મગજ મંથનઃ નકારાત્મક બીલિફ સિસ્ટમ જીવનમાં અંધકાર લાવી શકે છે

- વિઠ્ઠલ વઘાસિયા
ગયા અંકમાં બિલીફ સિસ્ટમ અંગે વિસ્તૃત સમજણ મેળવી હતી. આજે હવે આ જ બિલીફ સિસ્ટમની અનેકવિધ નકારાત્મક અસર વિશે જાણીએ. જે રીતે હકારાત્મક બિલીફ સિસ્ટમ જીવનમાં પ્રકાશ પાથરે છે તે જ રીતે નકારાત્મક બિલીફ સિસ્ટમ જીવનમાં અંધકાર લાવી શકે છે, જેમકે ….
1) આત્મસંશય અને ભય:
‘હું નથી કરી શકતો, હું નસીબદાર નથી, આ થશે તો જ સારું, નહીં તો અનર્થ. મારા ભાગ્યમાં નથી,’ એવી માન્યતા વ્યક્તિને પ્રયત્ન કરવાથી રોકી દે છે. આ માન્યતાઓ માણસને શરૂઆત કરતા પહેલા જ હરાવી દે છે.
2) અસફળતા અને નિરાશા:
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પર વિશ્વાસ ગુમાવી દે છે, ત્યારે સફળતાની દરેક તક તેના હાથમાંથી સરકી જાય છે.
3) સંબંધોમાં અંતર:
‘લોકો વિશ્વાસપાત્ર નથી’ એવી માન્યતા માણસને એકલતામાં ધકેલી દે છે. કેટલીક માન્યતાઓ માણસમાં ‘મારી જ વાત સાચી’ એવો અહંકાર જન્માવે છે. આથી સમાજમાં મતભેદ, ઝઘડા અને હિંસા થાય છે.
4) માનસિક તણાવ અને ચિંતા:
નકારાત્મક માન્યતા વ્યક્તિને અંદરથી ખાઈ જાય છે અને તેની શાંતિ છીનવી લે છે.
5) અંધશ્રદ્ધા અને અયોગ્ય માન્યતાઓ:
ખોટી માન્યતાઓ માણસને અંધશ્રદ્ધાળુ બનાવે છે. વૈજ્ઞાનિક તર્કને અવગણવામાં આવે છે.
6) વિચાર સ્વાતંત્ર્યમાં અવરોધ:
ખોટી બિલીફ સિસ્ટમ નવા વિચારોને સ્વીકારવા દેતી નથી. વિકાસ અટકાવી શકે છે.
બાળપણમાં જો કોઈને વારંવાર કહેવામાં આવે કે ‘તું કશું કરી શકતો નથી’, તો એ શબ્દો ધીમે ધીમે તેની અંદર ‘સત્ય’ બની જાય છે.
આ રીતે નકારાત્મક બિલીફ સિસ્ટમ જીવનનો સૌથી મોટો અવરોધ બને છે.
- નકારાત્મક બિલીફ સિસ્ટમમાંથી બહાર આવી શકાય છે.
અહીં કેટલાક સરળ પરંતુ શક્તિશાળી ઉપાય છે:
આત્મજાગૃતિ રાખો
પોતાની અંદર કઈ માન્યતા છે તે જાણી લો. પોતાના મનને પૂછો ‘શું હું આ વિચારને ખરેખર સાચો માનું છું?’
હકારાત્મક વિચારો અપનાવો
નકારાત્મક વાક્યોને હકારાત્મક વાક્યોમાં બદલો. ‘હું ન કરી શકું’ ને બદલે ‘હું પ્રયત્ન કરીશ’ એવું કહો.
સારા લોકો સાથે રહો
હકારાત્મક વિચાર ધરાવતા લોકોની સાથે રહેશો, તો તેમની ઊર્જા તમારી બિલીફ સિસ્ટમને પણ બદલી દેશે.
પ્રેરણાદાયી પુસ્તકો વાંચો
સફળ લોકોની કહાણીઓ આપણને બતાવે છે કે માન્યતા કેવી રીતે જીવન બદલે છે.
ધ્યાન અને આત્મસંવાદ
રોજ થોડો સમય પોતાને માટે કાઢો. શાંતિથી બેસો અને પોતાને કહો, ‘હું સમર્થ છું, હું કરી શકું છું.’
બિલીફ સિસ્ટમ એ આપણું અંતરાત્માને ઓળખવાની નિશાની છે. જો એ નિશાની શુદ્ધ, હકારાત્મક અને પ્રેમથી ભરેલી હોય તો એ જીવનને પ્રકાશમય બનાવી દે છે. અને જો એ નિશાની શંકા, ભય અને નિરાશાથી ભરેલી હોય, તો એ આપણું સ્વપ્ન અંધકારમય બની જાય છે.
બીજા શબ્દોમાં આપણે સંકલ્પ કરીએ કે ‘મનની માન્યતાઓને હકારાત્મક બનાવીશું, અશક્યને શક્ય માનવાનું શીખીશું અને પોતાને જીતવાનું ધૈર્ય રાખીશું.’ આનું કારણ એ જ કે મન જે માને છે, તે જ માણસ બને છે. વિશ્વાસ એ શક્તિ છે, જે અશક્યને પણ શક્ય બનાવે છે.
આપણ વાંચો: અજબ ગજબની દુનિયા



