સિક્કાની ત્રીજી બાજુઃ જોયા વગર હજાર વસ્તુ એ જ ક્રમમાં યાદ રાખવાની વિસ્મયજનક કળા: અવધાનમ…

જયવંત પંડ્યા
હવે મને યાદ નથી રહેતું
આવું વાક્ય ઘણાના મુખેથી આપણને અવારનવાર સાંભળવા મળે છે. અને આવું કહેનારા પાછાં 70-80 વયના વૃદ્ધ નથી હોતા. નિષ્ણાતો કહે છે કે સ્માર્ટ ફોન આવ્યા પછી આપણી સ્મરણશક્તિ ઘટવા લાગી છે. મોબાઇલના આવ્યા પહેલાં આપણને આપણા ત્વરિત સંપર્ક કરવા પડે તેવા લોકોના ફોન ક્રમાંકો યાદ રહેતા હતા, હવે રહે છે? એટલું જ નહીં, સ્માર્ટ ફોન આવ્યા પછી અલગ-અલગ ઍપથી આપણી સુવિધા વધવા લાગી.
ઉદાહરણ તરીકે: કામ/બેઠક/મુલાકાત વગેરેનું સ્મરણ કરાવતી ઍપ. હવે જો રિમાઇન્ડર મૂકવાનું ભૂલાઈ જાય તો ઑફિસની મીટિંગ ચૂકી જવાય. કોઈનો જન્મદિવસ છે તો ઍપમાં ડેટા નાખી દો. ફેસબુક તો પ્રતિ દિન સવારે આપણા સંપર્કમાં જે લોકો છે તેમના જન્મદિવસ સ્મરણ અપાવે જ છે. આપણે ચાલવા જવાનું છે તે પણ ઍપ યાદ અપાવે છે અને કેટલું ચાલ્યા તે પગલાં પણ ઍપ ગણી આપે છે.
બીજા શબ્દોમાં કહીએ તો જેમ-જેમ આપણી નિર્ભરતા ગેઝેટ પર વધવા લાગી છે તેમ તેમ આપણા શરીરની વ્યાધિઓ વધવા માંડી, જેમ કે ડોક-ખભાનો દુખાવો – અનિદ્રા કે પછી એક જ જગ્યાએ બેસી કે સૂઈ રહેવાની સમસ્યા, એકલતા, ચીડચીડિયાપણું, ડિપ્રેશન, ઈત્યાદિ…
‘સ્વિસ ટ્રોપિકલ ઍન્ડ પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ’નો એક અભ્યાસ કહે છે કે મોબાઇલ ફોનમાંથી નીકળતાં વિકિરણોનો પ્રભાવ તરુણોની સ્મરણશક્તિ પર પડે છે.આવા સમયમાં કોઈ એમ કહે કે મને એક પછી એક એવી સો વસ્તુ યાદ રહી જાય છે તો?!
તમે કહેશો કે એમ તો 52 પાનાંની એક ડેક એવી કુલ 59 ડેકના યાદેચ્છિક એટલે કે ગમે તે ક્રમમાં પાનાં એક વાર જોઈને જ યાદ રાખવાની કળા ડેવ ફેરો નામના ભાઈને છે અને તે માટે તેમનું નામ બે એપ્રિલ 2007માં નોંધાયું હતું…
હવે કોઈ વ્યક્તિ એમ કહે કે, ચાલો, હું એક જાદુ દેખાડું. હું આંખ બંધ કરી બેસી જઈશ. હજાર લોકો મારી સામે એક પછી એક આવી તમારા મનમાં આવે તે એક શબ્દ બોલે, અથવા કોઈ વસ્તુ દેખાડે અથવા કોઈ ધ્વનિ સંભળાવે, હું તમને તે ક્રમવાર કહી દઈશ તો?
આવો ચમત્કાર અલ્પ વયના એક જૈન મુનિએ કરી દેખાડ્યો છે. આ મુનિનું નામ છે અજિતચંદ્ર સાગર મહારાજ. ઉત્તર ગુજરાતના ઉંઝાના નિવાસી છે. તેમની વય કેવળ 34 વર્ષ જ છે. એક વર્ષ પહેલાં પહેલી મેએ મુંબઈના વરલીમાં તેમના ગુરુ નયનચંદ્રસાગર મહારાજના સાનિધ્યમાં તેમણે એક પછી એક હજાર લોકોએ દેખાડેલી, બોલેલી અથવા સંભળાવેલી ચીજોનાં નામ, ધ્વનિનો સ્રોત અથવા શબ્દો કહી બતાવ્યા હતા.!
આજે ઘણી વાર કેટલાક લોકો ઓછું ભણેલાનો ઉપહાસ કરે છે, પરંતુ અજિતચંદ્રસાગર મહારાજને જુઓ તો આ માન્યતા ભાંગીને ભુક્કો થઈ જાય. એ માત્ર પાંચ જ ધોરણ સુધી ભણ્યા છે. અને એ એવી વિદ્યા ભણ્યા છે જે આજની કહેવાતી સ્માર્ટ અથવા હાઇ ફાઇ સ્કૂલોમાં પણ ભણાવાતી નથી. હા, આ વિદ્યા પહેલાં આપણા દરેક ગુરુકુળમાં ભણાવાતી હતી, પરંતુ હવે તે વિદ્યા જૈન પંથમાં જ બચી છે. આ વિદ્યાનું નામ છે અવધાન વિદ્યા.
આ વિદ્યા સિદ્ધ કરેલી કોઈ પણ વ્યક્તિ પુસ્તકનાં પાનાં ફેરવે તો તેને તેમાં રહેલી વાતો યાદ રહી જાય છે. દિવસમાં હજારો લોકોને મળે તો તેને તે વ્યક્તિ સાથે શું વાત કરી હતી તે યાદ રહી જાય છે. ટૂંકમાં, તે એવી એકાગ્ર વ્યક્તિ હોય છે કે તેની સ્મરણશક્તિ હાથી જેવી જ તીવ્ર હોય છે, પણ એના માટે હાથી જેવો સ્વભાવ કેળવવો પડે.
હાથી ચાલ્યો જતો હોય અને કૂતરાં ભસે તો તે તેની પરવા નથી કરતો. તે તેમની સાથે ઝઘડવા નથી બેસતો. તે તેની મદમસ્ત ચાલે જ ચાલે છે. વળી, તેનામાં કૂતરા જેવી અધીરાઈ પણ નથી હોતી કે ભાગીને ક્યાંક પહોંચી જઈએ એટલે ધીરજ પણ કેળવવી પડે. આવો સ્વભાવ કેળવીએ અને એક જગ્યાએ બેસીને તપ કરીએ તો અવધાન વિદ્યા પ્રાપ્ત થાય છે.
મુનિ અજિતચંદ્ર સાગરજી મહારાજે આ હજાર ચીજો આંખ બંધ કરીને યાદ કરી લેવાનો સહસ્રાવધાની કાર્યક્રમ કર્યો ત્યારે એ ઓછામાં ઓછું છ કલાક સુધી કંઈ પણ ખાધાપીધા વગર એક જ જગ્યાએ પોતાના આસન પર ધ્યાનમગ્ન હતા.
અત્યારે કોઈ વ્યક્તિ એક જ સ્થાન પર એક કલાક પણ બેસવાની શક્તિ કે ધીરજ ધરાવે છે ખરી? આ દરમિયાન ઉપસ્થિત દર્શકોએ વચ્ચે ચાપાણી-અલ્પાહાર પણ કર્યા હતા, પરંતુ મુનિ તો ધ્યાનમાં જ હતા.
અવધાન માત્ર સ્મૃતિની વિદ્યા જ નથી. સર્જનાત્મક અવધાની પણ હોય છે. તમે તેમને ચાર કોઈ પણ શબ્દ આપો અને તે થોડી જ વારમાં તેના પરથી શ્ર્લોક કે ગીત બનાવી નાખશે. ઘંટડીના નાદ દ્વારા ગુપ્ત સંદેશો પસાર કરવાની કળાને ‘ઘંટાવધાની’ કહે છે. તેના પરથી જ ટેલિગ્રામ આવ્યું હશે કે નહીં તે તો ખબર નથી, પણ અંગ્રેજોના સમયથી લઈને થોડા સમય પહેલાં સુધી તે ચાલતું હતું.
તમે કોઈ સંદેશ લખીને જાવ તો ટપાલ ખાતાના લોકો તેને એક લાકડાની ચીજથી ‘ટક-ટક’ કરે અને તે ઇલેક્ટ્રિક રીતે બીજા શહેરમાં ટપાલ ખાતામાં બેસેલી વ્યક્તિ સુધી જાય અને તે તેને ઉકેલે. અને તેને શબ્દોમાં લખી નાખતા.
આ રીતે ‘નેત્રાવધાની’ પણ હોય છે. આ વિદ્યા જાણનારી વ્યક્તિ આંખની હિલચાલ દ્વારા તમારા સંદેશને પસાર કરી દઈ શકે છે. જાસૂસોને આવી વિદ્યા બહુ કામમાં આવે.
જૈન મુનિ નયનચંદ્રસાગર મહારાજ અને અજિતચંદ્ર સાગર મહારાજ જેવા મુનિઓ ઉપરાંત હરિયાણાના સોનિપત ખાતે ‘ઋષિહૂડ યુનિવર્સિટીના સેન્ટર ફોર હ્યુમન સાયન્સ’ના નિયામક ડો. સંપદાનંદ મિશ્ર જેવા વિદ્વાન પણ આ વિદ્યાને જીવંત રાખવા પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો…“તે ૨૩૦ કરોડ રૂપિયા ફ્રીઝ કરો”, જૈન બોર્ડિંગ જમીનનો સોદો રદ થતાં જ ધંગેકરનું મોટું નિવેદન…



