મગજ મંથનઃ આજના શિક્ષક પોતાની જવાબદારી પ્રત્યે કેટલા સભાન?આવો, જાણીએ 5 સપ્ટેમ્બર શિક્ષકદિન અવસરે… | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

મગજ મંથનઃ આજના શિક્ષક પોતાની જવાબદારી પ્રત્યે કેટલા સભાન?આવો, જાણીએ 5 સપ્ટેમ્બર શિક્ષકદિન અવસરે…

વિઠ્ઠલ વઘાસિયા

હવે છે શિક્ષણ યુગ’… વર્તમાનકાળમાંશિક્ષણ’ની ચારેકોર બોલબાલા છે. શિક્ષણ’ શબ્દશિક્ષા’ પરથી આવ્યો છે. શિક્ષા’નો મૂળ અર્થદંડ’ એવો થાય છે. શિક્ષણનો હેતુ કોઈને દંડ આપવાનો નહીં, પણ ફરજિયાતપણે સામી વ્યક્તિને સામાજિક શિષ્ટાચાર અને સુયોગ્ય વ્યવહાર તરફ વાળવાનો હોય છે.

અહીં આત્મજ્ઞાન'ની જગ્યાએજીવનજ્ઞાન’ની વાત છે. જેવી રીતે જ્ઞાન ગુરુ દ્વારા આપવામાં આવે છે, વિદ્યા આચાર્ય પાસે જવાથી મળે છે તેમ શિક્ષણ એ શિક્ષક દ્વારા આપવામાં આવે છે. શિક્ષક શુદ્ધ, સાધુ ચરિત્ર અને વિવેકપૂર્ણ જીવન જીવનાર હોવો જોઈએ. શિક્ષક વિદ્યાર્થીનું આંતરિક ઘડતર કરે તેવો હોવો જોઈએ. શુદ્ધ, સાત્વિક જીવન વગર યોગ્ય શિક્ષક બની શકાતું નથી.

ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન ઊઠે કે આજકાલ શિક્ષકો ભણાવવા માટે રૂપિયા-પૈસા લે છે તો એ `યોગ્ય શિક્ષક’ કહી શકાય? આપણે સૌ જાણીએ છીએ કે ધનનો મુખ્ય હેતુ જીવન નિર્વાહનો હોય છે. પ્રાચીન કાળના સદૃગુરુને ધનની બહુ જરૂર રહેતી નહોતી, કારણકે સમાજના લોકો જ એમના જીવન નિર્વાહની વસ્તુઓ પૂરી પાડતા હતા, પરંતુ આજના શિક્ષકનું શું?

શિક્ષક એ સમાજનું જ એક અંગ છે, જે શિક્ષકો કોઈ સંસ્થા, શાળા અને કોલેજોમાં ભણાવતા હોય એ પોતાનું વેતન જરૂર લઈ શકે તેમ જ જે શિક્ષકો ખાનગી શિક્ષણ આપતાં હોય એમણે પોતાના જીવનનિર્વાહ જેટલું જ લેવું જોઈએ. અહીં ખાનગી શિક્ષણમાં ટ્યુશન કે ક્લાસીસની વાત નથી, પણ જે અભ્યાસક્રમમાં ઘરે બેઠાં કરવાના હોય, તે માટે મદદરૂપ થતા શિક્ષકોની વાત છે.

આ પણ વાંચો…મગજ મંથન : સંસ્કારધામમાં હિંસા – હત્યા કેમ વધતી જાય છે?

ટ્યૂશન અને ક્લાસીસ દેશનું દૂષણ બની ગયા છે. તેના લીધે જ શિક્ષણ `પ્રોફેશનલ’ બની ગયું છે. ટ્યુશન અને ક્લાસીસને કારણે શિક્ષણમાં ભ્રષ્ટાચાર રૂપી સડો વ્યાપી ગયો છે. ટ્યૂશન અને ક્લાસીસ ચલાવતા શિક્ષકોને વિદ્યાર્થીના ભાવિની કોઈ ચિંતા નથી હોતી, એમને પોતાના ક્લાસના ઊંચા પરિણામની વધારે ચિંતા હોય છે. આ બધાનો ઉપાય વિદ્યાર્થીઓને શાળા અને કૉલેજોમાં જ યોગ્ય શિક્ષણ આપીને દૂર કરી શકાય. આ બધા માટે શિક્ષકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવવી જોઈએ.

શિક્ષક નીતિવાન, સદાચારી અને સદ્ગુણી હોવો જોઈએ. વિદ્યાર્થીનાં જીવનનિર્વાહ માટે એમને ઉત્તમ શિક્ષણ આપે તેવો હોવો જોઈએ. વિદ્યાર્થીઓના ધન પર પોતાનું ગુજરાન ચલાવનાર શિક્ષકે વિદ્યાર્થીઓને જીવનનો રાજમાર્ગ બતાવીને પોતાનું કર્તવ્ય અદા કરવું જોઈએ. આ શિક્ષકનો ધર્મ છે અને ફરજ છે.

શિક્ષક પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાન હોવો જોઈએ. પ્રવર્તમાન સમયમાં શિક્ષકની ભૂમિકા બદલાઈ રહી છે. શિક્ષકે માત્ર ભાષણ સ્વરૂપે માહિતી જ આપવાની નથી, પરંતુ વિદ્યાર્થીઓને સમૃદ્ધ અને અસાધારણ શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાના છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે, કારણ કે રાષ્ટ્રની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થ્યની જવાબદારી શિક્ષકની છે, ત્યારે શિક્ષકે વિદ્યાર્થીના friend, philosopher and guide તરીકેની ભૂમિકા અદા કરવી જોઈએ. શિક્ષણ એ શૈક્ષણિક વ્યવસાય જ છે.

શિક્ષક એક સલાહકાર (Teacher as a Counsellor):
આજે શિક્ષણ વર્ગની ચાર દીવાલોમાંથી બહાર આવીને ઘર, સમાજ અને વિશ્વમાં વિસ્તરી ચૂક્યું છે ત્યારે વિદ્યાર્થી માત્ર નિષ્ક્રિય શ્રોતા નથી. આજે શાળામાં વિદ્યાર્થી ખાલી મગજ સાથે આવતો નથી, કારણ કે વિવિધ સમૂહ માધ્યમો જેવાં કે ટીવી, રેડિયો, મોબાઈલ વર્તમાન પત્રો વગેરે દ્વારા અનેકવિધ જ્ઞાન પીરસાઈ રહ્યું છે. વિદ્યાર્થી વિવિધ પ્રશ્નો, મૂંઝવણ અને શીખવાના ઉત્સાહ સાથે શાળાએ આવે છે. આવા સંજોગોમાં શિક્ષકે માત્ર માહિતીના મશીનગનથી વિદ્યાર્થીના માનસિક ભારને વધારવાનો નથી, પરંતુ વર્ગખંડમાં એવું વાતાવરણ ઊભું કરવાનું છે, જેમાં વિદ્યાર્થી જાતે શીખતો થાય એટલે કે શિક્ષકે અહીં સુવિધા કરનાર (facilitator) તરીકે વર્તવાનું છે. એના માટે શિક્ષકે ચીલાચાલુ લેક્ચર પદ્ધતિના બદલે પ્રોજેક્ટ, ચર્ચા, સમૂહ ચર્ચા, સમૂહ કાર્ય, ક્ષેત્રિય મુલાકાત, પ્રવાસ પદ્ધતિ સ્વીકારવી જોઈએ.

દાખલા તરીકે, આપણા વ્યવસાયકાર' પાઠમાં ચિત્રની મદદથીકુંભાર’ની માહિતી આપવાને બદલે કુંભારના ઘરે વિદ્યાર્થીઓને લઈ જવા અને નિરીક્ષણ અને જાત અનુભવથી વિદ્યાર્થીઓ કુંભારનું કાર્ય, ઉપયોગમાં આવતાં સાધનોથી વાકેફ બને તો તે જ્ઞાન ચિરસ્થાયી રહે છે. આવી જ રીતે અન્ય વ્યવસાયકારોની જાણકારી પણ આપી શકાય

શિક્ષક એક વ્યવસ્થાપક (Teacher as a classroom Manager) :
દરેક વ્યક્તિના જીવનમાં શાળાનાં સંભારણાં યાદગાર બની રહે છે. આપણે જો યાદ કરીએ તો આપણા જીવનમાં કેટલાક શિક્ષક આપણાં આદર્શરૂપ બન્યા હોય છે. તેવા શિક્ષક પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીને પ્રભાવિત કરે છે. શિક્ષકે વ્યવસ્થાપક તરીકે વિદ્યાર્થીઓના શિક્ષણ, શાળા પર્યાવરણ, મિત્રો અને કુટુંબને લગતા પ્રશ્નો જાણી તેને દૂર કરવા વિદ્યાર્થીઓને મદદરૂપ બનવું જોઈએ. શિક્ષકે લાગણીશીલ, પ્રેમાળ બની વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવવી જોઈએ. એમના મિત્ર બનવું જોઈએ.

આ પણ વાંચો…મગજ મંથન : વ્યવહારલક્ષી શિક્ષણ મેળવવા શું કરવું ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button