ઈન્ટરવલ

ત્રણસો કરતાંય વધારે શ્રીરામકથા…!

એમાં છે કેટલીક જાણીતી ને અસંખ્ય સાવ અજાણી…

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

દેશ અને દુનિયામાં શ્રીરામ પર અંદાજે સાડા ત્રણસો કરતાં વધુ રામકથા લખવા- આલેખવામાં આવી છે. ભારતની લગભગ તમામ ભાષા ને બોલીમાં રામકથા મળે છે. તુલસીકૃત ‘રામચરિતમાનસ’નું પ્રથમ ભાષાંતર ઉર્દૂમાં થયું એ પછી ભારતીય ભાષાઓ તથા વિદેશી ભાષાઓમાં ભાષાંતર થયા હતાં. દુનિયામાં પાંચસો કરતાં વધુ શહેર એવાં છે, જેમના નામમાં રામ છે!

પ્રશ્ર્ન એ છે કે હજારો વર્ષથી શ્રીરામ માટે આટલું બધું આકર્ષણ શા માટે છે? વિચારો તો ખરા કે રામકથાઓ ક્યાં ક્યાં પહોંચી છે?

અલગ અલગ સાહિત્યમાં લખાયેલી ભગવાન શ્રીરામની કથાઓ યાદ કરીએ. ભગવાન રામના પૂર્વજ ઇક્ષ્વાકુનો ‘ઋગ્વેદ’માં એક વાર ઉલ્લેખ છે. એ અત્યંત પ્રતાપી રાજા હતા. એ જ રીતે દશરથ વિશે પણ એક જ વાર ઉલ્લેખ છે. રામ એટલે કે ભગવાન રામ-પરશુરામ – બલરામ વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. આ બધાનો પરિચય આપણને રામાયણ તથા મહાભારત દ્વારા જ થયો છે.
‘રામ’ શબ્દ તૈતરિય આરણ્યકમાં છે, જેનો અર્થ થાય છે સારો પુત્ર. ‘ઋગ્વેદ’માં રામ શબ્દ આવે છે, પણ ભગવાન રામ સાથે નિસ્બત નથી. એ જ રીતે રામાયણ રચયિતા વાલ્મીકિ વિશે ઉલ્લેખ મળે છે, પણ એ પણ ત્રણ- ચાર પ્રકારના અલગ અલગ છે.

ભગવાન રામના ઉલ્લેખ માટે મહાભારત પણ સમજી લઇએ. મહાભારતમાં ત્રણ- ચાર જગ્યાએ રામાયણ વર્ણવવામાં આવી છે, જે મૂળ રામાયણ કરતાં થોડી અલગ પણ છે. ભીમ અને હનુમાનજીની વાતોમાં નાનકડી રામાયણ કથા છે. અભિમન્યુના મૃત્યુ પછી યુધિષ્ઠિરને સાંત્વના આપવા ગુરુ દ્રોણ રામકથા કહે છે. ભગવાન કૃષ્ણ સ્વયં રામકથા કહે છે એવા ઉલ્લેખ છે. દ્રૌપદીનું હરણ થાય છે ત્યારે માર્કન્ડેય મુનિ યુધિષ્ઠિરને રામકથા કહે છે. આ કથાઓ મૂળ રામાયણ કરતાં થોડી અલગ છે, સંદર્ભ અને જરૂરિયાત પણ અલગ હતી.

આમ તો ઉપરોકત લખ્યા મુજબ રામકથા વિશ્ર્વભરના સાહિત્યમાં છે. ભગવાન રામની કથાઓનો સૌથી સુંદર અભ્યાસ ફાધર કામિલ બુલ્કેએ કરીને ભારતમાં રિસર્ચ પેપર રજૂ કર્યા હતાં. રામકથા પર આધારિત એમનું પુસ્તક પ્રત્યેક સનાતનીએ વસાવવું જોઈએ. ભગવાન રામ પર આનાથી શ્રેષ્ઠ સંશોધન બીજે ક્યાંય નથી.

મૂળ પૌરાણિક રામકથા પરથી વાલ્મીકિ રામાયણ લખવામાં આવી પછી દરેક વિસ્તાર- ભાષાઓ તથા સાહિત્યમર્મીઓએ પોતાના વિસ્તાર- રિતરિવાજો તથા સમયના પરિવર્તન પ્રમાણે રામકથાઓમા નવા નવા પ્રયોગો કરતાં ગયાં, જે છેક વીસમી સદી સુધી ચાલુ રહ્યા. કદાચ ભવિષ્યમાં નવા સ્વરૂપ પણ જોવા મળે. અસંખ્ય રામકથાઓ લખાઈ હોવાથી અલગ અલગ કથાકના રેફરન્સથી પણ નવી રામકથાઓ લખાતી જાય છે. આમ છતાં, તમામ રામકથાનો હેતુ માનવજાતને આદર્શ શીખવવાનો છે.

ફાધર કામિલ બુલ્કેના મતે પંદરમી સદીથી રામકથાઓ યુરોપ જવા લાગી અને રામકથાને વૈશ્ર્વિક સ્વરૂપ મળવા લાગ્યું. સન ૧૬૦૯માં જે. ફેનિચિયોએ ‘લિબ્રો ડા સૈટા’ પુસ્તકમાં વાલ્મીકિ રામાયણ આધારિત કથા લખી હતી. સત્તરમી સદીમાં એ રોજેરિયુસ નામના પાદરીએ ‘ધ ઓપન દોરે’ નામના પુસ્તકમાં રામાયણની વાતો લખી હતી. ૧૬૭૨માં પી. બલડેયુસે ડચ ભાષામાં રામકથા આલેખી. ઓ ડૈયરની હોલેન્ડમાં- ડે ફેરિયાની સ્પેનિસમાં- રલાસિયો ડેસ એરયરની ફ્રેન્ચ ભાષામાં રામકથાઓ પ્રકાશિત થઈ હતી. સોળથી અઢારમી સદી સુધીમાં યુરોપની વિવિધ ભાષામાં જે બી ટાર્નિવિયે- એમ સોનેરા- ડે પોલિયો- બોલે લે ગ્રોઝ- ચીગેનબાલા- વીનજેનજા મરિયા, ઈત્યાદૈ-ઈત્યાદિ સાહિત્ય પ્રેમીઓએ રામકથા લખી હતી. નોર્થ ઇસ્ટના દેશોમાં તો રામકથાઓ પ્રચલિત પણ હતી અને એમની સ્થાનિક સંસ્કૃતિ મુજબ કથાકનોમાં પરિવર્તન પણ લાવ્યા હતા. આ દેશોની રામલીલા વિશ્ર્વવિખ્યાત છે.

ફારસી ભાષામાં તથા ઉર્દૂમાં પણ રામકથા ઉપલબ્ધ છે. ઉર્દૂ તો આધુનિક ભાષા હોવાથી છેલ્લાં દોઢસો વર્ષમાં લખાયેલી રામકથા ઉપલબ્ધ છે, પણ ફારસીમાં જૂની રામકથા મળે છે. અકબરના આદેશ અનુસાર અલ બદાયૂનીએ વાલ્મીકિ રામાયણનો ફારસી અનુવાદ કર્યો હતો. જહાંગીરના સમયમાં ફારસી રામાયણ ‘રામાયણ મસિહી’ પ્રચલિત થઈ હતી. આ રામાયણ ઉત્તર પ્રદેશના કિરાના ગામના મુલ્લા મસીહે લખી હતી.

બાય ધ વે, મુલ્લા મસીહે લગભગ પાંચ હજાર છંદમાં હિન્દુ ગ્રંથનું મુસ્લિમ શાસક માટે ફારસી અનુવાદ કર્યો પણ એ ખ્રિસ્તી હતો. મોગલ બાદશાહ શાહજહાંના સમયે ‘રામાયણ ફૈજી’ લખવામાં આવી. ઉર્દૂમાં મુનશી જગન્નાથ ખુશ્તરની ‘રામાયણ ખુશ્તર’ સૌથી લોકપ્રિય છે.

ભારતના પ્રત્યેક પ્રાંતમાં રામકથાઓ લખવામાં આવી છે. દરેક પ્રાન્તે એકબીજાના રેફરન્સ-સંદર્ભ પણ વાપર્યા છે. તમિલ ‘કંબર રામાયણ’ અતિ પ્રચલિત છે તો તેલુગુમાં ‘દ્વિપદ રામાયણ’, કન્નડમા ‘તોરબે રામાયણ’, આસામની ‘માધવકંદલી રામાયણ’, કાશ્મીરમાં ‘રામાવતારચરિત’ તો ઉડિયા રામાયણ, એકનાથજીનું મરાઠી રામાયણ, હિન્દીમાં તુલસીનુ રામચરિત માનસ, શીખોનું ગોવિંદ રામાયણ સહિત અનેક રામકથા સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. આમ ભારતની હજારો વર્ષની સંસ્કૃતિ, વિવિધતા- મૂલ્યો તથા જીવનપદ્ધતિનો અભ્યાસ કરવો હોય તો રામકથાઓમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવો જોઈએ.

-અને હા, આપણી ભાષા ગુજરાતી રામકથાઓથી કેમ બાકાત રહે?

આપણી રામકથાઓની શૈલીમાં કૃષ્ણ કથાઓનો પ્રભાવ રહ્યો છે. અસાઇતના રામલીલાનાં પદો, પંદરમી સદીમાં ભાલણે રામવિવાહ તથા રામબાલચરિત તથા કર્મણની સીતાહરણ, ભીમની રામલીલા, લાવણ્યસમયની રાવણ મંદોદરી સંવાદ, પ્રેમાનંદનું રણયજ્ઞ હૈય કે હરિદાસનું સીતા વિરહ અને આધુનિક ગુજરાતીમાં ગિરધરદાસનું રામાયણ સૌથી વધુ લોકપ્રિય છે. ગુજરાતી રામકથાઓમાં સીતાત્યાગ તથા લવ-કુશની રામની સેના સાથેના યુદ્ધનું સુંદર વર્ણન છે.

રામકથાઓ શા માટે વૈશ્ર્વિક બની છે એનો સૌથી સરળ જવાબ છે સામાન્ય માણસને મૂલ્યો અને નીતિમત્તા શીખવા માટે શ્રીરામ પ્રભુ હજારો વર્ષથી આદર્શ છે. સત્ય માટે પ્રેમ- દુશ્મન માટે કરુણા અને માનવજગતનું કલ્યાણ એમનાં હૈયે વસેલાં હતાં. પ્રત્યેક પ્રસંગ સદૈવ માર્ગદર્શક બન્યા છે.

‘કંબન રામાયણ’માં એક પ્રસંગ છે. વિભિષણ લંકા યુદ્ધ વખતે રાવણને છોડીને શ્રીરામની સેનામાં જોડાવા આવે છે એ દરમિયાન શ્રીરામ પોતાના મુખ્ય સેનાનીઓ સાથે સંવાદ કરે છે અને અભિપ્રાય માગે છે.

લક્ષ્મણે પહેલાં અભિપ્રાય આપ્યો કે રાવણને દગો દીધો, આપણનેય દગો આપે…. સુગ્રીવે જણાવ્યું કે દુશ્મનની ચાલ હશે…. વાલીપુત્ર અંગદે કહ્યું કે, વચલો રસ્તો કરો…વડીલ એવા જાંબુવાને સલાહ આપી કે એને સારાં માન-દાન આપીને સેનામાં લઇ લો…. વિદ્વાન એવા હનુમાનજીએ વ્યાવહારિક વાત કહી કે ભરોસો મૂક્યા સિવાય કોઈ વિકલ્પ છે?

અહીં મૂળ વાત, જે આધુનિક યુગમાં શીખવા જેવી છે કે દરેકનો અભિપ્રાય અલગ અલગ હતો, છતાં મનભેદ ન હતો. સંવાદ ભારતનો આત્મા છે એ વાત હંમેશાં યાદ રાખવાની જરૂર છે. આપણું મોટાભાગનું સાહિત્ય સંવાદ થકી લખવામાં આવ્યું છે. દરેક પાત્રોની વાતને મનોવૈજ્ઞાનિક રીતે વિચારશો તો જણાશે કે પ્રત્યેક જવાબ પાછળ એમના પૂર્વના અનુભવો દેખાય છે.

દુશ્મન સાથે પણ સંવેદના એ શ્રીરામનો ગુણ છે. ઇન્દ્રજીત વિશાળ સેના સાથે આકાશ માર્ગે લડવા આવ્યો. રામસેનાના રક્ષણ માટે હનુમાનજીની સલાહ મુજબ મહાવીરુ નામના વિરાટ ગરુડની મદદ લેવામાં આવી. ઇન્દ્રજીત આકાશમાંથી વિશાળ પથ્થર વરસાવા લાગ્યો, વિરાટ ગરુડે પાંખો ફેલાવીને રામસેનાનું રક્ષણ કર્યું. પથ્થરનો ભાર વધી જતાં શ્રીરામ અવારનવાર ગરુડના શરીરને હલાવીને પથ્થર ખંખેરી આપતા હતા, આ પ્રકારનું યુદ્ધ ચાલીસ દિવસ ચાલ્યું હતું.

એક કથા મુજબ પત્ની કોમલદેવી પાસે સપ્રેમ વિદાય પામીને ઇન્દ્રજીત એક હજાર લીલા રંગના ઘોડાના રથ પર લડાઈ લડવા આવ્યો. ઇન્દ્રજીતનો વધ થતાં રાવણ લડાઇના મેદાનમાં ખૂબ રડ્યો. આ દૃશ્ય જોઇને શ્રીરામ પણ રડી પડ્યા હતાં! પત્ની કોમલદેવી પતિ ઈન્દ્રજીત સાથે સતી થઈ હોવાની કથા છે. બંનેની રાખને સાચવવામાં આવી હતી. ઇન્દ્રજીત જેવા વીર યોદ્ધાના માનમાં ચાલીસ દિવસ લડાઇ સ્થગિત કરવામાં આવી હતી. અન્ય એક કથામાં ઇન્દ્રજીતની પત્ની સુલોચના લક્ષ્મણની પુત્રી દર્શાવી છે. શ્રીરામે ઇન્દ્રજીત અને સુલોચનાને વૈકુંઠમાં સ્થાન આપ્યું હતું. નોર્થ ઇસ્ટના રામાયણ મુજબ ઇન્દ્રજીત એની સાત પત્નીને સાથે રાખીને યુદ્ધ લડવા આવ્યો એમાં બધાનો વધ થયો હતો.

ભગવાન શ્રીરામનો લંકા પર વિજય થયો. સીતાજી સાથે વતન પરત ફરવાના હેતુથી વિભિષણને આદેશ કર્યો કે વ્યવસ્થા કરવામાં આવે. વિભિષણે પુષ્પક વિમાનમાં શ્રીરામ-સીતાજી- લક્ષ્મણ સહિત વાનર સેનાપતિઓ તેમજ વિભિષણ અને તેના સાથીઓ સાથે અયોધ્યા જવા માટે નીકળ્યા.

ભરદ્વાજ મુનિના આશ્રમમાં વિરામ કરવામાં આવે છે અને શ્રીરામના બંધુ ભરતને જાણ કરવામાં આવે છે. ભરત આ સમાચાર જાણીને અત્યંત આનંદિત થાય છે. એ શ્રીરામના સ્વાગત માટે અયોધ્યા નગરી શણગારવાનો આદેશ આપે છે અને દીપોત્સવ થાય છે….

આપ સહુના હૃદયનિવાસમાં સીયારામ નિવાસ કરે અને સત્કર્મોની કરવાની પ્રેરણાજ્યોત પ્રકાશિત રહે એવી પ્રભુ સીયારામને પ્રાર્થના…

ધ એન્ડ :
રાવણના ઇન્દ્રજીત સિવાય પણ સંતાનોના ઉલ્લેખ મળે છે. અક્ષ, અતિકાય, ત્રિશિરા, નરાંતક, વેદાન્તક, મેઘવાહન, મહાનાદ, સિંહનાદ, વીરબાહુ, પાતાલમહારાયન, તૂરીકાય, તૂરીસિરહ, નારનન્તાક, દેવનંતાક વગેરે. પાતાળલોકમાં પણ રાવણની પત્ની હતી, એનો પુત્ર એટલે પ્રલયકલ્પ…
એક કથા મુજબ રાવણ વધ સમયે મંદોદરી પ્રેગ્નન્ટ હતી. રાવણવધ પછી એક પુત્ર જન્મ્યો, એનું નામ બૈનાસૂરીશળવંશ, જેણે બદલે કી આગ મેં વિભીષણની જિંદગી હરામ કરી નાખી હતી. રાવણને નાગ ક્ધયા સુવર્ણમચ્છા સાથે પ્રેમ હતો. એનેય બે પુત્ર હતાં. એક હાથણી સાથે પ્રેમ હતો. એનેય કિરિધર અને કિરિવન નામના પુત્ર પેદા કર્યા….!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…