આ તો સ્કેમ છેઃ જયંતી તેજાને ઉચ્ચ નેતાઓ સાથેની નિકટતા ભારે પડી? | મુંબઈ સમાચાર

આ તો સ્કેમ છેઃ જયંતી તેજાને ઉચ્ચ નેતાઓ સાથેની નિકટતા ભારે પડી?

પ્રફુલ શાહ

ડૉ. જયંતી ધર્મા તેજા પર આરોપ ભલે પ્રજાના રૂપિયા ચાઉં કરી જવાનો લાગ્યો હતો, પણ આ ભાયડા માટે ખુદ દેશના વડા પ્રધાને શું દાવો કર્યો એ ખબર છે? તેણે જેટલું લીધું એના કરતા વધુ દેશને આપ્યું છે. એ વડા પ્રધાન હતા મોરારજી દેસાઈ.

આ ડૉ. તેજા પર વડા પ્રધાન જવાહરલાલ નહેરુને ભરપૂર વિશ્ર્વાસ હતો. નહેરુ એમને ટોપ-સિક્રેટ ડિપ્લોમેટિક મિશન પણ સોંપતા હતા. આ તેજાએ ઈંદિરા ગાંધીને ખર્ચાળ મિન્ક કોટ અને નેકલેસ ભેટમાં આપ્યા હતા અને રાજીવ ગાંધી – સંજય ગાંધીના લંડનમાં રહેવાનો ખર્ચો ઉઠાવતા હોવાનો પણ આરોપ મુકાયો હતો. તેજાનો દબદબો જોઈને એકવાર બ્રિટિશ અદાલતે પૂછયું હતું કે શું તમને નહેરુના અનુગામી તરીકે તૈયાર કરાઈ રહ્યાં હતા? તેજાનો જવાબ હતો ‘નો કોમેન્ટ’.

ડૉ. જયંતી ધર્મા તેજાના ઉચ્ચ અને ઉપયોગી સાથે સંબંધ બાંધવા, કેળવવા અને જાળવવાનો ગજબનાક કસબ હતો. એ નહેરુ ગાંધી પરિવાર પર ભેટ-સોગાદની વર્ષા કરતો હતો, સંસદ સભ્યોને પોતાના ક્રુઝ – શીપ પર પાર્ટીઓ આપતો હતો અને કોસ્ટા રીકાના દેશના પ્રમુખ જાણે લંગોટિયો દોસ્ત હોય એમ વર્તતો હતો.

આ પણ વાંચો: આ તો સ્કેમ છેઃ નહેરુના અવસાનથી એમના અચ્છે દિન પૂરા થયા!

સામે પક્ષે એવો ય દાવો કરાતો હતો કે તેજાની તીન મૂર્તિ ભવન અર્થાત્ વડા પ્રધાન નિવાસ સાથેની નિકટતા ઘણાંને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આથી એના માટે ખોટી વાતો ઉડાડાતી હતી. તેજાએ સંજય – ગાંધીના લંડનના ખર્ચા ઉઠાવાની જુબાની તેના ભૂતપૂર્વ કર્મચારીએ આપી હતી. સંજય ગાંધી ઓટોમોબાઈલ મોગલ બને એવું તેજા ઈચ્છતો હતો.

જોકે આગળ જતા તેજાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘નહેરુના વિરોધીઓએ કૌભાંડનો હાઉ ઊભો કરવા માટે મારું નામ વાપર્યું હતું. કૌભાંડથી વધુ શક્તિશાળી કોઈ હથિયાર નથી.’

તેજાએ આગળ વધીને ઘણાં દાવા કર્યાં હતા કે ‘મારે તો જયંતી શિપિંગ કોર્પોરેશન શરૂ કરવું જ નહોતું પણ નહેરુએ મારા પર એ થોપી દીધું હતું. ભારતીય વહાણવટાની ઈમેજ દુનિયામાં કેવી રીતે સુધારી શકાય એના સૂચનો તેમણે જ મારી પાસે માગ્યા હતા.’

આ પણ વાંચો: આ તો સ્કેમ છેઃ યાદ રખના કિ નામ હૈ ડૉ. જયંતી ધર્મા તેજા…

તેજા પોતાની કંપનીમાં ડચ એન્જિનિયર્સ લાવ્યો અને જાપાની જાયન્ટ મિત્સુબુશીને સામેલ કરી. શિપિંગ કંપની સડસડાટ સફળ થયા બાદ તેણે થર્મલ પાવર ઉદ્યોગમાં જવાનો પ્રયાસ કર્યો હતો.

ડૉ. જયંતી ધર્મા તેજાની જેમ એની પત્ની રંજીતા પણ સમાચાર – વિવાદમાં આવતી રહેતી હતી. લંડનથી ન્યૂ યોર્ક વચ્ચેના આંતરરાષ્ટ્રીય સમૃદ્ધ-સફળ માણસોમાં આ યુગલની ગણના થતી હતી. રંજીતા દિલ્હીમાં સંબંધ બનાવવા – જાળવવામાં પતિ માટે પૂરક – ઉપકારક સાબિત થઈ હતી.

દિલ્હીના સોશ્યલ સર્કલમાં એક સમયે રંજીતા તેજા મોટું સફળ – નામ ગણાતું હતું. એક પાર્ટીમાં રંજીતાએ નહેરુના ગાલ પર ચુંબન કર્યાની ચર્ચાએ જોર પકડયું હતું. પીઢ સામ્યવાદી સાંસદ ઈન્દ્રજીત ગુપ્તાએ સુધ્ધાં રંજીતા તેજાને ‘હેલન ઑફ ટ્રોય’ સાથે સરખાવી હતી.

આ પણ વાંચો: આ તો સ્કેમ છેઃ ફિરોઝ ગાંધીએ મુંદડા કૌભાંડ પર સસરાજીની સરકારને ભીંસમાં લીધી

પરંતુ જવાહરલાલ નહેરુના અવસાન બાદ તેજાના સંબંધ નવા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને એમના અંગત સચિવ ચંદ્રિકા પ્રસાદ શ્રીવાસ્તવ સાથે એકદમ કથળ્યા હતા.

ડૉ. તેજાને મળતા વિશેષાધિકાર તો બંધ થઈ જ ગયા. ઊલ્ટાનું કથિત ગોટાળા બદલ એની વિરુદ્ધ તપાસ શરૂ થઈ. ઈંદિરા ગાંધીની સરકાર આવ્યા બાદ તેજા સામે તપાસની સત્તાવાર શરૂઆત થઈ હતી. તેની જયંતી શિપિંગ કોર્પોરેશનનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સંભાળી લીધું હતું.

તેજાનું માનીએ તો કૉંગ્રેસ અને સરકારમાંનું નહેરુ વિરોધી જૂથ પોતાની પાછળ પડી ગયું હતું. શાસ્ત્રીની હત્યાના કાવતરામાં તેજા સામેલ હોવાના આક્ષેપ સુધ્ધાં થયા હતા. અફવા એવી ફેલાવાઈ કે 1966ની પહેલી જાન્યુઆરીએ શાસ્ત્રીજીના મૃત્યુ વખતે તેજા તાશ્કંદમાં હાજર હતો, પરંતુ વિદેશ પ્રધાન સ્વર્ણસિંહે ખુલાસો કર્યો હતો કે શાસ્ત્રીના અવસાન વખતે તાશ્કંદમાં ઉપસ્થિત તેજા તો ત્યાંના દૂતાલયમાં માહિતી સચિવ હતો, પરંતુ એ ચર્ચાસ્પદ ડૉ. જયંતી ધર્મા તેજા નહિં. જોકે હવે તેજાનો વધુ ખરાબ સમય આવવાનો હતો.

(ક્રમશ:)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button