તસવીરની આરપારઃ તરણેતર મેળામાં આકર્ષણ જમાવે છે ગાયની હરીફાઈ! | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

તસવીરની આરપારઃ તરણેતર મેળામાં આકર્ષણ જમાવે છે ગાયની હરીફાઈ!

  • ભાટી એન.

ગુજરાતનો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો તાજેતરમાં યોજાઈ ગયો. આ મેળો કલરફૂલ ભાતીગળ છત્રી, ગ્રામ્ય વેશભૂષા, રાસ, પાવો, શણગારેલ બળદ ગાડા, અશ્વ હરીફાઈ માટે જાણીતો છે, પણ વાંચક મિત્રોને એક વિશેષતાસભર હરીફાઈ માટેની વાતથી અવગત કરવા છે… જી હા તે છે ગુજરાત સરકારનું પશુપાલન ખાતા દ્વારા પ્રતિ વર્ષ સમગ્ર ગુજરાતમાંથી ચુનંદા તાલુકામાંથી પશુ ચિકિત્સક સર્વે કરી શ્રેષ્ઠ-ઉચ્ચ ગુણવતાવાળી ગાય અને ભેંસને આ મેળાની હરીફાઈમાં મોકલે છે.

તેમાં તમામ સુવિધા સરકાર પશુપાલકને આપે છે. તેમ જ ચેમ્પિયન ઑફ ધ શો આવનાર ગાય ને એક લાખનું ઇનામ આપવામાં આવે છે. દરેક કેટેગરી પ્રમાણે પ્રથમ આવનાર પશુને ઇનામ 50000 હજાર, દ્વિતીય ઇનામ 40000 હજાર તેમ જ દરેક પશુને 4000 હજાર આપવામાં આવે છે.

આ મેળામાં જાફરાબાદી ભેંસ, બન્ની ભેંસ, ગીર ગાય, કાંકરેજ ગાય આવે છે અને તજજ્ઞ દ્વારા ઉચ્ચ ગુણવતાવાળી ગાયને ચેમ્પિયન ઑફ ધ શો જાહેર કરે છે, જેમાં આ વખતે કચ્છ જિલ્લા ભુજનું ઢોરી ગામનાં વાળોતરા પ્રવીણભાઈ ભગુભાઈની ‘મલિર’ ગાયને જાહેર કરેલ. તે શ્વેત છે અને બ્લેક શીંગડામાં સુંદર લાગે છે. તો આજે આ સાથે ગાય વિશે વિસ્તૃત માહિતી આપીશ.

ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે. જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને બળદ અને લગામ વગરનાં નરને આખલો કહે છે.

ગાયનો ઉછેર તેના દૂધ માટે, જ્યારે કે બળદનો ઉછેર ખેતીવાડીમાં મજૂરી માટે થાય છે. ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી થતું આવ્યું છે. કારણકે તેની દરેક ઊપજથી કંઇના કંઈ મળે જ છે. ગાયને ભારતમાં માતાનો દરજ્જો અપાયો છે.

ગીર: ગાય ભારતની એક પ્રસિદ્ધ દુધાળાં પશુની ઓલાદ છે. તે ગુજરાત રાજ્યમાં આવેલા ગીરના જંગલ પ્રદેશ અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના આસપાસના જિલ્લાઓમાં જોવા મળે છે. આ ગાય સારી દૂધ ઉત્પાદકતા માટે જાણીતી છે.

આ ગાયના શરીરનો રંગ સફેદ, ઘેરો લાલ અથવા ચોકલેટી ભુરા રંગના ધબ્બા સાથે અથવા ક્યારેક ચમકીલા લાલ રંગમાં જોવા મળે છે. કાન લાંબા હોય છે અને લટકતા રહે છે. તેની સૌથી અનન્ય વિશેષતા છે તેનો બાહ્ય કપાળ પ્રદેશ, જે તેને મજબૂત સૂર્યપ્રકાશ સામેનું કવચ પૂરું પાડે છે. તે મધ્યમથી મોટા કદમાં જોવા મળે છે.

માદા ગીર ગાયનું સરેરાશ વજન 385 કિલો અને ઊંચાઈ 130 સેમી હોય છે, જ્યારે નર ગીર ગાયમાં સરેરાશ વજન 545 કિલો અને ઊંચાઇ 135 સેમી હોય છે. તેના શરીરની ત્વચા ખૂબ જ ઢીલી અને લચીલી હોય છે. શીંગડાં પાછળ તરફ વાંકા વળેલા હોય છે. આ ગાય તેની સારી રોગ પ્રતિકારક ક્ષમતા માટે પણ પ્રસિદ્ધ છે.

આ દુધાળું પશુ વિવિધ આબોહવા અને ગરમ સ્થાનો પર પણ સરળતાથી રહી શકે છે. ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્ર(કાઠિયાવાડ) દ્વીપકલ્પમાં દક્ષિણ બાજુએ આવેલું ગીરનું જંગલ અને તેની આજુબાજુનો ખડકાળ વિસ્તાર આ ઓલાદનું મૂળ વતન છે. પણ આ જાનવરો તેના શુદ્વ સ્વરૂપમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જામનગર, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાઓમાં જોવા મળે છે.

કાંકરેજી: ઓલાદનાં જાનવરો કદમાં મોટાં અને વજનમાં ભારે હોય છે. આ ઓલાદનાં ઢોરનો રંગ સફેદ દૂધ જેવો કે સફેદ રાખોડીયો મુંજડો હોય છે. તાજાં જન્મેલ વાછરડાંની મથરાવટી લાલ હોય છે. આ રંગ મોટે ભાગે ચારથી છ માસની વય સુધીમાં જતો રહે છે. નર જાનવરોનો નાની વયનો સફેદ, મુંજડો રંગ પુખ્ત વયે બદલાઈ ઘેરો કાળો થઈ જાય છે.

આ ઓલાદનાં ઢોરનું કપાળ એક વિશિષ્ટ પ્રકારનું પહોળું અને વચ્ચે રકાબી જેવું છીછરૂ કે અર્ધગોળ હોય છે. આ ઢોરનાં શીંગડાં મોટાં, મજબૂત અને બીજ ચંદ્રાકાર કે કુંડળ જેવાં ગોળ હોય છે. શીંગડાના મૂળમાં ચામડી ઊંચે સુધી જોવામાં આવે છે. કાન મોટા, ખુલ્લા અને ઝુલતા હોય છે. શરીરનું કાઠું ભારે, પગ લાંબા, મજબૂત અને સૂંદર નાક છે. ખરીઓ નાની ગોળ અને મધ્યમ કઠિન છે.

આપણ વાંચો:  શરદ જોશી સ્પીકિંગઃ કુદરતનો પ્રકોપ… સરકારી સિસ્ટમ ફ્લોપ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button