ઈન્ટરવલ

કચ્છી ચોવકઃ શ્રદ્ધા શક્તિનું મહત્ત્વ…

કિશોર વ્યાસ

માત્ર ઈશ્વર મહાન છે. કોઈ પણ સદ્કાર્ય માટે એ માણસને નિમિત્ત બનાવે છે. ઈશ્વર પાસે સદ્કાર્ય સિવાય કંઈ જ નથી. એટલે જ એક ચોવકમાં સનાતન સ્વરૂપે વણી લેવામાં આવ્યું છે કે, “કરણવારી કુધરત, માડૂ નીમીત માતર” ચોવકમાં જે ‘કરણવારી’ શબ્દનો પ્રયોગ થયો છે, તેનો અર્થ ‘કરવાવાળી’ થાય છે. પણ કચ્છની જુદી જુદી જ્ઞાતિમાં અને પ્રદેશમાં ‘કરણવારી’ના બદલે ‘કેવારી’ ‘કરેવારી’ વગેરે શબ્દો પ્રયોજાય છે. જેનો અર્થ પણ ‘કરવાવાળી’ જ થાય છે. અર્થ અને ભાવાર્થ સ્પષ્ટ છે કે, ‘કરવાવાળી તો કુદરત છે, મનુષ્ય માત્ર નિમિત્તે જ બને છે!

કુદરત પર આ રીતે શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો દર્શાવતી બીજી પણ એક ચોવક છે : “અંધેજી યા જો અલ્લા રખવારો.” ‘અંધેજી’ એટલે આંધળાની, રખવારોનો અર્થ થાય છે, આધાર કે સંભાળ લેનાર. પુત્ર આંધળો હોય અને યા નિરાધાર બની ગઈ હોય તેની સંભાળ ભગવાન રાખે છે, એમ ચોવકને કહેવું છે. બીજો એવો પણ અર્થ થઈ શકે કે, ‘જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન છે’!

છઠ્ઠીના લેખ! આપણે આસ્થાપૂર્વક માનીએ છીએં કે, આપણા સુખ-દુ:ખનો તમામ હિસાબ એ લેખમાં લખેલો હોય છે. છઠ્ઠીના લેખમાં લખ્યા મુજબની ઘટનાઓ જ ક્રમસર માનવજીવનમાં બનતી રહે છે. પણ દુ:ખથી પરેશાન કોઈપણ વ્યક્તિની વ્યથા અને આક્રોશ આ ચોવક વ્યક્ત કરે છે: “જ મિલે વિધાતા રો઼ડે વઢીયાં નક” જબરદસ્ત આક્રોશ છે આ ચોવકમાં. અર્થ એવો થાય છે કે, ‘જો મળે વિધાતા તેનું નાક કાપી નાખું.’! ‘રો઼ડે’ શબ્દનો અર્થ છે સખત પ્રહાર કરીને! ‘વઢીયાં’ એટલે વાઢી નાખું કે કાપી નાખું અને ‘નક’ એટલે નાક.

તેમ છતાં પણ આપણા જીવનમાં શ્રદ્ધાનું સ્થાન બહુ જ મહત્ત્વનું છે. ઈશ્ર્વર પર અપાર શ્રદ્ધા રાખ ને કરેલું કાર્ય પાર પડે જ, એટલા શ્રદ્ધાવાન આપણે છીએ. શ્રદ્ધા ખરેખર તો ‘બળ’ર આપે છે અને ઈશ્વર ‘કળ’ આપે છે. કચ્છીમાં એટલે જ આ ચોવક છે: “જુકો જે઼ડી ધારે માલક તે઼ડો તેં કે પારે.” શ્રદ્ધાની પરીસીમા દર્શાવતી આ ચોવક છે. સીધો અર્થ એવો થાય છે કે, ‘કોઈ જેટલી અને જેવી શ્રદ્ધા ઈશ્વરમાં ધરાવે, તેટલા પ્રમાણમાં જ ઈશ્વર તેની ઈચ્છા પૂરી કરે! ‘જે઼ડી’ એટલે જેવી અને ‘ધારે’ એટલે કે શ્રદ્ધા રાખે. ‘માલક’ એટલે ઈશ્વર. ‘પારે’નો અર્થ છે, પાળે કે ઈચ્છા પૂરી કરે!

વળી પાછું બીજી એક ચોવક એમ પણ કહે છે કે “ડેવ તેડા થાર” જેવા દેવ તેવો થાળ! બહુ અર્થી આયામ ધરાવે છે આ ચોવક. દેવની કક્ષા નક્કી કરનારા આપણે કોણ? તો ભાવાર્થ એવો હોઈ શકે કે, આપણી શક્તિ-ક્ષમતા કે સગવડ મુજબ દેવને થાળ ધરાવાય!

આવી પાત્રતા દર્શાવતી બીજી પણ ચોવક કચ્છીમાં વપરાય છે: “ડેવ તે઼ડયૂં અઠાઈયૂં” અર્થ એજ થાય કે, જેવા દેવ તે પ્રમાણે તેના પૂજા-પાઠ કે વ્રત-જાપ કરવા જોઈએ!

એટલે જ કહેવાય છે કે, ઈશ્વર પર મૂકેલી શ્રદ્ધા ક્યારેય અફલિત રહેતી નથી. બધાને કહેતા ન ફરાય કે દુઆ કરજો! શ્રદ્ધા સ્થાન એક જ અને બળવતર શ્રદ્ધાવાળું હોવું જોઈએ. એ પ્રહારનો નિર્દેશ આપતી ચોવક પણ પ્રચલિત છે: “ડેવ ડેવસ્થાન છડે, ને ખેતરપારજી ખ઼િડ ન થીયે” મતલબ કે દેવ-દેવસ્થાનાં છોડીને ક્ષેત્રપાળની ભક્તિ ન કરાય. ક્ષેત્રપાળ એ ક્ષેત્રરક્ષક છે, પણ એ દેવ-દેવી કે દેવસ્થાનાંની ઉપરવટ ન જઈ શકે! ક્ષેત્રપાળ એ શેષનાગનું સ્વરૂપ છે. આપવા વાળો કે પ્રાર્થનાનું પરિણામ આપનારો ઈશ્વર જ છે અને દરેકને તેની પાત્રતા મુજબ એ આપતો રહે છે. “ભગવાન સઉં ત નિત નઉં” અહીં ‘સઉં’નોર અર્થ કૃપા અને ‘નઉં’ એટલે નવું. મતલબ કે હોય જો ઈશની કૃપા તો રોજ નિત નવનીત મળે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button