વડા પ્રધાનના અવાજની નકલ કરી હતી નગરવાલાએ!

પ્રફુલ શાહ
દિલ્હી સંસદ માર્ગ બ્રાંચના ચીફ કેશિયર વેદ પ્રકાશ મલ્હોત્રા ઉત્સાહભેર ગાડી હાંકી રહ્યા હતા. પોતે દેશ માટે કંઈ કર્યું એનો ગર્વ હતો, ને ખુદ વડાં પ્રધાને ફોન કર્યો એનો હરખ પણ ખરો. સાંકેતિક મેસેજની આપલે બાદ રોકડા રૂપિયા 60 લાખ આપીને તેઓ વાઉચર લેવા માટે શ્રીમતી ઈંદિરા ગાંધીના નિવાસસ્થાન ભણી જઈ રહ્યા હતા.
વેદ પ્રકાશ મલ્હોત્રા વડાં પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા તો ખબર પડી કે ઈંદિરા ગાંધી તો સંસદમાં છે. હોય, બને એવું… વડાં પ્રધાન તો વ્યસ્ત જ હોય એવું માનીને મલ્હોત્રા સીધા સંસદ ભવન પહોંચી ગયા, પરંતુ વડાં પ્રધાનને તો મળી ન શકાયું. માંડ માંડ એમના સચિવ પી. એન. હકસર (પરમેશ્વર નારાયણ હકસર)ને મળ્યા. એમને મળતાવેંત મલ્હોત્રાને સારું લાગ્યું. તેમણે વાત કરી આપે ફોન કર્યો હતો એ મુજબ હું કામ આટોપી આવ્યો છું. હવે રૂા. 60 લાખનું વાઉચર આપી દો એટલે હું મારા કામે લાગી જાઉં.
હકસરને કંઈ સમજાયું ન હોય એવા ભાવ ચહેરા પર આવી ગયા. તેમણે મલ્હોત્રાને કહ્યું કે પૂરી વાત મને માંડીને કરો. મલ્હોત્રાને તો જાણે પૂરી વાત જ નહિ પણ એક-એક શબ્દ અને રજેરજની વિગતો મોઢે હતી. તેઓ અસ્ખલિત પ્રવાહમાં બધું બોલી ગયા. આ સાંભળીને હકસર તો એકદમ સ્તબ્ધ થઈ ગયા. તેમના મોઢામાંથી નીકળી પડ્યું કે મેં તો આપને કે કોઈને આવો ફોન કર્યો જ નથી.
આ શબ્દો સાંભળતાવેંત મલ્હોત્રાના મોતિયા મરી ગયા, પગ પાણી-પાણી થવા માંડ્યો. ચહેરા પર પરસેવો ધસી આવ્યો. હકસરે એમને થોડા શાંત પાડ્યા. પછી સમજાવ્યા કે જુઓ મેં કે અન્ય કોઈએ વડાં પ્રધાનના કાર્યાલયમાંથી આવો ફોન કર્યો નથી. તમે તાત્કાલિક જઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી દો.
એક તરફ મલ્હોત્રાની હાલત ખરાબ ને બીજી બાજુ બૅંકમાં સૌ ઊંચાનીચા થતા હતા કે આટલી મોટી રોકડ રકમ લઈને ગયેલા મલ્હોત્રા હજી વાઉચર લઈને કેમ આવ્યા નહિ? એ સમયે 60 લાખ બહુ મોટી રકમ ગણાતી હતી. કેવી રીતે? ત્યારે સોનાનો એક તોલાનો ભાવ રૂા. 193 હતો. આથી 60 લાખમાં 31089 તોલા સોનું મળે.
આજે સોનાનો ભાવ એક લાખ તેર હજાર જેટલો છે, તો ગણી કાઢો કે 31089 તોલા સોના માટે કેટલા રૂપિયા જોઈએ? આને લીધે બૅંકના અધિકારીઓએ પોતાના ઉપરીઓને આખા મામલાથી વાકેફ કરી દીધા. તરત જ ચાણકયપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ.
રકમ નાનીસુની નહોતી ને વડાં પ્રધાનના નામ અને અવાજ વપરાયાનો દાવો કે આક્ષેપ કરાયો હતો. આવામાં પોલીસે કમર કસવા સિવાય છૂટકો થોડો હોય? દિલ્હીના તત્કાલીન નાયબ પોલીસ કમિશનરની આગેવાનીમાં આ કેસ ઉકેલવા માટે ‘ઑપરેશન તુફાન’ હાથ ધરાયું.
સદ્ભાગ્યે મલ્હોત્રા પાસેથી મળેલા નંબરને લીધે પોલીસ માટે ટેક્સીને શોધી કાઢવામાં બહુ વાર ન લાગી. ડ્રાઈવરે કબૂલ કર્યું કે તથાકથિત ‘બાંગ્લાદેશી બાબુ’ મોટી ટ્રંક સાથે એની ટેક્સીમાં બેઠો હતો. એટલું જ નહિ, તેણે ટેક્સી-ડ્રાઈવરને રૂા. 500 ભેટમાં-ટિપ્સમાં આપ્યા હતા. એટલે એ થોડો ભૂલાય? ટેક્સીવાળાએ એને જે વિસ્તારમાં રાખ્યો હતો ત્યાં પોલીસ એક-એક ઈંચ ફેંદી વળવા માંડી. રાતે લગભગ 9.45 કલાકે ‘બાંગ્લાદેશી બાબુ’ એક પારસી ધરમશાળાથી હાથ લાગ્યો. એટલું જ નહિ, પોલીસે 59 લાખ અને 95 હજાર રૂપિયા રોકડ પણ પાછા મેળવી લીધા. માત્ર પાંચ હજાર રૂપિયા ઓછા થયા હતા.
પોલીસે છેતરપિંડી માટેના પહેલા ફોન બાદ દસ કલાકમાં જ કેસ ઉકેલીને આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આરોપીનું નામ હતું રૂસ્તમ સોરાબ નગરવાલા (અંગ્રેજી સ્પેર્લિંગને લીધે હિન્દી મીડિયા એને ‘નાગરવાલા’ તરીકે ઓળખાવતા હતા). એ નજીકના ભૂતકાળમાં જ ભારતની ગુપ્તચર સંસ્થા રૉ (રિસર્ચ ઍન્ડ એનાલિસેસ વિંગ) માટે સક્રિય હતો.
એક અહેવાલ મુજબ એ પારસી ધર્મશાળા (ગેસ્ટ હાઉસ)માંથી ઝડપાયો હતો, તો અન્ય અહેવાલ મુજબ દિલ્હી એરપોર્ટ પરથી વિમાનમાં બેસવા જતી વખતે એ રોકડની બેગ સાથે પકડાયો હતો. પોલીસની વાત માનીએ તો નગરવાલા સારો મિમિક્રી આર્ટિસ્ટ હતો. તેણે વડાં પ્રધાન ઈંદિરા ગાંધી જેવો અવાજ કાઢીને ફોન પર સૂચના આપી હતી. આનો અર્થ એમ થાય કે હકસરનો અવાજ પણ નગરવાલાએ જ કાઢયો હતો.
રૂસ્તમ સોરાબ નગરવાલાની ધરપકડ અને રોકડ પાછા મળવા સાથે એક કેસ પર પૂર્ણવિરામ નહોતું મુકાઈ જવાનું. હજી તો આમાં ઘણાં ટર્ન્સ ઍન્ડ ટ્વીસ્ટ્સ આવવાના હતા. એકદમ ખતરનાક અને જીવલેણ. ભારતીય રાજકારણને એક ફોન, 60 લાખ રૂપિયા અને નગરવાલા કૌભાંડ એકદમ હચમચાવી મૂકવાના હતા. (ક્રમશ:)
આ પણ વાંચો…આ તો સ્કેમ છે… સ્કેમ છે.. : કૈરોં મર્ડર કેસમાં ચારને ફાંસી ને રાજકીય હસ્તક્ષેપની ચર્ચા…