મોદીની ‘પંચશક્તિ’ અને વિકાસનું ‘ગુજરાત મોડલ’

રાજેશ શર્મા
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ પહેલાંથી ગુજરાત મોડલ ચર્ચામાં હતું ને હજુય ગુજરાત મોડલની ચર્ચા થાય છે પણ મોટા ભાગનાં લોકોને ગુજરાત મોડલ ખરેખર શું છે એ ખબર નથી. આ ગુજરાત મોડલ દેશના વિકાસનો પાયો બન્યું છતાં મોટા ભાગનાં લોકોને ગુજરાત મોડલ શું તેની ખબર નથી તેથી મોદીના ગુજરાત મોડલને જાણવું અને સમજવું જરૂરી છે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વિકાસ માટે ગુજરાતમાં અર્થતંત્રના બે મુખ્ય આધારસ્તંભ એવા કૃષિ અને ઉદ્યોગોના વિકાસ માટે તેમણે ઘણાં અનોખાં પગલાં લીધાં હતાં. તેના કારણે મોદીના શાસનમાં ગુજરાત દેશનું સૌથી વિકસિત રાજ્ય બન્યું અને દેશનાં બીજાં રાજ્યો જેમાંથી પ્રેરણા લઈને વિકાસ કરી શકે એવું મોડલ ઊભું થયું છે.

મોદીના ગુજરાત મોડલમાં જનશક્તિ, જળશક્તિ, રક્ષાશક્તિ, ઊર્જાશક્તિ અને જ્ઞાનશક્તિ એ ‘પંચશક્તિ’ કેન્દ્રસ્થાને હતી. આ પંચશક્તિના જોરે મોદીએ ગુજરાતના વિકાસને નવી દિશા આપી અને દેશને વિકાસનું એક પોતીકું મોડલ આપ્યું.
મોદીની વિચારધારા છે કે, કોઈ પણ રાષ્ટ્રના નિર્માણમાં પાંચ શક્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. જનશક્તિ, જળ શક્તિ, રક્ષાશક્તિ, ઊર્જાશક્તિ અને જ્ઞાનશક્તિ એ પાંચ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય છે.
મોદીએ આ ‘પંચશક્તિ’નો વિચાર જ ના આપ્યો પણ તેની મદદથી રાજ્યમાં કઈ રીતે શ્રેષ્ઠ શાસન આપી શકાય છે તેનું ઉદાહરણ પણ લોકો સામે મૂક્યું. મોદીએ જન શક્તિ, જળ શક્તિ, રક્ષા શક્તિ, ઊર્જા શક્તિ અને જ્ઞાન શક્તિ એ ‘પંચશક્તિ’ની તાકાતથી ગુજરાતને એક આદર્શ રાજ્ય બનાવ્યું, ગુજરાતના વિકાસને નવી ઉંચાઈ આપી.
મોદી શાસનનાં પહેલાં પાંચ વર્ષમાં જ 10.7 ટકાનો આર્થિક વિકાસ દર પ્રાપ્ત હાંસલ કર્યો હતો. માત્ર ઔદ્યોગિક ઉત્પાદનમાં જ નહીં પણ કૃષિ ક્ષેત્રે પણ ગુજરાતે એટલો જ વિકાસ કર્યો હતો. તેના પરથી જ મોદીનું ગુજરાત મોડલ કેટલું સફળ હતું તેનો અંદાજ લગાવી શકાય છે.
ગુજરાતના વિકાસમાં ‘પંચશક્તિ’નો અસરકારક ઉપયોગ કરીને મોદીએ દેશના રાજકારણને પણ નવી દિશા આપી છે. મોદીએ ભાજપને લોકસભાની 2014ની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી જીત અપાવ્યા પછી રાષ્ટ્રીય સ્તરે જનશક્તિ, જળશક્તિ, રક્ષાશક્તિ, ઊર્જાશક્તિ અને જ્ઞાનશક્તિ એ ‘પંચશક્તિ’ની તાકાતનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને દેશના વિકાસને નવી દિશા આપવાનું મહાઅભિયાન શરૂ કર્યું છે.
મોદી સરકારના સવા 11 વર્ષના શાસનમાં જન શક્તિ, જળ શક્તિ, રક્ષા શક્તિ, ઉર્જા શક્તિ અને જ્ઞાન શક્તિ એ ‘પંચ શક્તિ’નો લોકોને પરચો મળ્યો છે અને દેશમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. ભારત વૈશ્વિક સ્તરે એક નવી તાકાત બનીને ઊભર્યું છે. ભારતને કોઈ અવગણી ના શકે એવો દબદબો મોદીએ ઊભો કર્યો છે.
મોદીની જનશક્તિ, જળશક્તિ, રક્ષાશક્તિ, ઊર્જાશક્તિ અને જ્ઞાનશક્તિ એ ‘પંચશક્તિ’નો વિકાસ માટે કઈ રીતે ઉપયોગ કરાયો એ વિશે જાણીશું તો મોદીના ગુજરાત મોડલને સારી રીતે સમજી શકાશે. સાથે સાથે આ ‘પંચ શક્તિ’એ ગુજરાત અને દેશને કઈ રીતે બદલ્યાં છે એ વાત સારી રીતે સમજાશે.

રક્ષા શક્તિ:
મોદીની વિચારધારા એ છે કે, વિકાસ માટે સુરક્ષા જરૂરી છે અને સુરક્ષા માટે રક્ષાશક્તિ જરૂરી છે. દેશના નાગરિકો વિકાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકે એ માટે સલામતી અને સુરક્ષા પાયાની જરૂરિયાત છે. અસલામતી અને અસુરક્ષાના માહોલમાં લોકો કામ ના કરી શકે, દેશ પ્રગતિ ના કરી શકે તેથી મોદીએ સલામતી અને સુરક્ષાને સૌથી વધારે મહત્ત્વ આપ્યું.
દેશમાં સલામતી અને સુરક્ષા હશે તો જ દેશ શ્રેષ્ઠ કાર્યો કરી શકશે એમ માનતા મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે ગુજરાતને આતંકવાદ અને માફિયાઓથી મુકત કરવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને મોદીએ અસરકારકતાથી પાર પાડ્યો. ગુજરાતમાં અશાંતિ પેદા કરવા આવતાં પરિબળોને મોદી સરકારે ખતમ કરીને ગુજરાતને સલામત રાખ્યું હતું.
મોદીએ મુખ્યમંત્રી તરીકે મતબેંકની રાજનીતિથી પ્રેરાઈને સામાન્ય નાગરિકોના હિતના ભોગે ક્યારેય સમાધાન ન કર્યું. તેના કારણે એક જમાનામાં કોમી તોફાનો માટે વગોવાયેલા ગુજરાતમાં કોમી તોફાનો જ બંધ થઈ ગયાં. લોકો તોફાનો કે આતંકવાદી હુમલાની ચિંતા કર્યા વિના આર્થિક પ્રવૃત્તિઓ કરી શકે એવો માહોલ મોદી સરકારે પેદા કર્યો.
દેશના વડા પ્રધાન તરીકે મોદીએ એ જ નીતિ અપનાવી છે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને દેશમાં થતા આતંકવાદી હુમલા બંધ કરાવી દીધા છે. મોદી સરકારે આતંકવાદીઓનો ખાતમો કરવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરવા જેવાં પગલાં પણ લીધાં છે.
મોદી શાસનમાં નાગરિકોનાં મોટા પાયે મોત થયાં હોય એવો એક પણ મોટો આતંકવાદી હુમલો થયો નથી એ મોદી સરકારની રક્ષાશક્તિનો પુરાવો છે. બાલાકોટ એરસ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર સહિતના નિર્ણયો રક્ષાશક્તિનો ભાગ છે.

જળશક્તિ:
નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે જળ એટલે કે પાણીની જરૂરિયાત પર ભાર મૂકીને ભગીરથ પ્રયાસો કરીને ગુજરાતની પાણીની સમસ્યાનો અંત લાવી દીધો. ગુજરાતની જીવાદોરી મનાતી નર્મદા યોજના તેમણે પૂરી કરાવી અને નર્મદાનાં જળ ગુજરાતના ગામેગામ પહોંચે એ માટે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના શરૂ કરાવી હતી.
મોદીએ નર્મદાનાં પાણી સાબરમતી અને સરસ્વતી નદીમાં લાવીને નદીઓના આંતરિક જોડાણ દ્વારા જળ સ્રોતનો મહત્તમ ઉપયોગ કરવાની વિચારધારાને સાકાર કરી. સૌરાષ્ટ્રમાં જંગી પ્રમાણમાં ચેક ડેમ બનાવડાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરાવડાવીને સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા દૂર કરી.
મોદીએ દેશના વડા પ્રધાન તરીકે જળના શ્રેષ્ઠ ઉપયોગ માટે અલગ મંત્રાલય બનાવવાનો ક્રાન્તિકારી નિર્ણય લીધો. જળ સંસાધન, નદી વિકાસ, ગંગા સંરક્ષણ, પેયજળ તથા સ્વચ્છતા મંત્રાલયને પરસ્પર જોડીને જળશક્તિ મંત્રાલય બનાવીને મોદીએ બહુ મોટું પગલું ભર્યું છે. આ નવું મંત્રાલય સંકલિત અને સમગ્ર રીતે આપણા જળ સંસાધનોની વ્યવસ્થા અને જળ પુરવઠાનું સંચાલન કરી રહ્યું છે.
મોદી સરકારે જીવન મિશન અંતર્ગત 2024 સુધી દરેક ગ્રામીણ પરિવારો માટે ‘દરેક ઘરે પાણી’ (પાઈપ દ્વારા પાણીની સગવડ)આપવાનું અભિયાન આદર્યું છે. આ અભિયાનને પાર પાડવા માટે જળ મંત્રાલય દેશનાં તમામ રાજ્યો સાથે મળીને કાર્ય કરી રહ્યું છે.

ઉર્જાશક્તિ
નરેન્દ્ર મોદી પહેલા એવા વડા પ્રધાન છે કે જે બહુ પહેલાં જ એ સત્યને સમજી ચૂક્યા હતા કે વિકાસ કરવો હોય તો ઊર્જા ક્ષેત્રે સ્વાવલંબી બનવું પડે ને એવી સ્થિતી પેદા કરવી પડે કે આપણે આપણા વપરાશ માટે જરૂરી ઊર્જા તો પેદા કરી જ શકીએ પણ બીજાંને પણ તે વેચી શકીએ. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ મોદીએ આ વાતનો અમલ શરૂ કરીને ગુજરાતમાં ઊર્જાના વિકલ્પો વિકસાવવાની દિશામાં ક્રાન્તિકારી કદમ ઉઠાવ્યાં હતાં.
તેમણે સૌર ઊર્જાને મહત્ત્વ આપીને ગુજરાતને સૌર ઊર્જામાં અગ્રેસર બનાવ્યું. દેશની કુલ સૌર ઊર્જામાંથી 66 ટકા સૌર ઊર્જા પેદા કરનારું ગુજરાત આજે દેશભરમાં કલાયમેટ ચેન્જનાં પડકારનો સામનો કરવામાં અગ્રેસર છે.
પ્રદૂષણમુક્ત સૌર ઊર્જાનું ઉત્પાદન કરાવીને મોદીએ ગુજરાતની વીજળીની સમસ્યાનો કાયમ માટે અંત લાવી દીધો. ઉદ્યોગો અને ખેતી બંનેને આજે પૂરતા પ્રમાણમાં વીજળી મળે છે. ગુજરાતનું એક પણ ગામ એવું નથી કે જ્યાં વીજળી નથી. મોદીએ જ્યોર્તિગ્રામ યોજના દ્વારા ગુજરાતના ઘરેઘરને ઝળહળતાં કરી દીધાં.
મોદીએ 2014ના લોકસભાના ચૂંટણી પ્રચાર વખતે ઊર્જા ક્ષેત્રે દેશને સ્વાવલંબી બનાવવા માટે ‘રેઈનબો વિઝન’ રજૂ કર્યું હતું. રેઈનબો એટલે મેઘધનુષ અને તેમાં સાત રંગો હોય છે. મોદીએ તેમના વિઝનમાં ગેસ, થર્મલ, હાયડ્રો, સોલર, વિન્ડ, બાયો-માસ અને ન્યુક્લીયર એ સાત ઊર્જા ક્ષેત્રોને આવરી લીધા છે.
સમગ્ર દેશ માટે નેશનલ ગ્રીડ બનાવીને આ નેશનલ ગ્રીડમાં યોગદાન આપવા માટે કયા ફ્યુઅલ આધારિત પાવર પ્લાન્ટ ક્યાં સ્થાપવા તેનું વિઝન તેમણે રજૂ કરેલું. મોદી સરકાર અત્યારે આ વિઝન પર કામ કરી રહી છે.

જનશક્તિ:
મોદીએ ગુજરાતના વિકાસ માટે જન શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો. જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓમાં વિશ્વાસ મૂકીને તેમને સત્તા સોંપી પછી આ ચૂંટાયેલા પ્રતિનિધિ વહીવટ તંત્ર પાસે પ્રજાના હિતમાં શ્રેષ્ઠ કામગીરી કરાવે એ જનશક્તિ છે. ગુજરાતમાં મોદી સરકારે વરસોથી રગશિયા ગાડાની જેમ કામ કરતા અને અસંવેદનશીલતાથી વર્તતા જડ વહીવટી તંત્રને કડકાઈથી ગતિશીલ બનાવ્યું હતું. મોદી સરકારે ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરીને વહીવટ પારદર્શક બનાવ્યો હતો.
લોકહિતને ધ્યાનમાં રાખી વર્ષો જૂની ઓક્ટ્રોય પદ્ધતિ નાબૂદ કરી છે. જાહેર કાર્યો અને નિર્માણમાં હંમેશાં શ્રેષ્ઠતમ આગ્રહ રાખીને સગવડો ઊભી કરી. રાજ્યની વ્યવસ્થા માટે જનતા પોતાની પરસેવાની કમાણીથી કર ચૂકવે છે તેથી તેમને શ્રેષ્ઠ સેવાનો અધિકાર છે એવું માનતા મોદીએ રાજ્યનું વહીવટી તંત્રએ રીતે ગોઠવ્યું કે જેનાથી દરેક નાગરિકની જરૂરિયાત સંતોષી શકાય.
સાંજની અદાલત, સગર્ભા માતાઓની સંભાળ માટે ચિરંજીવી યોજના, ગુજરાતનાં 18000 ગામડાઓને વીજળીની સુવિધા અને નર્મદા વોટર ગ્રીડ જેવી યોજનાઓ દ્વારા સરકારે જનતાની સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નો કર્યા છે. સામાજિક ક્ષેત્રના વિકાસ માટે મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે.
મોદી સરકારે ટેન્ડર પ્રક્રિયા તથા ખાનગી શાળાઓ સહિત તમામ સ્તરે ભરતીને ઓનલાઈન કરાવીને ભ્રષ્ટાચાર બંધ કરાવી દીધો હતો. વડા પ્રધાન બન્યા પછી મોદીએ આ જ નીતિને અમલી બનાવીને દેશના વહીવટને પારદર્શી બનાવ્યો છે. મોદી શાસનમાં એક પણ કૌભાંડ થયું નથી એ ભ્રષ્ટાચારરહિત સુશાસનનો આદર્શ નમૂનો છે. મોટા ભાગની સેવાઓને ડિજિટલ કરીને તેમણે લોકોને ઘેરબેઠાં સેવાઓ આપી છે.

જ્ઞાન શક્તિ:
નરેન્દ્ર મોદી પોતે એક કવિ છે અને સંવેદનશીલ હૃદય ધરાવે છે તેથી જ્ઞાનની મહત્તા સમજે છે. અલબત્ત, આ જ્ઞાન પુસ્તકિયું ના હોવું જોઈએ એ વિશે પણ મોદી સ્પષ્ટ છે. તેમણે લોકોમાં સ્કીલ એટલે કે કૌશલ્ય વિકસે અને લોકો નવી નવી શોધો કરતા થાય એ પ્રકારના જ્ઞાનને પ્રોત્સાહન આપ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એક તરફ તેમણે વાંચે ગુજરાત અભિયાન દ્વારા ગુજરાતના સાહિત્યને જીવંત રાખ્યું તો બીજી તરફ ગિફ્ટ સિટી સહિતના પ્રોજેક્ટ્સ દ્વારા વ્યવહારમાં ઉપયોગી જ્ઞાનના મહત્ત્વને સ્વીકાર્યું. મોદીએ રાજ્યમાં ટેકનોલોજી અને ટેક્નિકલ શિક્ષણને પ્રોત્સાહન આપીને શિક્ષણની તરાહ બદલી નાખી.
દેશના વડા પ્રધાન તરીકે મોદીએ મેઈક ઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયા જેવાં સૂત્રો આપીને ભારતમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. દેશના વિકાસમાં ઉપયોગી થાય એવા જ્ઞાનનું શિક્ષણ વધે એ માટે મોદીએ નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી છે. આ શિક્ષણનીતિમાં ટેક્નિકલ જ્ઞાન મહત્ત્વનું છે.
મોદી સરકારે દેશમાં વૈજ્ઞાનિક સંશોધનને મહત્ત્વ આપવા માટે પણ ઘણાં પગલાં ભર્યાં છે. દેશમાં આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓની સંખ્યા વધારીને તેમણે દેશમાં જ્ઞાનનો પ્રભાવ વધાર્યો છે. આ ઉપરાંત સ્ટાર્ટ અપ્સ માટે પુષ્કળ સહાય અને યુવા ટેકનોક્રેટ્સને તમામ પ્રકારની સહાય સહિતનાં પગલાં મોદીએ લીધાં છે.
આ પણ વાંચો…PM Narendra Modi 75th Birthday: પીએમ મોદીજીના વિશે કેટલું જાણો છો? અહીં જાણી લો એક ક્લિક પર…