પ્રાસંગિકઃ જનઆંદોલન સામે વિવશ સત્તાધીશો… હજી તો ઘણાનાં સિંહાસન ડોલશે!

અમૂલ દવે
અંગ્રેજીમાં એક ઉક્તિ છે કે When the river of discontent swells, even the mightiest dam can not hold back flood of the people’s will… અર્થાત જ્યારે અસંતોષની નદી ઊભરાય છે ત્યારે સૌથી મજબૂત બંધ પણ લોકોની ઈચ્છાનાં પૂરને રોકી શકતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો જનતા જનાર્દન રોડ પર ઊતરી આવે તો શાસકો કેવા વિવશ બની જાય છે એ આપણને તાજેતરમાં નેપાળ અને ફ્રાન્સમાં જોવા મળ્યું.
નેપાળની ક્રાંતિમાં તો સોશ્યલ મીડિયાનો પાવર પણ જોવા મળ્યો. નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ લોકોની ચળવળ રોકવા સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો. આની સામે યુવાનોમાં એટલો આક્રોશ અને અસંતોષ ભભૂકી ઊઠ્યો કે નેપાળ ભડકે બળવા માંડ્યું. દેખાવકારોએ સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટની ઈમારતોને બળીને ખાખ કરી નાખી, રાજકીય નેતાનાં ઘરો અને કચેરીઓ રાખ બની ગઈ. અંતે વયોવૃદ્ધ વડા પ્રધાન ઓલીને રાજીનામું આપવું પડ્યું.
ઈન્ડોનેશિયમાં પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. ઑગસ્ટ 2025થી ત્યાં આંદોલન થઈ રહ્યા છે અને લોકો શેરીમાં ઉતર્યા છે. આના શ્રીગણેશ પણ સરકારી નીતિ સામેના વિદ્યાર્થીના આંદોલન વડે થયા છે. આંદોલનકારીની સુરક્ષા દ્ળો સાથે અથડામણ થઈ છે અને લોકો સિસ્ટમમાં સુધારો લાવવાની માગણી કરી રહ્યા છે. હાલમાં ત્યાં ભયંકર તંગદિલી પ્રવર્તે છે. લોકોનો આક્રોશ આર્થિક અસમાનતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે. ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે. નેપાળ પછી હવે આ દેશમાં સત્તાપલટો થઈ શકે.
આઝાદીની ક્રાંતિની જનેતા ફ્રાન્સમાં પણ લોકો રોડ પર ઊતરી આવ્યા. આ આંદોલન પણ સોશ્યલ મીડિયા પ્રેરિત હતું. આ આંદોલનનું નામ જ ‘બ્લોક એવરીથિંગ’ છે. આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ.આને પગલે ફ્રાન્સના વડા પ્રધાન ફ્રાન્કોઈઝ બેરોયુને રાજીનામું આપવું પડ્યું.
આંદોલનની આગ યુનાઇટેડ કિંગડમમાં પણ પ્રસરી. વસાહતી વિરુદ્ધ એક લાખથી વધારે લોકો રસ્તા પર આવ્યા. લંડનના ઇતિહાસમાં સૌથી મોટું વિરોધ પ્રદર્શન થયું હતું, લંડનમાં આ વિરોધ પ્રદર્શન ઇમિગ્રેટ એટલે બિન લંડનવાસીઓ વિરુદ્ધ હતું. લંડનમાં એક વિરોધ પ્રદર્શન થયું, જેમાં ઇમિગ્રેશન વિરોધી કાર્યકર્તા ટોમી રોબિન્સનના બેનર હેઠળ રેલી કાઢી હતી.
આ અગાઉ બાંગ્લાદેશમાં શેખ હસીનાને ક્વોટા જાહેર થયા બાદના વિદ્યાર્થીઓના આંદોલનમાં ખુરસી છોડવી પડી હતી. ભારતના બીજા એક પાડોશી દેશ શ્રીલંકામાં દેશે ચીન પાસેથી એટલું દેવું લીધું કે લોકોએ રસ્તા પર ઊતરીને શાસકોની હકાલપટ્ટી કરી.
નેપાળ એક સમયે દુનિયામાં એક માત્ર હિન્દુ રાષ્ટ્ર હતું અને ત્યાં રાજાશાહી ચાલતી હતી. નેપાળની કુલ વસતિ 2.96 કરોડની છે એ એનો વિસ્તાર 1,43,350 ચોરસ કિલોમીટરનો છે. ચીને ત્યાં ચિક્કાર નાણાં ખર્ચીને સામ્યવાદ ફેલાવ્યો છે, આ સામ્યવાદીઓએ આંદોલન કરીને નેપાળમાં રાજાશાહીનો અંત લાવ્યો. ઓલી ભારતવિરોધી અને ચીનના એજન્ટ હતા.
આંદોલન રાતોરાત થતા નથી. ઘણાં વર્ષોથી ચાલતા પ્લાનિંગ પછી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. નેપાળ અને બાંગ્લાદેશના આંદોલનમાં તો અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએનો મોટો હાથ છે. હસીનાની ભારત અને ચીન સાથેની નિકટતા અમેરિકાને ખૂંચી હતી. અમેરિકા બાંગ્લાદેશમાં નૌકાદળનું મથક ઊભું કરવા માગતું હતું, પરંતુ હસીનાએ ના પાડી હતી. અમેરિકાએ લાગ જોઈને સોગઠી મારી. અનામત આંદોલનને ભડકાવીને હસીનાને સત્તા પરથી દૂર કરી હતી.
આવું જ ઈમરાન ખાન સાથે બન્યું હતું. ઈમરાને અમેરિકાના પીઠ્ઠુ બનવાની ના પાડતા અમેરિકાએ એની વિકેટ લીધી હતી. નેપાળમાં ચીનનું પ્રભુત્વ અમેરિકાને ગમ્યું નહોતું. અમેરિકાએ જેન ઝેડના નેતાઓની મદદથી ઓલી સરકારને ગડગડિયું આપ્યું છે. અમેરિકા વેનેઝુએલા અને ઈરાનમાં સત્તા પરિવર્તનના પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ હજી સફળ થયું નથી.
નેપાળમાં રાજકીય અસ્થિરતા, મોંઘવારી, સામાજિક અસમાનતા અને કરપ્શનને લીધે ઉકળતો ચરુ હતો અને અમેરિકાએ આનો ફાયદો ઉઠાવીને સત્તા પરિવર્તન કરાવ્યું.
વિરોધીઓએ સુશીલા કાર્કીને દેશના વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટ્યાં છે. સુશીલાજી દેશના 220 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાં પ્રધાન બન્યાં છે.
આ પહેલાં સુશીલા નેપાળ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યાં છે. ભ્રષ્ટાચાર સામેના કડક વલણ માટે એ જાણીતાં છે. 2017માં જ્યારે પ્રચંડ સરકાર એમને દૂર કરવા માટે મહાભિયોગ પ્રસ્તાવ લાવી ત્યારે હજારો લોકો સુશીલાના સમર્થનમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા.
ભારત સાથેના પોતાના જોડાણ વિશે સુશીલા એક મુલાકાતમાં કહે છે કે મેં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને એ સ્થળની યાદો હજુ પણ મારા હૃદયમાં જીવંત છે…
ભારત અને નેપાળના સંબંધો વિશે એ કહે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જૂના છે. સરકારો બદલાતી રહે છે, પરંતુ બંને દેશોના લોકો વચ્ચેનો સંબંધ ખૂબ જ ગાઢ છે.
નેપાળ બાદ ફ્રાન્સમાં પણ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા એમાં બજેટમાં કાપનો વિરોધ કરવા અને પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના રાજીનામાની માગ કરવા માટે એક લાખથી વધુ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. લોકો ઇમેન્યુઅલ મેક્રોન સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે.
હાલમાં સેબેસ્ટિયન લેકોર્નુને વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે.
ઉન્માદ અને ઉશ્કેરાટમાં જનઆંદોલનને લીધે સત્તા પરિવર્તન તો થાય છે, પરંતુ થોડા સમય બાદ કૂતરાની પૂંછડી વાંકી થઈ જાય છે. પદભ્રષ્ટ નેતાના સ્થાને એનાથી પણ વધારે ભ્રષ્ટાચારી અને સત્તા લાલચું નેતા સત્તા પર આવી જાય છે. ક્યારેક આ જનઆંદોલનનો ફાયદો ઉઠાવીને લશ્કરના વડા શાસક બની જાય છે.
બાંગ્લાદેશમાં બન્યું તેમ હંગામી સરકારના વડાને સત્તાનો એવો ચસક લાગી જાય છે કે એ સત્તા છોડતા નથી. પ્રમુખ રામચંદ્ર પૌડેલે નવનિયુક્ત વડા પ્રધાન સુશીલા કાર્કીની ભલામણ પર સંસદ ભંગ કરી દીધી હતી અને 21 માર્ચ, 2026 એ નવી સંસદીય ચૂંટણીની તારીખ નક્કી કરી છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. તે દર્શાવે છે કે પીએમ કાર્કી બળજબરીથી સત્તામાં બેસી રહેવા નથી માગતાં, જેમ બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ કરી રહ્યા છે.
હવે બધાની નજર નેપાળ પર છે કે કાર્કીની વચગાળાની સરકાર ચૂંટણી સુધી દેશને કેટલી સ્થિરતા પ્રદાન કરી શકે છે. નેપાળના યુવા આંદોલનકારીએ તો સુશીલા સામે પણ ધરણાં અને પ્રદર્શન શરૂ કરી નાખ્યા છે. આમાંથી હાલના શાસકોએ બોધપાઠ શીખવાની જરૂર છે. શાસકો સગાવાદ, કરપ્શન નહીં છોડે અને લોકોના હિતમાં કલ્યાણકારી યોજનાઓ લાગુ નહીં પાડે તો તેમની રાતોરાતની વિદાય નિશ્ર્ચિત છે.
આ પણ વાંચો…પ્રાસંગિકઃ પાકિસ્તાન માટે આ બે હોડીની સવારી આત્મઘાતી છે