ઈન્ટરવલ

ચોવક કહે છે: કરજ એ મોટું દર્દ છે!

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

બધાં જ કાર્યો એક સરખાં નથી હોતાં. ઘણા સરળ હોય તો ઘણાં કઠિન હોય છે. એ કઠિન કે મુશ્કેલ કામ પૂરાં કરવામાં ખૂબ પરિશ્રમ કરવો પડતો હોય છે. એટલે જ કચ્છીમાં એક ચોવક પ્રચલિત છે કે, “કમતાં પુછી ગિને, માઈતરેં જા કિતરા અયો! ‘કમ’ એટલે કામ. ‘તાં’ જે એકાક્ષરી શબ્દ પહેલા જ શબ્દ સાથે જોડાયેલો છે તેનો અર્થ થાય છે ‘તો’ ‘પુછી ગ્રિને’ એટલે પૂછી લે. ‘માઈતરેં’ એટલે મા-બાપ અને ‘કિતરા’નો અર્થ થાય છે કેટલા તો વળી ‘અયો’ શબ્દનો અર્થ થાય છે: છો. શબ્દાર્થ છે: કામ તો પૂછી લે મા-બાપનાં કેટલાં (સંતાન) છો! ભાવાર્થ અત્યંત ટૂંકો છે: કામ કરવું મુશ્કેલ હોવું.

જીવનમાં શકય હોય ત્યાં સુધી કોઈ પાસેથી કરજો લેવો નહીં. કહ્યું છે ને કે ‘ઘી પણ ઉધાર લઈને ન ખવાય.’ કરજદાર હંમેશાં કરજના ભાર તળે દબાયેલો રહે છે. ચોવક કહે છે કે: “કરજ વડો મરજ ‘કરજ’ એટલે કરજો (કર્જ), ‘વડો’ એટલે ‘મોટો’ અને ‘મરજ’નો અર્થ થાય છે ‘રોગ’! કે ઉપાધિ. શબ્દો મુજબ જો તેનો અર્થ કરીએં તો: કરજો એ મોટું દરદ છે. અને તેનો ભાવાર્થ જોવા જોઈએ તો, કરજો એ જીવનમાં ઉપાધિ સમાન હોય છે.

એક બહુ સરસ ચોવક છે જે નસીબ તરફ આંગળી ચિંધે છે. કર્મનાં ફળ તરફ નિર્દેશ કરે છે. ચોવક છે: “કરમ મેં કોડી લિખઈ ત હાર ન મિલે ‘કરમ’ કર્મ પણ અને નસીબ પણ ‘કોડી’ એટલે… આપણે ગુજરાતીમાં પણ કોડી જ કહીએ છીએં. ‘લિખઈ’ એટલે લખેલી અને ‘ત’ અહીં ‘જો’ના અર્થમાં મૂકાયો છે. ‘હાર’ને પણ આપણે (ગળાંનો) હાર બોલતા કે લખતા હોઈએ છીએં. ‘ન મિલે’ એટલે ન મળે. મતલબ સરળ થઈ ગયો કે ‘જો નસીબમાં કોડી જ લખેલી હોય તો હાર ન મળે.’ પણ કહેવત ભાગ્યની વાત કરતાં એવો ભાવાર્થ વ્યક્ત કરે છે કે, જીવનમાં ફળ તો ભાગ્ય પ્રમાણે મળતાં હોય છે.

તેવા જ મતલબની બીજી પણ એક ચોવક પ્રયોજાતી જોવા મળે છે કે, “કરમ રેખા કે કેર ટારે? ‘કેર ટારે’નો અર્થ છે: કોણ ટાળી શકે? ભાગ્યમાં જે લખ્યું હોય તેને કોણ ટાળી શકે? એવા શબ્દાર્થવાળી આ ચોવકનો મૂળ ભાવ એ છે કે: ભાગ્ય પ્રમાણે ફળનો ભોગવટો થઈ શકે.

ઘણાને પોતાની પાત્રતા કરતાં ભગવાન વધારે આપતો હોય છે. જોકે, આપતી વખતે ભગવાન કદાચ પૂર્વ જન્મના કર્મોના આધારે પણ આપતા હોય પણ સમાજની આંખોને એ થોડું જ દેખાય? આપણે તો એમ જ કહીએં કે સાંભળતા હોઈએ છીએં કે, ‘ફલાણાને તો તેની પાત્રતા કરતાં પણ ભગવાને વધારે આપ્યું છે, અથવા તો ‘ભગવાને શું જોઈને તેને આવડું બધું આપ્યું હશે? એ જ વાત ચોવક આ રીતે કહે છે: “કાંણી લાડી નેં સોન જિજો ‘કાંણી’ એક આંખે કાણી, ‘લાડી’ એટલે લાડી (વહુ) ‘નેં’ અહીં ‘અને’નું કામ કરે છે. ‘સોન’ એટલે સોનું (અહીં ઘરેણાં) ‘જિજો’નો અર્થ થાય છે: વધારે શબ્દાર્થ જોવા જઈએ તો: કુરૂપ કે એક આંખે કાણી પત્ની અને ઘરેણાંથી લદાયેલી! મતલબ કે તેની પાત્રતા કરતાં વધારે હોવું.

ગુજરાતીમાં ઘણીવાર એક કહેવત પ્રયોજાતી જોવા મળે છે કે, “કયાં રાજા ભોજ અને કયાં ગંગુ તેલી ભોજ રાજા હતા અને રાજાની શ્રીમંતાઈ કે અન્ય કોઈ પણ પ્રકારની તાણત-શક્તિ વધારે જ હોવાની! જ્યારે તેની સરખામણી સામાન્ય પ્રજાજન સાથે ન કરી શકાય! અહીં ‘ગાંગુ તેલી’ એ શબ્દો પ્રજાજના માટે મુકાયા છે. એજ વાત ચોવક કચ્છીમાં કહે છે: “કિતે રાજા ભોજ કિતે ગાંગો તેલી! ‘કિતે’ એટલે ક્યાં. જ્યારે કોઈ બે વ્યક્તિની કક્ષામાં ઘણો જ ફરક પડતો હોય ત્યારે આ ચોવકનો ઉપયોગ થતો હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…