. જો તમાં શરીર ભરેલું હોય તો તમે ઝીણી પ્રિન્ટવાળું ફેબ્રિક પસંદ કરી શકો. જો તમારો બાંધો સુડોળ હોય તો તમે બુટ્ટાવાળું કે પછી બોર્ડર વિથ ઓલઓવર ઝીણા બુટ્ટાવાળું ફેબ્રિક પણ લઇ શકો.
સાડી- બ્લોક પ્રિન્ટ વાળી સાડી એક અલગ જ લુક આપે છે. આ સાડી પહેરવાથી સોબર લુક આવે છે. બ્લોકપ્રિન્ટ કોટન સાડી, સિલ્ક સાડી અને શિફોન કે જોર્જેટની સાડી પર થાય છે. બ્લોક પ્રિન્ટ સૌથી સરસ કોટન સાડી પર લાગે છે. કોટન ફેબ્રિક પર કલર બરાબર બેસે છે. કોટન ફેબ્રિક પર બ્લોક પ્રિન્ટ અલગ અલગ પેટર્નમાં કરવામાં આવે છે. જેમકે. ઓલ ઓવર જાલ સાથે બોર્ડર કે પછી આખી સાડીમાં બોર્ડર અને પછી બુટ્ટા. એજ રીતે પાલવ આખો ભરેલો બોર્ડર અને બુટ્ટા સાથે.
બ્લોક પ્રિન્ટમાં ઘણા ડિઝાઇન વેરિએશન આવે છે. ડિઝાઇન સાથે પુષ્કળ કલર કોમ્બિનેશન પણ આવે છે. તમે તમારી ઉંમર અને સ્કિન ટોન પ્રમાણે સાડીની પસંદગી કરી શકો. આ સાડી સાથે તમે કોન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ પણ પહેરી શકો. અથવા તો સાડી સાથેનું જે મેચિંગ બ્લાઉઝ હોય તે પણ પહેરી શકાય. બ્લાઉઝની પસંદગી તમારી પર્સનલ ચોઈસ પર આધાર રાખે છે.
હોમ ડેકોર- હોમ ડેકોરમાં બ્લોક પ્રિન્ટનું એક આગવું સ્થાન છે. જેમકે, પડદા. બ્લોક પ્રિન્ટવાળા પડદા મોટે ભાગે વાઈટ બેઝ પર હોય છે. વાઈટ બેઝ પર બધા જ કલર ઊઠીને આવે છે. અને ડિઝાઇન ખૂબ જ અટ્રેક્ટિવ લાગે છે. બ્લોક પ્રિન્ટવાળા પડદા સિલેક્ટ કરવાવાળી મહિલા બહુ ઓછી છે. આ એક સ્માર્ટ ચોઈસ છે. પડદા સાથે ટેબલ મેટ્સ, સેન્ટર ટેબલ કલોથ, ટી સેટ, કોસ્ટર વગેરે વગેરે. હોમ ડેકોર જયારે બ્લોક પ્રિન્ટવાળું હોય છે ત્યારે તેને મેન્ટેન કરવાનું ખૂબ જ અઘરું થઇ જાય છે કારણકે તે લાઈટ કલર બેઝ પર હોય છે. જો તમને તમારા ઘરને એક અલગ જ લુક આપવો હોય તો તમે, બ્લોક પ્રિન્ટવાળું હોમ ડેકોરથી ઘર સજાવી શકો.



