ઔર યે મૌસમ હંસીં… : અંત:અસ્તિ પ્રારંભ: અંત એ જ નવી શરૂઆત છે…

ઔર યે મૌસમ હંસીં… : અંત:અસ્તિ પ્રારંભ: અંત એ જ નવી શરૂઆત છે…

-દેવલ શાસ્ત્રી

તાજેતરમાં એક નવી ફિલ્મ ‘સૈયારા’ આવી જેને યુવાનો જોતાં જોતાં ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યા છે. ફિલ્મમાં પ્રેમની કોઈ ક્ષણ જોઈને યુવાનો બેહોશ પણ થઇ જાય છે અને એમને હૉસ્પિટલ લઇ જવા પડે છે… કેટલાક માને છે કે આ ફિલ્મ માર્કેટિંગનો હિસ્સો છે તો કેટલાક માને છે કે એ સત્ય પણ હોઈ શકે છે…સીધીસાદી કથા ધરાવતી આ ફિલ્મ જોઈને આ પાગલપન કેમ થતું હશે એવો સવાલ અનેકના મનમાં જાગે પણ ખરો..

ઘણા લોકોનો અભિપ્રાય છે કે ફિલ્મની કથામાં કશું નવું નથી. આમ છતાં ફિલ્મ જે રીતે યુવાવર્ગને પસંદ પડી રહી છે એ હકીકત જોતા બાકીનાઓએ સમજવું જોઈએ કે પસંદનો દોર બદલાઈ રહ્યો છે. એંસીના દાયકામાં ‘એક દુજે કે લિયે’ નામની ફિલ્મ આવી હતી, જેને જોઈને કેટલાંક દુ:ખી પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરી હતી. એ સમયના વડીલો તેને યુવાનોનું પાગલપન કહેતા હતા અને માનતા હતા કે આ યુવાવર્ગ મૂર્ખ છે.

પ્રેમમાં આત્મઘાતી પગલાં ભરવા જોઈએ નહીં, કદાચ એ સાચા હતા, પણ યુવાનોના ટેસ્ટને સમજવામાં મોળા પડી રહ્યા હતા. આજ આપણે પણ એક ફિલ્મ કે હાલની ફેશન, યુવાનોની ઘેલછા કે પછી એમની કેટલીય વાતો જોઈને એક અભિપ્રાય આપવામાં આવે છે કે આમનું ભવિષ્ય અંધકારમય હશે.

સંસ્કૃતમાં એક ઉક્તિ છે : જીવન એક એવું અનંત ચક્ર છે જ્યાં દરેક અંત એક નવી શરૂઆતનું પ્રતીક બને છે… આ વિચારને સંસ્કૃતમાં અંત: અસ્તિ પ્રારંભ: કહેવામાં આવે છે, જેનો અર્થ છે ‘અંત જ નવી શરૂઆત છે.’

આ ‘અંત: અસ્તિ પ્રારંભ:’ વિશ્વની લગભગ તમામ સંસ્કૃતિઓમાં વિવિધ રીતે લખાયેલી ગહન ફિલસોફી છે. ભારતીય દર્શન સાહિત્યમાં જીવન-મૃત્યુના ચક્ર, પુનર્જન્મ, કર્મ અને ચક્રીય સમયની વ્યાખ્યાઓને પ્રતિબિંબિત કરે છે. ‘અંત: અસ્તિ પ્રારંભ:’ વિચારનો સાર વૈદિક ગ્રંથો, ઉપનિષદો, મહાકાવ્યો, પુરાણો અને આધુનિક સાહિત્યમાં વિવિધ કથાઓ દ્વારા વ્યક્ત થાય છે.

હાલના દાયકામાં જે ફેશન આવી છે અને ભવિષ્યમાં આવી રહી છે એ ભૂતકાળમાં હતી. યુવતીઓમાં લોકપ્રિય ફ્લોરલ ડિઝાઇન પચાસના દાયકામાં ખૂબ લોકપ્રિય બની અને નેવુંના દાયકામાં આ ફેશને લાંબો સમય રાજ કર્યું છે. આ જ ફેશન થોડા નવા ફોર્મેટમાં ચાલી રહી છે. ભવિષ્યમાં યુવાનો બેગી પેન્ટ જેવી ફેશન લઈને આવે તો નવાઈ નહીં. આખી વાતનો સાર એટલો જ છે કે જગતમાં કશું કાયમી નથી. આપણે બદલાતા યુગનો સ્વીકાર કરવાનો છે.

ભારતીય પૌરાણિક કથાઓ ‘અંત: અસ્તિ પ્રારંભ: ’ વિચારના સમૃદ્ધ સ્ત્રોત છે. પ્રાચીન ઉપનિષદો અને મહાકાવ્યોમાં તેને વિસ્તારથી વર્ણિત કરવામાં આવ્યું છે. કઠોપનિષદમાં નચિકેતા અને યમની કથા છે. પિતા દ્વારા યજ્ઞમાં દાન કરવાને લઈને વિવાદના કારણે નચિકેતાને યમને અર્પણ કરવામાં આવે છે. નચિકેતા યમને મળે છે અને મૃત્યુ પછીના રહસ્ય વિશે પૂછે છે. યમ કહે છે કે આત્મા અમર છે. શરીરનો અંત થયા પછી તે નવા શરીરમાં પ્રવેશે છે. આ કથા દર્શાવે છે કે મૃત્યુ એ અંત નથી, પરંતુ પુનર્જન્મની શરૂઆત છે.

ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે: ‘જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ: ધ્રુવં જન્મ મૃતસ્ય ચ.’ અર્થાત્, જન્મેલાનું મૃત્યુ નિશ્ર્ચિત છે અને મૃતનો જન્મ પણ નિશ્ર્ચિત છે. ભારતીય ફિલોસોફી જીવનના ચક્રને સમજાવે છે. મહાભારતમાં કુરુક્ષેત્ર યુદ્ધનો અંત ધર્મના પુન:સ્થાપનની શરૂઆત બની.

રામાયણમાં રાવણના વધ પછી રામ રાજ્યની સ્થાપના થઈ, જે અધર્મના અંત અને ધર્મની નવી શરૂઆતનું પ્રતીક છે. શિવ પુરાણમાં શિવનું તાંડવ નૃત્ય સંહાર અને સૃષ્ટિના ચક્રને દર્શાવે છે. કામદેવને ભસ્મ કર્યા પછી શિવ એને અનોખું સ્વરૂપ આપે છે, જે અંતમાંથી નવું જીવનનું ઉદાહરણ છે.

આજની કોર્પોરેટની દુનિયામાં કશું નવું આવતું નથી, પણ જે છે એ જૂનું લાગવા લાગે છે અને નવું સર્જન થાય છે. કોર્પોરેટમાં ઘણીવાર જૂની પ્રોડક્ટ્સ અથવા વ્યવસાય પદ્ધતિઓ અપ્રાસંગિક બની જાય છે. આ ફિલસૂફી શીખવે છે કે આઉટડેટેડ થાય એને બંધ કરીને નવા આઈડિયા પર ધ્યાન કેન્દ્રિત કરો…

જે વાત કોર્પોરેટને લાગુ પડે છે એ જ વાત ફેમિલીને, તમારા જૂના ઘરને કે વર્ષોથી ઠરી ગયેલા સંબંધોને લાગુ પડે છે. સરવાળે વિકાસ કરવો હોય તો છોડમાં ખાતરપાણી કરવા પડે, નહીં તો નવું કુંડુ વસાવવાની તૈયારી કરવી પડે. કોર્પોરેટ કે લાઈફમાં કેટલાય પ્રોજેક્ટ્સ નિષ્ફળ થાય છે, આ ફિલસૂફીનું માનીએ તો એમને બંધ કરીને તેમાંથી શીખીને નવા આઈડિયા વિકસાવો.

‘એમેઝોને’ 2014માં ફાયર ફોન લોન્ચ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો અને 2015માં બંધ કરવો પડ્યો. મોબાઈલની દુનિયાના અંતથી કંપની બેસી રહી નહીં. આ અંતમાંથી ‘એમેઝોને’ તેની ‘એલેક્સા’ અને સ્માર્ટ ડિવાઇસિસ પર ધ્યાન આપ્યું જે આજે તેની સફળતાનો પાયો છે. ‘નેટફ્લિક્સે’ 2011માં તેના જૂના DVD રેન્ટલ મોડલને અંત આપીને સ્ટ્રીમિંગ સર્વિસની શરૂઆત કરી અને આજે તે બિલિયન ડૉલરની કંપની છે. આમ એક અંતમાંથી ઓટીટી પ્લેટફોર્મ્સના નવા યુગની શરૂઆત થઈ.

આ વિચાર અનુસાર કોઈ કંપની અથવા વ્યવસાયની નિષ્ફળતા અથવા અંત ઘણીવાર નવી તકો પુનર્નિર્માણ અથવા વિકાસનું કારણ બની જાય છે.

ગ્રીક દંતકથાઓમાં ફોનિક્સનું પ્રતીક, જે રાખમાંથી ફરી જન્મ લે છે, એ કથા અંત: અસ્તિ પ્રારંભ:ની વિભાવનાને રજૂ કરે છે. આપણા કેટલાય સ્વપ્ન રાખ બની ગયા હતા અને ભવિષ્ય ધૂંધળું દેખાવા છતાં ફરી બેઠા થયા છે ત્યારે ત્યારે ફોનિક્સ યાદ આવ્યું છે. જયારે નવી પેઢી કોઈ સિનેમા, રેસ્ટોરાં કે પછી તમારી નજરે અજુગતી જગાના વખાણ કરે ત્યારે અંત: અસ્તિ પ્રારંભ: યાદ કરતાં રહેવું.

ધ એન્ડ :
જે ચાલ્યું જાય છે, તે નવું લઈને આવે છે…

પણ વાંચો…ઔર યે મૌસમ હંસીં…: 50 વર્ષ પૂરાં કરી રહી છે ‘શોલે’માં… આનંદ બક્ષીના શબ્દોમાં પડઘાય છે દોસ્તી ને પ્રેમનો અનેરો જાદુ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button