(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: હાડથીજાવતી ઠંડીમાંથી હજુ માંડ રાહત મળી છે ત્યારે કચ્છમાં વહેલી સવારે ભૂકંપના એક પછી એક એમ બે આંચકા માત્ર સવા કલાકના ગાળામાં અનુભવાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. પ્રથમ આંચકો વહેલી પરોઢિયે ૫.૧૮ કલાકે અનુભવાયો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૨ની નોંધાઈ હતી, જયારે તેનું કેન્દ્રબિંદુ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ સીમા નજીકના ખાવડાની પૂર્વ-દક્ષિણ-પૂર્વ દિશાએ ૨૩ કિલોમીટર પર સ્થિત હતું. આ આંચકો ભૂગર્ભમાં માત્ર ૬.૪ કિલોમીટરની ઊંડાઇએ ઉદ્ભવ્યો હોઈ કંપનો તીવ્ર રીતે અનુભવાયા હતા અને લોકો નીંદરમાંથી જાગી ગયા હતા. જયારે બીજો વધુ શક્તિશાળી આંચકો આજે સોમવારે સવારે ૬ અને ૩૮ મિનિટે દુધઈ નજીક નોંધાયો હતો જેની તીવ્રતા ૪.૨ની હતી.
આ બંને વિસ્તારો ભુજથી ૧૦૦ કિલોમીટરથી ઓછા અંતરે હોઈ, ભુજમાં પણ તેની અનુભૂતિ થવા પામી હતી.
ભુજના ટપકેશ્ર્વરી કોમ્પ્લેક્ષમાં રહેતાં વૃતાંક વૈદ્યના જણાવ્યા પ્રમાણે વહેલી સવારે આંચકાની અસર હેઠળ ઘરના બારી-બારણાં ખખડવા લાગતાં તેમજ પલંગ કોઈએ ખસાવ્યો હોય તેવી અનુભૂતિ થવા પામી હતી. ભુજના અન્ય જર્જરિત બહુમાળી મકાનોમાં ભૂકંપને લઈને કેટલાક સ્થળે તો લોકો પોતપોતાના એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતરી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગત ઑગસ્ટ મહિનાથી ભૂગર્ભીય હિલચાલ વધી રહી છે. કચ્છના રાપર, ભચાઉ અને ધોળાવીરા સહિતના વિસ્તારોમાં વાગડ ફોલ્ટલાઇન સક્રિય થઇ છે અને ચાલુ જાન્યુઆરી મહિનામાં ભૂકંપના ચાર આંચકાઓ નોંધાઈ ચુક્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના તલાલા, જામનગર અને ઉના તેમજ ઉત્તર ગુજરાતના પાલનપુર વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાઓ આવી ચૂક્યા છે. સોમવારે કચ્છના ખાવડા અને દુધઈ ખાતે આવેલા ભૂકંપના આંચકાઓની સાથે સાથે ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ ભૂકંપના ત્રણ આંચકા અનુક્રમે ૪.૬, ૪.૭ અને ૫ની તીવ્રતાવાળા ત્રણ શક્તિશાળી આંચકાઓ સમાંતરે નોંધાયા છે. હજુ છ દિવસ પહેલાં જ નેપાળ ખાતે કેન્દ્રિત થયેલા ૫.૬ની તીવ્રતાવાળા ભૂકંપની અસર હેઠળ દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાયેલા તીવ્ર ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ગભરાટ વ્યાપક બનવા પામ્યો છે. હજુ પાંચ દિવસ પહેલાં જ કચ્છને તારાજ કરનારા મહાભૂકંપની ૨૨મી વરસીનો ગમગીન દિવસ લોકોએ પૂજા-પાઠ કરીને વિતાવ્યો હતો ત્યારે સોમવારની પરોઢિયે આવેલા ભૂકંપના બે-બે આંચકાઓથી કચ્છના લોકો હચમચી ઉઠ્યા છે. મુંબઈગરા કચ્છીઓમાં પણ કચ્છના ભૂકંપે ચિંતા ઉપજાવી છે.