તસવીરની આરપારઃ નાગણેશ્વરી માતાજીનું કલાત્મક મંદિર…

- ભાટી એન.
રાજસ્થાનમાં દેવી દેવતાનાં અસંખ્ય સ્થાનકો છે, આ પવિત્ર ભૂમિ પર રાજા મહારાજાઓના રાજ હતા અને પોતાના કુળદેવી માતાજીનાં ભવ્યાતિભવ્ય મંદિરો બનાવી અમર ઇતિહાસ આલેખ્યા છે. અહીં પ્રાચીન કિલ્લાંઓની વિરાસત છે, તો ક્લાત્મક મંદિરો તેની કલા કોતરણી માટે પ્રખ્યાત છે, અહીંનાં પથ્થરો નક્કર અને કલરવાળા છે!? જેસલમેર પીળા પથ્થરનાં હિસાબે ગોલ્ડન સિટીથી ઓળખાય છે. આમ રાજસ્થાન ટૂરિઝમનું હબ બની ગયું છે. જોકે આજે આપણે નાગણેશ્વરી માતાજી, ગામ નાગોણા ખાતે આરસ પહાણનાં વિરાટ ક્લાત્મક મંદિર વિશે જાણીશું.
નાગણેશ્વરી માતાજીનું મુખ્ય પ્રાગટ્ય સ્થાન મંદિર રાજસ્થાનમાં જોધપુરથી આશરે 70 કિલોમીટર અને બાલોતરાથી આશરે 52 કિલોમીટરના અંતરે બાડમેર જિલ્લાના પંચપાદરા તાલુકાના નાગાણા ગામે ‘નાગણેશ્વરી માતાજી મંદિર’ આવેલ છે.
હાલમાં નાગાણા ગામે આવેલ મા નાગણેશ્વરીના મુખ્ય પાટસ્થાન મંદિરમાં આજે મંદિરનું નવનિર્માણ થઈ ગયું છે ત્યારે પણ મૂર્તિ જ્યારે જે સ્થિતિમાં નીકળી હતી તે જ સ્થિતિમાં અને તે જ સ્થાને બિરાજમાન છે. માતાજીની પૂજા ઘૂહડજી રાઠોડના વંશજ કરે છે. દેવી ભાગવત પુરાણના દસમા સ્કંધમાં નાગણેશ્વરી મૈયાનો વેદ વ્યાસજીએ ઉલ્લેખ કર્યો છે.
શ્રી મનુજી રાઠોડના કહેવા મુજબ રણબંકા રાઠોડોની કૂળવર્ધિની નાગણેશ્વરી મૈયા છે. આદ્યપુરુષ સિંહાજી રાઠોડના ત્રણ દીકરા-આસ્થાનજી-અજાજી અને સોનંગજી હતા. જે પૈકી અજાજીના દીકરા કાન્હડદેવજી રાઠોડે સંવત 1304 એવં ઇ.સ. 1247માં ચંદુરગઢની ગાદી સ્થાપી હતી. અજાજીના વંશને અજાવત રાઠોડ આજના દિવસે રાઠોડ ચોવીસીના લોલાડા-નાનીચંદુર-કુંવર-સુરેલ-ખીજડીયારી-નાયકા-પાનવા-દુદખા-ઉપરીયાળા-કોકતા-રાફુ-દેલાલા-ગોધાણા-બોલેરા-મેમણા-કુરેજા-ચંદ્રુમાણા-પરવડી અને જાખેલ જેવા ગામોમાં વસે છે.
રાઠોડ ચોવીસીમાં કેટલાક ગામ આજના દિવસે હયાત નથી. પણ આશરે 350 ઉપરાંત અજાવત રાઠોડ પરિવારો માતાજી નાગણેશ્વરી મૈયાના કંદોરિયા છે. અહીં બારેમાસ સદાવ્રત ચાલે છે. દર પૂનમે સેંકડો ભાવિકો માતાજીના પારે ઊમટે છે. આસો સુદ નવરાત્રિની દુર્ગાષ્ટમીએ માતાજીનો પાટોત્સવ ઉજવાય છે.
દારુકા નામની રાક્ષસી અને તેના પતિ દારુકનું આ ભૂમિ પર આધિપત્ય હતું. ખાસ વાત તો એ છે કે રાક્ષસી દારુકા માતા પાર્વતીની ભક્ત હતી. દેવીએ પ્રસન્ન થઈ તેને જંગલને ગમે ત્યાં લઈ જવાનું વરદાન આપ્યું હતું. પત્નીને મળેલા વરદાનથી અસુર દારુક વધુ ઉદ્ધત બન્યો અને લોકોને રંજાડવાનું શરૂ કર્યું.
એકવાર તેણે શિવજીના જ પરમ ભક્ત સુપ્રિયને બંદી બનાવી દીધો. સુપ્રિય તો શિવપૂજન સિવાય ભોજન પણ ગ્રહણ ન કરતો. કેદખાનામાં રહીને પણ તે શિવપૂજા કરવાનું ન ચૂક્યો. એટલું જ નહીં તેણે અન્ય બંદીઓને પણ શિવભક્તિ તરફ વાળ્યા. દારુકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે અત્યંત ક્રોધે ભરાયો અને સુપ્રિયને મારવા દોડ્યો. સુપ્રિયએ આસ્થા સાથે શિવજીનું સ્મરણ કર્યું અને કહે છે કે ભક્ત વત્સલ ભગવાન તુરંત જ દોડી આવ્યા.
દંતકથા અનુસાર શિવ-પાર્વતી આ ભૂમિ પર નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે પ્રગટ થયા. શિવજીએ સુપ્રિયને પોતાનું પાશુપતા શસ્ત્ર આપ્યું અને સુપ્રિયએ તેનાથી દારુકનો વધ કર્યો. કહે છે કે દારુકના વધ બાદ દારુકાએ દેવી પાર્વતીની ક્ષમા માંગી રાક્ષસ પુત્રો માટે જીવનદાન માગ્યું. શિવ-પાર્વતીએ તેને અભયદાન આપ્યું. પણ, તે સાથે જ તેમના ભક્તોની રક્ષાર્થે જ્યોતિર્લિંગ સ્વરૂપે તે સદૈવને માટે આ ધરા પર જ સ્થિર થઈ ગયા. એવી દંતકથા અનુસારની વાર્તા છે…!?
આપણ વાંચો: શરદ જોશી સ્પીકિંગઃ વિઝા આપો રે કોઈ વિઝા…!