આ તો સ્કેમ છે… સ્કેમ છે.. : કૈરોં મર્ડર કેસમાં ચારને ફાંસી ને રાજકીય હસ્તક્ષેપની ચર્ચા… | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

આ તો સ્કેમ છે… સ્કેમ છે.. : કૈરોં મર્ડર કેસમાં ચારને ફાંસી ને રાજકીય હસ્તક્ષેપની ચર્ચા…

પ્રફુલ શાહ

સરદાર પ્રતાપસિંહ કૈરોંની ધોળે દિવસે ખુલ્લેઆમ હત્યા ભારતીય જનમાનસ માટે મોટો આઘાત હતો. આ પહેલવહેલી રાજકીય હત્યા હતી, જેની હજી આદત નહોતી આપણી લોકશાહીને. કૈરોં લાંબો અને યાદગાર જીવનકાળ રાષ્ટ્ર અને સમાજ માટે જીવ્યા હતા. આવા પીઢ નેતા અને સમાજસેવક કૈરોંના પુત્રો ગુરિન્દર સિંહ અને મીતા રાજીવ લોચન લિખિત પુસ્તક `પ્રકાશસિંહ કૈરોં, અ વિઝનરી’માં એમના જીવન, કવન, રાજકારણ, હત્યા અને પછીની ઘટનાઓ આવરી લેવાઇ છે.

1901ની પહેલી ઑકટોબરે ધિલ્લોન જાટ પરિવારમાં પ્રતાપસિંહનો જન્મ. એમના વતનના અમૃતસરમાં આવેલા ગામ કૈરોં પરથી મળી અટક-સરનેમ. એમના પિતા નિહાલસિંહ પંજાબમાં સ્ત્રી-શિક્ષણના આરંભકર્તા હતા.

પ્રતાપસિંહ ખુદ દેહરાદૂનની કેમ્બ્રિજ સ્કૂલ બાદ અમૃતસરની ખાલસા કૉલેજમાં ભણ્યા અને વધુ શિક્ષણાર્થે અમેરિકા ગયા હતા. અમેરિકામાં વસવાટ દરમિયાન તેઓ જીવન નિર્વાહ માટે કારખાના અને ખેતરમાં મજૂરી કરતા હતા. આ રીતે મિશિગન યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી.

તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાંય માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી હતી. અમેરિકાની કૃષિ પદ્ધતિથી તેઓ પ્રભાવિત થયા હતા અને ભવિષ્યમાં તેનો ભારતમાં અમલ શરૂ કરાવ્યો હતો.

જલિયાંવાલા બાગ હત્યાકાંડની વિભિષિકાનો દિલ પર ઘા અનુભવનારા પ્રતાપસિંહે 1929માં ભારત પાછા ફર્યા બાદ અમૃતસરમાં અંગ્રેજી સાપ્તાહિક `ધ ન્યુ ઇરા’ શરૂ કર્યું હતું. સમયાંતરે તેઓ રાજકારણમાં સક્રિય થયા અને મેગેઝિન બંધ કરી દીધું. શરૂઆતમાં શિરોમણી અકાલીદળના સભ્ય બન્યા બાદ તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા.

1932માં સવિનય કાનૂનભંગ ચળવળમાં ભાગ લેવા બદલ તેમણે પાંચ વર્ષની કેદ ભોગવવી પડી હતી. 1937માં તેઓ પંજાબ વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા. 1942માં `ભારત છોડો આંદોલન’માં બીજી વાર જેલની સજા થઇ હતી.

1946માં કોન્સ્ટિટયૂઅન્ટ એસેમ્બલીમાં ચૂંટાયેલા પ્રતાપસિંહ કૈરોં 1947માં આઝાદી મળ્યા બાદ રાજય સરકારમાં પુનવર્સન ખાતાના પ્રધાન બન્યા હતા. તેમણે વિકાસ ખાતુંય સંભાળ્યું હતું અને પછી મુખ્ય પ્રધાન (21 જાન્યુઆરી, 1956થી 23 જૂન, 1964) પણ બન્યા હતા.

જોકે તેમની સૌથી નેત્રદીપક કામગીરી પુનર્વસન પ્રધાન તરીકેની હતી. દેશના ભાગલા બાદ તરત જ પ્રતાપસિંહ કૈરોંએ પાકિસ્તાનના પશ્ચિમ પંજાબથી ભારત આવેલા લાખો શરણાર્થીઓના પુન:વસવાટની કામગીરી કુશળતાપૂર્વક નિભાવી હતી. પંજાબમાં 30 લાખથી વધુ શરણાર્થીઓને રહેવા માટે ઘર આપવા, રોજગારની વ્યવસ્થા કરવી અને જમીનની વહેંચણી કરવી એ નાનીસુની કસોટી નહોતી પણ કૈરોં એમાં પાર ઉતર્યા હતા.

આવા સફળ, લોકપ્રિય અને ટોચના નેતાની હત્યા એ માત્ર પંજાબ માટે નહીં પણ સમગ્ર દેશ માટે ભારે આઘાત હતો. સરદાર પ્રતાપસિંહ કૈરોં સાથે અંગત સચિવ અજિતસિંહ, આઇ. એ. એસ. ઓફિસર અને મિત્ર બલદેવ કપૂર અને ડ્રાઇવર દલીપસિંહની કમકમાટીભરી હત્યાથી પંજાબનું પોલીસતંત્ર દોડતું ન થાય તો જ નવાઇ.

એમાંય પોતે ભ્રષ્ટાચારના આરોપમાંથી નિર્દોષ બહાર આવ્યા બાદ પોતાના જ પ્રધાન રામકિસન સરકાર વિરુદ્ધ તેમણે મોરચો ખોલ્યો એના મહિનાઓમાં જ આ ઘટના બની હતી. આથી શરૂઆતમાં તો હત્યા બદલ એમના રાજકીય વિરોધીઓ પર જ શંકા ગઇ.

પંજાબ પોલીસે રાત-દિવસ એક કરીને છ-છ હજાર માણસોની પૂછપરછ કરી. થોડા દિવસમાં પોલીસે મુખ્ય આરોપી સુચાસિંહ ઉપરાંત ત્રણ જણા બલદેવ સિંહ, નાહરસિંહ અને સુખલાલની ધરપકડ કરી લીધી. આ કેસની સુનાવણી પૂરી થયા બાદ ચોથા આરોપી દયાસિંહની 1972ની પહેલી એપ્રિલે ધરપકડ થઇ હતી.

નીચલી અદાલતમાં ચાર આરોપીને મૃત્યુ દંડ જાહેર કરાયો. મામલો હાઇ કોર્ટમાં ગયો તો ત્યાં પણ ફાંસીની સજા યથાવત રહી. 1972ની 30મી ઓકટોબરે સુચાસિંહ અને બલદેવસિંહને અંબાલાની જેલમાં ફાંસી અપાઇ, તો નાહરસિંહને હિસારની જેલમાં ફાંસીને માંચડે લટકાવી દેવાયો હતો.

સૌથી છેલ્લે પકડાયેલા દયાસિંહ પર ખટલો ચાલ્યો તો સેશનકોર્ટ, હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ફાંસીની સજા સંભળાવી. પછી તેણે હરિયાણાના રાજયપાલ સમક્ષ દયાની અરજી કરી હતી. જે રાષ્ટ્રપતિ ભવનને નિર્ણય માટે મોકલી દેવાઇ હતી.

આ પણ વાંચો…આ તો સ્કેમ છે… સ્કેમ છે…!: પંજાબમાં પહેલી રાજકીય હત્યા માટે ગોઠવાયો હતો તખ્તો…

આ તબક્કે એક આંચકાજનક વળાંક આવ્યો. એ સમયની વી. પી. સિંહ સરકારના નાયબ વડા પ્રધાન ચૌધરી દેવીલાલના ધ્યાનમાં આ દયાની અરજી આવી. દેવીલાલ હકીકતમાં કૈરોંના કટ્ટર વિરોધીઓ હતા. અને 1991માં દયાસિંહની દયાની અરજી સ્વીકારાઇ અને ફાંસીની સજા આજીવન કારાવાસમાં ફેરવાઇ ગઇ હતી. વાત ત્યાં સુધી બહાર આવી કે કટોકટીમાં દેવીલાલ રોહતકની જેલમાં હતા, ત્યારે તેમની મુલાકાત દયાસિંહ સાથે થઇ હતી.

પ્રતાપસિંહ કૈરોંના તંત્રી -મિત્રની ફિયાટ કાર (પી.એન.ટી.7790) માં થયેલી હત્યા પાછળ કારણ શું હતું? જે એક બ્લુ કારને શોધવા માટે 800 બ્લુ કારની તપાસ કરાઇ અને કોની હતી એમાં ઇશારો કરનારો કોણ હતો? એવું જાહેર થયું કે સુચાસિંહે વેર વાળવા માટે પ્રતાપસિંહ કૈરોંની હત્યા કરી હતી.

કેવું વેર? થોડા વરસો અગાઉ પંજાબના જલંધર જિલ્લાના રામદાસ ગામમાં રણજિતસિંહ નામના શખસની હત્યા થઇ હતી. આમાં સુચાસિંહના પિતા અને મિત્ર પકડાયા હતા. એ બન્નેને ફાંસીની સજા થઈ, કારણ કે એમાં પ્રતાપસિંહ કૈરોંએ ઘણો રસ લીધો હતો એવું સુચા સિંહનું માનવું હતું. આ હત્યા સાથે ભારતીય રાજકારણમાં ખૂની પરંપરા શરૂ થઇ હતી. એ રીતે એનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. (સંપૂર્ણ)

આ પણ વાંચો…આ તો સ્કેમ છેઃ જયંતી તેજાને ઉચ્ચ નેતાઓ સાથેની નિકટતા ભારે પડી?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button