લાફ્ટર આફ્ટર: વાસી ઉતરાણ આવી પણ હોય…

લાફ્ટર આફ્ટર: પ્રજ્ઞા વશી
`તમે આમ ઘરમાં શું આંટા મારો છો? ઘડીકમાં ટી.વી. જોવા બેસો છો, ઘડીકમાં મોબાઇલ મચડો છો તો ઘડીકમાં એકનું એક છાપું વારંવાર વાંચો છો. તમને કોઈ બેચેની છે? ઘરનાં બારી બારણાં પણ બંધ કરી દીધાં છે. જાણે કે કોઈ આવીને તમને હેરાન કરવાનું હોય! ક્યાં તો કોઈ લેણદાર કંઈ દેવું વસૂલ કરવા આવવાનો છે?’
દર વર્ષે તમે સહુથી વહેલાં અગાસી ઉપર ચઢીને આખા ગામને ફોન કરી કરીને અગાસી ઉપર બોલાવતા, જમાડતા અને આસપાસની અગાસી ઉપરની ફૂદીઓ સાથે પેચ લગાવતા. તે આ વર્ષે તમે ન તો મકરસંક્રાંતિ મનાવી, ન તો ચીકી કે ઊંધિયું, ઊંબાડિયું કે પોંક બનાવડાવ્યો. નક્કી તમારે કોઈ પડોશી સાથે ઊંચનીચ થઈ લાગે છે.
મકરસંક્રાંતિ પછી વાસી મકરસંક્રાંતિમાં પેલા ઝાડ ઉપર લટકતા લૂલા પતંગોની જેમ મ્હોં લટકાવીને છેલ્લા ચાર દિવસથી ઘરમાં આંટા મારો છો. નક્કી, કંઈક તો એવી ઘટના બની હશે કે, જે તમને ભર દોરીએ કાપી ગઈ અને તમે ભર પવનમાં કપાઈને ઉપરથી નીચે પડ્યા.’
`મમ્મી, બારણું ખોલ.’ એવી બૂમ સંભળાઈ એટલે રમાબહેને દોડીને બારણું ખોલ્યું અને વાવાઝોડાની જેમ પૌત્ર મોન્ટુ અને ફળિયાનાં અન્ય ટાબરિયાંની ટોળી ઘરમાં દોડતી આવી. એ સાથે જ રમેશભાઈ એમના બેડરૂમમાં ભરાઈ ગયા અને બેડરૂમ બંધ.
સી.આઇ.ડી. ઑફિસર જેવી બાજ નજરવાળાં રમાબહેનને હવે કોકડું ગૂંચવાયેલું લાગ્યું. એક પછી એક કડી પરોવવાની રમાબહેને શરૂ કરી દીધી. મોન્ટુને જોઈને હરખઘેલા રમેશભાઈ બેડરૂમમાં કેમ ભરાઈ ગયા? આ વર્ષે કોઈ છોકરા કે અડોશ પડોશની બહેનોને પતંગની કન્ના સુધ્ધાં કેમ ના બાંધી આપી? અઠવાડિયા પહેલાં પતંગ ચગાવવાનું પ્લાનિંગ, જમણવારનું પ્લાનિંગ અને કોને કોને ભેગા કરવાનું પ્લાનિંગ કરનાર બાહોશ આયોજક રમેશ કેમ રણમેદાન છોડીને ખૂણો પાળવા લાગ્યા છે, એ ગડ તો ઉકેલવી જ રહી.
રમાએ બાળકો પાસે જઈને થોડી કડી મેળવવાની શરૂ કરી.
`મોન્ટુ, આ વર્ષે બહુ મજા નહીં આવી. ખં ને?’
`હા દાદી, દાદા વગર પતંગની કન્ના પણ બરાબર બંધાઈ નહીં અને દોરી પણ સારી નહીં આવી. મારી તો સારામાં સારી પતંગો કપાઈ ગઈ. પપ્પાને દાદા જેવી કન્ના બાંધતાં કે પૂંછડી લગાવતાં નથી આવડતી.’
તરત પડોશમાં રહેતો મુન્નો બોલ્યો, `રમેશદાદા આવ્યા હોત તો સાંજે કેવું સરસ મ્યુઝિક મૂકીને ડાન્સ કરતે અને અમને પણ ડાન્સ કરાવતે.’
`તે તમારે આવીને દાદાને લઈ જવા હતા ને?’
`દાદી, અમે તો બે વાર બોલાવવા આવ્યા હતા. પણ દાદા આવે તો ને?’
તોફાની સમીર બોલ્યો, `દાદાને હું પણ બોલાવવા આવેલો. પણ રમેશદાદા તો કહે તારી દાદીને પહેલાં અગાસી ઉપર લઈ આવ, પછી હું આવું.’
`એમ કહ્યું હતું રમેશદાદાએ? પછી તું તારી દાદીને લઈને આવ્યો હતો કે નહીં?’
`ના, મારી દાદીએ કહ્યું કે મારે બહુ કામ છે. હું કંઈ નવરી નથી.’
`ઓહ! સો સેડ… પછી સમીર…?’
`પછી શું? મેં રમેશદાદાને આવીને પાછલી બારીમાંથી મેસેજ આપ્યો. પછી…’
`પછી શું સમીર?’
દાદાએ એક ચિઠ્ઠી લખીને મને આપી અને કહ્યું,આ તારી દાદીને જ આપજે.’ મેં દાદીને દોડતાં જઈને આપી.’
`પછી…. પછી શું?’
પછી દાદીએ ચિઠ્ઠી ફાડીને બારીની બહાર ફેંકી દીધી. પછી દાદી બોલી,અક્કલ વગરનો છે… કોઈ વખત મારી નાખશે.’ આ પછી હું તો અગાસી ઉપર જઈને પતંગ ચગાવવા લાગ્યો.’
રમાબહેનને હવે આખી વાર્તા સમજમાં આવી ગઈ. અઠવાડિયા પહેલાં ઍપાર્ટમેન્ટવાળાના પતંગની કન્ના બાંધવા ગયેલ રમેશભાઈએ ક્યાં ક્યાં કન્ના બાંધી અને કોની કોની કન્ના છૂટી ગઈ એ વાત સમજમાં આવી ગઈ. એટલામાં મોટો પૌત્ર જમવા આવ્યો અને સીધો ‘દાદી, ભૂખ લાગી છે.’ કહેતો વળગી પડ્યો.
`મયંક બેટા, અઠવાડિયા પહેલાં કન્ના બાંધવા ભેગા થયેલા ત્યારે મજા આવેલી કે?’
`દાદી, બહુ મજા આવેલી. દાદાએ તો સમીરની દાદી છે ને એ મોનિકા દાદીને પતંગ કેમ ચગાવવા તે શીખવેલું અને એમનાં ઘરના બધા પતંગની કન્ના દાદાએ એકલાએ બાંધી આપેલી. પછી એમ પણ કીધેલું દાદાએ કે તમે પતંગ ચગાવજો, ને ફીરકી હું પકડીશ. પછી તમે જોજો, તમારો એક પણ પતંગ નહીં કપાય. ને જો કપાય તો મારે પતંગ નહીં ચગાવવો, બસ?’
`પછી બેટા શું થયું?’
`દાદી, પછી મોહનદાદાએ કહ્યું, ‘આજે જ મોનિકાબહેન પતંગ ચગાવો. ફીરકી રમેશભાઈ પકડે અને હું મોનિકાબહેન સાથે પેચ લગાવું. પછી જોઈએ મોનિકાબહેન, રમેશ જીતે કે પછી હું…’
`પછી… પછી બેટા, શું થયું?’
`દાદી, પછી શું થાય… મોનિકાદાદીની ફીરકી આપણા દાદાએ પકડી ને ગાઇડ પણ કર્યાં. પણ મોનિકા દાદીની પતંગ એક જ ઝાટકે કપાઈ ગઈ! એટલે મોનિકા દાદી તરત ત્યાંથી પોતાની પતંગ ને ફીરકી અગાસીમાં જ છોડીને જતાં રહ્યાં. આપણા દાદા પણ પાછળ દોડેલા, પણ એ દાદી તો ચીડાઈને જતાં જ રહ્યાં. બોલ…’
ઓહ! તો પતંગ ચગાવે કોણ… ફીરકી પકડે કોણ… પછી રિસામણાં… મનામણાં… એકનું પત્તુ કપાયું અને એની ઇફેક્ટ ચારેકોર પ્રસરી ગઈ.
`ચાલ બેટા, તને ભૂખ લાગી છે ને? તું પહેલાં પેટપૂજા કરી લે. હું જરા તને પીરસીને તારા દાદાને પણ થોડો પ્રસાદ આપીને આવું.’
`દાદી, શેનો પ્રસાદ બનાવ્યો? મને પણ આપ ને.’
`બેટા, એ પ્રસાદ માત્ર દાદાથી જ ખવાય એવો છે. બેટા, એમાં હજી તમારે વાર છે.
`એમાં પહેલાં જરા દાદાને જ…’
અને રમાબહેને એની દોરીને ટાઇટ કરીને પેચ કેમ લગાવવી એ વિચારીને રમેશભાઈના રૂમમાં પ્રવેશી દ્વાર બંધ કરી દીધું. તરત જ રમેશભાઈએ ક્રોધમાં પૂછ્યું,
`મારા રૂમમાં શા માટે આવી?’
રમાબહેને કહ્યું, `મને જરા વાસી ઉતરાણ કરવાનું મન થયું, કારણ કે તમે તો ઉતરાણ દસ દિવસ પહેલાં જ મનાવી લીધેલી, નહીં? મને ઘરકામમાં પરોવી તમે તો કેવી સરસ મોનિકાબહેનની ફીરકી પકડેલી અને કેવી સરસ રીતે મોનિકાબહેનને પતંગ ચગાવતાં શીખવેલું. ખં ને? અને છતાંય પહેલી જ પાંચ મિનિટમાં મોનિકાબહેનનો પતંગ કપાઈ ગયો હતો એવા લેટેસ્ટ ન્યૂઝ મળ્યા છે. તે હું તમને એ પૂછું કે તમારા જેવા સારથિ મોનિકાબહેનને મળ્યા છતાં પણ પતંગ કેવી રીતના કપાઈ ગઈ? આ તો બહુ ખરાબ થયું, નહીં? અને હા, પતંગ કપાય ત્યાં સુધી તો ઠીક છે, પણ આ તો તમાં મોનિકા સાથેનું પત્તું પણ કપાઈ ગયું કે શું? ના, ના, આ તો હું નથી કહેતી. આ આપણા ઍપાર્ટમેન્ટના લોકો જ કહે છે. બાકી મને તો ગમ્યું. હવે આવતા વર્ષે કોને કોને પતંગ ચગાવતાં શીખવશો અને કોને કોને કન્ના બાંધી આપશો? પણ હા, આવતા વર્ષે ધ્યાન રાખજો કે પત્તુ પાછું ન કપાઈ જાય અને જેની જેની કન્ના બાંધી આપો એમને ત્યાં જ ઊંધિયું, ઊંબાડિયું, મઠો, જલેબી, રબડી… જે કંઈ ખાવું હોય તે બધું ત્યાં જ ખાઈ લેજો હોં. અને હા, મને પણ આવતા વર્ષે ફીરકી પકડનાર બે – ચાર મિત્રો મળી ગયા છે અને આઈ એમ ઓલ્સો ઍન્જોય વિથ માય ફ્રેન્ડ. હવે કેટલા દિવસ આમ કોપભવનમાં ભરાઈ રહેવાના છો એ પણ કહી દો. એટલે હું મારી રીતે મારા કન્ના જ્યાં બાંધવા હોય ત્યાં બાંધવા લાગું. તો બાય બાય ડાર્લિંગ. હું મોહનભાઈના ઘરે એમનું બાંસુરીવાદન સાંભળવા જાઉં છું. સવારથી એમના ત્રણ ફોન આવી ગયા છે. મને અને એમને – બંનેને કલામાં રસ છે, એટલે જરા જીવન જીવવા જેવું લાગે અને મારો પતંગ પણ ચગતો રહે. ખં ને?’
એ પછી તો આ સાંભળીને બેઉ વચ્ચે કેવી પેચ લાગી હશે, એ તમે જ વિચારી જોજો…
આપણ વાંચો: આયુ કી ઐસી કૈસી… દિલમાં ઉમંગ હોવો જોઈએ!



