કચ્છી ચોવક: શણગારો તો બાવળ પણ શોભે! | મુંબઈ સમાચાર

કચ્છી ચોવક: શણગારો તો બાવળ પણ શોભે!

– કિશોર વ્યાસ

‘સોન જિત ઘડા જે, ઉતે અગે’ આ ચોવકમાં ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દોના અર્થ મુજબ સંકલિત અર્થ એવો થયો છે કે, ‘સોનું જ્યાં ઘડાય ત્યાં તેનું મહત્ત્વ રહે’! પ્રથમ શબ્દ ‘સોન’ એટલે સોનું, ‘જિત’નો અર્થ થાય છે જ્યાં અને ‘ઘડાજે’ એટલે ઘડાય. ‘ઉતે’નો અર્થ થાય છે ત્યાં અને ‘અગે’નો મૂળ અર્થ તો ‘આગળ’ એવો થાય છે, પરંતુ અહીં ‘અગે’નો પ્રયોગ છે, જે મહત્ત્વ કે માન-સન્માનના અર્થમાં લઈ શકાય! ચોવકનો ભાવાર્થ તો વળી જુદો જ છે! ‘સોન જિત ઘડાજે’ એટલે આપણા શરીરનું પિંડ જ્યાં બંધાય, જ્યાં આપણે જન્મ થાય એ ધરતી પર આપણા જીવનને પોષણ મળે, માન મળે, સન્માન મળે! અગ્રેસર તરીકે ગણના થાય! છેને? શબ્દાર્થની અજાયબી?

સોનાની જ વાત શરૂ કરી છે તો, તેના પ્રયોગ વાળી બીજી એક ચોવક પણ માણીએ! ચોવક છે: ‘સોનજી થારી મેં લો જી લી’ પહેલા શબ્દ સમૂહને ‘સોનજી થારી મેં’નો અર્થ થાય છે, સોનાની થાળીમાં. ‘લો’ એટલે લોખંડ અને ‘લી’નો અર્થ થાય છે, ‘રેખા’ કે લીટી કે મેખ! હવે યાદ કરો એક ગુજરાતી કહેવત! ‘સોનાની થાળીમાં લોઢાંની મેખ’! એક વસ્તુ આખી ખૂબ જ સુંદર હોય પણ તેમાં કંઈક એવું હોય જે તેની સુંદરતામાં ડાઘ સમાન હોય! ભલે આપણે ‘સોનાની થાળી’નું ઉદાહરણ જોઈએ છીએ, પણ ભાવાર્થનું ઊંડાણ સમજવાની જરૂર છે. ચોવક, માણસનાં વ્યક્તિત્વના ઓપની, તેની પ્રતિષ્ઠાની કે સમાજમાંના સન્માનનીય સ્થાનની વાત કરીને કહે છે કે, આ બધા ગુણોને લુણો લગાડે તેવા અવગુણોની! જેના કારણે વ્યક્તિત્વ ઝંખવાતું હોય છે.

આ પણ વાંચો: કચ્છી ચોવક : આંખ ખુમારીનો આયનો…

એક સુંદર મજાની ચોવક છે: ‘સુડબ સૂંણાં નેં પાલર ભિનાં’ અહીં પણ બે શબ્દના સમૂહનો એક અર્થ છે. ‘સુડબ સૂંણાં’ એટલે ચઢેલાં ડાચાં વાળો-વાળી! એ જ રીતે ‘પાલર ભિનાં’ એટલે વરસાદનાં તાજાં પાણીમાં પલળેલો! આટલી કવાયત પછી પણ અર્થ તો એટલો જ નીકળે છે કે, કોઈનો દેખાવ બરાબર ન હોવો!

ઘણાને સામે ચાલીને આફત વહોરી લેવાની આદત હોય છે. એવા લોકો માટે કચ્છીમાં એક ચોવક પ્રચલિત છે: ‘સુતલ કે છીર ડીંણું’ ‘સુતલ’ એટલે આપવું કે દેવું. વળી એક ગુજરાતીમાં પ્રયોજાતી કહેવત આ ચોવકનો મૂળ અર્થ સમજવા જોઈએ: ‘સૂતા સૂર જગાવવાં’ કે ‘સિંહની બોડમાં હાથ’ નાખવો!

આ પણ વાંચો: કચ્છી ચોવક : અભાવનો ચરુ ઉકળતો હોય પણ દેખાવ લાડા જેવો!

‘સિભાજે ઈતરો વીતરીજે’ ‘સિભાજે’ એટલે સહન થાય તેટલું પણ અહીં ‘પહોંચી વળવા’ના અર્થમાં તેનો ઉપયોગ થયો છે. ‘ઈતરો’ એટલે ‘એટલું જ’ ‘વીતરીજે’નો અર્થ થાય છે વેતરવું! કોઈપણ આયોજન આપણે પહોંચી વળીએં કે પછી આપણી ક્ષમતા પ્રમાણે જ કરવું જોઈએ.

ઘણા લોકો, એટલે કે પુરુષો કે સ્ત્રીઓ જરા પણ શોભતાં ન હોય, પણ પાર્લર કે બ્યુટી પાર્લરમાંથી નીકળે અને પછી જરા ચિવટથી શણગાર કરે તો કાંઈક અંશે શોભે! આવા અર્થમાં એક ચોવક છે, જેમાં હકીકત પણ છે અને કોઈની મજાક-મશ્કરી કરવાની કળા પણ છે. ચોવક છે: ‘સિણગાર્યો બાવર ય શોભે’ અર્થ થાય છે બાવળને શણગારીએં તો એ પણ શોભી ઉઠે! ‘સિણગાર્યો’ એટલે શણગારેલો. ‘બાવર’ એટલે બાવળ. ‘ય’નો અર્થ છે પણ અને શોભે એટલે… શોભે જ તો વળી!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button