ઘાસચારા કૌભાંડમાં બદનામ લાલુપ્રસાદ યાદવના આરંભિક વિવાદો…

પ્રફુલ શાહ
અરવિંદ કેજરીવાલ દિલ્હી), જે. જયલલિતા (તામિલનાડુ), ઓમપ્રકાશ ચૌટાલા (હરિયાણા), મધુ કોડા (ઝારખંડ), ચંદ્રાબાબુ નાયડુ (આંધ્ર પ્રદેશ), શિબુ સોરેન અને હેમંત સોરેન (ઝારખંડ-બાપ અને દીકરા બન્ને મુખ્ય પ્રધાન અને…) તથા લાલુપ્રસાદ યાદવ (બિહાર). આ યાદીમાં બે બાબત ઊડીને આંખે વળગે એવી છે: બધા મુખ્ય પ્રધાન હતાં, ને જેલમાં ગયા હતા.
અહીં વાત માંડવી છે લાલુપ્રસાદ અને તેમના ફ્રોડર સ્કેમ અર્થાત્ ઘાસચારા કૌભાંડની. આમ તો લાલુપ્રસાદને ઘાસચારા કૌભાંડના જનક ન કહી શકાય, પણ તેમણે વહેતી ગંગામાં હાથ ધોયા અને તેના વ્યાપને અનેકગણો વધારી દીધો.
1948ની 11મી જૂને જન્મેલા લાલુપ્રસાદે પોતાની શાળામાં ભણી ચુકેલા સ્વાતંત્ર્ય સૈનિક પરથી નામ બદલીને દેવીપ્રસાદ ચૌધરી કરી નાખ્યું હતું. લોકસભા ચૂંટણીની એફિડેવિટ મુજબ તેમણે પટણા યુનિવર્સિટી હેઠળની બી.એન. કોલેજમાંથી આર્ટસમાં બેચલર થયાની ડિગ્રી મેળવ્યાનું નોંધાવ્યું હતું, પરંતુ બહાર એવું આવ્યું કે આ કોલેજમાં બેચલર ઓફ આર્ટસ કોર્સ જ નહોતો. આમેય આ કોર્સ બે વર્ષનો હતો ને લાલુજીને પહેલે જ વર્ષે ડિગ્રી મળી ગઈ હતી. આ ડિગ્રી બાદ તેમણે પટણાની વેટરીનરી (કેવો અથાગ પ્રાણી પ્રેમ?) કોલેજમાં ક્લાર્કની નોકરી કરી. અહીં એમના મોટાભાઈ પ્યુન હતા એ સહેજ જાણ ખાતર.
આ નોકરી દરમિયાન લાલુજી પટણા યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના જનરલ સેક્રેટરી બન્યા. પછી 1973-74માં પ્રમુખ. 1976માં પટણા લૉ કોલેજમાંથી એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી, પણ 2004માં આ પટણા યુનિવર્સિટીની માનદ ડૉક્ટરની પદવી સ્વીકારવાનો નનૈયો ભણી દીધો હતો.
વધુ નોંધપાત્ર બાબત. મુલાયમ સિંહ યાદવની જેમ લાલુજીના રાજકારણમાં પણ એમ.વાય. (મુસ્લિમ-યાદવ) પરિબળનો ખૂબ મોટો ફાળો, પરંતુ બિહારના સમ્રાટ ચૌધરી અને જીતેન માંઝી સહિતના મોટા નેતાઓનો આરોપ છે કે લાલુજી તો યાદવ જ નથી. તેઓ ગાડેરિયા કોમના છે. હા, તેમના પિતાનું નામ કુંદન રાય હતું. એમના બધા ભાઈઓના નામ પણ જુઓ: મંગરુ રાય, ગુલાબ રાય, મુકુંદ રાય, મહાવીર રાય અને સુખદેવ રાય.
આવા લાલુપ્રસાદ 1974માં લોકનાયક જયપ્રકાશ નારાયણના આંદોલનમાં જોડાઈ ગયા. આ દરમિયાન તેઓ જનતા પક્ષના ઘણાં નેતાઓની નિકટ આવી ગયા. ફળસ્વરૂપે 1977માં છપરા લોકસભા બેઠક પરથી ટિકિટ મળી ગઈ અને ઈંદિરા ગાંધી અને કટોકટી વિરોધી મોજામાં તેઓ 29 વર્ષની ઉંમરે સૌથી યુવાન સંસદસભ્ય બની ગયા. પણ 1979માં મોરારજીભાઈ દેસાઈની સરકારના અકાળે પતન બાદ 1980માં લોકસભાનું વિસર્જન થઈ ગયું. તક પારખીને લાલુ જનતા પક્ષ છોડીને રાજ નારાયણની આગેવાની હેઠળના જનતા પક્ષ (એસ.)માં બેસી ગયા. પરંતુ એ ચૂંટણીમાં હારનું મોંઢું જોવું પડ્યું.
આમ છતાં એ જ વર્ષે તેઓ બિહાર વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા. 1985માં ફરી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ 1985માં તો વિરોધ પક્ષના નેતા બની ગયા. 1989માં તેઓ ફરી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. 1990 સુધીમાં લાલુ પોતાને યાદવો અને પછાત જાતિના નેતા તરીકે ઊપસી આવ્યા. એ સમય સુધી કૉગ્રેસ પ્રત્યે વફાદારી દાખવનારા મુસ્લિમોને પણ પોતાની તરફ આકર્ષી લીધા. આ 1989ની ભાગલપુર હિંસા બાદ બન્યું હતું.
બિહારના યુવાન મતદારોમાં લાલુની લોકપ્રિયતા વધતી હતી. એકદમ સાધારણ, સહજ, રમૂજી, ગામઠી અને પાયાના કાર્યકરો સુધી પહોંચતા નેતા તરીકે યાદવે જમાવટ કરી હતી. હાજરજવાબી અને વાકપટુતા એમના મુખ્ય હથિયાર હતાં. આ અગાઉ ગાય-ભેંસને દોહતા કોઈ નેતાને પ્રજાએ જોયો નહોતો પણ આ માણસે એ કામ ખૂલ્લેઆમ કરીને કરોડોના દિલ જીતી લીધા. આવો આમ આદમીનો નેતા અને પાછો સમાજવાદી વિચારધારાનો સમર્થક. પ્રજાને વધુ જોઈએ શું?
1990માં બિહારના જનતા દળને બહુમતી મળી. વડા પ્રધાન વી.પી.સિંહ ઈચ્છતા હતા કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રામસુંદર દાસ નવી સરકારના સુકાની બને. તો ચંદ્રશેખરનો ટેકો રઘુનાથ ઝાને હતો. ચૌધરી દેવીલાલે આ મડાગાંઠના અંત તરીકે લાલુપ્રસાદ યાદવનું નામ આગળ કર્યું. જનતા દળના વિધાનસભ્યોના સૌથી વધુ મત લાલુપ્રસાદ યાદવને મળ્યા અને 1990માં તેઓ બની ગયા મુખ્ય પ્રધાન. 1990ની 23મી સપ્ટેમ્બરે અયોધ્યા તરફની રામરથ યાત્રા અટકાવવા લાલુએ ભાજપના મોટાગજાના નેતા એલ.કે. અડવાણીની ધરપકડ કરાવીને પોતાની મક્કમતાનો પરિચય આપ્યો.
લાલુપ્રસાદ હવે બિહારના રાજકારણમાં રાજા તરીકે સ્થાપિત થવા માંડ્યા હતા. પણ આ આગળ વધતા પગલાં ટોચ પર પહોંચ્યા પછી આવવાના એ નક્કી હતું. લાલુપ્રસાદ યાદવમાં બહુ ઉજ્જવળ ભાવિ નેતૃત્વ જોનારાઓને ભયંકર આંચકો લાગવાનો હતો, પણ હજી થોડો સમય બાકી હતો. (ક્રમશ:)



