મગજ મંથનઃ મનુષ્ય જીવનના મુખ્ય ત્રણ પીલર: ગણતર- ઘડતર ને ભણતર

- વિઠ્ઠલ વઘાસિયા
આ ત્રણેય શબ્દ માત્ર શિક્ષણ સાથે જ જોડાયેલા નથી, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસ સાથે સંબંધ ધરાવે છે. ગણતર એ જ્ઞાનનું માપ છે, ઘડતર એ વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વનું નિર્માણ છે અને ભણતર એ શિખવાની સતત ચાલતી પ્રક્રિયા છે. એક વ્યક્તિ જીવનમાં સાચી સફળતા મેળવવા માગે તો તેને આ ત્રણેય પર સમાન ભાર મૂકવો જરૂૂરી બને છે.
ગણતર:
ગણતરનો અર્થ સામાન્ય રીતે અંકગણિત, હિસાબ કે ગણિતથી થાય છે, પરંતુ અહીં તેનો અર્થ વિશાળ છે. ગણતર એટલે જ્ઞાનનું પ્રમાણ, સમજણનું સ્તર અને મનન કરવાની ક્ષમતા.
માનવ જીવનમાં જ્ઞાનનું સ્થાન અતિ મહત્ત્વનું છે. જ્ઞાન વિના માનવી અંધકારમાં ભટકે છે. વિદ્યાથી મળેલું જ્ઞાન માણસને સાચાં-ખોટાંનું ભાન કરાવે છે. ગણતર માણસના મગજને તર્કશક્તિ, વિચારશક્તિ અને નિર્ણયશક્તિ આપે છે. શિક્ષણનો પ્રથમ હેતુ જ્ઞાન આપવાનો છે. વૈજ્ઞાનિકો, તત્ત્વજ્ઞાનીઓ, કવિઓ કે વિચારકોનું મહત્ત્વ એ માટે છે કે તેમણે પોતાના ગણતર જ્ઞાનના ખજાનાને સમાજ માટે ઉપયોગમાં મૂક્યો હોય છે.
જો ગણતર છે પણ ઘડતર નથી, તો જ્ઞાન ખતરનાક પણ બની શકે. એટલે જ કહેવાય છે કે, ‘અર્ધ વિદ્યા વિનાશક હોય છે.’
ઘડતર:
ઘડતર એટલે આકાર આપવો. જેમ માટીને કુંભાર પોતાના હાથે ઘડીને સુંદર ઘડો બનાવે છે, તેમ બાળકને કે યુવાનને સાચી દિશા અને સંસ્કારથી ઘડવામાં આવે તો તે આદર્શ નાગરિક બની શકે છે. ઘડતર એટલે સદ્ગુણો, સદાચાર અને માનવીય મૂલ્યોનો વિકાસ. માત્ર જ્ઞાન પૂરતું નથી, સારા ગુણો વગર તે જ્ઞાન અપૂર્ણ છે. ઘડતર દ્વારા વ્યક્તિનો સ્વભાવ, બોલચાલ, વર્તન અને વિચાર શૈલી સંસ્કારી બને છે. ઘડતરનો હેતુ એવો છે કે વ્યક્તિ માત્ર પોતાનું નહીં, પરંતુ સમાજનું પણ કલ્યાણ કરે.
ઉદાહરણ: મહાત્મા ગાંધીનું બાળપણ સામાન્ય રીતે પસાર થયું, પરંતુ તેમની માતાના સંસ્કારો અને ઘડતર થકી જ એ સત્ય, અહિંસા અને નીડરતા તરફ દોરાયા. ઘડતર વિના જ્ઞાન અપૂર્ણ રહે છે. જેમ શસ્ત્ર પાસે હોય પણ સંસ્કાર ન હોય તો તે વિનાશ સર્જે છે, તેમ જ્ઞાન સાથે સંસ્કાર (ઘડતર ) જરૂરી છે.
ભણતર:
ભણતરનો અર્થ માત્ર પાઠ્યપુસ્તકમાં લખેલું વાંચવાનું કે પરીક્ષા પાસ કરવાનો નથી. ભણતર એ જીવનભર ચાલતી પ્રક્રિયા છે. માણસ જન્મથી અંત સુધી કંઈક ને કંઈક શીખતો રહે છે. બાળક બોલતાં શીખે છે, યુવાન વ્યવસાય શીખે છે, વૃદ્ધ અનુભવમાંથી શીખે છે. ભણતરનો સાચો અર્થ ત્યારે સાબિત થાય છે જ્યારે શીખેલું જીવનમાં અમલમાં આવે. માત્ર કાગળ પરનું ભણતર અધૂરું છે. ભણતર માટે શાળા કે કોલેજ જ જરૂરી નથી. જીવનના અનુભવ, લોકો સાથેના સંબંધો, કુદરત સાથેનો સંપર્ક આ બધું જ ભણતર છે.
ઉદાહરણ: એડિસનને શાળા છોડવી પડી, પણ ભણતર અટક્યું નહીં. તેમણે પ્રયોગો અને અનુભવોથી પોતાનું ઘડતર કર્યું અને વિશ્વને વિદ્યુત બલ્બની ભેટ આપી.
ત્રણેનો પરસ્પર સંબંધ: ગણતર, ઘડતર અને ભણતર ત્રણેય એકબીજાના પૂરક છે.
ગણતર માણસને જ્ઞાન આપે છે. ઘડતર તેને સંસ્કારી બનાવે છે. ભણતર તેને સતત આગળ વધતા રહેવા પ્રેરણા આપે છે.
જો ગણતર છે પરંતુ ઘડતર નથી, તો વ્યક્તિ સ્વાર્થી બની શકે છે. જો ઘડતર છે પરંતુ ગણતર નથી, તો વ્યક્તિ ભલું મન રાખે છતાં પણ અજ્ઞાનતાને કારણે પાછળ રહી જાય છે. જો ભણતર નથી, તો બંને થંભી જાય છે. તેથી, ત્રણેનો સંતુલિત મેળ જીવનને સફળ અને સમૃદ્ધ બનાવે છે.
શિક્ષણમાં પ્રયોગ:
આજના સમયમાં શિક્ષણ પ્રણાલીનું મુખ્ય ધ્યેય માત્ર ગણતર એટલે કે માહિતી અને અંકગણિત પૂરતું ન હોવું જોઈએ. તેમાં ઘડતર અને ભણતરનો પણ સમાવેશ થવો જરૂરી છે.
શાળાઓએ બાળકોને માત્ર પુસ્તક વિદ્યાથી સજજ કરવાના નથી, પરંતુ નૈતિક મૂલ્યો અને જીવન કૌશલ્યથી પણ પરિચિત કરવાના છે.
વાલીઓએ સંતાનને માત્ર ગુણાંક માટે નહીં, પરંતુ સદાચાર માટે પ્રોત્સાહિત કરવા જરૂરી છે.
સમાજે યુવાનોને જીવનભર શિખવા માટે તક આપવાની.
ટેકનોલોજીના યુગમાં જ્ઞાન સહેલાઈથી ઉપલબ્ધ છે. ગણતર (માહિતી)ની કોઈ મુશ્કેલી નથી, પરંતુ સમસ્યા ઘડતરની છે. આજના સમયમાં ભણતર સતત બદલાતી પરિસ્થિતિઓ સાથે જોડાવાનું સાધન બની ગયું છે. નૈતિક મૂલ્યોના અભાવથી ટેકનોલોજીનો દુરુપયોગ થાય છે. જીવનભર શિખવાની માનસિકતા વિના યુવાનો નવા પડકારોને પહોંચી વળી શકતા નથી. એટલે આ યુગમાં ત્રણેનો સંતુલિત વિકાસ ખૂબ જ આવશ્ંયક છે.
ટૂંકમાં ….
ગણતર-ઘડતર અને ભણતર આ ત્રણેય મનુષ્ય જીવનના પીલર છે. જે જીવનમાં આ ત્રણેયનું સંતુલન સાધી શકે છે તે જ સાચા અર્થમાં સફળ, સંસ્કારી અને સમાજ માટે ઉપયોગી નાગરિક બની શકે છે. આ ત્રણેનું સંયોજન જ જીવનને પૂર્ણતા આપે છે.
આપણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ



