બદનામી છતાં સંજય ગાંધી પહેલી મારુતિ કાર જોઈ ન શક્યા...
ઈન્ટરવલ

બદનામી છતાં સંજય ગાંધી પહેલી મારુતિ કાર જોઈ ન શક્યા…

પ્રફુલ શાહ

કટોકટી બાદની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા. આઝાદ ભારતમાં પક્ષે પહેલીવાર આટલો કરુણ રકાસ જોયો હતો. ઈંદિરા ગાંધીની આપખુદીનો વિરોધ કરવા થયેલા નેતાઓના શંભુમેળા સમાન જનતા પક્ષે સરકાર બનાવી. બાબુ જગજીવનરામ અને ચૌધરી ચરણસિંહની મહત્ત્વાકાંક્ષા પર ટાઢુંબોળ પાણી ફેરવીને મોરારજીભાઈ દેસાઈએ વડાપ્રધાન પદ સંભાળ્યું.

સ્વાભાવિક છે કે ખૂબ ગાજેલા મારુતિ કૌભાંડની તપાસ હાથ ધરાય જ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ. સી. ગુપ્તાની અધ્યક્ષતા હેઠળના તપાસ પંચના અહેવાલો નિષ્કર્ષ જોઈએ. એક, મારુતિ કૌભાંડના કામકાજમાં સાર્વજનિક જીવનની પવિત્રતાને લૂણો લાગ્યો. બે, આમાં ભ્રષ્ટાચાર આચરાયો. ત્રણ, દેશની સલામતી સાથે ચેડાં થયા હતા.

1979માં 1017ના પાનામાં અન્ય ઘણાં મુદ્દાવાર આવરી લેવાયા હતા, જે નીચે મુજબ હતા:

  • આ કેસમાં કાયદાને અભેરાઈ પર ચડાવી દેવાયા હતા. મારુતિને ફાયદો કરાવવા માટે આવું અનેકવાર થયું હતું.
  • અનુચિત સહકાર ન આપનારા અમલદારો વિરુદ્ધ સી. બી. આઈ. અને ‘મિસા’ હેઠળ તપાસ યોજવાની ધમકી અપાતી હતી.
  • ખુદ પી.એમ.ઓ. એટલે કે વડાં પ્રધાન કાર્યાલયે મારુતિમાં અયોગ્ય દિલચસ્પી દર્શાવી હતી.
  • આ કેસમાં સંજય ગાંધી જોડાયેલા હોવાથી વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ સત્તાનો દુરુપયોગ કર્યો હતો.
  • સંજય ગાંધીની મારુતિ કંપની માટેની બધી જરૂરિયાતો એક ફોન કરવાથી જ મળી જતી હતી.
  • 1959થી 1968 સુધી ઉદ્યોગ પ્રધાન રહેલા ડૉ. સંજય રેડ્ડી અને કંપની બાબતોના પ્રધાન ફખરૂદ્દીન અલી અહમદ જનતા કાર બનાવવાની ફેકટરી સરકારી જમીન પર સ્થાપવાની તરફેણમાં હતા. આમ છતાં 1968ના ડિસેમ્બરમાં સંજય ગાંધીએ કાર બનાવવા માટે અનુમતી માગી તો સરકારી નીતિને શીર્ષાસન કરાવીને મંજૂરી આપી દેવાઈ હતી.
  • ડગલે ને પગલે મારુતિ કંપની માટે મહત્ત્વના મુદ્દાની અવગણના થઈ, નિયમો તોડાયા, હરીફોને અન્યાય કરાયો, બનાવટી દસ્તાવેજો બનાવાયા અને એમાં સહકાર ન આપનારા અમલદારો પર દબાણ લવાયું હતું.
  • સંજય ગાંધીની મારુતિ કંપનીને વરસે 50 હજાર કારના ઉત્પાદન માટે ઔદ્યોગિક લાઇસન્સ આપવામાં પી.એમ.ઓ.માંથી પ્રયાસ થયા હતા.
  • ગુડગાંવમાં જમીનની પ્રાપ્તિ, અન્ય સગવડો અને મંજૂરી માટે હરિયાણાના મુખ્ય પ્રધાન બંસીલાલે પોતે જહેમત ઉઠાવી હતી. આ સીએમ ‘યુવા નેતા’ સંજય ગાંધીના પ્રખર સમર્થક હતા.
  • મારુતિ કંપનીને મંજૂરી આપવા પાછળની મુખ્ય શરતો એ હતી કે એ સંપૂર્ણપણે સ્વદેશી હશે અને લેશમાત્ર વિદેશી હૂંડિયામણ ખર્ચ્યા કે પરદેશી ટેક્નિકલ સહાય વગર બનાવાશે, પરંતુ આ બધાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું હતું. કંપની માટે જર્મન ડિઝાઈનર વિલી મુલ્લરને રોકાયા હતા. આ મુલ્લર પોતાની સાથે બે જર્મન એન્જિન લાવ્યા હતા. જેમાંથી એકનો સ્વદેશી કારના નમૂનામાં ઉપયોગ કરાયો હતો.
  • કારની પ્રોટોટાઈપ બની ગયા પછી મંજૂરી અગાઉ પરીક્ષણ થયા. વેહિકલ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ એલ્ટાબ્લિશમેન્ટ (વી.આર.ડી.ઈ.) દ્વારા અહમદનગરમાં મારુતિના પ્રોટોટાઈપની ટેસ્ટ લેવાઈ, જેમાં એ નિષ્ફળ નીવડી હતી. આ પ્રોટોટાઈપના સ્ટિયરિંગ રોડ (સળિયા)માં તકલીફ-ત્રુટી હતી ને એ ખાડામાં પડી ગઈ હતી.

સાથોસાથ નિશ્ચિત 30 હજારને બદલે 19,376 કિલોમીટર જ ચાલી હતી. આમ છતાં પ્રોટોટાઈપને લીલી ઝંડી બતાવાઈ હતી. આ કાર ખાડામાં પડી જવા માટે વી.આર.ડી.ઈ.એ પોતાના ટેસ્ટ ડ્રાઈવરની બેદરકારી અને અનુભવના અભાવ પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો.

  • એ સમયના ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન ટી.એ. પૈએ ટેસ્ટમાં મારુતિના પ્રોટોટાઈપની નિષ્ફળતા અંગે વડાં પ્રધાનનું ધ્યાન દોર્યું હતું. પણ ઇંદિરા ગાંધીએ એની અવગણના કરી હતી.
  • મારુતિ કંપનીની પ્રોડક્શન યુનિટની સ્થાપના હવાઈ દળના સંકુલ પાસેના પ્રતિબંધિત વિસ્તારમાં થઈ હતી. આમાંથી બચવા માટે અમુક ઉપાયો સુચવતી ફાઈલ મારુતિએ સરકારને મોકલી હતી. ઇંદિરાજીએ ચાર મહિના ફાઈલ પોતાની પાસે રાખી મુકી અને પછી નોંધ લખી કે આ મામલો છ મહિના માટે પેન્ડિંગ રખાયો છે.
  • કંપનીની મિનિટ બુકમાં ગોટાળા કરાયા હતા. એટલું જ નહિ, બનાવટી ઠરાવ અને કથિત બનાવટી બૅંક ક્લિયરન્સ અંગે ક્યારેય મીટિંગમાં ચર્ચા જ કરાઈ નહોતી.
  • મારુતિ કંપનીનું કેપિટલ વધારવા માટે ઓટોમોબાઈલ રિસર્ચ પર એના શેર ખરીદવા માટે દબાણ કરાયું હતું. એવું ન કરનારને ધમકી અપાઈ હતી કે તમારી દુકાન તોડી પાડવામાં આવશે.
  • મારુતિ ટેક્નિકલ સર્વિસીઝ અને મારુતિ હેવી વેહિકલ્સની સ્થાપના ખાનગી સાહસ તરીકે થઈ હતી અને એમાં એ સમયે વિદેશી નાગરીકત્વ ધરાવતા સોનીયા ગાંધીને ડિરેકટર બનાવાવામાં આવ્યા હતા.
  • મારુતિ કંપની માટે અમુક મંજૂરી માગતા અરજીપત્ર પર તારીખ લખાયેલી નહોતી, કેટલાકમાં વ્યવસ્થિત હસ્તાક્ષર નહોતા. ક્યાંક તો સહી તરીકે માત્ર પેનથી લીટો કે માર્ક કરાયા હતા.
  • આ સિવાયની ઘણી બાબતો તપાસ પંચના અહેવાલમાં નોંધાઈ હતી. આ અહેવાલ 1980ની ચૂંટણીમાં મહત્ત્વનો મુદ્દો બન્યો હતો. પરંતુ જનમતે ટાંટિયાખેંચ પક્ષોના જૂથને જાકારો આપ્યો અને ફરી ઇંદિરા ગાંધી સત્તા પર આવ્યાં અને સંજય ગાંધી પણ અમેઠીમાંથી લોકસભાની બેઠક જીતી ગયા. વિમાન અકસ્માતમાં સંજય ગાંધી અકાળે અવસાન પામ્યા ત્યાં સુધી એમનાં સ્વપ્ના અને ક્રાંતિ સમાન મારુતિની એક પણ કારનું ઉત્પાદન થયું નહોતું.

આ પણ વાંચો…આ તો સ્કેમ છેઃ મારુતી કૌભાંડ એટલે દેશી, સસ્તી જનતાકારને નામે ગોટાળા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button