વિશેષઃ વિજ્ઞાન મહિલાઓનો વિષય નથી, એ ભ્રાંતિને ભેદનાર આ લાડકીને ઓળખો છો?

- રાજેશ યાજ્ઞિક
ભારત દેશમાં સદીઓથી ઋષિઓની જેમજ ઋષિકાઓ પણ પૂજ્ય હતી. એ બધાં તેજસ્વી, જ્ઞાની, પરાક્રમી હતાં. વેદોમાં પણ તેમનો ઉલ્લેખ છે, છતાં એક વરવી વાસ્તવિકતા રહી છે કે એ જ ભારતમાં એક એવો અંધકારભર્યો કાળ આવ્યો જ્યારે સ્ત્રીઓને શિક્ષણ પણ મળવું મુશ્કેલ બન્યું હતું. જોકે હિંમત હાર્યા વિના અનેક મહિલાઓએ સંઘર્ષ કર્યો અને વિજયી બનીને ન માત્ર પોતાનું, પણ દેશનું સન્માન વધાર્યું. આવી જ એક લાડકી એટલે ડો. કમલા સોહોની.
કમલા સોહોનીના સંઘર્ષે મહિલાઓની ભાવિ પેઢી માટે શિક્ષણનો એ દરવાજો ખોલ્યો, જ્યાં તેમના માટે વર્ષો સુધી નો-એન્ટ્રીનું બોર્ડ ઝૂલતું હતું. કમલા સોહોનીનો જન્મ 1911માં ઈન્દોરમાં એક ઉચ્ચ શિક્ષિત પરિવારમાં થયો હતો. પિતા, નારાયણ ભાગવત, અને તેના કાકા, માધવરાવ ભાગવત, બંને બેંગ્લોરની પ્રતિષ્ઠિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ) માંથી સ્નાતક થનારા પ્રથમ રસાયણશાસ્ત્રના વિદ્યાર્થીઓમાંના હતા.
નાની કમલા એ વડીલોનો વિજ્ઞાન પ્રત્યેના પ્રેમને જોઈને મોટી થઈ. તેથી જ્યારે તેણે રસાયણશાસ્ત્ર નો અભ્યાસ કરવાનું નક્કી કર્યું ત્યારે તેના પરિવારમાં કોઈને આશ્ચર્ય થયું નહીં. તે એક તેજસ્વી વિદ્યાર્થી હતી. શાળાનો અભ્યાસ પોતાના વર્ગમાં ટોચ પર રહીને પૂર્ણ કર્યા પછી આ મહેનતુ છોકરીએ તેના પિતા-કાકા જેવો જ માર્ગ અપનાવ્યો- તેણે બોમ્બે પ્રેસિડેન્સી કોલેજમાં બીએસસી (ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર) ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો.
સ્નાતક કક્ષાએ પણ કમલાનું શૈક્ષણિક પ્રદર્શન સર્વોત્તમ રહ્યું. તેના બેચમાં સૌથી વધુ સ્કોર મેળવનાર વિદ્યાર્થિની કમલા હતી. ત્યારબાદ કમલાએ `ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ માં રિસર્ચ ફેલોશિપ માટે અરજી કરી. આ સફળ વૈજ્ઞાનિક બનવાના તેના સ્વપ્નનું એક મહત્ત્વપૂર્ણ પગલું હતું. તે સમયે, આઇઆઇએસસીનું નેતૃત્વ પ્રો. સી. વી. રામન (ભૌતિકશાસ્ત્રમાં પ્રથમ એશિયન નોબેલ પુરસ્કાર વિજેતા) દ્વારા કરવામાં આવતું હતું અને તે વૈજ્ઞાનિક અભ્યાસ માટે દેશની શ્રેષ્ઠ સંસ્થા માનવામાં આવતી હતી.
જોકે, તત્કાલીન ડિરેક્ટર પ્રો. સી. વી. રામને તેની અરજી નામંજૂર કરી દીધી, કારણ કે એ સમયે મહિલાઓને સંશોધન કરવા માટે પૂરતી સક્ષમ માનવામાં આવતી નહોતી! આ કમલા માટે આઘાતજનક હતું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ' જેવી આધુનિક અને ભવિષ્યવાદી સંસ્થામાં આવી વિચારધારા હશે તેવી કલ્પના તેને ક્યાંથી હોય? તેમાં પણ નનૈયો ભણનારા પ્રો. સી. વી. રામન જેવા સમર્થ વૈજ્ઞાનિક હતા! એમનો એક જ જવાબ રહેતો કેહું મારી સંસ્થામાં કોઈ છોકરીને લેવાનો નથી!’
જોકે, કમલા પોતાના સ્વપ્નની આટલી નજીક આવીને જતું કરવાની તેની તૈયારી નહોતી. તે ડો. રામનને મળી કમલાએ પડકાર ફેંક્યો કે પોતે અભ્યાસક્રમ ડિસ્ટિંકશન સાથે પૂર્ણ કરશે! શરૂઆતમાં ડો. રમણે તેની વિનંતી અવગણી. પછી કમલાએ ગાંધીજીનું શસ્ત્ર અજમાવ્યું અને પ્રો. રામનના કાર્યાલયની બહાર `સત્યાગ્રહ’ કરીને અસ્વીકારનો જવાબ માંગ્યો. પ્રો. રામન નકારવાનું એવું કોઈ મજબૂત કારણ આપી શકે તેમ નહોતા, આખરે તેમણે નમતું જોખ્યું. એ કમલાને પ્રવેશ આપવા તૈયાર થયા, પણ ચોક્કસ શરતો સાથે, જેમકે કમલાને નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવામાં આવશે નહીં….પહેલા વર્ષ દરમિયાન પ્રોબેશન પર રાખવામાં આવશે.
અને જ્યાં સુધી સી.વી. રમન પોતે તેની ગુણવત્તાથી સંતુષ્ટ ન થાય ત્યાં સુધી તેના કાર્યને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવશે નહીં… .કમલાએ તેના ગાઇડની સૂચના મુજબ તેને મોડી રાત સુધી કરવું પડશે ….
આ શરતો વિચિત્ર અને એક પ્રતિભાશાળી મહિલા માટે અપમાનજનક હતી. તેમ છતાં જે અવસર મળતો હતો તે કમલા જવા દેવા નહોતી માંગતી એટલે તેણે શરતોનો સ્વીકાર કર્યો. બાદમાં ભારતીય મહિલા વૈજ્ઞાનિક સંગઠન દ્વારા આયોજિત એક સન્માન સમારોહ દરમિયાન, તેમણે જાહેરમાં કહ્યું:
`પ્રો. રામન એક મહાન વૈજ્ઞાનિક ખરા, છતાં, એ સંકુચિત માનસિકતા ધરાવતા હતા. હું ક્યારેય ભૂલી નહીં શકું કે તેમણે ફક્ત એક સ્ત્રી હોવાને કારણે મારી સાથે જે વર્તન કર્યું. આ મારા માટે ખૂબ જ અપમાનજનક હતું. તે સમયે સ્ત્રીઓ પ્રત્યેનો પૂર્વગ્રહ ખૂબ જ ખરાબ હતો. જો કોઈ નોબેલ પુરસ્કાર વિજેતા પણ આ રીતે વર્તે તો શું અપેક્ષા રાખી શકાય?!’
ભારતમાં સૂક્ષ્મજીવવિજ્ઞાન સંશોધનના પ્રણેતાઓમાંના એક, એવા શ્રીનિવાસય્યા કમલાના માર્ગદર્શક હતા, એ એક કડક અને વિદ્યાર્થીઓ પાસેથી ભારે મહેનતની અપેક્ષા રાખનાર શિક્ષક હતા. તેમના હેઠળ, કમલાએ દૂધ, કઠોળ અને કઠોળમાં રહેલા પ્રોટીન પર કામ કર્યું (એક વિષય જેનો ભારતમાં પોષણ પ્રથાઓ માટે મહત્ત્વપૂર્ણ પ્રભાવ હતો). કમલાના સમર્પણ અને સંશોધન કૌશલ્યથી પ્રો. રમણ એટલા પ્રભાવિત થયા, કે 1936માં કમલાએ એમએસસીની ડિગ્રી ડિસ્ટિંકશન સાથે પૂર્ણ કર્યાના એક વર્ષ પછી, પ્રો. રમણે મહિલાઓને આઈઆઈએસસીમાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો.
ત્યારબાદ કમલાને યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફ્રેડરિક જી. હોપક્નિસ પ્રયોગશાળામાં કામ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. તેણે જૈવિક કુદરતી વિજ્ઞાન ટ્રિપોસ પર અભ્યાસ કર્યો. તે પછી છોડની પેશીઓનો અભ્યાસ કર્યો. આ અને બટાકા પરની કમલાની થિસિસ 14 મહિનામાં પૂર્ણ થઇ અને માત્ર 40 પાનાની હતી, જે સામાન્ય રીતે ખૂબ લાંબા પીએચડી સબમિશનથી અલગ હતી.
તેને અમેરિકાની શ્રેષ્ઠ ફાર્માસ્યુટીકલ કંપનીઓ તરફથી આકર્ષક પગારની નોકરીઓની ઓફર આવી. પણ કમલા મહાત્મા ગાંધીની પ્રશંસક હતી. દેશ માટે કંઈક કરી છૂટવા તે ભારત પરત આવ્યાં.
દિલ્હીની લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં ટૂંકા સમય માટે કામ કર્યા પછી, કમલા કુન્નુરમાં ન્યુટ્રિશન રિસર્ચ લેબમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયાં, જ્યાં તેમણે પોષણમાં વિટામિન્સની ભૂમિકા પર સંશોધન કર્યું. આ સમયની આસપાસ, કમલાએ એમ. વી. સોહોની સાથે લગ્ન કર્યા, અને 1947માં મુંબઈ રહેવા ગયાં, જ્યાં રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં જોડાયાં. આ સમયગાળા દરમિયાન, કમલા અને તેમના વિદ્યાર્થીઓએ ભારતમાં આર્થિક રીતે વંચિત વર્ગના લોકો દ્વારા મોટાભાગે ખાવામાં આવતા ખાદ્ય પદાર્થોના ત્રણ જૂથો પર મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું.
ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના સૂચન પર કમલાએ તાડનાં ફળોમાંથી કાઢવામાં આવતા રસ પર કામ કર્યું. એમનાં કાર્ય માટે તેમને રાષ્ટ્રપતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં. આમ એક એક મહિલા પોતાની મહેનત અને લગનથી દેશ અને દુનિયા માટે કેટલા મહત્ત્વપૂર્ણ સોપાનો સર કરી શકે છે. અડગ નિશ્ચય, આત્મવિશ્વાસથી રૂઢિવાદી પ્રથાઓને સન્માનમાં બદલી શકે છે, તે કમલા સોહોનીએ સાબિત કરી બતાવ્યું.
આપણ વાંચો: લાફ્ટર આફ્ટરઃ ચિલ… માય દાદી, ચિલ…!



