…પણ જીવન ઘડતરના શિક્ષણનું શું? | મુંબઈ સમાચાર

…પણ જીવન ઘડતરના શિક્ષણનું શું?

  • મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા

આમ જોઈએ તો શિક્ષણના બે ભાગ પાડી શકાય: વ્યવસાયલક્ષી શિક્ષણ અને વ્યવહારલક્ષી શિક્ષણ.

આજે વ્યવસાયલક્ષી શિક્ષણની વાત કરીએ. એ પછી અંકમાં વ્યવહારલક્ષી શિક્ષણની વાત કરીશું.

હાલમાં આપણે જે કંઈ પણ ડિગ્રીઓ માટે ભણીએ છીએ એ બધું જ વ્યવસાયલક્ષી શિક્ષણ કહેવાય છે. આ પ્રકારનું શિક્ષણ રોજગારી પૂરતું સીમિત છે. આ શિક્ષણનો મુખ્ય હેતુ બુદ્ધિનો વિકાસ કરવાનો, વ્યક્તિને વ્યવસાયમાં નિપુણ બનાવવાનો અને પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી ધન કમાઈ શકે તે રીતે તેને પગભર કરવાનો છે.

આ શિક્ષણ વ્યક્તિને સાક્ષર બનાવે છે માટે અત્યંત જરૂરી છે. તેમ છતાં કોઈ વ્યક્તિ જીવનભર માત્ર વ્યવસાયલક્ષી શિક્ષણ લઈને બેસી રહે તો સાધન સંપન્ન જરૂર થાય, પણ જીવન ઘડતર તો બાકી જ રહે!

આ જીવનઘડતર માટે વ્યવહારલક્ષી શિક્ષણ જોઈએ. વ્યવસાયલક્ષી શિક્ષણ ના મળે તો લોકો સાક્ષર ના બને, પરિણામે સમાજમાં નિરક્ષરતા વ્યાપી જાય. તેથી વ્યવસાયલક્ષી શિક્ષણ જરૂરી માત્રામાં હોવું જ જોઈએ. પહેલાના સમયમાં ગામડાઓમાં લોકો ખૂબ અંધશ્રદ્ધા ધરાવતા હતા-દોરા-ધાગામાંઅટવાયેલાં હતા. હવે થોડું ઘટ્યું છે. લોકજાગૃતિથી સમાજમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. એકલું વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવે તો પણ તકલીફ છે. તેનાથી બૌદ્ધિકતા ઊભી થાય, લોકો ઉદ્ધત અને અવિવેકી બની જાય. આપણે સમાજમાં ઘણી વાર કેટલાંક ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને એન્જિનિયરોને તોછડાઈથી વર્તતા જોઈએ છીએ અથવા તો ભ્રષ્ટાચાર -અનૈતિક કાર્ય કરતા જોઈએ છીએ એનું કારણ એમને વ્યવહારલક્ષી શિક્ષણ પૂરતા પ્રમાણમાં મળેલું હોતું નથી. એમણે વિદ્યા મેળવી છે, પરંતુ સદ્વિદ્યા નથી મેળવી.

ટૂંકમાં, વ્યવસાયલક્ષી શિક્ષણનો છેદ ઉડાવી દેવો એ પણ નુકસાનકારક છે અને એકલું વ્યવસાયલક્ષી શિક્ષણ ચાલુ રાખીએ તો એ પણ સમાજ માટે પૂરતું નથી. તો હવે કરવું શું?

જેમ કોઈ આયુર્વેદિક દવાને મધ અને દૂધ સાથે મિશ્ર કરીને લેવામાં આવે છે તેમ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની સાથે-સાથે વ્યવહારલક્ષી જ્ઞાન પણ અપાવવું જોઈએ. વિદ્યા સાથે સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યા પણ આપવી જોઈએ. જો તેમ કરવામાં આવે તો દવા ગરમ પણ ન પડે અને તેની યોગ્ય અસર પણ થાય! વ્યક્તિના વિકાસ માટે, સામાજિક ઉન્નતિ માટે અને દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે જેટલું જરૂરી હોય, તેટલું શિક્ષણ આપવું જ જોઈએ. લોકોએ ઉચ્ચ ડિગ્રીઓ હાંસલ કરવી જોઈએ, તેમાં કંઈ ખોટું નથી. એમાં રોકાયેલા શિક્ષકો પૂરતું વેતન પણ લઈ શકે. કુટુંબનો આર્થિક વિકાસ થાય અને સામાજિક સ્તર ઊચું આવે તે માટે આ શિક્ષણ જરૂરી છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડીને તેમના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો હોય છે પણ અફસોસ! અત્યારે આ પ્રકારના શિક્ષણને ઉધઈ લાગી ગઈ છે. શાળાઓ અને કોલેજો એક ‘ધંધો’ બની ગયાં છે. આ પ્રકારના શિક્ષણનું મુખ્ય અંગ અનુશાસન કહી શકાય, જે હવે સમૂળગું લુપ્ત થઈ ગયું છે. શાળાઓ, બોર્ડ અને કૉલેજની પરીક્ષાઓમાં પોલીસ ઊભી રાખવી પડે છે. આ અનુશાસનની અધોગતિનું પ્રત્યક્ષ દૃષ્ટાંત છે. ‘ડોનેશન’ના પૂરમાં અત્યારની શાળા અને કૉલેજો તણાઈ ગઈ છે. બુદ્ધિની તીવ્ર હરીફાઈઓ વચ્ચે સમાજમાં રહેલા નબળા વિદ્યાર્થીઓનું કોઈ જ સ્થાન હોતું નથી. પચાસથી સાઈઠ ટકા માર્કસ લાવનારને લોકો ‘બિચારો’ કહે છે. આ બધી વસ્તુઓ વ્યવહારલક્ષી શિક્ષણને લાગેલાં કલંક છે. આ બધામાં દોષ શાળાઓ, સંસ્થાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો નથી, પણ દોષ આપણે જે બીજા પ્રકારનું શિક્ષણ લીધું નથી તેનો છે. તેના પરિણામે આજે આ પહેલા પ્રકારનું શિક્ષણ પણ આપણા હાથમાં રહ્યું નથી. એમાં પણ કોઈ શાળાઓ અને સંસ્થાઓ એટલી બધી ‘પ્રોફેશનલ’ બની ગઈ છે કે અમુક ટકાવારીથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ જ નથી આપતી. એ તો ‘ભણેલાને ભણાવવા’ જેવી વાત છે. નબળા વિદ્યાર્થીઓને ભણાવીને હોશિયાર બનાવવાની મહેનત કરવામાં કોઈને રસ નથી.

જગતમાં જો આ એક જ પ્રકારનું શિક્ષણ ચાલુ રહે તો, માણસની પ્રગતિ થવાની જગ્યાએ અધોગતિ થઈ જાય. લોકોનો માત્ર બૌદ્ધિક વિકાસ થાય, લોકો મની માઈન્ડેડ બની જાય અને શિક્ષણ એક બોજ બનીને રહી જાય. બોર્ડની પરીક્ષા અને પરિણામો પછી થતા આપઘાતની વાતો કોણ નથી જાણતું?

બીજા શબ્દોમાં બંને પ્રકારના શિક્ષણની યોગ્ય માત્રા જ આપણને આ બધામાંથી બચાવી શકે. એ માત્રા નક્કી કરાવાનું હજી કદાચ આપણે શીખ્યાં નથી. વ્યવસાયલક્ષી શિક્ષણ પોતે એક વ્યવસાય બની ગયું છે, ‘માર્કેટિંગ’ની રમત બની ગયું છે.
વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં અને વ્યવસાયોમાં પણ એકસૂત્રતા જળવાતી નથી. ભણાવવાનું કંઈક જુદું હોય છે અને નોકરીમાં જઈને કામ કોઈ જુદા પ્રકારનું કરવાનું હોય છે. આ બધાં કારણોને લીધે બેકારોની સંખ્યા વધતી જાય છે. આ રીતે વ્યવસાયલક્ષી શિક્ષણનો જરૂરી ફાયદો આપણે ઊઠાવી શક્યા નથી એ દુ:ખદ વાસ્તવિકતા છે.

આપણ વાંચો:  શરદ જોશી સ્પીકિંગ: સર્વેસર્વા સર્વશ્રી પતિદેવોનો સર્વે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button