ઈન્ટરવલ

બસ ઇતના સા ખ્વાબ હૈ…!

વ્યંગ -ભરત વૈષ્ણવ

અમે એક ફોટો જોયો.અમારું દિલ ગાર્ડન ગાર્ડન – બાગ બાગ થઇ ગયું. અમે હરખથી હેબતાઈ ગયા. ‘સલામત સવારી એસટી અમારી…’ના આ સૂત્રમાં ઉમેરો કરતો ફોટો જોયો. એસટી અમારી… ધક્કો અમારો. બંધ પડેલી એસટી બસને કંડકટર, પેસેન્જર, ડ્રાઇવર ધક્કો મારીને ચાલુ કરવા મથતા હતા. એટલા ધકકા માર્યા કે બસનું મશીન ચાલુ થયા વગર એ અમારા ધક્કા માત્રથી ગંતવ્યસ્થાને પહોંચી ગઇ. એમાં ડિઝલ બચ્યું તે નફામાં!

આ દ્રશ્યમ્ જોઇને અમે ટાઇમ ટ્રાવેલ કરીને અમારા શૈશવના ધકકાયુગમાં પહોંચી ગયા.
અમે ખરેખર નાના હતા ત્યારની વાત છે. એ જમાનામાં સાઇકલ પણ બાદશાહી કે લકઝુરિયસ કહેવાય. રોડ પર ચાલનારા વધારે હોય. પૈસાદાર હોય તે ઓલા કે ઉબેરની જેમ ઘોડાગાડી ભાડે કરે. અલબત, ઘોડાગાડી ભાડે કરવા માટે એપ કે ઓનલાઇન સગવડ ન હતી. તમારે ઘોડાગાડીના સ્ટેન્ડ સુધી લાંબા થવું પડે. એ સમયે ધન્નો જેવી ઘોડી અને બસંતી જેવી ઘોડાગાડી ચલાવનાર ન હતા. અત્યારે મહિલાઓ પ્લેન, ટ્રેન, રિક્ષા, બસ,છકડો ચલાવે છે. એ જમાનામાં મહિલા બહુ બહુ તો સાઇકલ ચલાવતી. સાઇકલ ન ચલાવનારીઓ લાંબી જીભ તો ચલાવતી જ હતી! એ સમયે ફોર્ડ કંપનીની દેડકા જેવી કાર આવતી હતી. ફિયાટ અને એમ્બેસેડર પણ હતી. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિનું સત્તાવાર વાહન ‘એમ્બેસેડર’ કાર હતી. એને શરૂ કરવા માટે ‘એસ’ આકારના સળિયા આવતા. બોનેટ નીચે એ સળિયો ભરાવીને ઘુમાવવાનો… ગાડી ભખ… ભખ અવાજ કરતી સાયલેન્સરમાંથી કાળા ધુમાડા સાથે ચાલુ થાય. બાકી ગમે તેવી ગાડી હોય, શિયાળાની ઠંડીમાં બેટરીનો પ્રોબ્લેમ હોય કે ઓઇલ જામી જતું જ હોય! સવારના સમયે ગાડી ચાલુ ન થાય. ગાડીને ધક્કો મારવા પાંચ-છ માણસ શોધવા પડે. ઘણીવાર ત્રણ માણસ ભેગા થાય પછી કારનો માલિક પોતે પણ ગાડીમાં બેસવાનો બદલે કારમાંથી નીચે ઊતરી એક હાથે કારનું ગવંડર પકડીને ધક્કા મારતો હોય.

મોટેભાગે આપણામાંથી બધાએ નાનપણથી આજ સુધીમાં કાર, બસ, રિક્ષા, જીપ કે સ્કૂટરને ધક્કા મારી ચૂક્યા છીએ એટલે બંધ થવું થવું થતી જિંદગીની રગશિયા ગાડીને ધક્કો મારી શકીએ છીએ!રાજુ રદી તો કોઇ ઓટલા પાસે સાઇકલ લઇ જઇને સાઇકલની સીટ પર બેસી ધક્કો લગાવી સાઇકલનું ટેઇક ઓફ કરતો હતો! તમે એકદમ સાચું બોલજો, જેના વાહનને તમે ધક્કો માર્યો છે તે વ્યક્તિ એનું વાહન ચાલુ થઇ ગયા પછી વળતા વ્યવહાર કે સૌજન્યના ભાગરૂપે કેટલાંયે તમને એમનાં વાહનમાં આંટો મરાવ્યો છે? બાળપણમાં આપણે વાહનને ધક્કો મારવા પ્રેરાઈએ એને મારવાની લાલચ હતી કે વાહન ચાલુ થયા પછી આપણને વાહનમાં આંટો મારવા મળશે ! આંટો ખવડાવવાનું તો દૂર રહ્યું, પણ નેપોલિયનની ડિકશનરીમાં ‘ઇમ્પોસિબલ’ શબ્દ ન હતો તેમ આવા લોકોની ડિકશનરીમાં ‘થેંકયુ’ નામનો શબ્દ ન હોય એટલે ‘થેંકયુ’ કીધા વગર કાર મારી મુકે ! બજાજ કંપનીના ટુ વ્હીલર વાપરનારને અનુભવ હશે કે બે-ત્રણ કીકો ( આ છે ‘કીક’નું ગુજરાતી- અંગ્રેજોનું સંમિશ્રણ…!) મારો તો પણ ચાલુ ન થાય તો સ્કૂટરની ઘોડી ચડાવી ડાબી તરફ નમાવી પછી કીક મારો એટલે સ્કૂટર ચાલુ ! આ અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ કારણને લીધે બજાજ કંપની વિમાન બનાવતી નથી તેમ કહેવાય છે! જો બજાજ કંપનીએ પણ આ મહેણા ભાંગવા વિમાન બનાવ્યું હોત તો વિમાનને ચાલુ કરવા માટે વિમાનને નમાવવાની નોબત આવે પછી પ્રવાસીની શું હાલત થાય તેની કલ્પના કરવાની છૂટ છે!

હમણા એક ફોટો કે વીડિયો વાઈરલ થયેલો હતો , જેમાં પ્લેનના માનવંતા મુસાફરો બંધ પડેલા ફટિચર પ્લેનને ધક્કો મારી ચાલું કરી રહ્યા હતા…!

મધદરિયે કોઇ મહાકાય જહાજનાં એન્જિનમાં ટેકનિકલ કે નોનટેકનિકલ ફોલ્ટ થયો તેમાં એન્જિન બંધ થાય અને તેને ચાલુ કરવા ક્રુ મેમ્બર કે પ્રવાસીઓ પાણીમાં ઊતરી ધક્કા મારતા હોય એવા સમાચારની પ્રતીક્ષા કરવાની રહે છે! બધ સબમરીનને ધક્કો મારવાની કેવી મજા આવે એ પણ કલ્પનાનો
વિષય છે!

મંગળ ગ્રહ પર અવકાશયાન મોકલવાનું મિશન હોય- રોકેટ કાઉન્ટ ડાઉન ગણતરી પૂરી થયા પછી ફોલ્ટના લીધે ચાલુ ન થાય અને મને રોકેટ ચાલુ કરવા માટે એક ધક્કા મારવાનો રેકોર્ડબ્રેક અને જગતનો સંભવત: પ્રથમ અવસર મળે તો ધકકો મારતા હું કહું ‘હઇસા, જોર લગા કે હઇસા…. કુછ તો કરો હઇઇઇઇઇસા!’

બસ, ઇતના સા ખ્વાબ હૈ… મારું સપનું સાચું પડે તે માટે આજકાલ હું ખુલ્લી આંખે ઊંઘું છું!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…