શરદ જોશી સ્પીકિંગઃ ટેકનોલોજી: દેશી-વિદેશીનું દંગલ

સંજય છેલ
આપણા દેશના બજારોમાં એક નવો રોગ આવ્યો છે, જેને વિદેશી ટેકનોલોજીની આયાત કહેવામાં આવે છે. દરેક વસ્તુના વેચાણની પાછળ આ શબ્દને પૂંછડીની જેમ લગાડવામાં આવ્યો હોય છે. આ વસ્તુ અહીં ઇન્ડિયામાં જ બનાવવામાં આવી છે, પણ એને બનાવવા માટે ખાસ વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને અમે ખાસ કરીને ફક્ત આના માટે જ આયાત કરી છે!
હમણાં બે-ત્રણ દિવસ પહેલા જ મેં જમીન પર પાથરવાની ચટાઈ (સાદડી) માટેની એક જાહેરાત વાંચી, જેમાં લખ્યું હતું- ચટાઈને ગૂંથવા માટે ખાસ જાપાની ટેકનોલોજી આયાત કરવામાં આવી છે. મતલબ કે એ ફક્ત ચટાઈ નહીં, પણ જાપાની મગજ અને ભારતીય મહેનતનું પ્રતીક બની! જાહેરાત જોઈને હું વિચારવા લાગ્યો કે, હાય રે ભારતીય ટેકનોલોજી, તું પોતાના માટે એક ચટાઈ પણ ન બનાવી શકી!
આ એ જ ચટાઈ છે, જેને વર્ષો પહેલા બૌદ્ધ ભિક્ષુકો એમની સાથે લઈ ગયા હતા. ભારતથી જ્યારે એ ગઈ ત્યારે એ ફક્ત એક સીધી સાદી ચટાઈ હતી, પણ ત્યાં પહોંચીને એ ટેકનોલોજી બની ગઈ! જે નિકાસ માટે કાબેલ અને વધુ સારી બની ગઈ. એ લોકોએ નિકાસ કરી તે પણ કોને? ભારતને! કે જ્યાંથી એ લોકો એને લઈને આવ્યા હતા.
આટલા દિવસથી એ ચટાઈ બની રહી હતી, ત્યારે આપણે એને ફક્ત એક ચટાઈ જ સમજતા રહ્યાં. એનો નિકાસ પણ ચટાઈ સમજીને જ કરતાં રહ્યા અને સાલું આપણને ખબર જ ન પડી કે આ તો ભૈ, આખેઆખી એક મોટી ટેકનોલોજી છે! પહેલા સમજી ગયા હોત તો આજે આપણી પાસે વેચવા માટે બે વસ્તુઓ રહી ગઈ હોત. એક ચટાઈ અને બીજી ટેકનોલોજી. ચટાઈ જોઈએ તો એ લો અને ચટાઈ નહીં તો એની ટેકનોલોજી લો!
મને લાગે છે કે જો ટેકનોલોજી આયાતનો આવો જ ને આવો ચસ્કો રહેશે તો આપણા દેશમાં બજારોમાં ધણાં બદલાવ ઘણા બધા ફેરફાર જોવા મળશે. જેમ કે, ટોપલી બનાવવાવાળા કે વેચવાળા કહેશે કે એને ગૂંથવા માટે આ ટોપલીને કોરિયાથી આયાત કરેલી ટેકનોલોજી વાપરવામાં થયેલી ટેકનોલોજીના આધારે બનાવવામાં આવી છે.
ઝાડુઓ બનાવવા માટે આપણે જર્મન ટેકનોલોજી લાવીશું, લોટ દળવાની ઘંટી માટે રશિયન ટેકનોલોજી, કુહાડી બનાવવા માટે ફ્રેંચ ટેકનોલોજી અને માટીના ઘડા બનાવવા માટે ચેકોસ્લોવિયા સાથે કરાર કરવો પડશે, પતરાળી-દળિયા માટે સ્વિસ ટેકનોલોજી અને માટીના કોડીયા માટે ચાઈના પાસે પૂછવા જવું પડશે! હુક્કાના (ચિલમના) નવા આકાર માટે અમેરિકા પાસે જાણકારી લેવી પડશે, જાજમ (કાર્પેટ) માટે રોમાનિયા પાસે ટેકનોલાજી લેવી પડશે. આપણા નેતાઓ જાણે છે કે નહીં, પણ વેલણની બાબતમાં ઈટાલિયન ટેકનોલોજીની આયાત અસરકારક રહેશે.
આપણા દેશમાં પણ ટેકનોલોજી શોધવા પર મળી શકે છે! પણ સાલું એ ખબર નથી કે, એ ટેકનોલોજી નિકાસ માટે કાબેલ છે કે નથી? જે રીતે ચંપલની બાબતમાં કોલ્હાપુરી ટેકનોલોજી, લોટાની (કળશની) બાબતમાં મુરાદાબાદી ટેકનોલોજી અને છુરી-ચપ્પુ માટે રામપુરી ટેકનોલોજી છે. જો આપણે આ વસ્તુઓના ઉત્પાદનનું નિકાસ ન કરીએ, પણ કમસેકમ એની ટેકનોલોજીનું નિકાસ તો કરી જ શકીએ ને! ટેકનોલોજીના કોલાબ્રેશનથી ચાર પૈસાનો ફાયદો જ થશે, કોઈ નુકસાન નહીં થાય.
સમસ્યા એ છે કે જાપાનને ખબર છે કે ‘ચટાઈ’ એ ફક્ત ‘ચટાઈ’ નથી. એ એક ‘ટેકનોલોજી’ પણ છે. પણ ભગવાન જાણે આપણને એ વાતની ખબર કયારે પડશે? આપણે ચંપલ, લોટો, છુરી, તાળું બધાને ફક્ત એ જ સમજીએ છીએ જે એ છે. પણ ભાઈ, જેવી રીતે ચટાઈ જાપાની ટેકનોલોજી છે, એમ ચંપલ, લોટો, છુરી, તાળું આપણી ભારતીય ટેકનોલોજી છે! બીજા કોઈ દેશ આપણને ચંપલ, લોટો, છુરી, તાળું માટે ટેકનોલોજી નિકાસ કરે એ પહેલા જ મિત્રો આપણે એની ટેકનોલોજી નિકાસ કરીએ! (મૂળ લેખ 1985નો)



