મુખ્બિરે ઈસ્લામઃ ગુણવત્તાવાળું આચરણ દુનિયા અને આખેરત સુધારે

અનવર વલિયાણી
ઈસ્લામના આખરી પયગંબર હઝરત મુહંમ્મદ સાહેબ પર નાઝિલ થયેલ, આકાશ વાણી દ્વારા આવેલ પવિત્ર કુરાનમાં માનવીનું જીવન ગુણવત્તાવાળુ બને તે માટે પોતાની ઈચ્છાને મહત્ત્વની લેખી છે.
-‘અમે ઈન્સાનને ઘણી જ ઉત્તમ કક્ષાની શકલો સૂરતવાળો પેદા કર્યો છે…!’ પવિત્ર કુરાનની આ આયત (શ્લોક)માં અલ્લાહ આલમે ઈન્સાનને સજાગ કરે છે કે, મેં તમને કેવા ખૂબસૂરત ઘડ્યા છે. આથી બંદાએ વિચારવું રહ્યું કે સર્જનહારને ગુણવત્તા કેટલી બધી પસંદ છે, નહીં તો તે મનુષ્યજાતને બેડોળ અથવા કદરૂપા પણ બનાવી શકયો હોત.
પરંતુ નહીં, તેણે ઉત્તમ કવૉલિટીના ચહેરા-મોહરા સર્જવા સાથે મોમિન પાસે એ ઉમીદ રાખી છે કે, બંદાનો અમલ (કર્મ) પણ શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવવાવાળો હોવો જોઈએ અને એથી જ સર્જનહારે સાત આયતોવાળા ‘સૂરહ અલહમ્દ’ કે જેને મોમિનો દરેક નમાઝમાં દસ વખત રટે છે તેના પર બંદાએ વિચારવાનું સૂચવ્યું છે.
આપણ વાચો: મુખ્બિરે ઈસ્લામઃ ઈતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના!
આ સાત આયતોમાં અલ્લાહતઆલાએ પ્રથમ ત્રણ આયતમાં પોતાની જાતનો ઉલ્લેખ કર્યો છે અને આખરી ત્રણ આયતમાં ઈન્સાનનો ઉલ્લેખ છે તથા વચલી આયતમાં ‘માલેકે યવ્મીદ્દીન’ (એટલે કે ન્યાયના દિવસનો માલિક) રાખેલ છે.
આ સાત આયતની ગોઠવણીમાં અલ્લાહે મોમિનોને ચેતવ્યા છે કે, જુઓ હું રહેમાન (દયા કરનાર ઈશ્ર્વર) અને રહીમ (કૃપા કરનાર) તો છું જ અને તમે નેઅમત (કૃપા) પામેલા ઈન્સાનો નેક માર્ગે જીવન બસર કરો તથા સીધા રસ્તા પર ચાલી ગુમરાહીથી બચો.
ઉત્તમ ગુણવત્તાસભરના કર્મ પર અમલ કરવા સાથે મારી પાસે આવશો ત્યારે મારી સાથે રોજે મહેશર (બદલાનો દિવસ)માં ઊભા રહેશો ત્યારે હું બેશક તમોને આગની શિક્ષાથી બચાવી લઈશ. યાદ રાખો હું જ ફકત યવ્મીદ્દીનનો માલિક છું (લોર્ડ ઑફ ધ ડે ઑફ જજ્મેન્ટ)
આપણ વાચો: મુખ્બિરે ઈસ્લામઃ હતાશા-નિરાશાની જનેતા અર્ધ સત્યને આભારી
સપનામાં પણ વિચારી ન શકાય તેવા દૌરમાંથી દુનિયા પસાર થઈ રહી છે, એન એટલે જ આ યુગને કયામતનો યુગ કહેવામાં આવે છે અર્થાત્ અલ્લાહના ન્યાયનો દિવસ, આખરી નિર્ણય. એક મોમિન, સાચો શ્રદ્ધા પર એતબારકરનારા મુસલમાનનું જીવન કેવું હોવું જોઈએ તે કહેવાની જરૂર નથી.
છતાં એકાદ બે બાબત તરફ ધ્યાન ખેંચવાનું જરૂરી બની રહે છે કે એક મુસલમાનના જીવનનું આકર્ષણ જથ્થાબંધ અમલ, આચરણ તરફ સતત વળતું જતું જોવા મળે છે.
દાખલા તરીકે કોઈ બંદો આપબળાઈ કરતા કહેતો ફરતો હોય છે કે તે દસ હજ અદા કરી આવ્યો તો કોઈ કહેતો હોય છે કે અમે તો અસંખ્ય વખત ઉમરાહ (સઉદી ખાતે આવેલ મક્કા – મદીના ખાતે ધાર્મિક યાત્રા) કરી આવ્યા અને ઝિયારત (દર્શન) કરવા તો અવારનવાર જઈએ છીએ. તેઓ આટલેથી જ અટકતા ન હોઈ, પંચગાના નમાઝ ઉપરાંત વધારાની નમાઝ, રોજા વગેરે વગેરે અદા કરતા રહેતા હોવાનું કહેતા ફરતા રહેતા હોય છે.
આપણ વાચો: દિલ્હીમાં બ્લાસ્ટથી ગભરાયું ઈસ્લામાબાદ! પાકિસ્તાને જારી કર્યું NOTAM, ત્રણેય સેના એલર્ટ
જોકે આવા જથ્થાબંધ (કવૉન્ટિટી) કાર્યથી સવાબ (પૂણ્ય) જરૂર મળે છે પરંતુ તેને બદલે અગર જીવન દરમિયાન એક જ વાર હજ (ધાર્મિક યાત્રા) અને ઝિયારત અદા થાય તેમજ વાજીબ (ફરજરૂપ) નમાઝ – રોજાના પાબંદ રહેવા સાથે અલ્લાહનો બંદો જો અણીશુદ્ધ ચરિત્ર કેળવે તેમજ રબ (પાલનહાર ઈશ્ર્વર)ની સંપૂર્ણ ઈતાઅત્ (આજ્ઞાપાલન) સાથે માનવહકની જાળવણી તરફ ધ્યાન કેન્દ્રિત કરે તો આવા વ્યવહારને ગુણવત્તાસભર કાર્ય કહેવાય અને પરવરદિગારે આલમ (જગતકર્તા) રાજી થઈ ઈનામો ઈકરામ (માન-સન્માન)થી આ દુનિયામાં તથા આખેરત (મૃત્યુલોકના અમર જીવન)માં પણ પુરસ્કારોથી સન્માનિત કરે, બંદાનું ઝમીર (દિલ) તેણે કરેલ કાર્ય બદલ શુકુન આપે.
-જો મોમિન પોતાના મનમાં ઊંડો ઊતરી ચિંતન, મનન કરી વિચારે અને દીન (ધર્મ)ના સાચા રહસ્યને જાણવાની કોશિશ કરે તો ફક્ત એક જ હજજો-ઝિયારતની યાત્રા પૂરતી છે અને આ મહત્ત્વની ફરજ અદા કરી પાછા ફર્યા બાદ ગુણવત્તા-કવૉલિટી ધરાવતું કાર્ય શરૂ કરે જેમાં સત્ય, ક્ષમા, સરળતા, સંયમ, સંતોષ, ઈન્દ્રિય પરનો કાબૂ (નિયંત્રણ), સૌની સાથે સારી વાણીનું ઉચ્ચારણ, સમસ્ત જીવ પ્રત્યે દયાભાવના, શબ્ર, જ્ઞાન, દાન અને છેલ્લે સૌથી મોટી યાત્રા તો એ છે કે, મોમિન બંદાનું અંત:કરણ ચરમશુદ્ધિ પામે અને તેને મૃત્યુપર્યંત જાળવતો રહે તો ભવસાગર પાર ઉતરી જાય.
પોતાને એક સાચો મોમિન સમજતો હોવા પાછળ બંદાની ખ્વાહીશ, મુરાદ (ઈચ્છા) દુનિયા અને આખેરત (પરલોક)માં લાભ મળવા પામે તેવી હોય એ સમજી શકાય તેવી વાત છે.
પરંતુ દુનિયામાં અવિરત લાભ અને મૃત્યુ પછી જન્નત કંઈ સરળ બાબત નથી કે જે જથ્થાબંધ અમલ (વ્યવહાર) દ્વારા હાંસલ થાય, બલકે તેને પ્રાપ્ત કરવા માટે તો ગુણવત્તાવાળું આચરણ આવશ્યક છે, જેમાં શકય તમામ કરી છૂટવું અનિવાર્ય બને છે, જે અંગેના ઉદાહરણો પવિત્ર કુરાનમાં જોવા મળે છે:
સૂરહ (પ્રકરણ) બકરહ, આયત (શ્લોક) 207માં ફરમાવવામાં આવેલ છે કે, ‘…અને લોકોમાંથી (ખુદાના બંદા) કેટલાક એવા પણ છે કે જે અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની ગરજથી પોતાનો જીવ સુદ્ધાં વ્હેંચી નાખે છે અને અલ્લાહ આવા બંદાઓ પર મોટામાં મોટો મહેરબાન છે!’
આ આયત (વ્યાખ્યા; વિવરણ)ની સમજણ જોતા આ લખનારને જાણકારી થઈ કે, જ્યારે અલ્લાહના મહેબૂબ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહે વઆલેહિ સલ્લમ (અર્થ: મહેબૂબ: પ્રિય, મુહમ્મદ: જેની ખૂબ પ્રશંસા થતી હોય, સલ્લલ્લાહો અલયહે વસલ્લમ: અલ્લાહ આપને તથા આપના કુટુંબીઓ, વંશજો પર પોતાના આશીર્વાદ-શાંતિ અર્પે) એ અમીરૂલ મોમીનીન હઝરત અલી (ઈમાનવાળાઓના સરદાર)ને ફરમાવ્યું કે, ‘કેટલાકો મને મારી નાખવાની યોજના ઘડી છે, માટે આજની રાત આપ મારા બિસ્તર (પથારી) પર સૂઈ જાવ, જેથી હું હીજરત (દેશાંતર) કરી શકું…!’
આપ અમીરૂલ મોમીનીને અલ્લાહના રસૂલ (સલ)ની આજ્ઞાનું પાલન કર્યું. આ અમલ (આચરણ)ની તારીફ (પ્રશંસા)માં મજકુર સૂરહ બકરહની આયત્ 207 નાઝીલ થઈ (ઉતરી). આનું નામ જ કોન્ટિટી નહીં પણ કવૉલિટી. અમલ.
સાપ્તાહિક સંદેશ:
- જે જીભ યાદે ઈલાહીમાં રચીપચી ન રહે તો તેના માટે મૂંગા રહેવું એજ બહેતર (શ્રેષ્ઠ) છે.
- જેના કાન હક (સચ્ચાઈ) સાંભળવાનું ન ઈચ્છે તેના બહેરાપણું ઉત્તમ છે.
- જે તન સેવામાં ન આવે તેનું મુરદા હોવું ઠીક છે અને
- જેણે અલ્લાહ પર ભરોસો કર્યો છે તે મોટાઈ મેળવવાનો હકદાર છે અને તે બંદો જ જીવનનો ખુશહાલ શખસ કહેવાય છે.
- ખુદા અને બંદા વચ્ચે ચાર સમુદ્રો છે જ્યાં સુધી ઈન્સાન તે તરી પાર ન કરે ત્યાં સુધી ખુદાની સાથે વાસિલ (મિલાપ) કરી શકતો નથી.
- બંદાનું દિલ અલ્લાહતઆલાનું રહેઠાણ છે, બને ત્યાં સુધી તેમાં કોઈને દાખલ થવા ન દો.
- અલ્લાહનો બંદો તે છે જે કદી ફરિયાદ કરતો નથી.



