ઔર યે મૌસમ હંસીં… : માણસજાતનો એક કાયમી દોસ્ત નામ છે એનું ‘સાબુ’!

-દેવલ શાસ્ત્રી
હોળી તો આવે અને જાય, ગરમીની ઋતુ આવે અને જાય પણ એક દોસ્ત કાયમી સાથે નિભાવે છે એનું નામ છે સાબુ
અહીં સાબુ એટલે ‘સામાન્ય બુદ્ધિ’ની વાત નથી થતી, પણ સાબુ એટલે બાથરૂમવાળો સાબુ. આપણે એવું માનીએ છીએ કે સાબુને શરીર પર રગડવાનો પણ રોમાનિયાવાળાઓએ બે હજાર કિલો વજન ધરાવતો સાબુ બનાવ્યો હતો, તેના પર આપણે જાતે જ રગડાવું પડતું હશે.
એક કાલ્પનિક કથા એવી છે કે માઉન્ટ સેપો નામની જગ્યા પર પ્રાણીઓના બલિ આપવામાં આવતાં હતા, એ પછી એનો અગ્નિના ઉપયોગથી ભોજન તરીકે ઉપયોગ થતો હતો. પ્રાણીઓની ચરબી અને લાકડાની રાખ નદીમાં આવતી, જેનાથી મહિલાઓ કપડાં ધોતી હતી. આ સેપો પર્વત પરથી ‘સોપ’ શબ્દ આવ્યો હોવાનું માનવામાં આવતું હતું. સરવાળે ભોજન સામગ્રીમાંથી યોગાનુયોગ સાબુ બન્યો હોવાની પણ માન્યતા છે. આ કથાઓમાં સાબુને દેવતાઓના આશીર્વાદ સાથે પણ જોડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં…: મનોરંજનની દુનિયા : સરસ્વતી દેવીથી લઈને ઉષા ખન્ના સુધી…
વિદેશના સોપ ઓપેરામાં હાજરી આપવી એ કળા સાથે સંકળાયેલી વ્યક્તિ માટે પ્રતિષ્ઠાનો ભાગ ગણવામાં આવે છે. સોપ કંપનીઓ નાટકો તથા શોને પ્રાયોજિત કરતી હોવાથી ‘સોપ ઓપેરા’ શબ્દ ચલણમાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
સાબુ એક સમયે કિંમતી જણસ ગણવામાં આવતો, આફ્રિકાના ઘણા દેશોમાં નાણાકીય વ્યવહાર માટે સાબુનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આમ તો સાબુનો ઉપયોગ વ્યક્તિગત હોય છે. મહદઅંશે દરેક વ્યક્તિ સાબુ પર સ્વતંત્ર અધિકાર ધરાવતાં હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ સાબુ પર સ્વતંત્ર અધિકાર હોય તો બીમારીઓથી દૂર રહી શકાય. આજકાલ તો એવું માનવામાં આવે છે કે જો પરિવારમાં કોમન સાબુ હોય તો તેના ઉપયોગ પછી ધોઈ નાખવો જોઈએ. એનો અર્થ એ થયો કે સાબુથી શરીર ધોયા પછી સાબુને પણ ધોવો જોઈએ. સાબુથી સ્વછતા જોળવવી હોય તો કમસેકમ વીસ સેક્ધડ સુધી સાબુ ઘસવો જોઈએ. સાબુનો ઉપયોગ કોવિડના સમયે આપણને વિશેષ રીતે સમજાયો હતો.
આમ તો સ્વચ્છતાનો આગ્રહ ભારતીય પરંપરામાં યુગોથી છે. ત્રણ વાર નહાવું અને એક વાર ભોજનની વાત સદીઓથી ભારતીયોને શીખવવામાં આવી છે. ઘણીવાર નદીઓમાં કે તળાવમાં સ્નાન કરતી વ્યક્તિ સાબુ- પોતાની સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરતો નથી અને સાબુ વડે સ્નાન કરીને પાણીને પ્રદૂષિત કરે છે.
સાબુનો ઇતિહાસ પાંચેક હજાર વર્ષ જૂનો છે. ગ્રીસ, ઇજિપ્ત કે રોમમાં સાબુની ગાથાઓ લખવામાં આવી છે, આપણે બનારસ જેવા પૌરાણિક શહેરમાં અભ્યાસ કરીએ તો અહીં પણ સાબુ જેવા દ્રવ્ય મળી શકે છે. અમેરિકામાં મીણબત્તીઓનું ઉત્પાદન કરતાં પ્રોક્ટરભાઈએ સાબુ જેવી પ્રોડક્ટ પર કામ કર્યું અને તેના ગેમ્બલ નામના મિત્ર સાથે મળીને છેલ્લી સદીમાં દુનિયાની પ્રતિષ્ઠિત કંપની ‘પ્રોકટર એન્ડ ગેમ્બલ’ ઊભી કરી દીધી.
આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ…
પ્રારંભિક સમયમાં સાબુ પાણીમાં તરતો હોવાની વાતને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવ્યું. સાબુની પરિકલ્પનાથી ડિટર્જન્ટ જેવી પ્રોડક્ટ શોધવામાં આવી. યુરોપમાં સાબુનો પ્રારંભિક ઉપયોગ કપડાં પર કલરકામ માટે થતો હતો. સદીઓ પછી સાબુમાં જાતજાતના કેમિકલનો ઉપયોગ થતો હતો, આ કારણે પ્રાકૃતિક નુકસાન થવાના ડરથી સાબુ પર જાતજાતના ટેક્સ નાખીને તેને અમીરો માટેની પ્રોડક્ટ બનાવી દેવામાં આવી હતી.
દોઢસો વર્ષ પહેલાં વિલિયમ લીવર નામના સજ્જને સાબુના ઉત્પાદનમાં હાથ નાખ્યો અને જ્વલંત સફળતા મેળવી. લીવર સાહેબે પોતાના કર્મચારીઓને સુવિધા માટે ‘પોર્ટ સનલાઇટ’ નામનું નગર બનાવ્યું હતું. પહેલાં અને ખાસ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકોની સ્વચ્છતાનો ખ્યાલ પર વિસ્તૃત ચર્ચાઓ થતાં સાબુની દુનિયાભરમાં ડિમાન્ડ વધવા લાગી હતી.
અજાણ્યાના બાથરૂમમાં જઈએ તો એ ક્યાં બ્રાન્ડનો સાબુ વાપરે છે એ પરથી સામાન્ય વ્યક્તિ સ્વચ્છતા અને આર્થિક માપદંડ નક્કી થતો હોય છે. આપણે ત્યાં તો ફિલ્મ હીરોઈનોની ‘સુંદરતા’ નો રાઝ એક ચોક્કસ બ્રાન્ડના સાબુને આભારી છે એવો વર્ષોથી તગડો પ્રચાર થાય છે !
એ અલગ વાત છે કે મોસાળમાં જતાં હતાં ત્યારે એક જ સાબુથી પંદર જણા સ્નાન કરતાં હોવા છતાં એ સમયે કોઈએ સ્વચ્છતાના પાઠ ભણાવ્યા ન હતાં. સાબુ છે સામાન્ય પ્રોડક્ટ, પણ સ્નાનથી માંડીને કપડાં ધોવા તથા વાસણ માંજવા સુધીના કામમાં નેતૃત્વ ધરાવે છે.
નજીકના ભવિષ્યમાં અઈં ની મદ્દદથી સાબુની નવી ટેક્નોલોજી શોધશે, પણ સાબુ વગર માનવજાતને ચાલશે નહિ.
આજે સોલિડ સાબુમાંથી લિકવીડ સાબુનો વપરાશ વધવા લાગ્યો છે. બાળકો, યુવાઓ, વયસ્કો, મહિલાઓ, પુરુષો, દર્દીઓ માટે, કેમિકલયુક્ત કે કુદરતી તત્ત્વોથી સભર સાબુ બજારમાં આવી રહ્યા છે અને દરેક અંગ માટે અલગ નિષ્ણાત ડોક્ટર હોય છે એ જ રીતે કદાચ સાબુ ક્ષેત્રમાં પણ થાય.
ભારતમાં પાંચ હજાર કરોડ કરતાં વિશાળ સાબુ ઉદ્યોગ હોવા છતાં આપણે ત્યાં સાબુ પર થતી આર્ટ વધારે પ્રચલિત નથી, પણ વિદેશમાં સાબુ પર ડિઝાઇન અને આર્ટવર્ક ખૂબ પ્રચલિત છે. યુરોપના ઘણા દેશોમાં સાબુ આર્ટ માટે ખાસ ડિઝાઇન વર્કશોપ થાય છે. સાબુ પર બારીક નકશીકામ શીખવાડવામાં આવે છે. થાઈલેન્ડ જેવા દેશમાં પરંપરાગત સાબુ પરની ડિઝાઈનની કળાનો વિકાસ થયો છે. સાબુના મટિરિયલમાંથી આકર્ષક મૂર્તિઓ બનાવવામાં આવે છે. લેબેનોનમાં ખાસ પરિવાર દ્વારા સોના અને હીરાના પાવડરનો ઉપયોગ કરીને હજારો રૂપિયાનો સાબુ વેચવામાં આવે છે. પરીક્ષા સમયે જે રીતે વૈદ્યાર્થીઓને પેન ભેટ આપવામાં આવે છે એ રીતે કેટલીક સંસ્કૃતિઓમાં પરીક્ષા સમયે સાબુ ભેટ આપવાની પણ પ્રથા પ્રચલિત હતી!
ધ એન્ડ :
સુંદરતાનો સ્વચ્છતા સાથે ગાઢ સંબંધ છે.
(વેરા એલન)