ઈન્ટરવલ

મગજ મંથનઃ મગજને તેજસ્વી તથા હૃદયને સંવેદનશીલ બનાવે તે શિક્ષણ…

વિઠ્ઠલ વઘાસિયા

શિક્ષણ માત્ર પુસ્તકોમાં લખાયેલા શબ્દોનું જ્ઞાન નથી, પરંતુ માનવ જીવનને સંવેદનશીલ, સંસ્કાર સભર અને મૂલ્યનિષ્ઠ બનાવવાની એક પવિત્ર પ્રક્રિયા છે. સાચું શિક્ષણ માનવના મગજને જ નહીં, પરંતુ તેના હૃદયને પણ સ્પર્શે છે. આથી જ કહેવામાં આવે છે કે `શિક્ષણનું હૃદય તે જ હૃદયનું શિક્ષણ’. જ્યારે શિક્ષણ માનવના હૃદય સુધી પહોંચે છે, ત્યારે જ તે વ્યક્તિને સારો નાગરિક, સારો માનવ અને જવાબદાર સભ્ય બનાવે છે.

આજના સમયમાં શિક્ષણ મોટે ભાગે ડિગ્રી, નોકરી અને આવક સુધી સીમિત થઈ ગયું છે. શાળાઓ અને કોલેજોમાં વિષયનું જ્ઞાન, ટેક્નોલોજી, સ્પર્ધા અને સફળતાને મુખ્ય સ્થાન આપવામાં આવે છે, પરંતુ આ દોડમાં માનવીય મૂલ્યો, સંવેદના, કણા, સત્ય, અહિંસા, સહાનુભૂતિ અને સેવાભાવ જેવી બાબતો પાછળ રહી જાય છે. પરિણામે આપણે બુદ્ધિશાળી તો બનીએ છીએ, પરંતુ સંવેદનશીલ બની શકતા નથી. અહીં જ હૃદયના શિક્ષણની જરૂરિયાત ઊભી થાય છે.

હૃદયનું શિક્ષણ એટલે શું?
હૃદયનું શિક્ષણ એટલે માનવમાં માનવતા જગાડવાનું શિક્ષણ. તે વ્યક્તિને બીજાના દુ:ખમાં પોતાનું દુ:ખ અનુભવી શકે તેવી દૃષ્ટિ આપે છે. તે વ્યક્તિને માત્ર હું' નહીં પરંતુઅમે’ વિચારતા શીખવે છે. હૃદયનું શિક્ષણ પ્રેમ, દયા, સહનશીલતા, ક્ષમા, સહકાર અને જવાબદારી જેવા ગુણોનું સિંચન કરે છે. આ ગુણો વગરનું શિક્ષણ અધૂરૂં અને નિર્જીવ છે. ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણને હંમેશાં મૂલ્ય આધારિત માનવામાં આવ્યું છે. ગુકુલ પ્રણાલીમાં શિષ્યોને માત્ર શાસ્ત્રોનું જ્ઞાન જ નહીં, પરંતુ જીવન જીવવાની કળા શીખવવામાં આવતી હતી.

ગુરૂ શિષ્યના જીવનમાં સંસ્કાર, શિસ્ત, સત્યનિષ્ઠા અને કર્તવ્યભાવ વિકસાવાતો હતો. શિક્ષણનો હેતુ માત્ર વ્યવસાય નહીં, પરંતુ જીવનનું કલ્યાણ હતો. આ પરંપરામાં હૃદયનું શિક્ષણ કેન્દ્રસ્થાને હતું. આજના યુગમાં ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક વિકાસ અતિ ઝડપી છે. બાળકો નાની ઉંમરે જ સ્માર્ટ બની જાય છે, પરંતુ ભાવનાત્મક રીતે ઘણી વખત નબળા રહે છે. ગુસ્સો, ઈર્ષા, તણાવ, અસહનશીલતા અને એકલતા જેવી સમસ્યાઓ વધતી જાય છે. આ બધાનું મૂળ કારણ હૃદયના શિક્ષણનો અભાવ છે. જો શિક્ષણ સાથે ભાવનાત્મક બુદ્ધિ (Emotional Intelligence)નો સમાવેશ કરવામાં આવે, તો વિદ્યાર્થીઓ પોતાની લાગણીઓ સમજી શકે, નિયંત્રિત કરી શકે અને અન્ય સાથે સારા સંબંધો બાંધી શકે.

શિક્ષકની ભૂમિકા હૃદયના શિક્ષણમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. શિક્ષક માત્ર પાઠ ભણાવનાર નથી, પરંતુ જીવન ઘડનાર શિલ્પકાર છે. જ્યારે શિક્ષક પ્રેમ, ધીરજ અને સમજણ સાથે ભણાવે છે, ત્યારે વિદ્યાર્થીઓના હૃદયમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ વસે છે. શિક્ષકનું વર્તન, શબ્દો અને વ્યવહાર વિદ્યાર્થીઓ પર ઊંડો પ્રભાવ પાડે છે. તેથી શિક્ષક પોતે હૃદયથી સમૃદ્ધ હશે, તો જ તે વિદ્યાર્થીઓને હૃદયનું શિક્ષણ આપી શકશે. પરિવાર પણ હૃદયના શિક્ષણની પ્રથમ પાઠશાળા છે. માતા-પિતા બાળકને જે મૂલ્યો આપે છે, તે તેના સમગ્ર જીવનનો આધાર બને છે. પ્રેમ, સન્માન, સહાનુભૂતિ અને સંવાદ પરિવાર પાસેથી શીખવા મળે છે. જો ઘરમાં માત્ર સફળતા અને ગુણાંકનું જ દબાણ હશે, તો બાળક હૃદયથી ખાલી રહે છે. તેથી શિક્ષણ સાથે સંસ્કાર આપવાની જવાબદારી પરિવાર અને શાળા બંનેની છે.

હૃદયનું શિક્ષણ સમાજ માટે પણ અત્યંત જરૂરી છે. આજે સમાજમાં વધતી હિંસા, ભ્રષ્ટાચાર, અસમાનતા અને અસહિષ્ણુતા આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે ખોટા માર્ગે તો નથી જઈ રહ્યા ને ? જો શિક્ષણ દ્વારા માનવમાં નૈતિકતા અને જવાબદારી વિકસાવવામાં આવે, તો સમાજ વધુ સુમેળભર્યો અને શાંતિપૂર્ણ બની શકે. હૃદયથી શિક્ષિત વ્યક્તિ ક્યારેય સમાજને નુકસાન પહોંચાડતો નથી. વિદ્યાર્થી જીવનમાં હૃદયનું શિક્ષણ વ્યક્તિને જીવનના ઉતાર-ચઢાવમાં સંતુલિત રાખે છે.

સફળતા મળ્યે અહંકાર ન આવે અને નિષ્ફળતામાં નિરાશા ન ઘેરી લે, આ સંયમ હૃદયના શિક્ષણથી જ મળે છે. આવી વ્યક્તિ જીવનમાં માત્ર સફળ જ નહીં, પરંતુ સંતોષી અને સુખી પણ બને છે. આથી નિષ્કર્ષરૂપે કહી શકાય કે શિક્ષણનું સાચું હૃદય હૃદયના શિક્ષણમાં જ વસે છે. મગજને તેજસ્વી બનાવતું શિક્ષણ અને હૃદયને સંવેદનશીલ બનાવતું શિક્ષણ – આ બંનેનો સમન્વય જ સંપૂર્ણ શિક્ષણ છે.

જ્યારે શિક્ષણ માનવના વિચારો સાથે તેની લાગણીઓને પણ સ્પર્શે છે, ત્યારે જ તે સાચા અર્થમાં જીવનોપયોગી બને છે. આવું શિક્ષણ જ સશક્ત વ્યક્તિ, સુસંસ્કૃત સમાજ અને સુમેળભર્યા વિશ્વની રચના કરી શકે છે. તેથી આજના સમયમાં શિક્ષણને માત્ર બુદ્ધિનું નહીં, પરંતુ હૃદયનું પણ બનાવવું-એ જ સમયની સૌથી મોટી જરૂરિયાત છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button