ઈન્ટરવલ

કવર સ્ટોરી : રેર અર્થ મેગ્નેટ: મેટલ બેટલ

  • નિલેશ વાઘેલા

ચીનનો પ્રતિબંધ માત્ર ભારત માટે જ ચિંતાજનક નથી, પરંતુ તે સમગ્ર વિશ્વના ઔદ્યોગિક અસ્તિત્વ સામે વિકટ જોખમ ખડું કરે છે!
રાષ્ટ્રીય સુરક્ષાને નામે રેર અર્થ મેગ્નેટ નિકાસ પર ચીને લાદેલા પ્રતિબંધ, વૈશ્વિક સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરતા હોવાથી વિશ્વભરના ઓટોમેકર્સ અને સરકાર ચિંતામાં મુકાયા છે. આ પ્રતિબંધો ઇલેક્ટ્રિક વાહનો અને સંરક્ષણ જેવા મહત્ત્વપૂર્ણ ઉદ્યોગોને અસર કરે છે. ભારત, જાપાન અને યુએસ જેવા રાષ્ટ્રો ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે વૈકલ્પિક સ્રોતો અને સ્થાનિક ઉત્પાદન સંભાવના શોધવા સાથે આડઅસરોને ઘટાડવા માટે ઝઝૂમી રહ્યા છે.

ઇલેક્ટ્રિક અને પેટ્રોલ વાહનો, સંરક્ષણ સાધનો અને સ્વચ્છ ઊર્જા પ્રણાલીઓ માટે મહત્વપૂર્ણ એવા રેર અર્થ મેગ્નેટની નિકાસ પર કડક નિયંત્રણો લાદવાના બીજિંગના નિર્ણયથી ઉદ્યોગોને આડસર ઉપરાંત રાજદ્વારી સંબંધો પર તણાવ આવવા લાગ્યો છે. ચોથી એપ્રિલથી અમલમાં આવેલા આ પ્રતિબંધોમાં રાષ્ટ્રીય સુરક્ષા અને અપ્રસારની ચિંતાઓને ટાંકીને સાત રેર અર્થ એલિમેન્ટ્સ અને સંબંધિત ચુંબકો માટે ખાસ નિકાસ લાઇસન્સ ફરજિયાત બનાવાયા છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી અને યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (2025) અનુસાર, ચીન હજુ પણ વિશ્વના 60 ટકા આરઇઇનું ઉત્પાદન કરે છે અને નેવું ટકા રિફાઇનિંગ ક્ષમતા નિયંત્રિત કરે છે.

ઇલેક્ટ્રિક મોટર્સ, બ્રેકિગ સિસ્ટમ્સ, સ્માર્ટફોન, એરોસ્પેસ ઘટકો અને મિસાઇલ ટેકનોલોજીમાં સમારિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, લ્યુટેટીયમ, સ્કેન્ડિયમ અને યટ્રીયમ સહિતની મહત્ત્વપૂર્ણ સામગ્રી માટે તે આવશ્યક છે. પુરવઠાની તંગી પહેલાથી જ વૈશ્વિક ઉત્પાદકો અને વેપાર સંસ્થાઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે પ્રેરિત કરી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારત, જાપાન અને યુરોપના રાજદ્વારીઓ, ઓટોમેકર્સ અને ઉદ્યોગ અધિકારીઓ અટકેલા નિકાસ લાઇસન્સ ઝડપી બનાવવા માટે ચીની અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠકો યોજવા માગે છે.

ફાઇનાન્સિયલ ટાઇમ્સે અગાઉ અહેવાલ આપ્યો હતો કે લાઇસન્સિંગ પ્રક્રિયામાં અઠવાડિયા કે મહિનાઓ સુધી વિલંબ થયો છે, જેના કારણે યુરોપિયન ઉત્પાદકો પ્રભાવિત થયા છે અને ભારત તથા દક્ષિણ કોરિયા જેવા દેશોને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, જર્મનીના શક્તિશાળી ઓટોમોટિવ લોબીના વડા હિલ્ડેગાર્ડ મુલરે આ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, જો પરિસ્થિતિ ઝડપથી નહીં બદલાય, તો ઉત્પાદનમાં વિલંબ અને ઉત્પાદન આઉટેજ પણ નકારી શકાય નહીં.

ખાસ નોંધવું રહ્યું કે વિશ્વની ત્રીજી સૌથી મોટી ઓટોમોબાઈલ બજાર, ભારત સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક છે. ભારતીય ઓટો ઉત્પાદક સંધે એપ્રિલની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે જૂન સુધીમાં કમ્પોનન્ટ ઇન્વેન્ટરી ખતમ થઈ શકે છે. જોકે ભારતની સૌથી મોટી પેસેન્જર કાર ઉત્પાદક, મારુતિ સુઝુકીએ અગાઉ દાવો કર્યો હતો કે તેની કોઈ તાત્કાલિક અસર નહીં થાય, પરંતુ સમગ્ર ક્ષેત્રમાં ચિંતાઓ વધુ વધી ગઈ છે. મારુતિના ઘણા નિકાસ-કેન્દ્રિત મોડેલો, ચાઇનીઝ મેગ્નેટ પર ખૂબ આધાર રાખે છે. દરમિયાન, બજાજ ઓટોએ ચેતવણી આપી છે કે વધુ વિલંબ ભારતના ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદનને ગંભીર અસર કરી શકે છે.

ભારતીય કાર અને કમ્પોનન્ટ ઉત્પાદકોએ સરકારી અધિકારીઓને જણાવ્યું હતું કે ચીની નિકાસ પ્રતિબંધોને કારણે થોડા દિવસોમાં ઓટો ઉત્પાદન બંધ થઈ શકે છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, લાઇસન્સ અવરોધોને કારણે ચીનના બંદરો પર રેર અર્થ મેગ્નેટ ક્નસાઇન્મેન્ટ ફસાયેલા રહ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ગંભીરતા ધ્યાનમાં રાખીને ઓટોમોબાઇલ અનેે ઓટોમોટિવ કમ્પોનન્ટ ઉત્પાદક સંઘ ચીનમાં એક પ્રતિનિધિમંડળ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. વધુમાં, ભારે ઉદ્યોગ મંત્રાલય સ્થાનિક રેર અર્થ મેગ્નેટ ઉદ્યોગની રચના અંગે ચર્ચા કરવા માટે હિસ્સેદારોની બેઠકની તૈયારી કરી રહ્યું છે.

ચિંતાજનક બાબત એ છે કે ચીની સપ્લાયર્સ દ્વારા ભારતીય કંપનીઓને લાલ ફિતાશાહીને બાયપાસ કરવા માટે સંપૂર્ણ મોટર એસેમ્બલી ખરીદવા માટે કહેવામાં આવી રહ્યું છે. આનાથી ખર્ચમાં નોંધપાત્ર વધારો થાય છે, ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ લાંબા સમય સુધી વિક્ષેપ ભારતના ઇલેક્ટ્રિક ગતિશીલતા લક્ષ્યોને પાટા પરથી ઉતારી શકે છે. ઉત્પાદક સંગઠને 19 મેના રોજ ચેતવણી આપી હતી કે ઉત્પાદન હજુ સુધી બંધ થયું નથી, પરંતુ જોખમ રહેલું છે.

યુનાઇટેડ સ્ટેટ્સ તેની રેર અર્થ આયાતના 61 ટકાથી વધુ અને યટ્રીયમ સંયોજનોનો 93 ટકા હિસ્સો ચીનથી આયાત કરે છે. બીજી જૂનના રોજ, ધ ઇકોનોમિક ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો કે ટેસ્લા અને જનરલ મોટર્સે ઉત્પાદન બંધ થવાના જોખમનો સંકેત આપ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, આ સબ્સટન્સ અને મેગ્નેટ્સના વિશ્વસનીય ઍક્સેસ વિના, ઓટોમોટિવ સપ્લાયર્સ મહત્ત્વપૂર્ણ ઓટોમોટિવ ઘટકોનું ઉત્પાદન કરી શકશે નહીં, જેમાં થ્રોટલ બોડી અને સેન્સરથી લઈને સ્પીકર્સ અને પાવર સ્ટીયરિગ સિસ્ટમ્સ સુધીની દરેક વસ્તુ સમાવિષ્ટ છે.

અમેરિકાની એકમાત્ર કાર્યરત રેર અર્થ માઇન, માઉન્ટેન પાસ, હજુ પણ ચીની પ્રોસેસર્સ પર આધાર રાખે છે. ટેક્સાસમાં એમપી મટિરિયલ્સની આગામી સુવિધા પણ 2027 સુધીમાં વાર્ષિક માત્ર 1,000 ટન ઉત્પાદન કરશે, જેની તુલનામાં, બ્લૂમબર્ગ અનુસાર, ચીન 300,000 ટન ઉત્પાદન કરે છે.

યુરોપિયન કમિશન અનુસાર, યુરોપે ચાઇનીઝ આરઇઇ પરની તેની નિર્ભરતા 98 ટકાથી ઘટાડીને 46.3 ટકા કરી છે, પરંતુ વર્તમાન સ્ટોક 2025ના મધ્ય સુધી જ ટકી શકે છે. જાપાન હજુ પણ તેના 60 ટકા રેર અર્થ સબ્સ્ટન્સ ચીનથી આયાત કરે છે, તેણે ઓસ્ટે્રલિયાના લાયનાસ રેર અર્થમાં વ્યૂહાત્મક રોકાણો દ્વારા એક્સપોઝર ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. લાયનાસ ચીનની બહાર અલગ રેર અર્થનું સૌથી મોટું ઉત્પાદક છે. જો કે, જાપાનના ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રો પુરવઠા વિક્ષેપો માટે સંવેદનશીલ છે.

કોરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓસાયન્સ એન્ડ મિનરલ રિસોર્સિસ અનુસાર, 2023માં કોરિયાએ ચીનથી 37 દુર્લભ ખનિજોની આયાત 7.03 બિલિયન ડોલર કરી હતી. આ 2018ના 2.13 બિલિયન ડોલરથી 3.3 ગણો વધારો દર્શાવે છે. કોરિયાની દુર્લભ ખનિજ આયાતમાં ચીનનો હિસ્સો 23 ટકાથી વધીને 36 ટકા થયો છે, મુખ્ય ખનિજો માટે ચીનની આયાત પર તેની નિર્ભરતા હવે 50 ટકાને વટાવી ગઈ છે.

આપણ વાંચો:  પ્રાસંગિક : ઝેલેન્સ્કીની જીદ યુરોપને પણ તબાહ કરી નાખશે…

ઓસ્ટે્રલિયા પણ રેર અર્થનો નોંધપાત્ર ભંડાર ધરાવતો હોવા છતાં, તેના 90 ટકા હેવી આરઇઇને પ્રક્રિયા માટે ચીન મોકલે છે અને તે ઓછામાં ઓછા 2026 સુધી ચીની શુદ્ધિકરણ ક્ષમતાઓ પર નિર્ભર રહેવાની અપેક્ષા છે. સરવાળે અગાઉ જણાવ્યા અનુસાર વૈશ્વિક ઉદ્યોગો તેની 60 ટકા આવશ્યકતા માટે ચીન પર અવલંબે છે અને ચીન તેનો લાભ ઉઠાવવા માગે છે, જેની અસર ભારતીય ઓટો ઉદ્યોગ પર પણ વર્તાવાની સંભાવના છે. ભારત રેર અર્થનું વ્યાપારી ઉત્પાદન વધારવા માટે અને વૈકલ્પિક આયાત સ્રોત શોધવા પર જોર લગાવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button