ઔર યે મૌસમ હંસીં… : વિચક્ષણ અંકશાસ્ત્રી પી. સી. મહાલનોબિસ: સરદાર પટેલ-નહેરુના મનપસંદ વૈજ્ઞાનિક

દેવલ શાસ્ત્રી
તમે તમારા ચહેરાની બારીકાઈને જેટલી નથી જાણતા એના કરતાં વધુ માહિતી તમારા મોબાઈલ પાસે છે. લગભગ તમારા જેવો જ ચહેરો ધરાવનાર મોબાઈલ સામે ઊભો રહેશે છતાં મોબાઈલ તેને રિસ્પોન્સ નહીં આપે. ડીપફેકની પરંપરામાં ફેક ફોટા અથવા વીડિયોની દુનિયામાં તમારા ચહેરાની સત્યાર્થતા શોધવી હોય કે પછી માનવ રક્તમાં કેન્સરના સેલ શોધવા સુધી એક ભારતીય વૈજ્ઞાનિકની ફોર્મ્યુલા રહેલી છે, જેને ‘મહાલનોબિસ ડિસ્ટન્સ’ તરીકે ઓળખવામાં આવે છે.
આ ફોર્મ્યુલાના શોધક હતા પ્રસન્ત ચંદ્ર મહાલનોબિસ, જેમને ભારતમાં સ્ટેટેટિક્સના ભીષ્મપિતામહ કહેવામાં આવે છે. પી સી મહાલનોબિસનાં સંશોધનો દાયકાઓ પહેલાં થયાં હતાં પણ આજે ય ડિજીટલ યુગમાં એટલા જ અસરકારક છે.
આજકાલ મેડિકલ સાયન્સ હરણફાળ ભરી રહ્યું છે, માણસને બીમારીઓથી મુક્ત બનીને લાબું જીવવું છે. હેલ્થકેરમાં મહાલનોબિસ અંતરની અસર ક્રાંતિકારી છે. મેડિકલ ડેટામાં, જ્યાં પેશન્ટના બ્લડસુગર, ડાયાબિટીસ કે હૃદયરોગ સહિત અનેક રિપોર્ટમાં બીમારીઓ શોધવામાં અનિવાર્ય છે. આજકાલ ખૂબ વકરતી જતી કેન્સરની બીમારીમાં તેના સેલમાં થતી વિકૃતિઓને શોધવામાં મહાલનોબિસ ડિસ્ટન્સની ભૂમિકા વિશિષ્ઠ છે.
અરે, શેરબજારમાં કોઈ શેરની કિંમતમાં દેખાતા અસાધારણ ફેરફાર થતો હોય અથવા આર્થિક ફ્રોડની દુનિયામાં મહાલનોબિસ સાહેબની ફોર્મ્યુલા રાહ જોતી હોય છે. ભારતમાં આરોગ્ય, હવામાન અને કૃષિના આંકડા પણ સર્વે વગર હતા, તેમણે ફોર્મ્યુલા વિકસાવીને આધુનિક વિજ્ઞાનનો પાયો ભારતમાં નાખ્યો.
મહાલનોબિસ મોડલ અને સેમ્પલ સર્વેની જરૂરિયાત આઝાદી પછી અનેક સમસ્યાઓ વચ્ચે ઝઝૂમતા ભારતની આર્થિક સ્થિતિને કારણે હતી. આઝાદી પછી ભારતમાં ખાદ્ય અછત, શિક્ષણ, ગરીબી, નિરાશ્રિતો, ખેતી, બેરોજગારી અને ઔદ્યોગિક વિકાસનો અભાવ સહિત અસંખ્ય સમસ્યાઓ હતી. નહેરુ અને સરદારને પીસીએ કહ્યું હતું કે દેશની દરેક સમસ્યાઓનો જવાબ આંકડાઓમાં છે.
આઝાદ ભારતમાં ગંભીર સમસ્યાઓમાંથી માર્ગ કાઢવા પરફેક્ટ પ્લાનિંગની જરૂર હતી. ભારતના સર્વાંગી વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓનું આયોજન કરવાની વિચારણામાં એક મહત્ત્વના સાથીદાર હતા, પી સી મહાલનોબિસ. આંકડાશાસ્ત્રના જાદુગર પ્રસન્ત ચન્દ્ર મહાલનોબિસ મહારથી એવા આ બંને નેતા નહેરુ અને સરદારના વિશ્વસનીય હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલના જીવનના અંતિમ વર્ષમાં દેશ માટે એક અદ્વિતીય પ્રદાન આપ્યું હતું. સરદાર સાથે મહાલનોબિસની ચર્ચાઓના અનેક રેફરન્સ મળે છે. 1950માં ભારતના આયોજન આયોગની રચના દરમિયાન, જવાહરલાલ નહેરુએ સરદાર પટેલને 20 ફેબ્રુઆરી 1950ના રોજ એક પત્ર લખ્યો હતો, જેમાં આયોગના સભ્યોની ચર્ચા કરવામાં આવી હતી. આ પત્રમાં પી.સી. મહાલનોબિસને સભ્ય તરીકે વિચારવામાં આવ્યા હતા, પરંતુ અંતિમ યાદીમાં નામ લખવાનું રહી ગયું હતું.
સરદાર પી સી મહાલનોબિસના કાર્યની જરૂરિયાત સમજતા હતા. તેમણે આ અંગે તરત જ નહેરુનું ધ્યાન દોરતાં ભૂલ તત્કાલ સુધારવામાં આવી. મહાલનોબિસ ત્યારે ભારતીય આંકડાકીય સંસ્થાના ડિરેક્ટર અને કેબિનેટના આંકડાકીય સલાહકાર હતા. આ રેફરન્સ સરદાર પટેલના પત્રવ્યવહારમાં મળે છે.
નહેરુ અને પીસી મહાલનોબિસની દોસ્તીએ ભારતની બીજી પંચવર્ષીય યોજનાને સફળ બનાવી. ભારતને ખેતી સાથે ઔદ્યોગિક વિકાસની જરૂર હતી. નહેરુને ભારતની સમસ્યાઓનું આંકડાઓમાં પૃથ્થકરણ કરી શકે એવો સમર્થ વૈજ્ઞાનિક અભિગમ ધરાવનાર સાથીની જરૂર હતી. આ ખોટ પી. સી. મહાલનોબિસે પૂરી કરી. બીજી પંચવર્ષીય યોજના (1956-1961) એ ભારતમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો (પીએસયુ)ના વિસ્તારનું સુવર્ણયુગ હતું.
1956ના ઔદ્યોગિક નીતિ ઠરાવ અનુસાર 17 ઉદ્યોગોને જાહેર ક્ષેત્રનું આયોજન કર્યું હતું, જેના પરિણામે અનેક મોટા પીએસયુની સ્થાપના અને વિકાસ થયો. આ યોજનામાં રોજગારી અને આર્થિક રીતે પગભર થવા ભારે ઉદ્યોગો, વીજળી, મશીનરી અને ખાણકામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેના પરિણામસ્વરૂપ 1956માં માત્ર 5 પીએસયુ હતા તે 1961 સુધીમાં 21 થઈ ગયા.
મોટા ઉદ્યોગો શરૂ કરવા દેશની સૌથી મોટી જરૂરિયાત સ્ટીલ હતી. દશ લાખ ટન કેપેસીટી ધરાવતો ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ સોવિયત યુનિયનની મદદથી 1955માં શરૂ થયો અને 1959માં કાર્યરત થયો. એ જ ક્ષમતાના રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ પશ્ર્ચિમ જર્મનીની મદદથી અને દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ યુનાઇટેડ કિંગડમની મદદથી સ્થાપિત થયા. આ ત્રણેય પ્લાન્ટ્સ હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ (HSL) હેઠળ હતા, જે પાછળથી SAIL બન્યું.
આનાથી ભારતનું સ્ટીલ ઉત્પાદન લગભગ સિત્તેર ટકા વધ્યું. હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ઓએનજીસી, આઇઓસી તથા નેશનલ મિનરલ્સ લિમિટેડ સહિત બીજી યોજનાએ સોળ નવા પીએસયુની સ્થાપના અને જૂના પાંચનો વિકાસ કર્યો, જેમાં સ્ટીલ, મશીનરી, ઊર્જા અને ખાણકામ મુખ્ય હતા. આ પીએસયુ આજે પણ ભારતીય અર્થતંત્રના મહત્ત્વના સ્તંભ છે.
ભારતના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનારા આ આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસને નહેરુ ‘પ્રોફેસર’ કહીને બોલાવતા. એક વખત નહેરુએ પૂછ્યું, પ્રોફેસર,આપણે અમેરિકાને કેટલા વર્ષમાં પકડી પાડીશું? પી.સી.એ જવાબ આપ્યો, ‘પંડિતજી, અમેરિકા દોડે છે અને આપણે ચાલીએ છીએ, દિશા સાચી રહેશે તો એક દિવસ તેમની સાથે ખભેખભા મિલાવીશું.’
મોડી રાત્રી સુધી કામ કરવા ટેવાયેલા પી. સી. મહાલનોબિસ સવારે દશ વાગ્યે ઊઠતા. ધૂમ્રપાન અને ચાના એ શોખીન હતા. આ એવો માણસ જેની પાસે કોઈ મોટી ઓફિસ કે મોટી ટીમ કે પછી કોઈ રાજકીય પદ હતું નહીં. ફક્ત એક નાનકડું ઘર, એક જૂનું ટેબલ, ચાનો કપ, સિગારેટનું પેકેટ અને એક સ્વપ્ન હતું કે ભારતને આંકડાઓની ભાષામાં સમજીને વિકાસના પથ પર લઇ જવું…
આ યોજના માટે ‘મહાલનોબિસ મોડલ’ વિકસાવ્યું. ભારતીય અર્થવ્યવસ્થાનું આંકડાકીય વર્ણન શોધીને ખામીઓ દૂર કરવા સાથે ભારે ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂકતું હતું. પીસી નાના હતા ત્યારે એમના ઘરે રવીન્દ્રનાથ ટાગોર કે જગદીશચંદ્ર બોઝ જેવા વિદ્વાનોની અવરજવર રહેતી. બાળપણમાં પી સી મહાલનોબિસ મહાકવિ ટાગોરના ખોળામાં બેસીને ગીતાંજલિની વાતો સાંભળતા. ટાગોરે તેમના માથા પર હાથ ફેરવતા કહ્યું હતું કે ‘આ છોકરો એક દિવસ દેશનું નસીબ બદલશે.’
1913માં કેમ્બ્રિજના કિંગ્સ કોલેજમાં ગયા અને યોગાનુયોગ ત્યાં શ્રીનિવાસ રામાનુજન સાથે ગાઢ મિત્રતા થઈ. રાતભર અનંત વાતો, વિજ્ઞાનની થિયરીઓ અને સ્ટેટેસ્ટિક્સની ચર્ચા ચાલતી. રામાનુજન બીમાર પડ્યા ત્યારે પી.સી.એ તેમની સેવા કરી, તેમની નોટબુકો સાચવીને ભારત પાછા લાવ્યા હતા.
કેમ્બ્રિજની લાઇબ્રેરીમાં એક દિવસ તેમણે ‘બાયોમેટ્રિકા’ નામનું જર્નલ ઉઠાવ્યું. કાર્લ પિયર્સન અને રોનાલ્ડ ફિશરના લેખોએ તેમને એટલા પ્રભાવિત કર્યા કે તેમણે ભૌતિકશાસ્ત્ર છોડીને આંકડાશાસ્ત્ર અપનાવ્યું. આ ચેન્જ માટે હંમેશાં કહેતા કે, ભૌતિકશાસ્ત્રમાં એક પ્રયોગ હોય પણ આંકડાશાસ્ત્રમાં દરેક માણસ જ પ્રયોગ હોય છે…!’
1923માં નિર્મલકુમારી (રાણી) મૈત્ર સાથે લગ્ન થયાં. રાણીબહેન પણ શિક્ષણશાસ્ત્રી હતાં અને તેમની સાથે મળીને ગામડે-ગામડે સર્વે કરતાં, રાત્રે બંને એકસાથે બેસીને આંકડા ભરતા. રાણીબહેન કહેતાં, આ માણસ રાત્રે ચાર વાગ્યે પણ ચા પીને કામ કરે છે, પણ તેની આંખોમાં ભારતનું સ્વપ્ન ચમકે છે.
1930ના દાયકામાં પી.સી. અને રાણીબહેન બંગાળના ગામડે-ગામડે ફરતા, લોકોનું માથું, નાક, ઊંચાઈ, વજન માપતા. એક રાત્રે ચા પીતા-પીતા લખી નાખી એક ફોર્મ્યુલા : ‘મહાલનોબિસ અંતર (ઉ2).’ આ ફોર્મ્યુલાએ વિશ્વના આંકડાશાસ્ત્રને બદલી નાખ્યું. એનો અર્થ એવો થયો કે પીસી અમૂર્તસ્વરૂપે આજે પણ આપણી આસપાસ હયાત છે. આ બંગાળી બાબુ આજે પણ ક્યાંક ચા પીતા પીતા આપણા સપનાની દુનિયા બનાવી રહ્યા છે.
તેમના બસો કરતાં વધુ સંશોધનો કૃષિથી માંડીને માણસ કેટલીવાર ચા પીવે છે ત્યાં સુધીના રસપ્રદ આંકડા પ્રસ્તુત કરે છે. 1931માં, જ્યારે પૂર્વી ભારતમાં મોન્સૂનની તેમજ પૂરની સ્થિતિ અસામાન્ય બનતી હતી ત્યારે તેમણે ઓડિશા અને બંગાળમાં વરસાદ અને પૂર પર વ્યવસ્થિત સાંખ્યિકીય અભ્યાસ કર્યો, જેના પરિણામે પૂર નિયંત્રણ માટે ઓડિશામાં વિશ્વનો સૌથી લાંબો હીરાકુંદ બંધ અને પશ્ર્ચિમ બંગાળમાં દુર્ગાપુર બેરેજનું નિર્માણ થયું હતું.
ધ એન્ડ:
આંકડાશાસ્ત્ર વિજ્ઞાનનું વ્યાકરણ છે. (કાર્લ પિયર્સન)
આપણ વાંચો: મુખ્બિરે ઈસ્લામઃ ગુણવત્તાવાળું આચરણ દુનિયા અને આખેરત સુધારે



