ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગઃ છુપાવવાની છૂપી કળા…

સંજય છેલ

મને લાગે છે કે, છુપાવવાની કળામાં આપણે 132 કરોડ ભારતીયો દુનિયાના બીજા દેશોથી ઘણાં ઘણાં આગળ છીએ. એક હીરોઈને બીજી હીરોઈન માટે થતી ઈર્ષ્યા, એ પોતાના મનમાં છુપાવે છે. એક નેતા, (પોતાની કે બીજાની પાર્ટીના) બીજા નેતા પાસેથી ખુરશી છીનવી લેવાનો ઈરાદો છુપાવે છે. કોણ જાણે કેમ પણ ઘણી ફિલ્મોમાં શરમાળ હીરો છેક છેલ્લે ક્લાઇમેક્સ સુધી પોતાનો પ્રેમ છુપાવીને રાખે છે.

સુંદર સ્ત્રી પોતાને અલગ અલગ રીતે ઢાંકીને સૌથી વધુ છુપાવે છે. પૈસાવાળા લોકો પોતાને દુનિયાથી છુપાવવા એમના ઘર અને બંગલાની બહાર ઊંચી દીવાલ ખડી કરી દે છે. કેટલાક લોકો એમના એકાઉન્ટસ છુપાવે છે, તો વળી કેટલાક લોકો એમની ઈન્કમ છુપાવે છે. કેટલાક લોકો એમની જાતિ પણ છુપાવીને રાખે છે. આજકાલ તો લોકો એમના વિચાર તો ઠીક, પણ વિચારધારા સુધ્ધાં છુપાવીને રાખે છે કે રખેને કોઇ સાઇડ લેવી પડે!

આવા દેશમાં, હવે એવા સમાચારથી કોઈને આશ્ચર્ય નથી થતું કે, એક વ્યક્તિ મુંબઇના સહાર ઇંટરનેશનલ એરપોર્ટ પર સોનું છુપાવીને લાવ્યો! સોનું કાં તો છુપી રીતે બહાર આવે છે અથવા તો પકડાઈ જાય છે, પરંતુ જો ખુલ્લેઆમ સોનું લાવવાની છૂટ મળી જાય તોયે લોકો તો સોનું છુપાવીને જ લાવશે, કારણકે સોનું કોણ છુપાવીને નથી રાખતું?

છુપાવવામાં આપણા લોકોને એક જાતનો રોમાંચ થાય છે… કદાચ છુપો આનંદ! આપણા દેશમાં મોટાભાગના લોકોની ટેલેંટ કંઈક ને કંઈક છુપાવવામાં જ બિઝી હોય છે. કેટલીક છોકરીઓ પોતાની કવિતાઓ છુપાવીને રાખે છે! જાણે કે એમની રચનાઓ કવિતા નહીં પણ પ્રેમપત્ર હોય! જેને લખતા પહેલા જ છુપાવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે (જોકે સાહિત્ય માટે એ સારું પણ છે). કેટલીક ક્નયા કવિતાની સાથે પોતાના મનના ભાવ પણ છુપાવીને રાખે છે.

ભારતીય પ્રેમી કે પ્રેમીકાના લગ્ન બીજા સાથે થઈ જાય તો પણ એ એકબીજાને એમના મનની વાત જણાવી નથી શકતા. પતિ -પત્ની એકબીજાને પ્રેમ કરે છે આ વાત મહોલ્લાના લોકોને આજીવન ખબર નથી પડતી. એ લોકો વિચારે છે કે એમને બાળક છે એટલે કદાચ એકબીજાને પ્રેમ કરતાં જ હશે!

છુપાવવાનું કામ માત્ર ખાનગી જ નથી થતું, જાહેરમાં પણ થાય છે, જેમ કે કોર્ટમાં એક પછી એક બોલવામાં આવતા સાક્ષીઓ કોઈ જોયેલી સાચી ઘટનાને માનવાનો ઈનકાર કરી દે છે અથવા કોઈ ઓફિસનો બધો સ્ટાફ જાણે છે કે માલિકના ગોડાઉનમાં ચોરીનો માલ રાખવામાં આવ્યો છે, તો પણ તે આ વાતથી આજન્મ અજાણ છે એવું જ દેખાડે છે.

એવી જ રીતે એક ઓફિસમાં, મેનેજિંગ ડિરેક્ટરથી લઈ એકાઉન્ટન્ટ અને કેશિયર સુધીના બધા કોઈ એક મોટી રકમ અથવા હિસાબની ગડબડ છુપાવી દેતા હોય છે. અરે! અહીં તો છોકરીઓ ગીત ગાતી વખતે ઝાડની પાછળ છુપાય જાય છે. ઝાડ પાછળ છુપાવું એ પણ એક રહસ્ય છે આ બધી બાબતોને કારણે ભારતને રહસ્યોથી ભરેલો દેશ કહેવામાં આવે છે.

જો તમે કોઈ વિદેશી ફિલ્મ પરથી એની વાર્તા ચોરીને દેશી ફિલ્મ બનાવી રહ્યા છો, તો એ વાતને ફિલ્મના રિલીઝ થયા પછી પણ છુપાવીને રાખવામાં આવે છે. આપણે ત્યાં આપણી બધી જ ટેલેન્ટ અને કળા કોઇને કોઇ વાતને છુપાવવામાં વપરાય જાય છે. એટલા માટે જ ભારતમાં રહસ્ય ખોલવાની મજા- એ આપણને સૌથી વધુ સુખ આપે છે.

સહાર એરપોર્ટ પર સોનું પકડાયું, હીરોઈન પ્રેગ્નેન્ટ થઈ, ઓફિસના એકાઉન્ટમાં ઘોટાળો થયો છે એની ખબર પડવી- જેવાં રહસ્યો રોજ ખુલતાં હોય છે, જેનાથી આપણને રોજ એક જાતનું સુખ મળે છે. આપણો દેશ રહસ્યમય હોવાની સાથે જાતજાતનાં રહસ્ય અચાનક પબ્લિકમાં ખુલવાના નિતનવાં કારણોને લીધે પણ સુખી છે.

લોકોને ચાંદ ગમે છે, પરંતુ જો એ ચાંદ વાદળમાં છુપાયેલો હોય તો એ વધારે ગમવા લાગે છે. જેમ ઘુંઘટમાં ભારતીય સ્ત્રીઓને વધારે સુંદર માનવામાં આવે છે અને છુપી સંપત્તિનો માલિક અહીં બહુ પૈસાવાળો ગણાય છે!
જ્યાં ભગવાનને પણ સામે આવવાં ગીતો કે ભજનો ગવાય છે ત્યાં માણસોની શું વાત કરીએ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button