ઈન્ટરવલ

એક માર્ગના મુસાફર: સિનેમા ને સાહિત્ય (૨)આઝાદી પછીના દાયકામાં ભારતીય સિનેમા ખીલી ઉઠ્યું…

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

આઝાદી પછી ભારતીય સિનેમામાં સમાંતર ફિલ્મ જેવા પ્રયોગને પ્રચલિત કરવાનો પ્રારંભ સત્યજિત રે એ કર્યો હતો….

આ વાતની શરૂઆત આપણે ગયા અઠવાડિયે કરી હતી. હવે આગળ….
સિનેમા અને સાહિત્ય એક સાથે વિકાસ પામ્યા હોવા છતાં એક વાતની નોંધ લેવી જરૂરી છે કે સાહિત્ય ઘણી ઉચ્ચ અને જટિલ વાતો કરી શકે છે, જે સામાન્ય માણસ માટે સમજવી મુશ્કેલ છે. ઓશોનું કે શેક્સપિયરનું વાંચન સમજવું મુશ્કેલ છે, પણ સિનેમા દરેક જટિલ અને મુશ્કેલ વાતને સરળ સ્વરૂપ આપે છે.

આર્ટ ફિલ્મોએ સામાજિક સમસ્યાઓને સમાજ સુધી લાવવામાં મદદ કરી, પણ કોમર્શિયલ ફિલ્મોએ તમામ સમસ્યાના હળવાશથી ઉપાય દર્શાવ્યા. ભારતીય સિનેમામાં સમાંતર ફિલ્મના પ્રયોગને પ્રચલિત કરવાનો આરંભ સત્યજિત રેએ કર્યો ને એમની સાથે મૃણાલ સેન પણ સમાંતર ફિલ્મો રજૂ કરતા રહ્યા.

સત્યજીત રે એ સિતારવાદક પંડિત રવિશંકરને સાથે રાખીને ૧૯૫૫માં પહેલી બંગાળી ફિલ્મ ‘પથેર પાંચાલી’ બનાવી. હિન્દી ફિલ્મોએ પ્યોર પેરેરલ-નખશિખ સમાંતર કહી શકાય એવી ફિલ્મની શરૂઆત થોડી મોડી શરૂ કરી. હિન્દી સિનેમામાં મૃણાલ સેને પેરેરલ સિનેમા ૧૯૬૯માં ‘ભુવન સોમ’ થી કરી.

સાહિત્યને કચકડા પર માંજવાનું કામ સત્યજિત રે થકી થયું. પથેર પાંચાલી- અપરાજીતા- જલસાઘર- કંચનજંગા- ચારુલતા- પારસ પથ્થર- આગંતુક સહિત ૩૭ ફિલ્મ- શોર્ટ ફિલ્મો બનાવી. સત્યજિત રેની ફિલ્મની ફોટોગ્રાફી, સ્ટોરી ટેલિંગ કે મેસેજ સંશોધનનો વિષય છે. આજે પણ એમની ફિલ્મો એટલી જ મૌલિક લાગે. સત્યજિત રેને સિનેમા સાથે સાહિત્ય પ્રદાન માટે પણ યાદ રાખવા જોઈએ. સત્યજિતબાબુએ સર્જેલા પાત્ર પર એમના પુત્ર સંદીપ રેએ એક સિરિયલ બનાવી હતી. આ સિરિયલમાં એક પાત્ર શશી કપૂરે ભજવ્યું હતું. ફેલુદાના પાત્ર સંતોષ દત્તા ભજવતા તેથી શશી કપૂરનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આશ્ર્ચર્યની વાત એ છે કે સત્યજિત રેનું હિન્દી પર પ્રભુત્વ ન હોવા છતાં સાહિત્ય કૃતિ પરથી ‘શતરંજ કે ખિલાડી’ અને ‘સદગતિ’ નામની ટીવીએ ફિલ્મ બનાવી. ‘શતરંજ કે ખિલાડી’ યુવાનોએ ખાસ જોવી જોઇએ. સિનેમા વિશ્ર્વ ફિલ્મના માઇલસ્ટોન-એક સીમાચિન્હ તરીકે સત્યજિત રેને કેમ કહેવામાં આવે છે એ સમજાશે.

એવું પણ નથી કે બધા સત્યજિત રેની ફિલ્મના વખાણ કરતાં. ‘પથેર પાંચાલી’ને વિશ્ર્વભરમાં સન્માન મળ્યાં ત્યારે અભિનેત્રી નરગિસ ખૂબ નારાજ થયાં હતાં. નરગિસના મતે દેશની દરિદ્રતા વેચીને પૈસા કમાવા જેવી એ વાત છે…. જો કે તે જમાના મુજબ ‘પથેર પાંચાલી’ ની સિનેમેટોગ્રાફી, કુદરતી સૌંદર્ય અને સ્ટોરી ટેલિંગ આર્ટ નમૂનેદાર હતી. સત્યજિત રેની એ વિશેષતા હતી કે જે તે સમય સાથે સમસ્યાના ઉંડાણમાં જવું. ‘અપરાજિતા’માં એક યુવાન પોતાની માતાના મૃત્યુનું કારણ શોધતો જે રીતે ગામમાં ફરે છે એ ફિલ્મમાં જોઈને કોઈ મા ન રડી હોય એવું બન્યું ન હતું.

વર્ષ ૧૯૩૪માં વિખ્યાત સાહિત્યકાર પ્રેમચંદની આર્થિક સ્થિતિ ડામાડોળ હતી. ‘સેવાસદન’ નામની એમની કથા ૭૫૦ રૂપિયામાં નાનુભાઈ વકીલે ખરીદીને ‘બાજારે હુસ્ન’ નામની સાવ વાહિયાત ફિલ્મ બનાવી હતી. આ જ કથા પરથી કે. સુબ્રમણ્યમે તમિલમાં પ્રસિદ્ધ ગાયિકા એમ સુબ્બુલક્ષ્મી અભિનિત ફિલ્મ બનાવી, જેને તમિલ સિનેમામાં આજે પણ ઉત્તમ કૃતિ ગણવામાં આવે છે.

આઝાદી પછી વર્ષ ૧૯૫૧માં જીયા સરહદીએ ‘હમલોગ’ બનાવી. એ જ વર્ષે નૌશાદના સંગીતવાળી યાદગાર ‘બૈજુ બાવરા’ આવી. બંકિમચંદ્ર બેનરજીની પ્રખ્યાત કથા પરથી હિરેન ગુપ્તાએ અદભુત ફિલ્મ ‘આનંદમઠ’ બનાવી. ૧૯૫૩માં ‘દો બીઘા જમીન’, ૧૯૫૫માં ‘મધર ઇન્ડિયા’ અને રાજ કપૂર- નરગિસની છેલ્લી ફિલ્મ શ્રી ૪૨૦ આવી. ૧૯૫૬માં બંગાળી ફિલ્મ ‘એક દિન રાત્રે’ પરથી રાજ કપૂરની ‘જાગતે રહો’ આવી, જે બંગાળી રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા- દિગ્દર્શક શંભુ મિત્રાએ ડિરેકટ કરી… વર્ષ ૧૯૫૭માં ગુરુ દત્તની ક્લાસિક ફિલ્મ ‘પ્યાસા’ આવી. એ પછી ૧૯૫૮માં બિમલ રોયની સદાબહાર ‘મધુમતી’ આવી અને એ જ વર્ષે જેને તમે અફલાતૂન કોમેડી કહી શકો એવી ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’ રજૂ થઈ… ૧૯૫૯માં ‘સુજાતા’ અને ૧૯૬૦માં ‘મુગલે આઝમ’ આવી. ૧૯૬૦માં જ વર્ષે રાજ કપૂરની ‘જીસ દેશમેં ગંગા બહતી હૈ ’ જેવી અનોખી ફિલ્મ આવી. ૧૯૬૩માં ‘બંદિની’ આવી…. આ બધી ફિલ્મનો ઉલ્લેખ એટલા માટે કરવો જરૂરી છે કે આ ફિલ્મોએ સાહિત્ય અને સિનેમાને રેલવેના પેરેલલ ટ્રેક બનાવી દીધાં.

અહીં, સત્યજિત રેના ક્લાસિક યુગને જીવંત રાખનારા શ્યામ બેનેગલને યાદ કરવા પડે. એમની ફિલ્મ ‘જુનુન’ રસ્કિલ બોન્ડની નવલકથા ‘એ ફ્લાઇટ ઓફ પિજન્સ’ પર આધારિત હતી. આ નવલકથા સત્યઘટના પરથી લખવામાં આવી હોવાની ચર્ચા છે. કમલેશ્ર્વરની એક વાર્તા ‘તલાશ’માં માતા અને દીકરી વાતો કરે છે એવી આ વાર્તા પરથી શિવેન્દ્ર સિંહાએ ‘ફિર ભી’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં માતા- દીકરીના પ્રેમીઓ સહિત અનેક પાત્રો ઉમેરવામાં આવ્યાં હતાં. એક દ્રશ્યમાં માતા કહે છે : ‘કિતની સુની લગતી હૈ ચોપાટી, મરીન ડ્રાઇવ પર ભાગતી હુઇ કારેં ધીમી લગતી હૈ- કીતની ઉદ્દેશ્યહીન ચલ રહી હે, જીનકી કોઈ મંઝિલ હી નહીં હૈ….’

હા, તમારી પાસે નવરાશ હોય તો ધર્મવીર ભારતીની કથા પરથી શ્યામ બેનેગલની વર્ષ ૧૯૯૩માં બનેલી ‘સૂરજ કા સાતવા ઘોડા’ જરૂર જોજો… આ ફિલ્મની ચર્ચા આ જ કોલમમાં આપણે અગાઉ કરી છે.

એ જ રીતે, મણિ કોલની ‘નૌકર કી કમીઝ’ – સુભાષ અગ્રવાલની ‘રુઇ કા બોઝ’ – વિનોદ કુમારની કફન- પરેશ કંદરની ‘ખરગોશ’ અને મઝહર કામરાનની ‘મોહનદાસ’ જેવી ફિલ્મો ઉત્તમ સાહિત્યિક કૃતિઓ પરથી બનેલી આધુનિક યુગની ફિલ્મો છે.

શેક્સપિયરને આધુનિક ભારતીય યુગમાં અમૃતજળ છાંટી જીવંત રાખનાર વિશાલ ભરદ્વાજ સહિતનાઓનું યોગદાન લખવા બે- ચાર આર્ટિકલ પણ ઓછા પડે.

અમિતાભ યુગ સાથે સાહિત્ય અને કલાનું તત્ત્વ ઘટતું ગયું અને કોમર્શિયલ ફિલ્મો શરૂ થઇ. જ્યાં કલાકાર કોઈ પાત્ર ભજવતો હોય તો એ પાત્ર ન લાગતા કલાકારનો પોતાનો અભિનય લાગે એ દોરમાં પણ ક્લાસિક ફિલ્મોએ આગવી સાહિત્યિક કળા સાથે પોતાનું સ્થાન આજ સુધી જાળવી રાખ્યું છે.

ધ એન્ડ :
‘હૈદર’ ફિલ્મ શેક્સપિયરના ‘હેમલેટ ’ પર આધારિત હતી. હેમલેટ પરથી મિનર્વાના સિંહ સોહરાબ મોદી ‘ખૂન કા ખૂન’ છેક વર્ષ ૧૯૩૫માં બનાવી ચૂક્યા હતા અને એ પછી કિશોર સાહુએ ‘હેમલેટ’ના નામથી ૧૯૫૪માં ફિલ્મ બનાવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…