સિક્કાની ત્રીજી બાજુઃ વિદેશી લાન્ઝેન્ટે કાર પર ગણેશજીનો લોગો કેમ? ઝરીન ખાનના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિથી કેમ?

- જયવંત પંડ્યા
તમને ખબર છે, ગત ઑગસ્ટમાં બ્રિટનની કાર કંપનીએ ‘લાન્ઝેન્ટે’ નામની એક હાઇપર કાર દોડતી મૂકી, જેના લોગોમાં ગણેશજી બિરાજમાન છે?! આ કારનું નામ ‘95-59’ છે. ગણેશજીને લોગોમાં રાખવાનો વિચાર કેવી રીતે આવ્યો?
‘બીટલ્સ’ નામના ઇંગ્લિશ રોક બેન્ડના એક સંગીતકાર જ્યોર્જ હેરિસનના ગાઢ મિત્ર લાન્ઝેન્ટેના માલિક પોલ લાન્ઝેન્ટે… જ્યોર્જ હેરિસને ‘હેલ્પ’ નામની એક અંગ્રેજી ફિલ્મ કરી હતી. તેના કારણે એ સિતાર જેવા ભારતીય સંગીત વાદ્યના પરિચયમાં આવ્યા હતા. પછી તો બાંગ્લાદેશ માટે 1971માં તેમણે પંડિત રવિશંકર સાથે સંગીત કાર્યક્રમ પણ કર્યો હતો. એ હરે કૃષ્ણ ચળવળ (ઇસ્કોન) સાથે પણ જોડાયા હતા. જ્યોર્જ હેરિસનની ગણેશજીમાં આસ્થાના કારણે પોલ લાન્ઝેન્ટેને આ વિચાર આવ્યો.
એ પછી AI ગ્રોકના માલિક એવા ઇલોન મસ્કે એની પરીક્ષા લેવા ગણેશજીનો પ્રશ્ન પૂછ્યો. ગણેશજીની કાંસ્ય પ્રતિમાની છબિ અપલોડ કરી પૂછ્યું, આ કોણ છે? સામાન્ય રીતે અત્યાર સુધી મોટા ભાગના વિદેશી માધ્યમો હિન્દુ દેવી-દેવતા વિશે નબળો કે ઉપહાસભર્યો અભિપ્રાય આપતાં. એ ગણેશજી એટલે એલિફન્ટ હેડેડ હિન્દુ ગોડ, માઇથોલોજિકલ કેરેક્ટર (એટલે કે કાલ્પનિક પાત્ર) એવો પરિચય આપતા.
જોકે ગ્રોકે જે ઉત્તર આપ્યો તેના કારણે સોશ્યલ મીડિયાવાળા ગદગદ થઈ ગયા. ગ્રોકે કહ્યું, આ ભગવાન ગણેશજીની કાંસ્ય પ્રતિમા છે. હિન્દુઓ તેમને બહુ માને છે. તેમનું માથું હાથીનું છે, એક સૂંઢ છે, ચાર હાથ છે જેમાં એકમાં મોદક, બીજામાં અંકુશ છે અને ત્રીજામાં તૂટેલો દાંત હોય છે, ચોથો હાથ અભય મુદ્રામાં છે.
AI ગ્રોક વધુમાં કહ્યું, ગણેશજી વિઘ્નો દૂર કરવા માટે જાણીતા છે, કાર્ય પ્રારંભ કરતી વખતે તેમના આશીર્વાદ લેવામાં આવે છે… એ ડહાપણ અને સમૃદ્ધિના દેવ છે. આવી મૂર્તિઓ સામાન્ય રીતે ઘરનાં મંદિરમાં દૈનિક પૂજા માટે રાખવામાં આવે છે… ’
ઇલોન મસ્ક જેવા ઉદ્યોગપતિ ગ્રોકની પરીક્ષા લેવા ગણેશજીની છબિ મૂકીને પ્રશ્ન મૂકે અને તેનો સકારાત્મક ઉત્તર મેળવે તેની પાછળ હિન્દુઓનું વધતું બજાર અને ખરીદશક્તિ પણ ઉત્તરદાયી છે. જોકે દર વખતે બજાર અને ખરીદશક્તિ જ કારણભૂત નથી હોતા આ પ્રકારની આસ્થા અને અનુભવ પણ ભાગ ભજવતા હોય છે. ઝરીન ખાનનું જ ઉદાહરણ લો…
તાજેતરમાં ઝરીન ખાનની અંતિમ વિધિ હિન્દુ પદ્ધતિથી થઈ તે ચર્ચાનું કારણ બની, કારણકે બધાને એમ જ હતું કે ઝરીન ખાન તો મુસ્લિમ જ હશે. વળી, એ સંજય ખાનનાં પત્ની હતાં. સંજય ખાનનું સાચું નામ શાહ અબ્બાસ અલી ખાન. મુસ્લિમ યુવક સાથે પરણનારી કોઈ પણ પંથની યુવતી હોય તેનાં લગ્ન ઇસ્લામ અનુસાર વૈધ ગણાય.
એટલે ઝરીન ખાન મુસ્લિમ હશે તેમ લોકો માનતા હતા, પરંતુ તેમની અંતિમ વિધિ હિન્દુ વિધિ મુજબ થઈ એટલું જ નહીં તેના અભિનેતા દીકરા ઝાયેદ ખાને જનોઈ ધારણ કરીને વિધિ મુજબ માટલીની દોણી પણ પકડી હતી…આના અનુસંધાનમાં જાણવા મળ્યું કે ઝરીન તો મૂળ પારસી હતાં અને તેમણે લગ્ન પછી પણ પોતાનો ધર્મ બદલ્યો નહોતો, પરંતુ તેમણે પોતાની અંતિમ વિધિ હિન્દુ પદ્ધતિથી થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી તેથી તે મુજબ અંતિમ વિધિ કરવામાં આવી.
સંજય ખાનની પ્રખ્યાત ધારાવાહિક ‘ધ સ્વોર્ડ ઑફ ટીપુ સુલતાન’ બધાને યાદ હશે. 8 ફેબ્રુઆરી 1989એ તેના સેટ પર મોટી આગની દુર્ઘટના થયેલી જેમાં બાવન ક્રૂ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં અને સંજય પણ ખૂબ જ દાઝી ગયા હતા. તેમનું 65 ટકા શરીર સળગી ગયું હતું. તેમનું બચવું મુશ્કેલ હતું.
72થી 74 શસ્ત્રક્રિયા પછી સાજા થઈને બહાર આવ્યા પછી તેમને એક પૂજારી મળ્યા. તેમણે કહ્યું કે એ હૉસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે ઝરીને માનતા માનેલી અને હનુમાનજીની ખૂબ પૂજા કરી હતી. પૂજારીએ સંજય ખાનને સામોદ મહેલ પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરવા આવવા વિનંતી કરી. બીજા કોઈ કલાકાર હોત તો આ વાત ટાળી દેત અથવા ના પાડી દીધી હોત, પણ સંજય ખાન ગયા અને ત્યારથી હનુમાન ભક્ત બની ગયા. અને આથી જ તેમણે પછી ‘જય હનુમાન’ ધારાવાહિક પણ બનાવી.
આ જ સંજય ખાન અને ઝરીન ખાનનો જ્યારે સિમી ગરેવાલે ઇન્ટરવ્યૂ લીધો હતો ત્યારે એ આ શોમાં સંજયને અબ્બાસ-અબ્બાસ કહીને બોલાવતાં હતાં! તે પણ એક વિરોધાભાસ…!
આપણ વાંચો: ઘાસચારા કૌભાંડમાં બદનામ લાલુપ્રસાદ યાદવના આરંભિક વિવાદો…



