ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ ટ્રમ્પને હવે ‘ચોખા’ નડ્યા! ભારતને શો ફેર પડશે?

નિલેશ વાઘેલા

‘પેટમાં તેલ રેડાવું,’ જાણીતી ઉક્તિ છે. એ જ રીતે ‘પેટમાં ચોખા પડવા’, એ શબ્દપ્રયોગ પણ છે, જે યુએસ પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પે યાદ અપાવ્યો છે. અમેરિકા અને ભારતના વ્યાપાર સોદામાં સરકાર તરફથી મહિનાઓથી ‘ટૂંક સમય’નો આલાપ ચાલે છે, પરંતુ કોઇ અંતિમ સૂર સંભળાતો નથી, જેનું એક કારણ અમેરિકાની આડોડાઇ છે.

ટ્રમ્પ વાસ્તવમાં ખેડૂત વોટબેન્કને રાજી કરવા અથવા તેઓ નારાજ ના થાય એ માટે આ બધા ધમપછાડા કરી રહ્યા છે. વાત મકાઇની હોય કે મિલ્કની, કે હવે ચોખાની! અમેરિકાની દાનત ભારતીય કૃષિ ક્ષેત્રને નુકસાન પહોંચાડવાની છે. મકાઇ અને મત બેન્ક વિશે આપણે પાછલા લેખોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, આજે ચોખાનો વઘાર કરીએ.

સૌથી પહેલા જાણી લઇએ કે, ભારત ચોખાની વૈશ્વિક નિકાસમાં ટોચનું સ્થાન ધરાવે છે, ભારતે નાણાકીય વર્ષ 2024-25માં લગભગ 198.65 લાખ ટન (આશરે 19.86 મિલિયન ટન) ચોખાનું શિપિંગ કર્યું છે.

આપણ વાચો: કવર સ્ટોરીઃ ડ્રેગનને ડરાવાની ડોનલ્ડની દમદાટીથી ભારતને શું લાભ?

નિકાસ બાસ્કેટમાં બાસમતી અને પ્રીમિયમ એરોમેટિક ચોખા ઉપરાંત પારબોઇલ્ડ, નોનબાસમતી વ્હાઇટ, બ્રોકન અને અન્ય જાતોનો સમાવેશ થાય છે, જે ક્ષેત્રની વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. મૂલ્યની દ્રષ્ટિએ, આ નિકાસ 12.95 અબજ ડૉલરને વટાવી ગઈ છે, જે ભારતને વિશ્વમાં સૌથી મોટા ચોખા નિકાસકાર તરીકે સ્થાન આપે છે.

ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ચોખાની આયાત પર નવા ટૅરિફના સંકેતથી ભારતીય બજારોમાં ભારે આંચકો લાગ્યો હતો, જેના કારણે શેરબજારમાં રાઇસ સ્ટોકના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. આમ જોવા જઇએ તો ભારત માટે અમેરિકા એક નાનું નિકાસ બજાર છે, પરંતુ આ પગલું આગામી દ્વિપક્ષીય વાટાઘાટો પહેલા સંભવિત ઘર્ષણનો સંકેત આપે છે.

નોંધવું રહ્યું કે, ચોખા સંદર્ભે ભારતની વૈશ્ર્વિક નિકાસ સ્થિતિ આવા વિક્ષેપો સામે મજબૂત સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે. ભારતીય ચોખા પર યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના નિવેદનને કારણે અર્થનિષ્ણાતોએ આશ્ચર્ય અનુભવ્યું હતું અને એ વખતે તેની અસર શેરબજારમાં રાઇસ એક્સ્પોર્ટીંગ કંપનીઓના શેર પર પણ જોવા મળી હતી.

આપણ વાચો: ક્લોઝ અપ: ડોનલ્ડ ટ્રમ્પ ટૅરિફ પર ટૅરિફ…’ પછી અજમાવે છે

ટ્રમ્પ દ્વારા ભારતીય ચોખાની આયાત પર બીજા રાઉન્ડના ટેરિફની શક્યતાનો સંકેત અપાવાથી, રોકાણકારોને ભારતીય ચોખા માટે અમેરિકન બજારમાં વિક્ષેપની આશંકા જાગતા કોહિનૂર ફૂડ્સ, એલટી ફૂડ્સ, કેઆરબીએલ અને ચમન લાલ સેટિયા એક્સપોર્ટ્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વ્હાઇટ હાઉસની બેઠકમાં ટ્રમ્પે એવો પ્રશ્ર્ન કર્યો કે ભારતને વધારાની ડ્યૂટીનો સામનો કર્યા વિના યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટા પ્રમાણમાં ચોખા મોકલવાની ‘મંજૂરી’ કેમ આપવામાં આવી છે? ભારતીય ચોખાના શિપમેન્ટને ડમ્પિંગ ગણાવી એવું સૂચવ્યું કે નવા ટેરિફ ટેબલમાં ભારતીય ચોખા મૂકાઇ શકે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘તેઓ એવું કરી ના શકે! (ભારતીયો અમેરિકામાં ચોખાનું ડમ્પિંગ ના કરી શકે!)… તેમણે ડમ્પિંગ ન કરવું જોઈએ. અમેરિકન ખેડૂતો લાંબા સમયથી ભારત, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી આયાતને કારણે ભાવમાં ઘટાડો થવાની ફરિયાદ કરી રહ્યા છે.

ભારતમાં તાત્કાલિક બજાર પ્રતિક્રિયા નકારાત્મક રહી હતી, ખાસ કરીને બાસમતી ચોખાની નિકાસમાં સંકળાયેલી કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રમ્પની ટિપ્પણી અમેરિકન ખેડૂતો માટે 12 બિલિયન ડૉલરના સપોર્ટ પેકેજના લોન્ચ સાથે સુસંગત હતી, જે સ્થાનિક કૃષિને કથિત વિદેશી સ્પર્ધાથી બચાવવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

અમેરિકા ભારતના ચોખા નિકાસ બજારનો માત્ર એક નાનો હિસ્સો હોવા છતાં વધારાના ટેરિફના ભયથી નિકાસકારો અને રોકાણકારો બંને માટે અનિશ્ર્ચિતતા ઊભી થઈ છે. અમેરિકાએ પહેલી ઓગસ્ટથી ભારતીય માલ પર 25 ટકા ટૅરિફ લાદ્યો હતો, ત્યારબાદ ભારત દ્વારા રશિયન ઓઇલની સતત ખરીદીને ટાંકીને 25 ટકાનો વધારાનો ઠોકી દેવામાં આવ્યો હતો. ટ્રમ્પે તાજેતરમાં મજબૂરીમાં અમેરિકાના વધતા ભાવોનો ઉકેલ લાવવા માટે ભારતમાંથી આયાત થતાં તેજાના અને ચા સહિત ઘણી ખાદ્ય ચીજો પર ટૅરિફ ઘટાડ્યા હતા. જોકે, ટેરિફ ઘટાડાની યાદીમાં બાસમતી ચોખાનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.

મજબૂત ચોમાસા, બિન-બાસમતી જાતો પર નિકાસ પ્રતિબંધો દૂર કરવા અને વૈશ્વિક બજારોમાં સ્પર્ધાત્મક ભાવ નક્કી કરવાની દેશની ક્ષમતાને કારણે આ ક્ષેત્રના વિકાસને વેગ મળ્યો છે. ભારત વૈશ્વિક ચોખાની નિકાસમાં લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે, જે આ ક્ષેત્રને તેની કૃષિ વેપાર ઓળખનો આધારસ્તંભ બનાવે છે. આ સ્કેલ અને વિવિધતા ભારતને તેના ચોખાના નિકાસ પોર્ટફોલિયોની એકંદર શક્તિને જોખમમાં મૂક્યા વિના ચોક્કસ બજારોમાં આંચકા સહન કરવાની ક્ષમતા આપે છે.

જ્યારે બાસમતી ચોખા પર તેની પ્રીમિયમ સુગંધ અને મૂલ્ય માટે નોંધપાત્ર ધ્યાન આપવામાં આવે છે, ત્યારે બિનબાસમતી ચોખા તેના ભાવ અને ગુણવતાને કારણે ભારતની નિકાસનો નોંધપાત્ર ભાગ બનાવે છે. 2024-25માં, ભારતે આશરે 60.65 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી, જેની કિંમત લગભગ રૂ. 50,312 કરોડ (5.87 બિલિયન) હતી. આમાંથી મોટાભાગની શિપમેન્ટ પરંપરાગત મધ્ય પૂર્વીય બજારોમાં જાય છે, જેમાં સાઉદી અરેબિયા, ઇરાક, યુએઈ અને ઈરાનનો સમાવેશ થાય છે.

નોન બાસમતી ચોખા પરના નિકાસ પ્રતિબંધો અને ભાવ સ્તર દૂર કરવાના ભારતના નિર્ણયથી નિકાસકારોને આફ્રિકા, દક્ષિણપૂર્વ એશિયા અને લેટિન અમેરિકાના કેટલાક ભાગોમાં ભાવ-સંવેદનશીલ બજારોમાં સ્પર્ધા કરવાની તાકાત હાંસલ થઇ છે.

વિવિધ જાતો અને ભૌગોલિક ક્ષેત્રોમાં આ વૈવિધ્યકરણ સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે. ચોખાની નિકાસ સ્વસ્થ દરે વધી રહી છે અને દેશ ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, યુકે અને મેક્સિકો સહિત 26 વૈશ્ર્વિક બજારોમાં શિપમેન્ટ વધારવા માગે છે. અપેડાના પ્રવકતાએ ઓક્ટોબરમાં જણાવ્યું હતું. ભારત વિશ્ર્વના સૌથી મોટા ચોખા ઉત્પાદકો અને નિકાસકારોમાંનો એક છે, જે 172થી વધુ દેશોમાં સપ્લાય કરે છે.

ભારતે 2024-25માં લગભગ 47 મિલિયન હેક્ટરમાંથી લગભગ 150 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કર્યું હતું, જે વૈશ્ર્વિક ઉત્પાદનના લગભગ 28 ટકા જેટલું હતું. સુધારેલા બિયાંરણની જાતો, સારી કૃષિ પદ્ધતિઓ અને વિસ્તૃત સિંચાઈ કવરેજને કારણે સરેરાશ ઉપજ 2014-15માં પ્રતિ હેક્ટર 2.72 ટનથી વધીને 2024-25માં પ્રતિ હેક્ટર લગભગ 3.2 ટન થઈ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button