શરદ જોશી સ્પીકિંગઃ કુદરતનો પ્રકોપ… સરકારી સિસ્ટમ ફ્લોપ | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગઃ કુદરતનો પ્રકોપ… સરકારી સિસ્ટમ ફ્લોપ

  • સંજય છેલ

આ દેશમાં કુદરતી આફતો વિશે આવતા દરેક સમાચાર આ દેશના માણસના મોતની સાથે જોડાયેલા રહે છે. ભલેને પછી એ હવામાનમાં ફેરફારના સામાન્ય એવા સમાચાર જ કેમ ના હોય? લૂ વાય તો લોકો મરે, ઠંડી વધે તો લોકો મરે, પૂર આવ્યા તો થોડા લોકો ડૂબી ગયા, વાવાઝોડું આવ્યું તો આટલા લોકો મૃત્યુ પામ્યાં…આમ કુદરત સંબંધી દરેક માહિતી આ દેશમાં મૃત્યુની માહિતી સાથે જોડાયેલ હોય છે!

આટલી મોટી ભીડ, આટલી મોટી વસતિ ધરાવતા આ દેશમાં માણસ ક્યાં છે એ તો ભગવાન જ જાણે. જ્યારે કોઈ ઝાડ પડે ત્યારે ખબર પડે કે એની નીચે માણસ હતો! પૂર આવે, ભૂકંપ આવે, ત્યારે ખબર પડે કે ત્યાં માણસો જીવતા હતા! જ્યારે લાશ પાણીમાં વહીને આવે છે ત્યારે આપણને ત્યાંની માનવ વસતિની જાણકારી મળે છે.

આ એક અજીબ હકીકત છે. પૂર આવે તો એ પણ માણસોના મોત વગર વ્યર્થ કહેવાશે. વાવઝોડું માથા પરથી પસાર થઈ જશે પણ જરૂરી છે કે દરેક વાવાઝોડાની લડાઈ નાનકડાં દીવા સાથે હોય જ! જરૂરી છે કે દીવો ઓલવાય તો જ આપણને વાવાઝોડાની ખબર પડશે?

સરકારી તંત્ર આવી લડાઈઓમાં હંમેશાં તટસ્થ રહે છે. વાવાઝોડાને તો એ રોકી ન શકે, પણ દીવાને તો બચાવી જ શકેને? પણ હા, જો સરકાર ધારે તો ને?

આપણા દેશમાં રિક્ષા, કાર, ટેક્સી, બસ, ટ્રક, રેલગાડી, બોટ, એ બધા એટલા માટે હોય છે કે, કુદરતી આફત આવે ત્યારે એ બધાં સાધનો થંભી જાય. એ બધાં રાતોરાત કામ કરતાં રોકાઈને કે ખોટકાઇને કંઇ કર્યા વિના કુદરતી આફતને ચૂપચાપ લડત આપે અને પછી આફત ટળવાની નિરાંતે રાહ જુએ.

શું એ બધાં સાધનોને આફત આવે તે પહેલા કાર્યરત કરીને દેશના માણસને આવનાર મુસીબતોથી બચાવી ન શકાય? પણ આપણા દેશમાં હેલિકૉપ્ટરનું એ જ મહત્ત્વ છે કે, એના દ્વારા પૂરના તાંડવનું નિરીક્ષણ કરવામાં આવે. પાણી જ્યારે ભેગું થઈ જાય, ત્યારે એના પર નેતાઓના નકલી આંસુ વરસાવીને પાણીનું સ્તર વધારે વધારવામાં આવે! શું આપણે એ જ હેલિકૉપ્ટરોથી પૂર અથવા વાવાઝોડું આવતા પહેલા માણસને બચાવી ન શકીયે? ત્યાંથી એને ખસેડી ન શકીએ?

દરેક દેશે એ નક્કી કરવું પડે છે કે, એની ભૌગોલિક સીમામાં માણસનું મહત્ત્વ શું છે? એની કિંમત કેટલી છે? એનું જીવન દેશને માટે કેટલું મૂલ્યવાન છે? આપણે એ સ્વીકારીશું નહીં, કારણ કે એનાથી આપણી પ્રતિષ્ઠિત અને સંસ્કારી છબીને ઠેસ પહોંચે છે.

જોકે, સચ્ચાઈ એ જ છે કે રોગ, પૂર, લૂ, ઠંડી, વાવાઝોડામાં માણસો ન મરે એને લઈને આ દેશની સરકાર અને સામાજિક કાર્યકરો ખાસ ચિંતા નથી કરતા. શું છે કે માત્ર જાહેરાત કરી નાખવાથી કે- ‘વાવાઝોડું આવશે, ભારે વરસાદ થશે’ એનાથી માણસ બચી નથી જતો. રસ્તાથી લઈ જંગલ સુધી આપણે માણસને ભગવાન ભરોસે છોડી દીધો છે.

કોઈના મૃત્યુથી આપણને ક્યારેય ખોટ નથી લાગતી. આપણા દેશના મોટા-મોટા લોકો કદાચ (કોઈ ‘માલ્થસ’ની થિયરી પ્રમાણે!) આ વાતને સાચી અને યોગ્ય માનતા હશે એટલા માટે આપણા દેશમાં ઉત્તરપ્રદેશ કે ઉત્તરાખંડમાં પૂરથી માણસના મોતના સમાચાર મોસમી સમાચાર કે હંમેશાંના ન્યૂઝ છે.

સરકાર એ માનીને ચાલે છે કે છોડો ને યારોં, કુદરતી આફતોથી માણસોના મોત તો થશે જ. જ્યારે બધું જ તબાહ થશે એની સાથે-સાથે મોત પણ આવશે, એમાં શું?

ત્યારે અમે પબ્લિક પર થોડાં ફૂડ પેકેટ્સ કે પાણીનાં પાઉચ ઉપરથી ફેંકશું. પણ હા, જે જીવિત છે એ લોકોને બચાવવા માટે નહીં, મૃત્યુ પામેલા માણસોના શ્રાદ્ધ કરવા માટે! એ જ તો મહાન ભાવના છે અને એ જ આપણી સચ્ચાઈ છે એટલે જ તો જ્યારે આવે કુદરતનો પ્રકોપ ત્યારે સરકારી સિસ્ટમ ફ્લોપ.

નોંધ: આ લેખ મૂળ તો 1985ની આસપાસનો છે, પણ આજની તારીખે પણ એટલો જ વાસ્તવિક છે અને કદાચ આવતાં વર્ષોમાં ય એટલો જ યર્થાથ ઠરશે!

આપણ વાંચો:  પ્રાસંગિકઃ પાકિસ્તાન માટે આ બે હોડીની સવારી આત્મઘાતી છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button