સિક્કાની ત્રીજી બાજુઃ બીવી ઔર મકાન: એ જી, ઓ જી, લો જી, પી. જી. દેખો જી…
ઈન્ટરવલ

સિક્કાની ત્રીજી બાજુઃ બીવી ઔર મકાન: એ જી, ઓ જી, લો જી, પી. જી. દેખો જી…

જયવંત પંડ્યા

તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકા નિગમના સર્વેમાં જાણવા મળ્યું કે શહેરમાં કુલ 401 પી. જી. (પેઇંગ ગેસ્ટ) નિવાસ ચાલે છે. આ પૈકી 385 પી. જી. ચલાવતા લોકોને અમદાવાદ મ્યુ. નિ.એ આવશ્યક પરવાનગી વગર ચલાવવા માટે નોટિસ ઠપકારી. એ લોકો `કોઈ વાંધો નથી’ એવું પ્રમાણપત્ર અને પોલીસ ચકાસણી વગર પી. જી. ચલાવતા હતા.

એમને ચેતવણી આપવામાં આવી કે 30 દિવસની અંદર જો એ બધા પરવાનગી નહીં મેળવે તો એમણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. નિયમ મુજબ, પી. જી. સંચાલકોએ જે-તે ટેનામેન્ટ કે ફ્લેટની સોસાયટી પાસેથી `એન. ઓ. સી.’ મેળવવું અનિવાર્ય છે. આ ઉપરાંત પી. જી. માં જે ભાડૂતો રહેતા હોય અને એમની સેવામાં જે કર્મચારીઓ રાખ્યા હોય તેમની પોલીસ ચકાસણી પણ આવશ્યક છે.

આ તવાઈ એમ ને એમ નથી આવી. સેટેલાઇટ, વસ્ત્રાપુર, બોપલ, ઘૂમા, થલતેજ, ઘાટલોડિયા, ચાંદખેડા, જગતપુર, ચાંદલોડિયા વગેરે વિસ્તારોમાં રહેતા લોકોએ એમને ત્યાં અથવા પડોશમાં પી. જી. તરીકે રહેતા લોકો દ્વારા ફેલાવાતા ઘોંઘાટ, ગેરકાયદે પ્રવૃત્તિઓ અને વધુ પડતા લોકો રહેવાના કારણે સર્જાતી અન્ય મુશ્કેલીઓ અંગે ફરિયાદો કરી તેના કારણે આવી છે.

છેલ્લાં થોડાં વર્ષોથી ગામડાંઓ કે ધોરાજી, મહુવા વગેરે નાનાં નગરો છોડો, ભાવનગર, અમરેલી, રાજકોટ વગેરેથી અભ્યાસ માટે અમદાવાદ, વડોદરા, સુરત જેવાં મહાનગરોમાં વિદ્યાર્થીઓનું સ્થળાંતર વધ્યું છે. કુંવારાઓને ભાડે મકાન મળવું મુશ્કેલ છે. આથી પી. જી. પ્રથા શરૂ થઈ, પરંતુ તેમાંય `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેમ ચંપકલાલ ભચાઉથી મુંબઈ આવે છે અને બાલ્કનીમાં ઊભા રહી દાતણ-કોગળા કરતા હોય છે અને સેક્રેટરી ભીડેને સમસ્યા થાય છે, તેમ આ મહાનગરોમાં પી. જી.માં રહેતા લોકોથી જાત-જાતની સમસ્યા થાય છે.

ઉદાહરણ તરીકે, પી. જી. માં રહેતા વિદ્યાર્થીઓ પોતાનાં વાહન આડેધડ પાર્ક કરે, મોડી રાત્રે ફ્લેટ/ટેનામેન્ટમાં આવે, ઑનલાઇન ઑર્ડર કરી મોડી રાત્રે ખાવાનું મગાવે, લિફ્ટનો આડેધડ ઉપયોગ કરે અને તેને બંધ ન કરે, છોકરાઓ રહેતા હોય એ જગ્યામાં છોકરીઓ આવે અથવા તો છોકરીઓ રહેતી હોય ત્યાં છોકરાઓ આવે, બર્થ- ડે વગેરે ઉજવણી ઘોંઘાટ સાથે કરે, બાલ્કનીમાં આવી મોટે-મોટેથી ફોન પર વાતો કરે, ગાળો બોલે, ગેરકાયદે પ્રવૃત્તિ કરે તો સ્વાભાવિક છે કે પોતાના પરિવાર સાથે રહેતા લોકોને સમસ્યા થવાની. અમદાવાદમાં તો પી. જી. અને પરિવાર સાથે રહેતા લોકો વચ્ચે મોટા ઝઘડા પણ થયા છે.

આવા નડતરરૂપ પી. જી. નિવાસીઓના કારણે સૂકા ભેગું લીલું બળે’ એમ સારા લોકોને પણ મકાન નથી મળતા. ઘણી સોસાયટીઓની સંચાલક સમિતિએ હવે નિયમ બનાવ્યો છે કે સોસાયટીમાં પી. જી. તરીકે કોઈને રાખી શકાશે નહીં. અને જ્યાં પી. જી. તરીકે મકાન અપાયું હોય ત્યાં નિવાસીઓબીવી ઔર મકાન’ ફિલ્મના હોટલ મેનેજરની જેમ મકાન ખાલી કરાવવા અવનવા પેંતરા કરતા હોય છે.

આ બધા સંદર્ભમાં 1966માં આવેલી બીવી ઔર મકાન’ ફિલ્મ આજેય પ્રાસંગિક છે. પી. જી. સમસ્યાથી માંડીને ભાડે રહેવા માટે પોતાના મિત્રની પત્ની બનીને પુરુષે રહેવું પડે તેની વાત ખૂબ રમૂજી રીતે તેમાં રજૂ થઈ છે. જેમપડોશન’માં વિદ્યાપતિ (કિશોરકુમાર)ની ટોળીમાં લાહોરી, બનારસી, કલકત્તિયા અને ભોલા, દરેક સાથે મળીને અત્યંત રમૂજ પૂરી પાડે છે. એમાં જેમ એક-એક દૃશ્યમાં બધાંનાં હાવભાવ જોવા લાયક છે, તે જ રીતે `બીવી ઔર મકાન’માં પણ છે.

ફિલ્મની કથા ટૂંકમાં કંઈક આવી છે…
બંગાળી જોય મા કાલી બોર્ડિંગ’ ફિલ્મ પરથી બનેલી આ ફિલ્મમાં અરુણ (વિશ્વજિત), પાંડે (મહેમૂદ), કિશન (કેસ્ટો), શેખર (આશીષકુમાર) અને સુરેશ રામભરોસે હોટલમાં સાથે રહે છે. એ ખાસંખાસ મિત્રો છે. પોતાને પાંડવ ગણાવે છે.વન ફોર ફાઇવ અને ફાઇવ ફોર વન’ એ એમનું જીવનસૂત્ર છે. પાંડે (મહેમૂદ) પરિણીત હોવા છતાં પોતાના મિત્રો માટે થઈને ગામડેથી પત્નીને બોલાવતો નથી. શેખર એક ચિત્રકાર-ગાયક છે. સુરેશ પહેલવાન છે. કિશન નોકરીની શોધમાં છે.

આ બધા કુંવારા હોવાથી હોટલ મેનેજર (મોની ચેટર્જી) એમને હાંકી કાઢવા જાત-જાતના પેંતરા કરે છે. આ લોકો પણ હોટલ મેનેજરને હેરાન કરવામાં કોઈ કમી નથી રાખતા. આમ છતાં, મેનેજરના પેંતરા સામે ઝૂકીને તેમને રૂમ ખાલી કરવો પડે છે. અને એવા ઘરમાં જવું પડે છે જ્યાં પતિ- પત્નીને જ ભાડે મળી શકે. આથી અણ શેખરની અને કિશન પાંડેની પત્ની બની જાય છે અને પછી શરૂ થાય છે ગોલમાલ…

ગોલમાલ’નાં શીર્ષક ગીત અનેએક દિન સપને મેં દેખા સપના’ જેવાં જ રમતિયાળ ગીતો ગુલઝારે બીવી ઔર મકાન’માં પણ લખ્યાં છે. એટલું જ નહીં, હેમંતકુમારનું સંગીત સામાન્ય રીતે ગંભીર અને મધુર હોય, અહીં આર. ડી. સ્ટાઇલનું છે. કદાચ એમ કહી શકાય કેગોલમાલ’નું સંગીત આર. ડી.એ આ ફિલ્મ પરથી પ્રેરાઈને આપ્યું હશે. વિશ્વજિત આકાશવાણી પર છોકરા અને છોકરી બંનેના અવાજમાં ગાતા હોય તે ખુલ સિમ સિમ ખુલ્લં ખુલ્લા’ કે પછીરહેને કો ઘર દો’માં મન્ના ડે જે આલાપથી પાંચ પાંડવા’ ગાય છે (એવો જ આલાપપડોશન’માં `છુટ્ટી કર દૂંગા’માં પણ છે.!)

નવાઈ તો એ લાગે છે કે ઋષિકેશ મુખજીર્ની ગોલમાલ’,ખૂબસૂરત’, ચૂપકે ચૂપકે’,બાવર્ચી’, આનંદ’,નમક હરામ’ વગેરે ફિલ્મો ખૂબ જાણીતી અને આમાંની ગોલમાલ’ તો કલ્ટ ફિલ્મ બની, પરંતુબીવી ઔર મકાન’ એટલી જાણીતી ન બની! કોઈ ટીવી ચેનલ પર આ ફિલ્મ હજુ સુધી આવી હોય તેવું ધ્યાનમાં નથી. આમ છતાં, પી. જી.માં રહેતા લોકોને જ નહીં, બીજા લોકોને ય ગમી જાય એવી આ ફિલ્મ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button