ઈન્ટરવલ

ગામડાની દાઝ શહેરમાં ઊતરે છે?

ગામડાની સંસ્કૃતિ ઘણાને મૂંઝવનારી છે. સમાજની વચ્ચે ભીંસાતો માનવી શહેરમાં આવી સ્વતંત્રતા અનુભવે છે, પરંતુ એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિવર્તિત થઈ જતા વાર નથી લાગતી

સિક્કાની ત્રીજી બાજુ – જયવંત પંડ્યા

ગામડાંની અને શહેરની સંસ્કૃતિ વચ્ચે ‘લાખ ગાડાંનો તફાવત’ છે. ગામડાંમાં સવાર મોં સૂઝણું થાય ત્યારે પડી જાય છે. શહેરમાં આઠ વાગે પડે. મુંબઈ જેવા શહેરમાં નોકરીએ જવાનું હોય તો કદાચ સાત વાગે પડતી હશે. ગામડામાં પુરુષપ્રધાનતા જોવા મળે. શહેરમાં સ્ત્રી અને બાળક પ્રધાનતા જોવા મળે, જયારે ઓછી જનસંખ્યાના કારણે ગામડાંમાં બળુકા લોકોનું વર્ચસ્વ વધારે હોય અને તેથી હજુ પણ દલિતો પ્રત્યે ભેદભાવ જોવા મળે છે. શહેરોમાં જ્ઞાતિ નહીં, નોકરી-ધંધા અને પૈસાથી કામ હોય. ગામડાંમાં પંચાત વધુ થાય, કારણ કે નવરાશ વધુ હોય.

શહેરમાં આંતરરાષ્ટ્રીય રાજકારણ, રાષ્ટ્રીય રાજકારણ, ક્રિકેટ, પર્યટન, ક્યાં સારું ભોજન મળે તે… એ ઉપરાંત, ઑનલાઇન કઈ વસ્તુ સસ્તી વેચાય, શેરબજાર અને સોનાચાંદીના બજારમાં કેવી ઊથલપાથલ છે તે અને ઑફિસ પોલિટિક્સ અને કુટુંબ પોલિટિક્સની ચર્ચા થાય.ગામડાંમાં સંયુક્ત કુટુંબ છે, જ્યારે શહેરમાં વિભક્ત કુટુંબ છે.

અત્યારે રાષ્ટ્રીય પ્રવાહો જોતાં એવું લાગી રહ્યું છે કે એક યા બીજી રીતે ગામડાની દાઝ શહેરમાં ઉતારવામાં આવી રહી છે.

ગામડામાં જે બંધનો છે તે શહેરમાં નથી. આથી શહેરમાં મળતી સ્વતંત્રતા ક્યારે સ્વચ્છંદતામાં પરિવર્તિત થઈ જાય છે તે ખબરેય નથી પડતી.

ઉદાહરણ તરીકે, ગામડામાં સ્ત્રી-છોકરીઓએ મર્યાદામાં કપડાં પહેરવાનાં હોય. (કેટલીક જ્ઞાતિઓમાં પીઠ ઉઘાડી હોય તેવો કમખો પહેરવાનું ચલણ છે.), પરંતુ શહેરમાં હવે લિબરલિઝમના નામે- આધુનિકતાના નામે – સ્વતંત્રતાના નામે છોકરીઓ બેફામ બની છે. ટૂંકાં કપડાં અને અંગ પ્રદર્શન ક્યાં જઈ અટકશે તે કહેવું મુશ્કેલ છે. છોકરીઓ જ નહીં, તેની માતા, માસીથી લઈ સીમા આનંદ જેવી વૃદ્ધ સ્ત્રીઓ પણ. શહેરમાં, તેમાંય મુંબઈમાં, મલાઇકા અરોડા ખાન અને શ્વેતા તિવારી જેવી માતાઓનાં સંતાનો પોતે પરણવા જેવાં થઈ ગયાં હોય તોય તેઓ પોતાનાથી નાની વયના છોકરાઓમાં રસ ધરાવે છે.

શહેરમાં વૃદ્ધત્વનો સહજ સ્વીકાર નથી. ગામડામાં કોઈ સહેજ મોટી વયનાને દાદા કે અદા કહો તો તેને ખોટું લાગતું નથી. શહેરમાં ‘અભી તો મૈં જવાન હૂં’ દેખાડવાનો પ્રયાસ છે.

દિગ્વિજયસિંહ અને શશિ થરૂર તો પ્રગટ ઉદાહરણ છે, તેમના જેવા નોંધપાત્ર સંખ્યામાં હશે એટલે ગામડામાં જે મર્યાદા છે તેનો શહેરમાં છડેચોક ભંગ થતો જોવા મળે છે. ગામડાંમાં લગ્ન વગેરેના નિયમો છે તે શહેરમાં પળાતા નથી. લગ્નમાં કાળાં કપડાં, સફેદ કપડાં વર્જિત છે, પરંતુ મનોરંજન જગતની દેખાદેખી તે હવે ‘ઇન થિંગ’ ગણાય છે.

ગામડામાં સ્ત્રી-છોકરીને મર્યાદામાં રાખવા પ્રયાસ થાય છે, પરંતુ શહેરની છોકરીઓ હવે બિન્દાસ બની છે. એવું કહેવાય છે કે વર્ષોથી શહેરમાં રહેતી છોકરીઓ કરતાં ગામડાંમાંથી ભણવા આવેલી કે નોકરી માટે આવેલી છોકરીઓ વધુ ઉછાંછળી દેખાય છે. તે તેની ભાષા છોડવા માગે છે. તેની રહેણીકરણી છોડવા માગે છે. ગામડામાં જાય છે ત્યારે તે ગામડા જેવી બની જાય છે, પરંતુ શહેરમાં આવીને તે બધી ખોટ પૂરી કરે છે.

ગામડામાં સ્ત્રીઓ દબાયેલી રહે છે. શહેરની પત્નીઓ, પ્રેમિકા પતિ કે પ્રેમીને દબાવીને રાખે છે, કેટલાક કિસ્સામાં હત્યા કરવા સુધી પણ જાય છે. લગ્ન પછી બીજા કોઈ સાથે ચક્કર ચલાવવું અને તે પ્રેમી સાથે મળીને પતિને મારી નાખવો. લિવ ઇનમાં રહ્યા (અમુક કિસ્સામાં તો કેટલાંક વર્ષ પછી પણ!) બળાત્કારની પોલીસ ફરિયાદ કરવી. લગ્નમાં થોડો સમય રહ્યા પછી ખોટી દહેજની પ્રતાડનાની ફરિયાદ કરવી. ન્યાયાલયો પણ માનતા થયાં છે કે બદલો લેવા અથવા પૈસા પડાવવા માટે આવું થાય છે.

હવે દીકરી ગામડામાં પરણવા નથી માગતી. પિતા પણ દીકરીને ગામડામાં પરણાવવા પ્રસન્ન નથી. ગામડું તો છોડો, નાનું શહેર પણ નથી પસંદ. મેટ્રો સિટી જ ચાલે. મુંબઈની છોકરી અમદાવાદ આવવા તૈયાર નથી. અમદાવાદનું છોડો, વરલી વિસ્તારમાં ઉછરેલી ક્ધયા દહિંસર વિરાર જેવાં પરાંમાં જવા રાજી નથી હોતી! એ જ રીતે, અમદાવાદની છોકરી સુરેન્દ્રનગર, મહેસાણા પરણીને જવા તૈયાર નથી.

ગામડામાં આજે પણ એવા પણ બનાવો સામે આવે છે કે દલિતોને વરઘોડા કાઢવા નથી દેતા, ઘોડી પર ચડવા નથી દેતા, સાફો નથી પહેરવા દેતા. કૂવામાંથી પાણી ભરવા નથી દેતા.

શહેરમાં એવા કિસ્સા સામે આવે છે કે કંઈ નાનો-મોટો વાંધો પડે એટલે દલિતો દ્વારા એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરી દેવામાં આવે છે. જે નથી કરતા તે ધમકી આપીને કામચોરી કરે છે. અહીં બધાની વાત નથી, જે કરે છે તેની જ વાત છે. આવું કરનારા છે તો ખરા જ.
શહેરમાં પુરુષો સ્ત્રીઓને ઘરકામમાં મદદ કરતા હોય છે. સ્ત્રી કમાવવા જઈને પુરુષને મદદ કરતી હોય. આવું ગામડામાં જોવા ન મળે. ત્યાં આવું કરનારા માટે જોરુ કા ગુલામ અને બાયલો જેવા વિશેષણો વપરાય.

જોકે સોશ્યલ મીડિયાના કારણે ચિત્ર બદલાઈ રહ્યું છે. શહેરની નજીકનાં ગામડાં પણ મહાનગરપાલિકામાં ભળવાના કારણે તેની સંસ્કૃતિ બદલાઈ રહી છે. ગામડાંની સારી બાબતોને સાચવીને તેનાં દૂષણો દૂર કરવાની આવશ્યકતા છે. નહીં તો
ગામડાંની વિકૃતિનું સ્થાન શહેરની વિકૃતિ લઈ લેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button