ઔર યે મૌસમ હંસીં… : આ AIના યુગમાં માણસે પ્રશ્ન પૂછવાની કળા શીખવી પડશે

દેવલ શાસ્ત્રી
આઈન્સ્ટાઈન માનતા હતા કે કોઈ કોયડાના ઉકેલ માટે એક કલાકનો સમય આપવામાં આવે તો એ કોયડામાંથી ઉદ્ભવતા સવાલો માટે પંચાવન મિનિટ ફાળવે અને જવાબ માટે પાંચ જ મિનિટ પૂરતી છે. વૈજ્ઞાનિક હોય કે આધ્યાત્મિક વિચારધારાની કાર્યશૈલી ચકાસીએ તો ખબર પડે કે પ્રશ્ન પર જ વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. જો વિષયને અનુરૂપ સવાલ પૂછવાની ક્ષમતા હોય તો જ્ઞાનનો દરિયો આપણી રાહ જોઈ રહ્યો છે, મીન્સ જવાબ તો કોઈપણ કોયડાના ઉકેલની બાયપ્રોડક્ટ હોય છે.
આમ પ્રશ્ન પૂછવાની કળાનું મહત્ત્વ AI યુગમાં વધશે, કોર્પોરેટ કલ્ચરમાં પ્રશ્ન પૂછવાની કળા પર ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ થવા લાગશે. આજે દુનિયાને AI યુગમાં પ્રશ્નનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. ભારતીય પરંપરાનો અભ્યાસ કરશો તો સમજાશે કે આ દેશ પ્રશ્નનું મહત્ત્વ હજારો વર્ષથી સમજી ચુક્યો છે. આપણું મોટાભાગનું સનાતન સાહિત્ય પ્રશ્ન અને તેના જવાબ શોધવાના પ્રયાસ પર આધારિત છે.
જો ભારતીય પરંપરામાં પ્રશ્ન પૂછ્યા ન હોત તો કદાચ આપણી પાસે અદ્ભુત જ્ઞાન ધરાવતું સાહિત્ય ના હોત. સમસ્યા એ થવા લાગી છે કે આપણે વિસ્મય પામવાના પ્રોસેસમાંથી બહાર નીકળી ગયા છીએ. ગોખણપટ્ટીએ આપણામાં રહેલા વિસ્મયને ગાયબ કરીને જવાબ ગોખવા પર લાવીને મૂકી દીધા છે. કમનસીબે આપણે પ્રશ્ન પૂછવાની પરંપરાગત કળા વિસરી ગયા છીએ. જીવનમાં સ્ટ્રેસ, એન્ઝાઈટી અને શોર્ટકટ રીતે સુખો શોધવાની લાલચમાં આપણે ઘરની બહારના મંદિરો, સ્થાનિક રીતરિવાજો, ઇતિહાસ કે ખાણીપીણીની આદતો સુધ્ધાં જાણવાની પણ તસ્દી લેવાની બંધ કરી દીધી છે.
આપણા વેદો અને ઉપનિષદોમાં પ્રશ્ન પરંપરા જ્ઞાનનું માધ્યમ છે. પ્રશ્ન ઉપનિષદમાં છ વિદ્વાનો પિપ્પલાદને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં સૃષ્ટિ, પ્રાણ અને બ્રહ્મ જેવા વિષયો હતા. બૃહદારણ્યકમાં ગાર્ગી પૂછે છે કે બ્રહ્મનું મૂળ શું છે? જે યાજ્ઞવલ્ક્યને ‘નેતિ નેતિ’ સુધી કહી દેવા માટે મજબૂર કરી દીધા છે. ભગવત ગીતામાં અર્જુનના પ્રશ્નોને લીધે સમગ્ર માનવજાતને જ્ઞાનનો લાભ થયો છે. ફક્ત અર્જુન જ સવાલ નથી પૂછતો પણ ભગવાન પણ તેને પ્રતિપ્રશ્ન પૂછીને યોગ્ય માર્ગ ચીંધે છે.
રસપ્રદ વાત એ છે કે, પુરાણોમાં પ્રશ્ન જ કથાને આગળ વધારે છે. રામાયણમાં લવ અને કુશના પ્રશ્નો પરથી રામકથા વર્ણવવામાં આવી છે. મહાભારતમાં અનેક પેટા કથાઓ અલગ અલગ પાત્રોના સવાલો આધારિત છે. યુધિષ્ઠિર અને યક્ષના સવાલ=જવાબ તો ફિલોસોફીની દુનિયામાં અમર છે. ભાગવતમાં રાજા પરીક્ષિત તેના સાત દિવસના જીવન પછી થનારા મૃત્યુ અંગેના પ્રશ્નો શુકદેવને કૃષ્ણની લીલાઓ કહેવા મજબૂર કરે છે, જે ભક્તિમાર્ગ સમજવા માટે વિશાળ હાઇવે છે. સરવાળે પ્રશ્ન વિના સનાતન ધર્મમાં કથાઓ અધૂરી છે. આધુનિક યુગમાં ફરી આપણે એ જ વેદકાલીન યુગના સત્ય સમક્ષ આવીને ઊભા છીએ જ્યાં પ્રશ્ન પૂછવાની પરંપરાને લીધે અદ્ભુત સાહિત્ય પેદા થયું.
લેખક યાનિક હુચર્ડ એવું કહેતા હતા કે કોઈ પણ પ્રશ્ન મૂર્ખતાપૂર્ણ નથી હોતો, માત્ર જવાબો મૂર્ખતાપૂર્ણ હોઈ શકે છે. સવાલોની ગંભીરતા ફક્ત ભારતીય ઇતિહાસમાં નથી. યુરોપમાં પણ હતી. એક અભ્યાસ મુજબ યુરોપમાં પ્રશ્ન પૂછવાની પરંપરા પ્રાચીન ગ્રીસથી શરૂ થઈ હતી. સોક્રેટીસે પ્રશ્નો દ્વારા સમાજને ગેરમાર્ગે દોરતા વિચારોને પડકારી અને સત્યની તપાસ કરવાની પદ્ધતિ અમલમાં લાવ્યા હતા. પ્લેટો અને એરિસ્ટોટલે તેમના કાર્યને આગળ વધાર્યું હતું. આશરે આઠસો હજાર વર્ષ પહેલા બોલોગ્ના, પેરિસ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીઓમાં શિક્ષણનું મુખ્ય સ્વરૂપ વિવિધ વિવાદના અભ્યાસ આધારિત હતું, જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો એકબીજાને પ્રશ્નો પૂછતા અને જવાબો શોધતા હતા.
મધ્યયુગમાં થોમસ એક્વિનાસે ક્વેસ્ચિયો ડિસ્પ્યુટાટા નામની પ્રશ્ન પરંપરા વિકસાવી. આ ભાઈના યોગદાનથી કવેશ્ચન શબ્દ આવ્યો હોવાનું માનવામાં આવે છે. રસપ્રદ વાત એ પણ છે કે પ્રશ્નાર્થ ચિહ્ન (?)ની શરૂઆત આઠમી સદીમાં યુરોપમાં થઈ, જ્યાં ચાર્લેમેગ્નના કોર્ટમાં અલ્કુઇન ઓફ યોર્કે તેને વિકસાવ્યું. એક પ્રચલિત દંતકથા મુજબ પ્રાચીન ઇજિપ્તની પ્રશ્ન પૂછતી બિલાડીની પૂંછ જેવું પ્રશ્નાર્થ ચિહન દેખાય છે. ઇજિપ્શીયનો બિલાડીઓને પવિત્ર માનતા હતા અને જિજ્ઞાસુ બિલાડીની પૂંછ વળેલી હોય છે. અંધકારયુગમાંથી બહાર નીકળવા અનેક યુરોપિયન વિચારકોએ જ્ઞાનના પ્રકાશ ફેલાવવા પ્રશ્નપરંપરા પર ભાર મુક્યો હતો.
AI પાસે વિષયના મૂળ પર પહોંચવા સ્પષ્ટ વિચાર સાથે પ્રશ્નોની વણઝાર લગાવવી પડે છે. આમ તો પ્રશ્નો પૂછી પૂછીને નફો મેળવતી કંપનીને કેમ ભુલાય? ગૂગલ જેવી કંપનીઓ આપણા પ્રશ્નો પર ચાલે છે, વર્ષ 2024માં 85 અબજ સવાલો અને માહિતી પૂછવામાં આવી હતી. તાજેતરમાં પચાસ કરતાં વધુ અભ્યાસો પરથી જોવા મળ્યું છે કે છેલ્લા 30 વર્ષમાં માણસની તર્ક, અનુમાન, દલીલોનું મૂલ્યાંકન અને નિષ્કર્ષ કાઢવાની કુશળતા દશથી પંદર ટકા જેટલી ઘટવા લાગી છે.
આજે AI યુગમાં પ્રશ્ન પૂછવાની આવડતની વધુ જરૂરિયાત છે. જો AIને સવાલ અસ્પષ્ટ પૂછ્યો તો જવાબ પણ ખોટો મળી શકે છે, આને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. સવાલને એવી રીતે તૈયાર કરવો કે તે સરળતાથી સમજી શકે. AI સોર્સ આપે તો એ સોર્સ ઓથેન્ટિક છે કે કેમ એ પણ ચકાસવું એ પણ પ્રશ્ન પૂછવાની કળાનો ભાગ છે. માણસની એક સમસ્યા છે કે તેને જવાબની એટલી ઉતાવળ હોય છે કે સારા પ્રશ્નો પૂછવાની ક્ષમતા ખતમ કરી નાખી છે. કોઈપણ ડર વગર પ્રશ્ન પૂછીને નવું જાણવાની કળા બાળપણથી વિકાસ પામે એનું ધ્યાન માતાપિતા અને શિક્ષકોએ રાખવું જોઈએ.
સાઇકોલોજીના એક અભ્યાસ મુજબ ક્યુરિયોસિટીનો જિજ્ઞાસાના ગુણ આપણા મગજને સક્રિય રાખે છે, નવું શીખવું સરળ બને છે. માણસમાં ક્યુરિયોસિટીનો સ્તર ઘણીવાર વધુ પડતો હોય છે, ક્યારેક તે કોઈ એક વિષયમાં સમૃદ્ધ જ્ઞાન મેળવી શકતો નથી. મનોવિજ્ઞાન કહે છે કે બેલેન્સ ક્યુરિયોસિટી સારી, વધુ કે ઓછું નહીં. વાતનો સાર એટલો જ કે પ્રશ્ન ઉદ્ભવે તો નવી જાણકારીઓ મેળવો, પુસ્તકો વાંચો અને પ્રશ્નો પૂછતા રહો
ધ એન્ડ :
કઠોપનિષદમાં નચિકેતા પૂછે છે:
મૃત્યુ પછી શું?



