ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

-હેન્રી શાસ્ત્રી

સમસ્ત યુએસએના રહેવાસીઓ કટોકટીના સમયમાં તાકીદની સહાય, રાહત માટે ‘911’ ટેલિફોન નંબર ડાયલ કરી શકે છે. ચીઝ માટે પ્રખ્યાત અને અમેરિકાના ‘ડેયરીલેન્ડ’ તરીકે ઓળખાતા વિસ્કોન્સિન રાજ્યમાં આ ઈમરજન્સી નંબર પર એક મજેદાર કોલ આવ્યો.

ફોન પર ચાર વર્ષના બાળકે પોલીસને ફરિયાદ કરી કે ‘પ્લીઝ, અહીં આવી મારી માને પકડી જાઓ અને એને જેલમાં પૂરી દ્યો.’ સામે છેડેથી બાળકને પરેશાનીનું કારણ પૂછવામાં આવ્યું, પણ બાળકે તો એક જ રટ પકડી હતી કે ‘મારી માને લઈ જાઓ.’ પછી ખબર પડી કે દીકરાને કીધા વિના મા એનો આઈસક્રીમ ઝાપટી ગઈ એટલે દીકરો રિસાણો અને માતુશ્રીને પાઠ ભણાવવા કોલ કર્યો. પોલીસ ત્વરાએ ઘટનાસ્થળે પહોંચી પણ ત્યારે બાળકની મા માટેની મમતા જાગી ઊઠી અને પોલીસ મમ્મીને પકડીને લઈ જાય એવી એની કોઈ ઈચ્છા નહોતી. હસતા મોઢે પોલીસ પાછી ફરી પણ પોલીસ બીજે દિવસે પાછી આવી, ચાર વર્ષના બાળક માટે આઈસક્રીમની સરપ્રાઈઝ ગિફ્ટ સાથે !

આ પણ વાંચો: પ્રાસંગિક : કેનેડાના નવા વડા પ્રધાન આપશે ટ્રમ્પને ટક્કર…

આંખના પલકારામાં પર્વત પર


ચીન ટેક્નોલોજીમાં ગજબનાક હરણફાળ ભરી રહ્યું છે. વાત છે ચીનના હુનાન પ્રાંતના ઝાંગજિયાજી વિસ્તારમાં સ્થિત એક એલિવેટર એટલે કે એક લિફ્ટની. 1070 ફૂટ ઊંચી આ મહાકાય લિફ્ટ પૃથ્વી પરની સૌથી ઊંચી, સૌથી વધુ વજન ખમવાની ક્ષમતા ધરાવતી અને સૌથી ઝડપી લિફ્ટનું બિરુદ ધરાવે છે. હુનાન પ્રાંતના સુંદર પર્વતની ટોચ પર પહોંચવા વાહનમાં ઘણા કલાક લાગતા હતા.

હવે આ લિફ્ટ સહેલાણીઓને તળેટીથી શિખર બે મિનિટથી ઓછા સમયમાં પહોંચાડી દે છે. 18 કરોડ યુઆન (આશરે બે અબજ 15 કરોડ રૂપિયા)ના ખર્ચે તૈયાર થયેલા આ બાંધકામમાં ત્રણ ડબલ ડેકર કાચની લિફ્ટ એકબીજાને સમાંતર આવનજાવન કરી શકે છે. દર કલાકે 4000 સહેલાણીઓ પર્વતની ટોચે પહોંચી શકે છે. ધરતીકંપની સૂચના આપતી સુવિધા સહિત કેટલીક અદ્યતન સગવડ પણ છે. લિફ્ટના પ્રવાસની રિટર્ન ટિકિટ માટે 32 અમેરિકન ડૉલર(આશરે 2800 રૂપિયા) ચૂકવવા પડે છે જે સગવડના હિસાબે પાણીનો ભાવ કહેવાય.

108ની ઉંમરે કેશ – કાતર – કાંસકીની કમાલ

‘ના ઉમ્ર કી સીમા હો, ના કર્મ કા હો બંધન, જબ કામ કરે કોઈ તો દેખે કેવલ મન…’
ગીતકાર ઈન્દીવરની મૂળ રચનામાં થોડા ફેરફાર સાથેનું જીવન 108 વર્ષનાં જેપનીઝ દાદીમા જીવી રહ્યાં છે. ભજન, કીર્તન કરવાની અને મંદિરના ઓટલે બેસી 108ની માળા ફેરવવાની ઉંમરે 108 વર્ષનાં હાકોઈશી નામ ધરાવતા દાદીમા કેશ કર્તન, કેશ ગુંફન કરી ગ્રાહકોના મુખારવિંદ મોહક બનાવવાની જહેમત ઉઠાવી રહ્યાં છે.

વિશ્વના સૌથી વયસ્ક કેશ કર્તનકારની સિદ્ધિ મેળવનારાં દાદીમાએ છેક 1931થી આ વ્યવસાય અપનાવ્યો છે. 1936માં વાળંદનું અધિકૃત લાઇસન્સ મેળવ્યું અને 23 વર્ષની ઉંમરે 1939માં પતિની સાથે સ્વતંત્ર સેલોં શરૂ કર્યું. જોકે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બૉમ્બમારામાં સેલોં ઉધ્વસ્ત થઈ ગયું અને સરહદે ગયેલા પતિ શહીદ થયા બાદ શ્રીમતી હાકોઈશીએ 1954માં વતનમાં એક ગ્રાહક બેસી શકે એવું કેશ કર્તનાલય શરૂ કર્યું, જે આજે 71 વર્ષ પછી પણ કાર્યરત છે.

70 વર્ષની ઉંમરે દરરોજ વ્યાયામ કરવાની આદત પાડનારાં દાદીમાની વરણી 104 વર્ષની ઉંમરે ટોક્યો ઓલિમ્પિક્સમાં મશાલચી તરીકે થઈ હતી. છેલ્લા દોઢેક વર્ષથી ઘૂંટણની તકલીફ થવાથી દાદીમાએ ગ્રાહકોની સંખ્યા પર કાતર ફેરવી છે. ‘કામ તો થાય ત્યાં સુધી કરવું ’ એ સિદ્ધાંતને અનુસરતાં શ્રીમતી હાકોઈશી નિયમિત ગ્રાહકોના કેશ કર્તનનું કામ કરે છે. ‘કિશોરાવસ્થાથી સંઘર્ષ કરતી આવી છું, પણ આજે મોજમાં જીવી રહી છું’, દાદીમાના લેખાંજોખાં છે, ‘શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ટકાવી રાખવું હોય તો પૂર્વગ્રહ રાખવા નહીં, કોઈની ઈર્ષ્યા કરવી નહીં અને લડાઈ ઝઘડાથી દૂર રહેવું.’
દીર્ઘ આયુષ્યના સમીકરણ કેટલા સીમ્પલ હોય છે ને અને હા, આવી સિમ્પલ વાતો જ આપણને ગળે નથી ઉતરતી, હેં ને!

તૈયાર ભાણાને હડસેલો


મોસાળમાં જમણ હોય ને મા પીરસણ હોય તો પછી જલસા જ પડે ને… તૈયાર ભાણે જમવા મળે તો પલાંઠીવાળી ભલભલા તૈયાર થઈ જાય. અલબત્ત, જગતમાં સામા વહેણે તરનારા લોકો હોય છે. તૈયાર ભાણે બેસવા તૈયાર ન હોય એવા લોકો ‘કેટલી વીસે સો થાય’ એની ખબર પડવી જોઈએ એવું માનતા હોય છે.

27 વર્ષની ભર યુવાનીમાં યુએસની પ્રખ્યાત ફાસ્ટ ફૂડ ચેનની પ્રેસિડેન્ટ બની અબજોમાં આળોટવા લાગેલી લિન્સી સ્નાઈડરે ભર કિશોરાવસ્થામાં 17 વર્ષની ઉંમરે ઉનાળા વેકેશનની જોબ મેળવવા પોતાની જ કંપનીની બહાર બે કલાક લાઈનમાં તડકામાં આળોટી હતી. મોસાળમાં જમણ અને મા પીરસણ વ્યવસ્થા એને સ્વીકાર્ય નહોતી. માલિકની દીકરી તરીકે સ્પેશિયલ ટ્રીટમેન્ટ એને નહોતી જોઈતી. સગપણ નહીં, આવડતના આધારે કામનું મૂલ્યાંકન કરવામાં આવે એવી લિન્સીની ઈચ્છા હતી.

લાયકાતના જોરે કંપનીના સ્ટોરમાં જોબ મળ્યા પછી શાકભાજી સમારવા, ગ્રાહકોને સર્વ કરવા જેવા કામ હોંશે હોંશે કર્યા. સ્ટોર મેનેજર સિવાય એની અસલિયત કોઈ નહોતું જાણતું. પરિણામે અન્ય કર્મચારીઓ સાથે થતો તેવો જ વ્યવહાર એની સાથે પણ થતો હતો. આ વાતાવરણમાં રહેવાથી પોતાનું ઘડતર થયું એવું લિન્સી માને છે. પોતાની જ કંપનીમાં કેટલાક ડૉલરનો જોબ લેનારી લિન્સી આજની તારીખમાં 7.3 બિલિયન ડૉલરની સંપત્તિની માલિક છે.

આ પણ વાંચો: કચ્છી ચોવક : લોભી વૃત્તિ સામે લાલબત્તી, પાઇની પેદાસ નહીં ને ઘડીની ફૂરસદ નહીં.

લ્યો કરો વાત!

કોર્પોરેટ કંપનીમાં કામ કરતી મહિલાની બદલી અચાનક બીજા શહેરમાં કરવામાં આવી. હસબંડ ઑફિસના કામે બહારગામ ગયા હોવાથી એમને જાણ ન કરી શકાઈ. એટલે પતિને મેસેજ મોકલી જાણ કરી દેવામાં આવી. થયું એવું કે એ મેસેજ પતિને પહોંચવાને બદલે ભૂલથી અન્ય વ્યક્તિના નંબર પર ગયો. વાત એમ હતી કેએ ભાઈની પત્નીનું હજી એક દિવસ પહેલા જ અવસાન થયું હતું. મેસેજ વાંચીને અજાણ્યા ભાઈ તો થરથરી ગયા, કેમ? મેસેજ આવો હતો: ‘હું અહીં સુખરૂપ પહોંચી ગઈ છું. જોકે, મને તમારી બહુ યાદ આવે છે. બે-ત્રણ દિવસમાં જ હું તમને અહીં બોલાવી લઈશ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button