ઈન્ટરવલ

પ્રેમલગ્ન કાયદેસર થાય એ માટે વિઠ્ઠલભાઈએ પ્રયાસ કર્યા હતાં

વીર વિઠ્ઠલભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતી

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

સ્ત્રીઓના હક્કો વિશે વાત કરવી અને એ યુગમાં સામા પ્રવાહમાં ક્રાંતિકારી પ્રસ્તાવ રજૂ કરવામાં આસમાન જમીનનો ફર્ક છે. ભારતમાં સો વર્ષ પહેલાં આંતરજ્ઞાતીય લગ્ન કાયદેસર ગણવામાં આવતા નહિ, સરળ ભાષામાં કહીએ તો એક જ ધર્મમાં અલગ અલગ જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ હોય છે. કોઈ યુવક બીજા સમાજની યુવતી સાથે લગ્ન કરે તો તેને તે સમયની હિન્દુ પરંપરા અનુસાર કાયદેસર માન્યતા મળતી નહીં, મિન્સ લવમેરેજ ગેરકાયદેસર ગણાતા.

કાશી નામની યુવતીએ સોળ વર્ષની વયે લવમેરેજ કર્યું. લગ્નજીવનના પચીસ વર્ષ દરમિયાન પતિ તરફથી ઘણો ત્રાસ રહેતો. કાશીને લાગ્યું કે સહજીવન શક્ય નથી તેથી પત્નીથી અલગ રહેવા ગઇ પણ આઠ દશ વર્ષ પછી વૃદ્ધાવસ્થામાં ભરણપોષણ કરવાની તકલીફ પડવા લાગી. કાશીએ કોર્ટમાં જઇને પતિ પાસે ભરણપોષણ અને ડિવોર્સનો દાવો કર્યો. આંતરજ્ઞાતીય લગ્ન હોવાથી આ લગ્નની કાયદેસર માની શકાય નહીં તેથી ભરણપોષણનો દાવો ઉડી ગયો, લગ્ન જ મંજૂર ન હોય તો ડિવોર્સ કેવી રીતે મળે? હા, એ સ્ત્રીએ ભરણપોષણ જોઇતું હોય તો રખાત તરીકે દાવો કરી શકે. સમાજમાં સ્ત્રીઓની લાચારીની ઘટના વિઠ્ઠલભાઈ પટેલની નજરે ચડી.

કલ્યાણસિંહ નામના રાજપૂત સજ્જને લક્ષ્મી નામની બ્રાહ્મણ ક્નયા સાથે ભાગી જઇને લગ્ન કર્યા. બ્રાહ્મણ પરિવાર યેનકેન પ્રકારે લક્ષ્મીને પોતાના ઘરમાં પાછી લઇ આવ્યા અને કલ્યાણસિંહને તેની પત્ની પરત કરવા માટે ના પાડી દીધી. કલ્યાણસિંહ કોર્ટમાં જઇને દાદ માંગી પણ પરિણામ શૂન્ય. લવમેરેજ કાયદેસર ન હોવાથી લક્ષ્મીને કલ્યાણસિંહની પત્ની ગણી શકાય નહીં, દામ્પત્યજીવન ભોગવવાનો કોઈ પણ અધિકાર આપવાની કોર્ટે ના પાડી.

આ ઘટનાઓ બ્રિટિશશાસનમાં અવારનવાર થતી પણ કોઇએ આ અન્યાયી કાયદા સામે અવાજ ઉઠાવ્યો નહીં. વિઠ્ઠલભાઈ પટેલને વીર આમ જ કહેવાતા નહીં, તેમણે આ અન્યાય સામે કોઇપણ જ્ઞાતિના લવમેરેજને કાયદેસર ગણી શકાય એ માટેની જોગવાઈ મંજૂર કરતું બીલ રાષ્ટ્રીય ધારાસભામાં રજૂ કર્યું. બ્રિટિશ સરકાર ધાર્મિક બાબતમાં તટસ્થ વલણ ધરાવતી હોવાથી આ બાબતે પણ તટસ્થ રહેવાનું નક્કી કર્યું. બ્રિટિશ સરકારે લવમેરેજ સંવેદનશીલ વિષય હોવાથી પ્રજા સમક્ષ જવાનું નક્કી કર્યું. સમાજના ઘણા પ્રતિષ્ઠિત લોકોએ બીલનો વિરોધ કર્યો, પ્રગતિશીલ લોકોએ સમર્થન કર્યું, રવીન્દ્રનાથ ટાગોર જેવા આધુનિક અભિગમ ધરાવતા લોકોએ સમર્થન કર્યું પણ રૂઢિચુસ્ત સમાજ બીલની વિરુદ્ધ હતો. આ બીલ સંદર્ભે વિવાદ વધતા તેને પ્રવર સમિતિ સમક્ષ સોંપવામાં આવ્યું, સમિતિ અહેવાલ રજૂ કરે એ પહેલાં વિઠ્ઠલભાઈએ રાષ્ટ્રીય ધારાસભામાંથી રાજીનામું આપ્યું હતું. સમાજમાંથી લવમેરેજ કાયદેસર કરવા અંગે વિધેયકનો વિરોધ કરવા છતાં પોતાની વાત પર અડગ રહેવું એ વીરની નિશાની છે.

બની શકે કે હાલના આધુનિક યુગમાં વિઠ્ઠલભાઈ પટેલની લગ્નધારામાં સુધારણાની વાત પસંદ પડે પણ આ જ વિઠ્ઠલભાઈ પટેલ દારૂબંધીના સખત સમર્થક હતાં. વિદેશમાં વસવાટ કરવા છતાં તેમના વક્તવ્યમાં દારૂબંધી પર ભાર મૂકતાં.

એક ઘટના યાદ કરો, ભારતમાં રાજાઓના રાજ્ય હતાં ત્યાં પ્રજાને લોકશાહી ઢબે અધિકાર મળે એ માટે પ્રજામંડળની સ્થાપના થવા લાગી હતી. વડોદરામાં સયાજીરાવ ગાયકવાડનું શાસન હતું, સયાજીરાવ ગાયકવાડનું શાસન પ્રજાલક્ષી હતું તેથી આઝાદીની લડતની સંભાવના ઓછી હતી.

સ્વાભાવિક પ્રશ્ન થાય કે વડોદરા રાજ્યમાં પ્રજામંડળની જરૂરિયાત શા માટે? ગાયકવાડ શાસન સારી રીતે ચાલતું, પ્રજાના કાર્ય થતાં. આમ છતાં દેશમાં ચાલી રહેલા સ્વાતંત્ર્ય આંદોલનને સાથ આપવા પ્રજામંડળ બન્યું. ગાયકવાડ અને અંગ્રેજોને ડર હતો કે ભલે આ લોકો દેશ માટે વાતો કરે પણ છેલ્લે સ્વતંત્રતા આંદોલનની અસર અમારા રાજ્ય પર આવશે.

ગાયકવાડ રાજ્ય પ્રજામંડળ માટે ખાસ ઉદાર હતું નહીં, પોતાના અધિકારીઓ માટે કડકાઈ રાખી હતી. કોઈ પણ અધિકારીઓએ અધિવેશનમાં જવું નહીં, ઇવન નિવૃત્ત અધિકારી જશે તો પેન્શન રોકવામાં આવશે સુધી દબાણ લાવવામાં આવ્યા હતા. પ્રારંભમાં એવું માનવામાં આવતું હતું કે પ્રજામંડળનો હેતુ રાજા અને પ્રજા વચ્ચે સેતુ બનીને પ્રજાલક્ષી કાર્ય કરવાનો હતો.

ગાયકવાડ શાસનમાં પહેલી પ્રજામંડળની મિટીંગ નવસારી ખાતે તા.31 ડિસેમ્બર, 1916ના થઇ હતી. આ અધિવેશનમાં સ્વાગત પ્રમુખ તરીકે પેસ્તનજી ફરામજી દાબુ હતાં અને અધિવેશનના પ્રમુખ તરીકે હરગોવિંદદાસ કાંટાવાળાએ જવાબદારી નિભાવી હતી. પહેલાં અધિવેશનમાં વીસ ઠરાવો પસાર થયા હતાં. વડોદરા રાજ્યની કડક નજર અધિવેશન પર હતી, આ અધિવેશનમાં સયાજીરાવ ગાયકવાડના દીર્ઘાયુ માટે એક ઠરાવ પસાર થયો હતો. વડોદરા ખાતે બીજું અધિવેશન થતાં પ્રજામંડળનો રંગ બદલાવા લાગ્યો. તા. 25 મે, 1918 વડોદરા થયેલા અધિવેશનમાં સ્વાગત પ્રમુખ તરીકે મગનભાઈ હરિભક્તિએ જવાબદારી નિભાવી હતી. આ અધિવેશનના પ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ પટેલ પધાર્યા હતાં. વિઠ્ઠલભાઈ પટેલની હાજરી થકી વડોદરા પ્રજામંડળમાં ઉત્સાહ અને જોમ આવ્યા હતાં. વિઠ્ઠલભાઈ પટેલે ખોંખારો ખાઇને રાજાઓ પર પ્રહાર કરતાં કહ્યું કે, દેશી રાજાઓએ પોતાના અધિકાર ઓછા કરીને પ્રજાના હાથમાં શાસન આપવું જોઈએ. સ્થાનિક સંસ્થાઓ તથા પંચાયતોને વધારે હક્ક મળવા જોઈએ. સૌથી મહત્ત્વની વાત આવી કે જનજાગૃતિ માટે દારૂના વેચાણ પર અંકુશ થવો જોઈએ. બીજા અધિવેશન થકી પહેલીવાર ગાયકવાડ શાસનને ટેન્શન થયું હશે. સરવાળે પહેલીવાર દેશમાં રાજાઓના તંત્ર સામે પ્રજાતંત્રની વાત થઇ.જે વ્યક્તિ પ્રેમલગ્નને કાયદેસર કરવાની વાત કરે છે એ જ વ્યક્તિ દારૂબંધી માટેની વાત કરે છે, સરવાળે એ સમયના બહુમતી વિચારો વચ્ચે પોતાની વાતને બિનધાસ્ત કહેવામાં વીર વિઠ્ઠલભાઈ પટેલ ક્યારેય કોઇની સાડાબારી રાખતા નહીં.

હા, વાત નીકળી છે તો પૂરી કરીએ. વડોદરા પ્રજામંડળનું પંદરમું અધિવેશન તા.28 ઓક્ટોબર,1938ના રોજ ભાદરણ ખાતે યોજાયું હતું. ભાદરણ અધિવેશનને મહત્ત્વનું માનવામાં આવે છે, આ અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલ અધ્યક્ષ હતાં. આ અધિવેશનમાં સરદારે પોતાના મિત્ર હોવા છતાં સયાજીરાવ ગાયકવાડની સત્તા સંબંધિત એક વાત કહી હતી કે નાલાયકમાં નાલાયક સમુદાય પણ પ્રજાતંત્રની માંગ કરે તો તે મળવું જોઈએ. આ અધિવેશનમાં પણ સરદારે રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ, રોજ સરદારના મેસેજ વાંચીએ છીએ. આશા રાખીએ કે સરદારની દારૂબંધીની વાતો પણ માનીશું.

ગમતા સત્ય પર રાવણે દક્ષિણ ભારતના કંબન રામાયણમાં અદ્ભુત જ્ઞાન આપ્યું છે. ભગવાન રામે પોતાના ભાઇ લક્ષ્મણને મૃત્યુ સમીપે જતાં રાવણ પાસે જ્ઞાન મેળવવા
મોકલ્યો. રાવણે લક્ષ્મણને મરતી વેળા જ્ઞાન આપ્યું હતું કે માણસજાતને ધર્મ સાથે કોઈ વાત સાથે લેવાદેવા નથી, એ ફક્ત ગમતા સત્યને પ્રેમ કરે છે. મહાન નેતાઓ બાબતે પણ આ સત્ય છે. માનવજાત પોતાને હોશિયાર માને છે પણ મહાનુભાવોની અને શાસ્ત્રોમાં જે વાતો કહી છે એમાંથી ગમતું સત્ય શોધવામાં આનંદ આવે છે. સરદાર અને વિઠ્ઠલભાઈની વાતો કરવી ગમે છે પણ એમના વિચારોના અમલ માટે ખાસ જાગૃતિ નથી.
વિઠ્ઠલભાઈ પટેલ જ્યારે આંતરજ્ઞાતિય લગ્ન માટે સ્ત્રીઓના હિતમાં દુનિયા સામે લડવા તૈયાર થયા એ જ રીતે જ્ઞાતિના વિષ માટે પણ સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા હતાં. આ વાતને સમર્થન આપતા મહાત્મા ગાંધીએએક ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું, ગાંધીજી એ કહ્યું હતું કે “વર્ષ 1917માં ગોધરામાં યોજાયેલા અધિવેશનમાં વિઠ્ઠલભાઈના કાર્યને હું આજીવન યાદ રાખીશ. રાજનીતિના અધિવેશન સાથે સામાજિક જનજાગૃતિ માટે પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એક પ્રસ્તાવ દલિત સમાજના ઉત્કર્ષ માટે હતો. કાર્યક્રમમાં દલિત સમાજની હાજરી નહિવત્‌‍ હોવાને કારણે ઠરાવ દલિત સમાજના રહેઠાણ વિસ્તારમાં જઇને પસાર કરવો જોઈએ, એવું મેં સૂચન કર્યું.

રાત્રે દલિત સમાજના વિસ્તારમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. આ સ્થળ પર એક દાઢીધારી વ્યક્તિ વિશિષ્ટ લાગતી હતી. લાંબી કફની, ધોતી અને સાધુઓ પહેરે એવી કાન ટોપી પહેરી હતી. વિઠ્ઠલભાઇને આ ડે્રસમાં જોયા પછી અમે બંને ખૂબ હસ્યા. લોકો સાથે એકરસ થવા માટે વિઠ્ઠલભાઈની આ સેન્સ મને ખૂબ ગમી. વિઠ્ઠલભાઈ પટેલના મનમાં ક્યારેય માનવ માનવ વચ્ચે ભેદ જોયો નથી. તેઓ માનતા કે છેવાડાની વ્યક્તિને પણ નાગરિક તરીકે તમામ અધિકારો મળવા જોઈએ…”

વિઠ્ઠલભાઈ પટેલ ધારાસભાના અધ્યક્ષ હતાં, ત્યારે 3625 રૂપિયા ભથ્થું મળતું. પોતાનો ખર્ચ બે હજાર રૂપિયા થતો. વિઠ્ઠલભાઈ પટેલે ગાંધીજીને 10 મે, 1926 ના રોજ પત્ર લખીને કહ્યું હતું કે મારી પાસે 1625 રૂપિયા વધે છે, આ પૈસા તમને મોકલતો રહીશ. આ પૈસા તમારા અધિકારમાં રહેશે, જરૂર પડે સૂચન કરીશ અને તમારી રીતે ખર્ચ કરજો. ધારાસભાનું ઘડતર, આયુર્વેદ, માનવ અધિકાર સહિત અસંખ્ય સુધારાઓ માટે વિઠ્ઠલભાઈ પટેલ આપણી સ્મૃતિઓમાં રહેવાના…

ધ એન્ડ : આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે સરહદી વિવાદ થતાં આયર્લેન્ડના નેતા ડી.વેલેરાએ મધ્યસ્થી તરીકે વિઠ્ઠલભાઈ પટેલનું નામ સૂચન કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…