ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા: ડબલા સર્વિસના ડબ્બા ગૂલ

  • હેન્રી શાસ્ત્રી

લેન્ડલાઈન તો આધુનિક જમનાનો શબ્દ છે. 50 – 60 વર્ષ પહેલાં ઘરે ટેલિફોનનું કનેક્શન આવતું ત્યારે ’ઘરે ડબલું બેસાડી ગયો છે’ એમ સંદેશો ફરી વળતો. ઘણા લોકો મજાકમાં મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ)ને – લેન્ડલાઈન ટેલિફોન સર્વિસને ‘ડબલા સર્વિસ’ તરીકે પણ ઓળખતા. જોકે, આ સર્વિસ વારંવાર બગડી જવાથી ફોન ડેડ (કામ કરતો બંધ) થઈ જવાથી MTNL ના પ્રથમ અક્ષર લઈમારો ટેલિફોન નથી લાગતો એવી હાંસી પણ ઉડાડવામાં આવતી હતી. જોકે, મોબાઈલ સર્વિસ સાવ સસ્તી થઈ ગઈ હોવાથી આપણા દેશમાં તો લેન્ડલાઈનનું અનેક જગ્યાએ ઊઠમણું થઈ ગયું છે. ફાઈબર અને ડિજિટલ વોઈસના વધી રહેલા વ્યાપને કારણે યુકેમાં 4600 ટેલિફોન એક્સચેન્જનેતાળું લાગી જશે એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પૈકી સૌથી જૂનું ડેડીન્ગટન ટેલિફોન એક્સચેન્જ પહેલી ડિસેમ્બરથી બંધ કરવામાં આવ્યું છે. નવી સર્વિસમાં કોપર વાયરને બદલે ફાઈબરનો ઉપયોગ કરવામાં આવશે. આ ફેરફારથી વાયરિંગ અને અન્ય સાધનો રાખવાની જગ્યામાં ખાસ્સી બચત થશે અને લેન્ડલાઈનના 4600 એક્સચેન્જની સામે ફક્ત 1000 સુપર ડિજિટલ એક્સચેન્જની જરૂર પડશે. આ બદલવાથી નેટવર્કનું ભવિષ્ય વધુ કાર્યક્ષમ બનશે એ હૈયાધારણ આપવામાં આવી છે.

યુદ્ધથી ભાગ્યો, પણ મલ્લ યુદ્ધમાં દેશનું નામ કર્યું રોશન…

140 કિલોગ્રામ વજનના પાંચ ફૂટ સાડા અગિયાર ઈંચની ઊંચાઈ ધરાવતા યુક્રેનના 21 વર્ષના પહેલવાન આઓનિશ્ચિએ જાપાનીઝ કુસ્તી તરીકે ઓળખ આપી શકાય એવા ‘સુમો’ના મુકાબલામાં પ્રતિસ્પર્ધીને ધૂળ ચાટતો કરી 25 કિલો વજનની ટ્રોફી ઊંચકી ત્યારે પહેલીવાર અંતરમાંથી ગ્લાનિ દૂર થઈ હોવાનું તેણે મહેસૂસ કર્યું હશે.

યુક્રેનમાં જન્મેલા આઓનિશ્ચિએ સાત વર્ષની ઉંમરથી જ સુમોની તાલીમ લેવાનું શરૂ કરી 15 વર્ષની ઉંમરે જાપાનમાં આયોજિત જુનિયર વર્લ્ડ સુમો ચેમ્પિયનશિપમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. સુમો જગતમાં છવાઈ જવાના એના અરમાન હતા. જોકે, 2022માં રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણમાં આઓનિશ્ચિ ટ્રેઈનિંગ લેતો હતો એ રેસલિંગ સેન્ટર જમીનદોસ્ત થઈ ગયું. અનેક એથ્લિટના પરિવાર દેશ છોડી નાસી ગયા અને કુસ્તીના કરિયર પર પૂર્ણવિરામ ન મુકાઈ જાય એ માટે જુનિયર સુમો પહેલવાનનો પરિવાર જર્મની પહોંચ્યો. સુમો માટેની લગનને કારણે થોડા જ સમયમાં આઓનિશ્ચિએ જાપાન પહોંચી સુમોની સઘન તાલીમ લીધી. વિવિધ સ્પર્ધા જીતી સફળતાની સીડી ચડી ઉચ્ચ સ્તરની સ્પર્ધામાં વિજેતાપદ મેળવ્યું છે. સુમોના સર્વોચ્ચ ટાઈટલ જીતવાના અરમાન સાથે મલ્લએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ‘હું આશા રાખું છે કે સુમોમાં મારી પ્રગતિ જોઈ યુક્રેનવાસીઓને પ્રેરણા મળશે.’

સર્વકાલીન ‘સત્યના પ્રયોગો’ની સદી

મહાત્મા ગાંધી આજે અપ્રસ્તુત છે એવો દાવો ભલે કરવામાં આવતો હોય, ગાંધીજી એક વ્યક્તિ નથી, એક વિચાર છે એ સર્વ સ્વીકાર્ય બાબત છે. ગાંધીજીના બાળપણથી 51 વર્ષના થયા ત્યાં સુધીના તેમના જીવનકાળ સુધીની લખેલી જીવનકથા એટલે ‘મારા સત્યના પ્રયોગો.’ અલબત્ત, આ પુસ્તકમાં તેમનાજીવનમાં અત્યંત મહત્ત્વ ધરાવતાં છેલ્લાં 27 વર્ષ આવરી નથી લેવાયાં તેમ છતાં એ એટલી સત્ત્વશીલ છે કે વિશ્વભરમાં પ્રગટ થયેલી આત્મકથામાં આગલી હરોળમાં સ્થાન ધરાવે છે.

29 નવેમ્બર 1925માં ’સત્યના પ્રયોગો’નો પ્રથમ હપ્તો પ્રગટ થયો હતો એ નિમિત્તે ‘નવજીવન ટ્રસ્ટ’ દ્વારા એની તસવીર અને એક નાનકડું લખાણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે . જે એમનાજ શબ્દોમાં જાળવી રાખ્યું છે…

મહાત્મા ગાંધીજી લિખિત ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ પહેલી વખત ભાવકો સમક્ષ પહોંચી એ વાતને આજે 100 વર્ષ થયા! 29 નવેમ્બર 1925ના રોજ ‘નવજીવન’ સામયિક કે જેના તંત્રી ગાંધીજી હતા એ મેગેઝિનમાં હપ્તાવાર બાપુની આત્મકથા પ્રગટ થઈ હતી. વિશ્વની અનેક ભાષામાં અને 22 જેટલી ભારતીય ભાષામાં ઉપલબ્ધ આ પુસ્તક અનેક યુનિવર્સિટી અને કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. 100 વર્ષ પછી પણ ગાંધીજીનો શબ્દ અખંડ જ્યોત સરીખું અજવાળું પાથરે છે. ગાંધીમૂલ્ય અને ગાંધીવિચાર શાશ્વત છે.

ધૂળ ખંખેરતા લોટરી લાગી

નસીબ આડેનું પાંદડું કેમ અને ક્યારે ખસી જાય એની કોઈ વ્યાખ્યા કે ગણિત નથી હોતાં. ગલી ગોતવા નીકળ્યા હોઈએ અને હાઈ-વે પર પહોંચી જવાય એવું પણ બને. યુકેનો આ કિસ્સો આ સંભાવનાનું સમર્થન કરે છે. ઓક્સફર્ડશાયરમાં કેટલાંક વર્ષથી એક ઘરમાં રહેતા શખ્સને ગેરેજમાં ધૂળ ઝાપટતાં એક પેઈન્ટિંગ હાથ લાગ્યું અને નસીબ આડેનું પાંદડું જ નહીં આખેઆખું જાણે જંગલ જ ખસી ગયું. ઓક્સફર્ડ યુનિવર્સિટી માટે પ્રખ્યાત આ કાઉન્ટીના રહેવાસીએ કેટલાક વર્ષ પહેલા પેન્ટિંગ ખરીદી ગેરેજમાં મૂકી દીધું હતું. પેન્ટિંગ્સની નિલામીની જાણ થતા ભાઈસાહેબને કલાકૃતિની રોકડી કરી લેવાનો વિચાર આવ્યો. એ કોઈ સાધારણ પેઈન્ટિંગ નહોતું, ઈટલીના લિયોનાર્દો દ વિન્ચીજેવી નામના મેળવનારા પીએટોવેનુચીની કલાકૃતિ હતી. વેચાઈ ગયું હોવાનો હથોડો વાગ્યો ત્યારે ખરીદનારે ઓફર કરેલી કિંમત જોઈને અનેક મોઢાં આશ્ર્ચર્યથી પહોળા થઈ ગયા. 500 વર્ષ જૂનું આ પેન્ટિંગ એક કલાપ્રેમીએ 6 લાખ 85 હજાર પાઉન્ડ (આશરે 8 કરોડ રૂપિયા) માં પોતાનું કરી લીધું. વેટિકન સિટીના ધર્મસ્થાનની દીવાલો પર પેઈન્ટિંગ કરવાની જવાબદારી નિભાવનારા પેન્ટરની કલાકૃતિએ ઈતિહાસ રચી એક વ્યક્તિને આર્થિક સમૃદ્ધિના શિખર પર બેસાડી દીધી!

લ્યો કરો વાત!

પુરુષાર્થ વિના પ્રારબ્ધ સાથ ન આપે. ઊંઘણશીનું ભાગ્ય પણ બગાસા ખાતું હોય એવું કહેવાય છે. આ માન્યતાને સાચી ઠેરવતાઅનેક ઉદાહરણ છે. જોકે, તાજેતરમાં ચીનમાં ઊલટી ગંગા વહેતી જોવા મળી હતી. મેટ્રેસ બનાવતી એક કંપનીએ પ્રમોશન માટે એક આડા પડી રહેવાની એક કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. નિયમો કડક હતા જેમકે ઊઠવા -બેસવાની મનાઈ, ટોયલેટ જવા પર પ્રતિબંધ, પડખું ફરવાની છૂટ, ખાવાનું પણ સૂતા સૂતા. પુસ્તક વાંચવાની, મોબાઈલ ચલાવવાની પરવાનગી હતી. 240 જણ સ્પર્ધામાં ઉતર્યા હતા અને છેલ્લે છેલ્લે સ્પર્ધા મુશ્કેલ બનાવી બચેલા ત્રણ સ્પર્ધકને હાથ – પગ ઊંચા રાખી સુવા કહ્યું. અંતે ગર્લફ્રેન્ડના આગ્રહથી સ્પર્ધામાં ઉતરેલા 23 વર્ષના યુવકે 33 કલાક અને 35 મિનિટ આડેપડખે રહી સ્પર્ધા જીતી લીધી. એને ઈનામ પેટે 3000 યુઆન (આશરે 38 હજાર રૂપિયા) મળ્યા.

જોકે 33 કલાક સુધી આડેપડખે પડી રહેવાની સરખામણીએ મળેલી ઈનામની આ રક્મ ઘણી ઓછી ગ્ણાય !

આપણ વાંચો:  ભ્રષ્ટાચારના ગ્રહણે લાલુના ‘ફાનસ’ને ઝાંખું પાડી દીધું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button