ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ પ્રેમના પિંજરથી ઊંચા અવકાશે ઉડાન

શ્વેતા જોષી અંતાણી
બાળપણથી જ આરાધ્યાની દુનિયા કોઈ અદ્રશ્ય પિંજર જેવી હતી. પિતાના નિયમો, નિર્ણયો અને નિયંત્રણોની ચસોચસ દીવાલો વચ્ચે એ મોટી થઈ. મા જેને આરાધ્યાએ માત્ર તસ્વીરોમાં જ જોઈ હતી. એની ગેરહાજરી ઘરના દરેક ખૂણામાં મૌન બનીને વસતી રહેતી. પિતા માટે પ્રેમ એટલે શિસ્ત અને ફરજ એટલે નિયંત્રણ. ઉંમર વધતાં પિતાનો આવો આગવો પિતૃપ્રેમ આરાધ્યાના શ્વાસ પર ભારરૂપ બનતો ચાલ્યો.
‘તું શું પહેરશે, કોની સાથે બોલશે, શું ભણશે ને શું નહીં, આ બધું હું નક્કી કરીશ, પિતાનો અવાજ આરાધ્યાના મનમાં હંમેશાં ગુંજતો રહેતો. એ ક્યારેય વિરોધ ના કરી શકી. કારણ કે એને સતત એવું શીખવવામાં આવ્યું હતું કે, આજ્ઞાપાલન એ સદગુણ છે અને ઈચ્છાઓને દબાવવી એ સમજદારી.
સમય કોઈની રાહ થોડી જુએ છે. આરાધ્યા તરુણાવસ્થાને પસાર કરતી ઝડપથી આગળ વધી રહી હતી. યુવાની દરવાજે દસ્તક દેતી ઊભેલી ને એણે કોલેજમાં પગ મૂક્યો. પિતાથી દૂર, હોસ્ટેલમાં રહેવાનું થયું. આરાધ્યાને લાગ્યું કે, હવે કદાચ આઝાદી મળશે. એ આઝાદીના ખ્યાલોમાં રાચતી આરાધ્યા પ્રેમ, આકર્ષણ ને ઓપોઝિટ જેન્ડર સાથેના સંબંધોથી અજાણ ને અણઘડ હતી. જાણ્યે-અજાણ્યે એ એવા લોકો તરફ ખેંચાતી રહી જે એના બદલે નિર્ણયો લેતા, એની દુનિયા નિયંત્રિત કરતા. બહેનપણીઓ પણ એવી જે આરાધ્યા પર ધોંસ જમાવે. પુરુષ મિત્રો પણ એવા જે આરાધ્યાને સાચવવાના બહાને ધાર્યું કરાવે. એવામાં એની જિંદગીમાં વિહાન આવ્યો.
એક સેમિનારમાં વિહાનની નજર આરાધ્યા પર પડી. જોતાવેંત એને આરાધ્યાનો નમણોને નમાલો લાગતો ચહેરો આંખોમાં વસી ગયો. આરાધ્યાના જીવનમાં પ્રવેશતા વિહાનને બહુ વાર લાગી નહીં, કારણ કે, આરાધ્યા સરન્ડર થવામાં એક્સપર્ટ હતી એટલે વાતચીતની શરૂઆત ભલે વિહાને કરી પણ સામે એને વિરોધ મળ્યો નહીં. આરાધ્યાને નાનપણથી પિતાની વાતમાં હા એ હા કરવાની આદત હતી. એણે અહીં પણ એજ કર્યું.
વિહાનના વ્યક્તિત્વ સાથે એ તુરંત વણાય ગઈ, પરંતુ ત્યાંજ એ ભૂલ કરી બેસી. વિહાન અને પોતાના પિતાના વ્યક્તિત્વમાં ઘણી સામ્યતા છે એનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે આરાધ્યા પર રિસ્ટ્રિક્શન વધ્યાં. એના ઓપિનિયનની કોઈ કિંમત ના રહી. એના કપડાંની , મિત્રોની, મોજશોખની પસંદગી વિહાન કરવા લાગ્યો. પહેલા તો આ બધું એને પ્રેમ જેવું લાગતું. જોકે ‘હું તારી ચિંતા કરું છું’ કહીને શરૂ થયેલો સંબંધ ધીમે ધીમે ‘તું મારી વાત કેમ નથી સાંભળતી?’ માં બદલાઈ ગયો.
‘તું શું પહેરશે, કોની સાથે બોલશે, શું ભણશે ને શું નહીં, આ બધું હું નક્કી કરીશ, પિતાનો અવાજ આરાધ્યાના મનમાં ઘણાં વખતે ગુંજ્યો, પણ, આજે આ વાક્યો વિહાન બોલી રહ્યો હોય એવું લાગ્યું. થોડા મહિનાઓમાં તો આરાધ્યા ફરી એજ કરવા લાગી જે એ નાનપણમાં કરતી. એ આજ્ઞાકારી પ્રેમિકા બની. વિહાન જેમ કહે એમ કરતી. એની મિત્રતાઓ, સપનાઓ અને આત્મવિશ્વાસ બધું ધીમે ધીમે ઓગળતું ગયું. એ ફરી એક વાર પિંજરામાં હતી. ફરક એટલો જ કે આ વખતે પિંજરાનું નામ ‘પ્રેમ’ હતું. દરેક વખતે એ પોતાની જાતને પૂછતી, ‘મારી સાથે જ આવું કેમ થાય છે?’ પરંતુ જવાબ ક્યારેય મળતો નહીં.
એક દિવસ લાઇબ્રેરીમાં માનસિક સ્વતંત્રતા પરનું કોઈ પુસ્તક એના હાથે લાગ્યું. એમાં લખાયેલા એક વાક્યએ આરાધ્યાને અંદરથી ઝંઝોળી નાખી. ‘જે બાળકને નિયંત્રણમાં ઉછેરવામાં આવે, એ મોટું થઈને નિયંત્રણને જ પ્રેમ સમજે છે.’ આરાધ્યાની આંખોમાં પાણી આવી ગયાં. એને પોતાના પ્રશ્નનો જાણે જવાબ મળી આવ્યો. પિતાનું નિયંત્રણ, માતાની ગેરહાજરી અને પોતાનું મૌન. આ બધું એ ફરી ફરી જીવ્યા રાખે છે એનો અહેસાસ થયો.
પહેલું કામ એણે વિહાન સાથેના સંબંધને જાકારો આપવાનું કર્યું. બીજું કામ પિતાએ પસંદ કરેલા વિષયોને બરતરફ કરવાનું. જોકે એ પછીનો બદલાવ પણ સરળ નહોતો. આરાધ્યા માટે નિયંત્રણમાંથી બહાર આવવું એ અજાણ્યા આકાશમાં ઉડાન ભરવા જેવી વાત હતી. એને ડર લાગતો. પોતાના નિર્ણયોથી, પોતાની ભૂલોથી, પરંતુ એણે નક્કી કર્યું કે હવે ભૂલ થશે તો પણ પોતાની હશે અને એનું પરિણામ પણ.
અંતે એ જાતને ઓળખતી થઈ. ‘ના’ કહેતાં શીખી. એવા સંબંધોથી દૂર રહી, જ્યાં એની ઓળખ ઓગળતી હોય. પિતાની સામે પણ એક દિવસ શાંતિથી બોલી:
‘પપ્પા, તમે મને સુરક્ષિત રાખવા માગો છો, પણ હવે મને મારા રસ્તે ચાલવા દો.’ આ વાક્યમાં કોઈ બગાવત નહોતી, માત્ર સત્ય હતું. ધીમે ધીમે આરાધ્યાનું પિંજર તૂટયું. એ પોતાની પસંદગીઓ કરવા લાગી, પોતાની મર્યાદાઓમાં રહેતી, પણ કોઈના કાબૂમાં આવવા તૈયાર નહોતી. કારણ કે એણે સમજ્યું હતું કે કદી પ્રેમ પાંખ કાપતો નથી, પણ એને પાંખ આપે છે.
એક દિવસ, ખુલ્લા આકાશ નીચે ઊભી રહીને એણે ઊંડો શ્વાસ લીધો. વર્ષો પછી એનો શ્વાસ હળવો થયો હતો. એ પ્રેમ કે કાળજીના નામે રચાયેલા પિંજરામાંથી બહાર આવી ચૂકી હતી. બસ, હવે ઉડાન ભરવાની બાકી હતી. ઊંચી, નિર્ભય અને બંધનમુક્ત…
આ પણ વાંચો…ડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ લાગણી ને લક્ષ્ય… એક નાવના બે પ્રવાસી



