મગજ મંથન : સફળતાની સીડીનાં ત્રણ પગથિયાં: પ્રેરણા-પ્રોત્સાહન ને પ્રયાસ

-વિઠ્ઠલ વઘાસિયા
સફળતા – પ્રેરણા, પ્રોત્સાહન, પ્રયાસ
જીવનમાં સફળતા મેળવવા માટે ઘણા ઘટકો જવાબદાર હોય છે, તેમાં પણ એમાં આ ત્રણ મહત્ત્વનાં છે: પ્રેરણા (Inspiration), પ્રોત્સાહન (Encouragement)ં અને પ્રયાસ (Effort)ં.
આ ત્રણે શબ્દો જેટલા સરળ લાગે છે તેટલાં જીવનના ઊંડાણમાં જઈને સફળતા તરફ દોરી જાય છે. આ ત્રણેય ગુણ કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વને ઘડવામાં અને તેના જીવનને નવી દિશા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આપણ વાંચો: મગજ મંથન : ખુશ રહેવું છે? એના માટે પૂર્વ શરત છે સકારાત્મક વિચાર…
- પ્રેરણા
પ્રેરણા એ એક એવી અંદરથી ઊગતી શક્તિ છે, જે કોઈ વ્યક્તિને ઊર્જાથી ભરપૂર બનાવી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં કંઈક મોટું કરવાનું વિચારે છે ત્યારે તેનું મૂળ બિંદુ હોય છે એને મળેલી પ્રેરણા.
આ પ્રેરણા ગ્રંથો વાંચવાથી, મહાન વ્યક્તિઓની આત્મકથા દ્વારા, ગુરુઓના ઉપદેશથી, કે જીવનમાં સંઘર્ષ કરતી વ્યક્તિઓને જોઈને પણ મળી શકે છે. ઉદાહરણ તરીકે, મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયા જતા હતા ત્યારે એમની પાસે પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં રેલવેના ટીટી એમને ધક્કો મારીને નીચે ઉતારી દે છે.સામાન ફેંકી દે છે.
આ ગોરા- કાળાના ભેદની ઘટના પછી ગાંધીજી ત્યારે જ મનોમન પ્રતિજ્ઞા કરે છે કે આ અન્યાય થતો અટકાવવા જરૂર મથામણ કરીશ. આ કાળા કાયદા સામે હું બંડ પોકારીશ.આ ઘટનામાંથી ગાંધીજીએ અંગ્રેજો સામે લડવાની પ્રેરણા મેળવી. એ પ્રેરણાએ જ એમને સમગ્ર દેશના નેતા બનાવી દીધા.
તેવી જ રીતે ડો. એ.પી.જે.અબ્દુલ કલામ પોતાના ગુરુ સુબ્રમણ્યમ ઐયર પાસેથી મળેલી પ્રેરણાથી વિજ્ઞાન ક્ષેત્રે એરોનોટિકલ એન્જિનિયર બન્યા.આગળ જઈને દેશના રાષ્ટ્રપતિ પણ બન્યા.
આપણ વાંચો: મગજ મંથન : અહંકાર માણસની દ્રષ્ટિને આંધળી બનાવી દે છે…
સ્વામી વિવેકાનંદ બાળપણમાં જ્યારે રામકૃષ્ણ પરમહંસને મળ્યા ત્યારે એમની નિષ્કપટ ભક્તિ, જ્ઞાન અને સાધનાને જોઈને એમણે ધાર્યું કે, ‘મારું જીવન પણ સમાજ સેવા અને આત્મજ્ઞાન માટે સમર્પિત કરવું છે.’ અંદરથી મળેલી આ પ્રેરણાએ વિવેકાનંદને એટલી ઊંચાઈએ પહોંચાડ્યા કે એ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના આગવા પ્રતિનિધિ બની ગયા.1893ની શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં તેઓના ભાષણમાંથી પૂરી દુનિયાએ ભારતીય ચિંતનનું મહાત્મ્ય જાણ્યું.
પ્રેરણા એ આંતરિક ચેતનાનું સૂત્ર છે. તે કોઈને કહ્યા વિના વ્યક્તિને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકે છે, પણ માત્ર પ્રેરણા પર્યાપ્ત નથી, તે આગળ જવા માટે દિશા સૂચક માઈલ સ્ટોન છે, માર્ગ નહીં!
આપણ વાંચો: મગજ મંથન : પ્રવૃત્તિ વગરનું જીવન એક પડછાયા જેવું છે, નજરે પડે પણ એ જીવંત નથી…
- પ્રોત્સાહન – આત્મવિશ્વાસનો આધારસ્તંભ
પ્રેરણા જેટલી આંતરિક હોય છે તેટલું જ પ્રોત્સાહન બાહ્ય હોય છે. પ્રોત્સાહન આપણે પરિવારજનો, મિત્રો, શિક્ષકો કે સમાજ તરફથી પ્રાપ્ત કરીએ છીએ. જ્યારે કોઈ યુવાન કે બાળક મોટું સપનું જોવે છે, ત્યારે એના માતા-પિતા, શિક્ષકો અથવા મિત્રોએ એને માર્ગદર્શન આપવું પડે છે, ઊંડા ખાડામાં પડતાં પહેલા ચેતવવું પડે છે.
એ હેતુ પૂરતું મળતું પ્રોત્સાહન એ બાળકને મજબૂત બનાવે છે. માણસ કઈક નવું શરૂ કરે ત્યારે પહેલા તબક્કે ઘણા પ્રશ્નો, ડર અને શંકાઓ હોય છે. તે સમયે કોઈ એક સાચો શબ્દ કે વાક્ય – ‘તમે કરી શકો છો!’ ‘આપનો પ્રયાસ સરાહનીય છે!’ ‘હું છું ને તમારી સાથે!- વ્યક્તિના આત્મવિશ્વાસને મજબૂત બનાવી શકે છે.
આપણ વાંચો: મગજ મંથન : અક્કલ + આવડત + અનુભવ = સફળ જિંદગીની ગુરુચાવી
પ્રોત્સાહન એ તોફાનમાં હાલક ડોલક થતી નૌકાનાં લંગર સમાન છે. શાબાશી આપતો કોઈ એક હાથ વ્યક્તિને નવી ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે. ઘણી વખત કશું ન કરી શકનાર લોકો પણ માત્ર બીજાએ આપેલા પ્રોત્સાહનથી પહાડ પાર કરી શકે છે.
હેલેન કેલર જન્મના થોડા સમય બાદ અંધ અને બહેરાં બની ગયાં હતાં.તેમ છતાં એમની શિક્ષિકા એન સાલિવનના સતત પ્રોત્સાહન,સહાનુભૂતિ અને દ્રઢતાથી હેલેન કેલરે વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી, પુસ્તકો લખ્યાં અને દલિતો માટે કામ કર્યું.
જો એન સાલિવનએ હેલેનમાં આશા ન જન્માવી હોત કે આશીર્વાદ ન આપ્યા હોત તો કદાચ હેલેન કેલરને આખું જીવન સંકેતો વિના જીવવું પડ્યું હોત. પ્રોત્સાહનના આ એક સંઘર્ષમય ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે પ્રોત્સાહનના શબ્દો જીવન બદલી શકે છે.
આપણ વાંચો: મગજ મંથન : દફતરના ભાર સિવાય બીજો ઘણો બધો ભાર વિદ્યાર્થી ઉપર છે
- પ્રયાસ
કોઈ પણ પ્રકારની પ્રેરણા કે પ્રોત્સાહન વ્યર્થ છે, જો વ્યક્તિ તે દિશામાં પ્રયત્ન ન કરે તો…! જીવનમાં સફળતા મેળવવી હોય તો પ્રયત્નો અનિવાર્ય છે. પ્રયત્ન એ સતત શ્રમ છે. એક દિવસનો નહીં, પણ સતત પ્રયત્ન.ઘણાં મહાન વૈજ્ઞાનિકો, સર્જકો કે ઉદ્યોગપતિઓનું જીવન જોઈએ તો તેઓ અનેક નિષ્ફળતાઓ પછી પણ સતત પ્રયત્નશીલ રહ્યા છે.
થોમસ એડિસન આલ્વા વીજળીનો બલ્બ શોધવા માટે એક હજાર વખત નિષ્ફળ રહ્યા હતા, છતાંય ક્યારેય હાર માની નહોતી. એ કહેતા : not failed 1000 times,I have successfully discovered 1000 ways that do not work.’
એમના અવિરત પ્રયાસને લીધે આજે આખું વિશ્વ પ્રકાશિત છે. એડિસનનું જીવન આપણને શીખવે છે કે, ‘સંનિષ્ઠ પ્રયાસો આગળ કોઈ અવરોધ ટકી શકતો નથી.’
પ્રયાસ એક એવું શક્તિશાળી યંત્ર છે, જેના વગર સફળતાનો દરવાજો ખૂલતો નથી. પ્રયત્ન વગર આપણું એક પગલું પણ આગળ વધતું નથી. માત્ર વિચારવાથી કશું થતું નથી, તેને હકીકતમાં બદલવા માટે પગ ઉપાડવા પડે.
આમ, પ્રોત્સાહન એ પાંખો છે અને પ્રયત્ન એ પાયા છે. જો માત્ર પ્રેરણા હોય અને પ્રયત્ન ન હોય તો વિચાર અધૂરો રહે. જો પ્રયત્ન હોય પણ કોઈનો ટેકો કે પ્રોત્સાહન ન હોય તો માર્ગ કાપવો આકરો બને. અને જો પ્રયત્ન હોય પણ અંદરથી ચેતના જ જાગે નહીં તો સફર નિર્જીવ લાગે.
આ રીતે ત્રણેય ગુણ મળીને વ્યક્તિના જીવનમાં સફળતાનું એક દ્રઢ ત્રિકોણ રચાય છે. જે વ્યક્તિને સચોટ દિશા આપે છે અને જીવનમાં કોઈ પણ ચીજને પ્રાપ્ત કરવાની શક્તિ આપે છે.
જે વ્યક્તિએ આ ત્રણેય તત્ત્વને સમજી લીધાં છે અને જીવનમાં ઉતારી લીધાં છે, એ વ્યક્તિ કોઈ પણ બંધનો તોડી શકે છે, કોઈ પણ સપનાને સાકાર કરી શકે છે.