કચ્છી ચોવક : લોભી વૃત્તિ સામે લાલબત્તી, પાઇની પેદાસ નહીં ને ઘડીની ફૂરસદ નહીં.

-કિશોર વ્યાસ
આપણે ગુજરાતી ભાષામાં પણ એક કહેવત નો ઉપયોગ કરીએ છીએં: પાઇની પેદાસ નહીં ને ઘડીની ફૂરસદ નહીં. એવી જ ચોવક પણ પ્રચલિત છે: ‘પઇ જી પેધાસ ન તેં ઘડીજી ફૂરસત ન.’ મતલબ કમાણી પણ નહીં અને સમય પણ નહીં. તો વળી ઘણા એવી પરિસ્થિતિનો પણ પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે લાભ લેતા હોય છે. કામ કે સેવા ઓછી કરે પણ વાહવાહ ઘણી બોલાવે ! એવા લોકોને ચાબૂક ફટકારતી ચોવક છે: ‘પાટઇજી પેડીને હજાર જો હુલ્લ’ અહીં ‘પાટઇ’ શબ્દ વપરાયો છે, જે કચ્છમાં એક ‘માપ’નું સાધન હતું. અને ‘હુલ્લ’ એટલે હલોગલો કે અફવા એવો અર્થ થાય છે. ‘પાટઇ’ એક નાનકડો માપ હતો. ચોવકનો મતલબ એવો કાઢી શકાય કે, કામ તો મુઠ્ઠીમાં સમાય તેટલું જ કર્યું હોય પણ યશ ખોબા જેટલો મેળવે!
આ પણ વાંચો: કચ્છી ચોવક : ઘાસને ધરતીનો પહેલો પુત્ર ગણાવે છે…
‘પાટઇ’ શબ્દ અન્ય કેટલીક ચોવકોમાં પણ વાપરવામાં આવ્યો છે. ‘પાટઇ પવાલા ખોટા ય માપ ય ખોટા?’ સીધો અર્થ એવો થાય છે કે ‘નાના’ સાથે ‘મોટા’ની સરખામણી ન થઇ શકે. આ ચોવક પર ફરી એકવાર નજર નાખજો મિત્રો. ચોવકમાં બે વખત માત્ર એક અક્ષરનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. એ ટૂંક્ાક્ષરી કચ્છી ભાષાનાં દર્શન કરાવે છે. અહીં એ ‘ય’ ‘પણ’ ના અર્થમાં વપરાયો છે.
કોઇ મોટા કામનો પ્રારંભ થઇ જાય એટલે એમ કહેવાય કે ‘પા શેરે મેં પેલી પૂણી’. ગુજરાતીમાં પણ આપણે બોલતા હોઇએ છીએં ક, ‘પાશેરામાં પહેલી પૂણી’ પણ એવા મોટાં અને મહત્ત્વનાં કામમાં વિલંબ થાય કે, ઢીલાશ વરતાય ત્યારે ચોવક કહે છે કે, ‘પાટઇ મિંજા પવાલો પ નાંય પીસાણું’ અર્થ સમજી એં : એક પાટી માપનો લોટ દળવાનો હોય, પણ તેમાંનો એક પવાલો અનાજ પણ નથી દબાયું! એ રીતે અહીં મોટાં કામ ન થવા બાબતે રૂપકનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
એક ચોવક છે : ‘બરે ઘર મિંજા કખ નિકરે સે ખાસા’ ચોવકમાં જોકે ભારોભાર વ્યથા ભરેલી છે. સીધો અર્થ એ થાય કે ઘર બળી ગયા પછી જો એમાંથી બે તણખલાં પણ બચી ગયાં હોય અને હાથ લાગે, એ પણ સારાં ! ઉદાહરણ બળતાં ઘરનું આપ્યું છે પણ, જયારે બધું જ જવા બેઠું હોય ત્યારે જે કંઇ બચાવી શકાય તે કામ લાગે છે. સંબંધિત કહેવતો છે: ‘ભાગતા ભૂતની ચોટલી’ અને ‘જે બચ્યું તે બાપનું.’
આ પણ વાંચો: મગજ મંથન : કઠોર પરિશ્રમથી ડરો છે તો પછી ઉન્નત જીવનની કલ્પના ન કરો!
તમે જોયું હશે કે, ઘણા લોકો કરકસરના નામે લોભ કરતા હોય છે. તેમ કરતાં કયારેક મોટું નુકસાન પણ વેઠવું પડતું હોય છે. ત્યારે ચોવક કહે છે કે, ‘પંજ ન ખરચીયેં સે પિંજી ખરચીયેં.’ જે પાંચ રૂપિયા પણ ન ખરચે તેણે પચીસ ખરચી નાખવા પડે!
આવા જ સંજોગોને સ્પર્શતી, પણ થોડી અલગ પડતી એક ચોવક છે: ‘પાયલે જો કપા નેં પોંણી કોરી પિંજાણી’ ‘પાયલો’ એ કચ્છ રાજયનું ચલણ હતું. જેનું મૂલ્ય ‘એક ટકા’ જેટલું જ હતું. એવા એક પાયલાથી ખરીદેલા કપાસની પિંજાપણ પોણો કોરી ચૂકવવી પડે. તો એ સરવાળે મોંઘું જ ગણાય ને! આ ‘કોરી’ પણ કચ્છી ચલણનું નામ છે. ગુજરાતીમાં આપણે બોલતા જ હોઇએ છીએં કે : ‘ઘાટ કરતાં ઘડામણ મોંઘું’ બસ એવો જ અર્થ થાય છે કે, મૂળ ચીજ કરતાં તેની માવજત મોંઘી પડે !
આપણે હમણાં લોભી વૃત્તિના લોકો અંગેની ચોવક માણી. એવી લોભી વ્યક્તિને જયારે કંઇ જ ફાયદો ન થાય ત્યારે એમ કહેવાય કે, ‘બાઇ રિઇ બીં કનાં’ મતલબ કે બધી બાજુથી લાભ ગુમાવવો. અહીં ‘બાઇ’ શબ્દ સ્ત્રીના પ્રતિકાત્મક રૂપે મૂકવામાં આવ્યો છે. ‘બીંકના’ એટલે બન્ને બાજુથી સ્ત્રીને પ્રતીક રાખીને બનાવેલી બીજી પણ એક ચોવક છે: ‘બાઇ જા બેર આંને અઢઇ શેર’ મતલબકે, લેખાં જોખાં કે કોઇકની સરખામણીમાં ફાયદો જોવા ન મળે કે ઉતરતી કક્ષા જણાય ત્યારે આ ચોવક વપરાય છે.