કચ્છી ચોવકઃ ખોટ ખાઈને પણ સંગત લાખેણાની જ કરવી

કિશોર વ્યાસ
ચોવકો આમ તો કચ્છી લોકસાહિત્યનો જ એક પ્રકાર ગણી શકાય. જેમ દરેક બાબતમાં અપવાદ હોય છે તેવું ચોવકમાં પણ છે. હરેશ દરજી ‘કસભી’એ તેના ચોવક ગ્રંથમાં ટાંક્યું છે કે, કોઈક મોટા રચનાકારની રચના કે તેનો એક નાનકડો હિસ્સો કાળક્રમે ચોવકનું સ્વરૂપ ધારણ કરે છે, જેમ કે સંત કબીરની આ આખી ચોવક બની ગઈ છે :
‘જા કા ગુરુ અંધાલા, ચેલા ખરા નિરન્ધ,
અંધે અંધા ઠેલીયા, દોનું કૂપ પડન્સ!’
એવી જ રીતે સંત તુલસીદાસનો આ દુહો :
‘તુલસી હાય ગરીબકી, કભી ન ખાલી જાય,
મૂએ ઢોર કે ચામ મેં લોહા ભસ્મ હો જાય’
આ દુહાનો એક ભાગ ‘મૂએ ઢોર કે ચામ સેં લોહા ભસ્મ હો જાય’ એ કાળક્રમે ચોવકમાં બદલાઈ ગયો છે. ખેર!
એક અંગ્રેજી કહેવત યાદ આવે છે? ‘જૅક ઓફ ઑલ બટ માસ્ટર ઑફ નન’ એવા અર્થવાળી પણ કચ્છી ચોવક છે: ‘સોંય મેં શૂરો,
સે મિણી મેં અધૂરો’ મલતબ કે જ્ઞાન બધી બાબતોનું હોય પણ એક પણ બાબતમાં નિપુણતા નહીં. ‘સોંય’ મેં શૂરો એટલે સો જેટલી બાબતનું જ્ઞાન ધરાવનાર. ‘મિણીમેં અધૂરો’ એટલે એકનું પણ પૂરું જ્ઞાન નહીં!
આ પણ વાંચો: કચ્છી ચોવકઃ જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ એ બતાવે છે…
દરેક અલગ અલગ પ્રસંગે ચોવકને બંધ બેસતી કરવામાં આવે છે. દરેક બાબતનાં બે પાસાં હોય છે. એવું કહેવા માટે કચ્છીમાં કહેવાય છે કે, ‘સિજ હિક઼ડોને પરછાઈયા બ’ ‘સિજ’ એટલે સૂરજ. પરછાઈયા એટલે પડછાયા. અર્થ એવો થાય છે કે સૂરજ એક અને પડછાયા બે. કહેવું એમ જ છે કે, ‘એક જ ચીજના બે પાસાં’ હોય છે.
એક અત્યંત વ્યવહારુ ચોવક માણવા જેવી છે. ‘સવા લખ જે સોણેં કનાં રૂપિયો રોક઼ડો ખાસો’ અર્થ એવો થાય છે કે, સવા લાખનાં સપનાં જોવા કરતાં એક રૂપિયો રોકડો સારો. ‘હાથે ઈ સાથે’ના અર્થમાં જ. સવા લાખનાં સપનાં ચલણ તરીકે વટાવી ન શકાય પણ એક રૂપિયો ખિસ્સામાં હોય તો ચણા-મમરા જરૂર મળે!
પરિસ્થિતિ સીમિત બતાવવા માટે કહેવાય છે કે, ‘બૂચડા બંધર, બ ઘર નેં ત્ર્યો જંધર’ બૂચ઼ડાનો અર્થ થાય છે બેવકૂફી, બંધર એટલે વાંદરો અને જંધર એટલે ઘંટી… અને ‘બ ઘર’ એટલે કે બે ઘર.. ત્રણેય વસ્તુની મર્યાદા હોવી જરૂરી છે. કોઈની મોટપ જાળવી રાખવા માટે ‘મીંઢે મોંઘા નયો શેઠ’ એવી ચોવકનો ઉપયોગ થતો હોય છે. ‘મીંઢે એટલે ‘મિંડું’. કાં તો. શેઠની મૂડીમાંથી એક મિંડું ઓછું થયું હોય અને કાં તો, શેઠને પાછી આપવાની રકમમાં એક મિંડું ઉમેરવાનો પ્રસંગ આવે ત્યારે સામા માણસની, ‘શેઠ’ની મોટપ જાળવી રાખવા આ ચોવક વપરાતી હોય છે.
આ પણ વાંચો: કચ્છી ચોવકઃ વિશેષ વ્યક્તિઓની સ્મૃતિ અપાવે રૂઢિપ્રયોગ!
એવા ગુણિયલ માણસોને કોઈ પણ કિંમતે માન અપાય. લાખેણા માણસની સોબતમાં કદાચ નુકસાની પણ થાય તો તે જોવાય નહીં, હસતાં હસતાં સહન કરી લેવાય. એવા અર્થમાં કહેવાય છે કે, ‘લખ ડિઈ લિખવાર વ્યારીજે’ જેનો સીધો અર્થ થાય છે કે, લાખ રૂપિયા ખર્ચીને પણ એવા માણસનું થોડી વાર પણ સાનિધ્ય માણવામાં સરવાળે નુકસાન નથી જતું!
ઘણીવાર ગણતરીઓ ખોટી પડે છે ત્યારે ચોવક કહે છે: ‘સતે વીંયેં સો ને નવ વીંયેં હજાર’ અહીં ‘વીંયેં’ એટલે વીસે. સાત વીસે સો ને નવ વીસે હજાર! અર્થ છે કે, ગણતરીઓ ઊંધી પડવી.



