રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
ખતરનાકનું નાક કેવું હોય?
*કોઈને પણ ખોતરી નાખે એવું ખ-ત-ર-ના-ક!
સટ્ટો ક્યાં રમાય?
*એવી સટ્ટા બજારમાં, જ્યાંનું સરનામું પોલીસને જાણ હોય છતાં ત્યાં જવાનું ટાળે…
લગ્ન વખતે વર અને ક્નયા મેકઅપ ના કરે તો?.
*બન્ને વેવાઈનું ખરાબ દેખાય…
કાળા પાણી ને છાંટા પાણીમાં શું ફરક?
*કાળા પાણીની સજા આકરી, પણ છાંટા પાણીની સજા હળવી!
પરીક્ષાના પેપરમાં માર્ક કેમ લખાય છે?
*પરીક્ષકને પાસ નાપાસનો ફરક ગણતાં ફાવે એટલે…
મારે લખતાં શીખવું છે…
*શું…હિસાબ…નોટિસ કે પછી રાજીનામું?!
મોડર્ન શબરી ભગવાન રામને એઠાં બોર આપે તો?
*તો એ `ઈન થિંગ’ ગણાય !
ભૂખ્યાનો બેલી ભગવાન. તો ખાધે-પીધે સુખી હોય એનું કોણ?
*ડોક્ટર ને ઈન્કમ ટેક્સવાળા…
દેવું કરીને ઘી પીવાથી શું મળે?
*વધુ દેવું કરવાની વધુ શક્તિ…
હાથના કર્યા હૈયે જ કેમ વાગે?
*હૈયા સાથે વધારે હેત સંકળાયેલું હોય એટલે…
હૈયાનો હાર હોય તો મનનું શું?
*મન કી બાત.
કજિયાનું મ્હોં કાળું ?
*એ ધોળું નથી હોતું એટલે…
મુઠ્ઠી વાળીને દોડવાનો શું ફાયદો?
*લેણદારથી વધુ દૂર ભાગી શકાય!
કોની આગળ અને કોની પાછળ ન ચાલવું?
*શેઠની આગળ અને ગધેડાની પાછળ ન ચાલવું…બન્ને લાત ફટકારી શકે!
આ પણ વાંચો…રમૂજી સવાલના મનમોજી જવાબ