સિક્કાની ત્રીજી બાજુ: એક લેખિકાને દોઢ વર્ષ પુરુષ તરીકે કેવો અનુભવ થયો?

જયવંત પંડ્યા
નોરાહ વિન્સેન્ટ: નોરાહ વિન્સેન્ટ નામની એક મહિલા પત્રકારે વિચાર્યું કે ચાલો, પુરુષ તરીકે પુરુષો વચ્ચે રહીને જાણીએ કે પુરુષો કેવું વિચારે છે, કેવું વર્તન કરે છે, કારણ કે ઘણા પુરુષ મહિલાઓનો વિશ્વાસ જીતવા, તેમનો પ્રેમ જીતવા તેમની સમક્ષ તો સ્ત્રીદાક્ષિણ્ય દાખવતા હોય, લટુડાપટુડા કરતા હોય. પરંતુ એ લોકો ખરેખર કેવી રીતે વિચારે છે તે જોવા માટે તેમની વચ્ચે પુરુષ બનીને જ રહેવું પડે. અને આથી તેણે દોઢ વર્ષ પુરુષ બનીને પુરુષો વચ્ચે જીવન વિતાવ્યું ત્યારે તેણે શું શું અનુભવ્યું?
નોરાહને ખુદ અનુભવ થયો કે આ ફેમિનિઝમની વાતો બોદી છે. તેને પુરુષોની તકલીફો સમજાઈ.
મહિલા તરીકે જલસા છે તેવા પુરુષ તરીકે નથી.
થોડી વિગતે વાત કરીએ… નોરાહ વિન્સેન્ટ લેસ્બિયન હતી. તે ટ્રાન્સજેન્ડર (લિંગ પરિવર્તન કરાવીને પુરુષ બનનાર મહિલા) નહોતી. તેણે મહિલાઓના અધિકારો અને ગે-લેસ્બિયનોના અધિકારો વિશે લખ્યું હતું ,પરંતુ તે માનતી હતી કે જે પુરુષ લિંગ પરિવર્તન કરાવીને મહિલા બને છે તેને મહિલા ન ગણવી જોઈએ. આના માટે અંગ્રેજીમાં TERF શબ્દ છે અર્થાત Trans Exclusionary Radical Feminist મતલબ કટ્ટર ફેમિનિસ્ટ તો ખરી, પરંતુ તે ટ્રાન્સજેન્ડરને મહિલા ન ગણે.
આ પણ વાંચો: સિક્કાની ત્રીજી બાજુઃ 50 વર્ષ પછીનો પુરુષ… ન કહેવાય- ન રહેવાય- ન સહેવાય!
અમેરિકાના ડિટ્રોઇટમાં જન્મેલી અને લંડનમાં ઉછરેલી નોરાહના પિતા ફોર્ડ મોટર કંપનીમાં અધિવક્તા હતા. 2004માં તેણે પોતાના એક પુસ્તક માટે વિચાર્યું કે જો પુરુષો વિશે લખવંપ હોય તો શા માટે પુરુષ બનીને તેમની વચ્ચે ન રહીને જોઉં? કારણ કે પુરુષોને સમજ્યા વગર તેમને પિતૃસત્તાક વગેરે (અમેરિકાના ફેમિનિસ્ટોએ સર્જેલી અને ચગાવેલી પરિભાષા) કહી દેવા યોગ્ય નથી.
આના માટે તેને પુરુષ જેવા દેખાવું તો પડે. તે સંપૂર્ણ સ્ત્રી હતી. તે નાજુક હતી. તેનાં સ્તન પણ સુવિકસિત હતાં. દાઢી ઊગે નહીં. જો માત્ર પુરુષ જેવાં કપડાં પહેરીને જાય તો પુરુષોને ખબર પડી જાય. તેને ઊંચાઈમાં કોઈ વાંધો આવે તેમ નહોતો. તે પાંચ ફૂટ દસ ઇંચ ઊંચી તો હતી જ. પુરુષ જેવા દેખાવા માટે તેણે ચરી પાળવાનું શરૂ કર્યું અને ટ્રેનિંગ શરૂ કરી મજબૂત બાવડા બનાવવાનું…. પુરુષ જેવા સ્વરમાં વાતચીત કરવા અને ચાલવા તેણે અવાજ અને અભિનયનું પ્રશિક્ષણ પણ લીધું. સ્તનને છુપાવવાં તેણે ચુસ્ત સ્પોર્ટ્સ બ્રા સાથે તે ઢીલાં કપડાં પહેરવા લાગી. પુરુષ જેવી આછી દાઢી રાખવા માટે તેણે મેકઅપ કલાકારની સહાય લીધી. જોકે તેણે કોઈ અંત:સ્ત્રાવની દવા ન લીધી. એ રીતે તે ચુસ્ત મહિલા હતી. તેને મહિલા જ બનીને રહેવું હતું.
નવ મહિના જેટલી લાંબી તૈયારી કર્યા પછી નોરાહ ‘નેડ’ તરીકે પુરુષો વચ્ચે રહેવા માટે પુરુષોની બોલિંગ લીગમાં જોડાઈ. તે પુરુષોને જાણવા સ્ટ્રિપ ક્લબમાં પણ ગઈ. તે મહિલાઓ સાથે ‘હરવા-ફરવા’ (ડેટિંગ) કરવા લાગી.’
આ બધા જાત અનુભવ પછી તેણે વર્ષ 2006માં એક પુસ્તક લખ્યું:‘સેલ્ફ મેડ મેન’. તેણે જોયું કે પુરુષોને છોકરા હોય ત્યારે નાની વયે રડવું આવે, પરંતુ પુરુષ બન્યા પછી તે રોવાનું ભૂલી જાય છે એટલે કે વેદના છુપાવી લે છે. તેમને પોતાની લાગણી અભિવ્યક્ત કરતા નથી આવડતી. યુવતી સાથે પ્રેમની વાતમાં સ્વાભાવિક જ પુરુષ તરીકે તેને પહેલ કરવી પડી.
(યુવતીઓની ઇચ્છા હોય તોય પહેલ તો પુરુષે જ કરવી પડે.) નોરાહને એમ હતું કે એક મહિલા તરીકે તે મહિલાઓને સારી રીતે સમજતી હતી, એમાંય તે તો પાછી ફેમિનિસ્ટ હતી, પણ તેની માન્યતા ખોટી પડી. તે મહિલાઓને ક્યાં ઓળખતી જ હતી !
નેડ તરીકે નોરાહે સંપર્ક કરવાની પહેલ કરવી પડી, વાતચીત કરવાની પહેલ કરવી પડી અને યુવતીનું મન જીતવા રમૂજ અને ડહાપણ બંનેની સહાય લેવી પડી. યુવતીઓને સીધાસાદા છોકરાઓ તો ગમે નહીં. (જે પુરુષ સારી રમૂજ જાણે છે તે પુરુષ સ્ત્રીમાં કેમ માનીતા હોય છે તે હવે સમજાયું ને?)
આ પણ વાંચો: સિક્કાની ત્રીજી બાજુઃ પહેલાં જેવી મજા હવે નથી રહી…
આ દરમિયાન તેને સ્ત્રીઓની ‘ના’ પણ મળી. આ ‘ના’માં નાજુકાઈ અને લાગણીનો અભાવ રહેતો. એ બધી ‘નેડ’ને ચોખ્ખેચોખ્ખી ‘ના’ જ કહી દેતી. યુવતીઓ સામેના યુવકને કેવું લાગશે તેનો વિચાર કર્યા વગર સ્પષ્ટ રીતે, આકરું લાગે તેમ કહી યુવકોનું હૃદય ભાંગી નાખે છે તેવો અનુભવ નેડને પણ થયો. તેને પુરુષો પ્રત્યે સહાનુભૂતિ થવા લાગી.
છેલ્લે તે પુરુષોના ‘વીકેન્ડ રીટ્રિટ’માં જોડાઈ. એમાં તેને પુરુષોની માનસિકતાનો વધુ ગાઢ પરિચય થયો. તેને યથાર્થતા જણાઈ અને આ યથાર્થે તેનામાં રહેલી ફેમિનિસ્ટના ફેમિનિઝમને તોડી પાડી. તેણે જોયું કે પુરુષો એકબીજા સાથે ખુલ્લા મને વાત કરવા પ્રયાસ કરે છે. મહિલાઓની જેમ મનની વાત મનમાં નથી રાખતા.
ફેમિનિઝમ સામ્યવાદીઓએ ઉપજાવી કાઢેલો સંઘર્ષ છે. પ્રથમ વિશ્વ યુદ્ધ પછી જમીનદારો અને ખેડૂતો વચ્ચે વિશ્વભરમાં લોહિયાળ સંઘર્ષ ન થયો તેનાથી નિરાશ થઈને હંગેરીના જ્યોર્જ લ્યુકાસ અને ઇટાલીના એન્ટોનિયો ગ્રામસ્કી વગેરે સામ્યવાદીઓએ નવો સામ્યવાદ વિકસાવ્યો. નવા વર્ગો વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન કરવાનો. તેમણે નવા શોષક અને શોષિત વર્ગ જન્માવ્યા. માતાપિતા-સંતાન, પતિ-પત્ની, પુરુષ-સ્ત્રી, જૈવિક પુરુષ-સ્ત્રીઓ અને ટ્રાન્સજેન્ડર, નૈતિકતાવાદીઓ-અનૈતિકતાવાદીઓ વગેરે. તેમાંથી જ અમેરિકામાં ફેમિનિઝમ આવ્યું અને વિશ્વભરમાં ફેલાયું.
આ પણ વાંચો: સિક્કાની ત્રીજી બાજુઃ જોયા વગર હજાર વસ્તુ એ જ ક્રમમાં યાદ રાખવાની વિસ્મયજનક કળા: અવધાનમ…
એટલે ફેમિનિસ્ટ હોવાના કારણે નોરાહ વિન્સેન્ટ પણ માનતી હતી કે પુરુષો ક્રૂર હશે, મહિલાઓ પર અત્યાચાર કરતા હશે અને મહિલાઓ તો બિચારીબાપડી હશે, પરંતુ એક પુરુષ તરીકે 18 મહિના જીવવાથી તેની આ માન્યતા ભાંગીને ભુક્કો થઈ ગઈ. જોકે તેની અસર તેના પર એટલી ખરાબ પડી કે તેની ઊંઘ વેરણ થઈ ગઈ. તેને પેનિક એટેક આવવા લાગ્યા. તેમાંથી તે કઈ રીતે બહાર નીકળી એ અનુભવો પણ રસપ્રદ છે એની વાત ફરી કયારેક…



