દાલ-રોટી ખાઓ… પ્રભુ કે ગુણ ગાઓ | મુંબઈ સમાચાર
લાડકી

દાલ-રોટી ખાઓ… પ્રભુ કે ગુણ ગાઓ

  • નીલા સંઘવી

વાચકો, આ અઠવાડિયે થોડી વધુ સલાહ ને વાત પૂરી !

ઉંમર વધતા ઘણાં સવાલ પરિવારજનોને પૂછવાના હોય છે. કયારેક કોઈ લાંબો પણ હોઈ શકે, પણ આજે યુવાનો પાસે સમય નથી, છતાં આપણી વાત સાંભળે એ જ મોટી વાત છે.

ઘણી વાર ઘરમાં વહુ કે દીકરી કામ કરીને કંટાળી હોય તેમાં વૃદ્ધ સાસુ-સસરા/માતા-પિતાનું વધારાનું કામ કરવું પડે ત્યારે તે અકળાઈ જાય છે. અકળામણમાં ને અકળામણમાં તે કટુ વચન સંભળાવી દે છે. આવા વખતે માઠું નહીં લગાડવાનું કે સામે તલવાર ઉગામીને ઊભા નહીં થઈ જવાનું. ચૂપ રહેવાનું. એમ સમજવાનું એ અણસમજુ છે, અકળાયેલા છે. બોલે હવે, એમને માફ કરી દેવા એ સૌથી સરળ રસ્તો છે…

પરિવારમાં કે દીકરીના સાસરિયામાં કોઈ ઝઘડો થયો હોય ત્યારે એનો ઢંઢેરા ગામમાં જઈને નહીં પીટવાનો. આ આપણાં પરિવારના પ્રશ્ન છે અને થોડા વખતમાં તે સોલ્વ પણ થઈ જશે- ઘીના ઠામમાં ઘી પડી રહેશે. પરિવારમાં સૌને પ્રેમ આપો. બધાંને તમારો પ્રેમ મળશે તો એ બધાને તમે બહુ વહાલા લાગશો. સામેથી એ પણ તમને પ્રેમ કરશે. તમે જે આપશો તે જ મળશે. આ તો કુદરતી નિયમ છે.

તમે કદાચ તમારી કારકિર્દીના સમયે ટોચ પર હતાં. તમારું બહુ નામ-બહુ માન હતું. સમય જતાં લોકો ક્રમશ: હવે તમને ભૂલી ગયા છે. જ્યાં સુધી લોક-નજરમાં તમે તેમની સામે હો ત્યાં સુધી તમે તેમના સ્મરણમાં રહો છો. લોકોની યાદશક્તિ ટૂંકી હોય છે. હા, તમે પોતે એ યાદોને તાજી કરવા તમારા ફોટા કે વીડિયો જો હોય તો તે જોઈને સાંભળીને વીતેલાં વર્ષોમાં કમાયેલ નામનો આનંદ મેળવી શકો છો.

ધારો કે તમે બીમાર પડ્યા છો. પરિવાર તમારી સંભાળ રાખે છે, ડોક્ટરની સલાહ પ્રમાણે તમારો ઈલાજ એ બધા વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે-કરાવી રહ્યા છે ત્યારે તમારો સહયોગ આપો. તમને કદાચ એવું લાગતું હોય કે આ બરાબર નથી, પણ ખરેખર એવું નથી હોતું કારણ કે આજનું જનરેશન સ્માર્ટ છે. તેઓ એક નહીં ત્રણ ડોક્ટર સાથે સંવાદ સાધ્યા બાદ જ સારવાર શરૂ કરે છે. તેથી ‘નો વરીઝ, બી હેપ્પી.’

કુદરતી જીવન જીવો. સવારના બગીચામાં ચાલવા જાઓ. મિત્રો બનાવો. મિત્રો સાથે વાતો કરો, હસો અને હસાવો. યોગ કરો, પ્રાણાયામ કરો. હળવી કસરત કરો. સ્વાસ્થ્યવર્ધક ખોરાક ખાઓ. ખાસ કરીને સાદો ખોરાક ખાઓ. જો ડાયબિટીસ કે બીજી કોઈ પણ બીમારી હોય તો ડોક્ટરે આપેલા ડાયેટને ફોલો કરવો ફરજિયાત છે.. જે દવા રોજ લેવાની હોય તે ભૂલ્યા વગર લઈ લેવાની. દવા લેવામાં આળસ નહીં કરવાની. ‘સન્ડે-મન્ડ’ વાળી ડબ્બી આવે છે એમાં દવા રાખી દો. એટલે દવા લીધી કે નહીં એવું કન્ફ્યુઝન ન રહે દરેક પ્રોબ્લેમના સોલ્યુશન છે તેથી ગભરાવાનું નહીં.

યોગ્ય આહાર, યોગ્ય વિહાર, યોગ્ય નિદ્રા અને યોગ્ય દવા લઈને વૃદ્ધાવસ્થામાં પણ સ-રસ, સ્વાસ્થ જીવન જીવી શકાય છે.

જીવન-સંધ્યાએ એમ વિચારવાનું છે કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું છે. તેથી દરેક સાથે પ્રેમાળ વર્તન રાખો. પ્રેમથી સંબંધો નિભાવશો તો તમારા ગયા પછી પણ લોકો તમને પ્રેમથી યાદ કરશે. બસ. આજથી જ આ નિયમ પાળી લો – ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમકી ગંગા બહા કે ચલો.’

જીવનમાં મળેલા બોનસનાં વર્ષોમાં પ્રભુનું સ્મરણ અવશ્ય કરવું. ઘર સંસાર વગેરે જવાબદારીઓના કારણે પ્રભુ સ્મરણનો સમય રહેતો નથી. પણ હવે જીવન સંધ્યાએ તમારી પાસે સમય જ સમય છે ત્યારે દિવસના બે-ચાર કલાક એકાગ્ર ચિત્તે પ્રભુ સ્મરણ કરવું. એનાથી મન શાંત રહેશે,

ચિત્તમાં શક્તિનો સંચાર થશે. જીવન દરમિયાન કોઈ ભૂલ થઈ હોય, કોઈને દુભવ્યા હોય, કોઈનું અહિત કર્યું હોય તો તે યાદ કરીને ઈશ્વર પાસે માફી માગો, ફક્ત ઈશ્વર પાસે જ નહીં જેનું અહિત કર્યું હોય તેની પાસે પણ દિલથી માફી માગી લો.
બસ, પછી શું જોઈએ? જીવન સફળ…!

આપણ વાંચો:  મુંબઈ પાલિકાના વોર્ડના રિઝર્વેશનને લગતી લોટરી ૧૧ નવેમ્બરે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button