આ તો સ્કેમ છેઃ નગરવાલા કેસ- તપાસ અધિકારીનું અકસ્માતમાં મોત! | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

આ તો સ્કેમ છેઃ નગરવાલા કેસ- તપાસ અધિકારીનું અકસ્માતમાં મોત!

પ્રફુલ શાહ

નગરવાલા સ્કેડલ

નગરવાલા પકડાયો, નગરવાલા પકડાયો. વડાં પ્રધાનના અવાજની મિમિક્રી કરીને લાખોની ઠગાઈ… આવી હેડલાઈન ટીવી ચેનલોએ આપી હોત પણ ત્યારે ટીવી ચેનલ નહોતી. દિલ્હી પોલીસે મોટા નામોલ્લેખ અને મોટીમસ રકમની સંડોવણી સાથેના કેસ કલાકોમાં ઉકેલી નાખ્યો. આરોપીને ઝડપી લેવાયેલી જાહેરાત અડધી રાતે પત્રકાર પરિષદ બોલાવીને કરાવાઈ એના પરથી મહત્ત્વ સમજાઈ જાય.

પોલીસે કેસની વિગત આપતા જણાવ્યું હતું કે નગરવાલા ટેક્સી સ્ટેન્ડ પાસે મલ્હોત્રાની ગાડીમાંથી ઉતરીને પોતાના રાજેન્દ્ર નગર સ્થિત ઘરે ગયો હતો. ત્યાંથી તેણે એક સૂટકેસ લીધી હતી. ત્યાંથી એ જૂની દિલ્હીના નિકોલસન રોડ ગયો હતો. અહીં ટેક્સી ડ્રાઈવરની હાજરીમાં તેણે ટ્રંકમાંથી રૂપિયાના થોકડા સૂટકેસમાં મૂક્યા હતા. આ બાબતે ચૂપ રહેવા માટે તેણે ટેક્સી-ડ્રાઈવરને રૂા. 500ની ટિપ પણ આપી હતી.

આ મામલો બહાર આવતા ભારે સનસનાટી મચી ગઈ હતી. સંસદમાં વિપક્ષોએ ગૃહ ગજવ્યું હતું. એમાં ઘણાં એવા સવાલોના તાતાતીર છોડાયા કે જેના જવાબ આજ સુધી મળ્યા નથી. શું બૅંકમાં માત્ર એક ફોન પર આટલી મોટી રોકડ રકમની લેવડદેવડ થઈ શકે છે? શું ઇંદિરા ગાંધીએ અગાઉ ક્યારેય મલ્હોત્રા સાથે ફોન પર વાત કરી હતી? ફોન પર વાતો થઈ હતી તો શા માટે? અને અગાઉ વાતચીત ન થઈ હોય તો મલ્હોત્રાને સામેથી વડાં પ્રધાન જ બોલે છે એવી ખાતરી કેવી રીતે થઈ? આમાં બૅંકિંગ વ્યવસ્થાના ઘણાં છિંડાં ઉઘાડા પડી ગયા હતા. એ સિવાય પણ અનેકવિધ અટકળબાજી અને અફવાબાજી થઈ હતી. આ રોકડ રકમ હતી કોની? કોને પહોંચાડવાની હતી? આ અફલાતુ ન ઠગાઈ(?) પાછળ નગરવાલાનો આશય, ઇરાદો કે ધ્યેય શું?

આ પણ વાંચો: આ તો સ્કેમ છે… સ્કેમ છે.. : કૈરોં મર્ડર કેસમાં ચારને ફાંસી ને રાજકીય હસ્તક્ષેપની ચર્ચા…

આ ચિટિંગ કેસમાં પોલીસ તંત્રે અને ન્યાય વ્યવસ્થાએ પણ ઝડપ અને કાર્યક્ષમતાના નવા વિક્રમ સ્થાપ્યા હતા.

આરોપી પકડાયો એ જ દિવસે પોલીસે કોર્ટમાં કેસ દાખલ કરી દીધો, જે પહેલીવાર બન્યું હતું અને ભારતીય ન્યાયતંત્રના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે આરોપીની ધરપકડના ત્રણ દિવસમાં જ ખટલાની સુનાવણી પતાવીને એને સજા પણ સંભળાવી દેવાઈ. જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કે. પી. ખન્ના તરફથી રૂસ્તમ સોરાબ નગરવાલાને ચાર વર્ષની સખત સશ્રમ કારાવાસની સજા ફરમાવી દેવાઈ. આ ઉપરાંત રૂા. એક હજારનો દંડ પણ.

આ અગાઉ કોર્ટમાં નગરવાલાએ કબૂલ કરી લીધું કે મેં બાંગ્લાદેશમાં મિશનનું બહાનું આગળ ધરીને સ્ટેટ બૅંકના ચિફ કેશિયર વેદપ્રકાશ મલ્હોત્રાને ઉલ્લુ બનાવ્યા હતા. પરંતુ સમય જતાં તેણે નિવેદન બદલી નાખ્યું. એટલું જ નહીં, આ ચુકાદાને પડકાર્યો પણ હતો. નગરવાલાએ સ્પષ્ટ શબ્દોમાં માગણી કરી હતી કે આ કેસની સુનાવણી નવેસરથી કરવામાં આવે, પરંતુ 1971ની 28મી ઑક્ટોબરે અદાલતે નગરવાલાની અપીલ ઠુકરાવી દીધી હતી.

એક રીતે કહી શકાય કે આ કેસ પૂરો થયો. મામલો શાંત પડી ગયો. પરંતુ વીસેક દિવસમાં એકદમ અણધાર્યો વળાંક આવ્યો. નગરવાલા ચિટિંગ કેસના તપાસ અધિકારી એ.એસ.પી. (આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) ડી. કે. કશ્યપ હનીમૂન પર જતા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં એમનું મૃત્યુ થઈ ગયું. એ દિવસ હતો 1971ની 20મી નવેમ્બરનો. આ માત્ર અકસ્માત હતો કે પછી બીજું કંઈ?

આ પણ વાંચો: આ તો સ્કેમ છે… સ્કેમ છે…!: પંજાબમાં પહેલી રાજકીય હત્યા માટે ગોઠવાયો હતો તખ્તો…

હજી ઉપરથી શાંત જળ જેવા દેખાતા આ કેસની ભીતરમાં ઘણો ઉકળાટ હતો. રૂસ્તમ સોરાબ નગરવાલાએ સાપ્તાહિક ‘ધ કરન્ટ’ના માલિક-તંત્રી ડી. એફ. કારાકા (ડોસાભાઈ ફ્રમજી કારાકા)ને પત્ર લખીને જણાવ્યું કે મારે આપના પેપરને ઈન્ટરવ્યૂ આપવો છે. નગરવાલાએ આવી ઈચ્છા શા માટે વ્યક્ત કરી હશે? એકદમ સનસનાટીભર્યા કેસનો મુખ્ય અને એક માત્ર આરોપી એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ આપવા તૈયાર થાય તો કયા તંત્રી ના પાડી શકે? કારાકાએ પણ પોતાના સહાયકને ઈન્ટરવ્યૂ લેવા માટે મોકલી આપ્યો, પરંતુ હવે નગરવાલાએ ઈન્ટરવ્યૂ આપવાનો એકદમ નનૈયો ભણી દીધો! શા માટે?

રાજકારણ, અર્થતંત્ર, પોલીસતંત્ર એ જાણે કેટકેટલાંય આ કેસમાં દોરીસંચાર કરતા હશે એવી શંકા જાગવી શક્ય છે. અને 60 લાખની ઠગીનો મામલો ઈન્ટરવ્યૂના ઈન્કારથી શાંત પડવાનો નહોતો. હજી એમાં ખૂબ મોટો આંચકો આવવાનો બાકી હતો.

(ક્રમશ:)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button